વંઠેલાં અને બીજી નાટિકાઓ/જયમનનું રસજીવન

From Ekatra Wiki
Revision as of 09:15, 13 October 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
જયમનનું રસજીવન


[પ્રભાતના નવ-દસ વાગતાને સુમારે. ડાબી બાજુની એક વીંગમાં રસોડાની સામગ્રી દેખાય છે. રમા બેઠી બેઠી શગડીમાં ગ્યાસલેટે ભીંજાડેલી કાકડી મૂકતી હોય છે. બીજી બાજુ, સામે બાજુની વીંગમાં એના પતિનું દીવાનખાનું છે. એ વીંગ પર એક ખીતીઆળું, એ ઉપર કપડાં મૂકેલાં : એક અરીસો લટકાવેલો: એક ટેલીફોન. દીવાનખાનાની અંદરથી જયમનનો અવાજ આવે છે: જયમન પોતે દેખાતો નથી. અવાજ પાનપટ્ટીથી ભરેલા મોંમાંથી ઊઠે છે.]


અવાજ : કાં, તું અહીં આવે છે કે?
રમા : [મોં પર કચવાટ દેખાડતી, છતાં મોંમાં કોમલતા સાચવતી, કાકડી ચૂલામાં મૂકતી મૂકતી, ચૂલા સામે જોઈ] એ...આ આવી.

[થોડો સમય જાય છે. રમા અસ્થિર બની જઈને બેક દીવાસળીઓ બગાડે છે. ફરી જયમનનો અવાજ. જરા વધુ જોરથી]

અવાજ : કાં, કોણે રોકી રાખી? આ તારા સારુ પાન બનાવેલું છે તે વાટ જોવે છે.
રમા : [અણગમો દર્શાવતે મોંએ, છતાં કોમલ સ્વરે] એ આ ચૂલો પેટાવીને આવી. [કાકડી પેટાવે છે. એના તાજા ધોયેલા વાળની મોકળી લટો ઝૂલે છે. કાકડીનો તાપ એના મોંને અજવાળે છે. લટોને એ પાછી નાખે છે.]
અવાજ : પણ અત્યારમાં શી ઉતાવળ છે? આપણે ક્યાં નોકરી કે મજૂરી કરવા ક્યાંય હાજર થવું છે તે? [રમા એ શબ્દો તરફ તાકતી તપેલી ચૂલે ચડાવે છે.] — ને તું આખો દિવસ ભઠિયારખાનું જ કર્યા કરે એ મારાથી હવે નથી સહેવાતું, રમા! સ્ત્રી જાતિ પર આ પણ એક જુલમ...
રમા : મારા હાથ ગ્યાસલેટવાળા છે. આ ધોઈને આવી. [ઊઠે છે]

[જયમન વીંગમાં અરધો દેખાય છે.]

જયમન : [કડક સ્વરે] નહિ, હાથ નથી ધોવા. એમ ને એમ ચાલી આવ.
રમા : [કરુણ સ્મિત કરતી] હમણાં જ ધોઈ લઉં.
જયમન : [એક ડગલું આગળ વધી, વધુ કડક સ્વરે] કહું છું કે એમ ને એમ ચાલી આવ.
રમા : પણ...
જયમન : [સત્તાથી] આવે છે કે નહિ?

[રમા ધીરે ધીરે સામે આવે છે. ઊભી રહે છે.]

