ખારાં ઝરણ/શહેરશેરીનેશ્વાન

From Ekatra Wiki
Revision as of 11:40, 12 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શહેર, શેરી ને શ્વાન|}} <poem> <center>શહેર</center> આ દરિદ્રી જણ નથી, આ શહેર છે, ફાટલું પ્હેરણ નથી, આ શહેર છે. સાવ અધ્ધર, શ્વાસની આદત પડે, ગીધ ચકરામણ નથી, આ શહેર છે. ચાલવામાં માત્ર પડછાયા હતા, એથી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શહેર, શેરી ને શ્વાન
શહેર

આ દરિદ્રી જણ નથી, આ શહેર છે,
ફાટલું પ્હેરણ નથી, આ શહેર છે.

સાવ અધ્ધર, શ્વાસની આદત પડે,
ગીધ ચકરામણ નથી, આ શહેર છે.

ચાલવામાં માત્ર પડછાયા હતા,
એથી તો રજકણ નથી; આ શહેર છે.

કાળના સંતાપ શમવાના નથી,
આ ધધખતી ક્ષણ નથી; આ શહેર છે.

ડાકલા વાગ્યા કરે છે રાતદિન,
જાય એ વળગણ નથી, આ શહેર છે.

શેરી

શહેરની શેરી હતી;
સ્તબ્ધતા પહેરી હતી,

ઊંટ બીજું શું કરે?
રેત ખંખેરી હતી;

સાપની છે કાંચળી,
પણ, ઘણી ઝેરી હતી.

બંધ ઘરની બારીઓ;
દ્રશ્યની વેરી હતી,

તૂટતા એકાંતમાં,
દેહની દેરી હતી.

શ્વાન


શહેરની શેરીમાં સૂતો શ્વાન છે,
આંખ ફરકે તોય એનું ધ્યાન છે.

કોઈ ઘરનો સહેજ પડછાયો ખસે,
તો તરત સરવા થનારા કાન છે.

એ પગેરું દાબીને જાણી જશે,
આપના વસવાટનું ક્યાં સ્થાન છે?

ખૂબ લાંબા રાગથી રડતો હતો,
આવતા મૃત્યુનું જાણે જ્ઞાન છે.

છેક છેલ્લી ક્ષણ હશે ‘ઈર્શાદ’ની,
શ્વાન જેવો શ્વાન અંતર્ધાન છે.
૨૫-૩-૨૦૦૯




કેવળ રહી છે યાદો,
તકદીરનો તકાદો.

સમજણ વધારવાનો,
રસ્તો બતાવ સાદો.

જ્યાં ત્યાં મને મળે છે,
શું છે હજી ઈરાદો?

સદ્ સામે સદ્ લડે છે,
ત્યાં શું કરે લવાદો?

ભવભવ વિરહમાં વીત્યા,
પૂરી કરો સૌ ખાદો.

શ્વાસોનો થાક નાહક,
મારા ઉપર ન લાદો.

મૃત્યુને છેટું રાખે –
‘ઈર્શાદ’ છે ને દાદો?
૧૯-૫-૨૦૦૯

પહોંચવાનું ગેબી અણસારા સુધી,
આવવું સહેલું નથી મારા સુધી.

શોધવો છે એ તો નક્કી વાત છે,
હાથ લંબાવીશ અંધારાં સુધી.

મોરની બોલાશ ક્યાં પહોંચી ગઈ?
વીજળીના એક ઝબકારા સુધી?

તુચ્છ છે, કેવળ તણખલું છે સમજ,
તું ધસી ક્યાં જાય અંગારા સુધી?

આંખ સામે કૈંક રસ્તાઓ હતા,
એક રસ્તો જાય છે તારા સુધી.

૧૦-૮-૨૦૦૭

જોઈએ, વહેલી પરોઢે એક તારો જોઈશે,
દૂરનો તો દૂરનો તારો સહારો જોઈશે.

સાંકડું ને સાંકડું ઘર થાય છે વરસોવરસ,
વૃદ્ધ બનતા શ્વાસને લાંબો પટારો જોઈશે.

સાવ કોરી આંખની એક જ હતી બસ માંગણી,
છો થવાનું થાય; પણ અશ્રુ વધારો જોઈશે.

ચાલવા ને ચાલવામાં માર્ગ લંબાતો ગયો,
આર્તસ્વરમાં હુંય કહેતો કે ઉતારો જોઈશે.

સાંજ ટાણે હાટડી જો ખોલશો ‘ઈર્શાદ’ તો,
આપ પાસે સ્વપ્નના વિધવિધ પ્રકારો જોઈશે.

૧૪-૯-૨૦૦૭