જયમન : કેટલી વાર બૂમો પાડવી? એક વાર ‘આવ’ કહું એટલે સમજી જવું. બરાડા ન પડાવવા. આજુબાજુ માણસોનો પાડોશ છે તે જાણે છે ને?
રમા : [ખસિયાણી પડેલી, પ્રયત્નપૂર્વક હસતી, પોતાના હાથ પર સાડીનો છેડો રાખીને હથેળી ધરતી] લાવો પાન.
જયમન : [પોતાના વિજયનો હર્ષ અનુભવતો] નહિ, એમ નહિ, મોં ફાડ. [જમણો હાથ રમાના મોં તરફ બતાવે છે ને ડાબા હાથમાંની પાનપટ્ટી ઊંચી કરે છે રમાના મોંમાં નાખવા.]
રમા : [ચમકીને પાછલી બાજુ તેમજ ડાબી-જમણી બાજુ જોતી.] કોઈ પડોશીઓ દેખશે.
જયમન : [નજીક જઈ] ભલે દેખે. મારે દેખાડવું જ છે. ફાડ મોં. [ઊંચે સ્વરે] ફાડે છે કે નહિ? [જમણો હાથ છેક રમાની દાઢી પર, છેક જડબાં સુધી લઈ જાય છે. જડબાં દાબવાની તત્પરતા કરે છે.]
રમા : ફાડું છું; ફાડું છું. [યંત્રવત્ મોં ઉઘાડે છે.]
જયમન : [પાનનું બીડું રમાના મોંમાં સહેજ જંગલી રીતે ધકેલી દઈને] હાં, બસ, હવે ડાહી ખરી. કોઈ જોઈ જશે! હાય, કોઈ જોઈ જશે! હજુ એ બીક ગઈ નહિ આપણામાંથી! આપણે તે શું કોઈના સારુ જીવવું છે? સાચું સહજીવન તો લોકોની છાતી પર ચડીને જ જીવી શકાય છે. મને એવી કશી જ પરવા નથી કોઈની. [ધીરો પડી] બસ, હવે જા, ડાહી થઈને હાથ ધોઈ આવ, કશુંક નવું નવું બતાવવું છે તને.
રમા : શું બતાવો છો? હમણાં જ બતાવો ને!
જયમન : ના, એવી નીરસ રીતે જોવા જેવી ચીજ નથી એ. હાથ ધોઈને નિરાંતે આવ તો!

[રમા રસોડા બાજુની વીંગમાં જાય છે. પોતાની બેઠકવાળી વીંગમાંથી જયમન એક ખુરસી ખેંચી લાવીને પ્રેક્ષકો તરફ ગોઠવે છે. પછી એક કાગળમાં વીંટેલ છબી લઈ આવે છે. ઉખેળીને છુપાવીને રાખે છે. રમા હાથ લૂછતી આવે છે.]

રમા : લો, શું બતાવો છો? ઝટ બતાવો.
જયમન : નજીક આવ. [રમા થોડી નજીક આવે છે] હજુ નજીક, હજુ, હજુ, હજુ, [રમાને ખુરસી પર બેસારે છે] અહીં બિરાજો, મારાં રાણીજી! [પછી પોતે ખુરસીની પછવાડે જઈ, ડાબો હાથ રમાના ડાબા ખભા પર ટેકવી, જમણે હાથે ઓચિંતો રમાને છબી બતાવે છે.]
જયમન : આ આપણે વિલાસ-સ્ટુડીઓમાં પડાવેલી છબી, જેની હું દિવસ-રાત રાહ જોતો હતો. [રમા ખાસ કશો હર્ષ પ્રદર્શિત કરતી નથી. જયમન એથી ઊલટો ઘેલા જેવો બનેલો દેખાય છે.]
જયમન : કહે જોઉં, આમાં તને સૌથી વધુ શું ગમે છે?
રમા : [ધીરે] બધું જ ગમે છે.
જયમન : ના, પણ ખાસ?
રમા : મને શી ખબર પડે?
જયમન : [છબી પર આંગળી બતાવી] આમ જો, આ તું ખુરશી પર બેઠી છે, ને હું ઊભો છું તે તો જાણે કે બીજાં સહુ સ્ત્રી-પુરુષો છબીઓ પડાવે છે તેવું જ. પણ આ જોયું?
રમા : [ચમકીને, જયમન તરફ જોઈ] અરે, આ શું? આ તમે મારે ગળે હાથ ક્યારે મૂકી દીધો હતો?
જયમન : [હસે છે] હા-હા-હા-હા! બરાબર ફોટોગ્રાફરે ચાંપ દબાવી તે જ ક્ષણે, ઓ ભાનભૂલી! કેવી છેતરી તને? કેવી બનાવી? બહુ શરમાળ રહી હતી તે લેતી જા!
રમા : [ફિક્કું હસતી] હવે જઉં?
જયમન : પણ ક્યાં જવું છે? [ઊભી થતી રમાને અટકાવી]
રમા : ચૂલે બળતણ બળે છે.
જયમન : પણ બળતણ બળે છે તો મારી કમાણીનું બળે છે ને? ક્યાં તારે સીમમાં વીણવા જવું પડે છે? બેસ નીચે.
રમા : પણ તપેલીમાં આંધણ ફળફળી ઊઠ્યું છે. હમણાં ઢાંકણું ઊડી પડશે. [પ્રયત્નપૂર્વક છેડો છોડાવીને રમા રસોડા તરફ દોડી જાય છે. ચૂલે બેઠેલી અર્ધી દેખાય છે.]
જયમન : ચૂલા-તપેલીને પણ આપણા સહચારની ઈર્ષ્યા આવે છે, નહિ રમા?

[રમા કશો જવાબ દેતી નથી]

જયમન : ખરું કે નહિ, રમા?
રમા : [તપેલીમાં ભાત ઓરતી] શું?
જયમન : વાહ વાહ! પૂછે છે કે શું? બહુ લુચ્ચી. બહુ ઊંડી. હાં, હાં, એ ઊંડાણ તો છે અંતરના પૂરા ભરેલા ભાવનું. એ મૌન તો છે એક જીવન્ત કાવ્ય.

[છબી લઈને, ક્યાં લગાવવી તે તપાસતો, વીંગ પર ચોડે છે]

અહીં જ: આવનાર ઘરમાં પ્રવેશ કરે ને દેખે તેવી જ જગ્યાએ. છો ને બધા જોઈને સળગી ઊઠતા! [છબી લટકાવીને એકીટશે ત્યાં તાકી રહે છે] વાહ! વાહ! વાહ!

[એક ખૂણામાંથી એક પટાવાળો પ્રવેશ કરે છે]

પટાવાળો : સાહેબ, આ ચિઠ્ઠી છે.

[જયમન ચિઠ્ઠી લઈને વાંચે છે.]

જયમન : [પટાવાળાને] બાલુભાઈને ઘેર આઈસ્ક્રીમ પાર્ટી છે આજે? આજે શાની પાર્ટી? ને નિમંત્રણ મને એકલાને જ છે, કે બાઈસાહેબને પણ છે?
પટાવાળો : એ તો ખબર નથી, સાહેબ.
જયમન : આમાં તો મને એકલાને જ લખ્યું છે. એ રીતે તો હું ક્યાંયે જતો નથી. ન્હાનાલાલ કવિને અમદાવાદની મહાસભામાં એકલા નિમંત્રણ મળેલું ત્યારથી એને કારી ઘા લાગ્યો છે. ખબર છે ને?
પટાવાળો : જી, મને એ ખબર નથી.
જયમન : પણ બાલુભાઈ ક્યાં નથી જાણતા મારી પ્રકૃતિને? [ટેલીફોન પર જઈ, છટાથી નંબર જોડી] હલ્લો! હલ્લો, કોણ બાલુભાઈ, હા, પાર્ટીમાં મને એકલાને જ નિમંત્રણ છે, કે રમાને પણ છે? [થોડી વાર પછી] હાં, પોતાને ઘેરથી બૈરું બહારગામ ગયું એટલે સહુને એકલા નોતર્યા છે એમ કે? [થોડી વાર પછી] નહિ, નહિ, રમાને એવી કશી જ ખોટાં શરમ-સંકોચ નથી. તમે બધા છો શરમાતા એકલા આવીને! બીજાઓને તો સ્ત્રીઓ પાસે વૈતરાં જ કરાવવાં છે ઘરનાં. મારે એ નથી પાલવતું, મહેરબાન. હું તો રમાને લઈને જ આવવાનો. [થોડી વાર પછી] હાં, હવે કહો છો કે ઘણી ખુશીથી! તમારી ખુશી કે નાખુશી, હું તો લાવવાનો જ. [ટેલીફોન છોડી દઈ, રમા તરફ ફરીને] રમા, તારે તૈયાર થવાનું છે, હાં કે?
રમા : પણ —
જયમન : પણ ને બણ. એમાં છૂટકો નથી. મારે તો દાખલો બેસારવો છે.
રમા : [માથા પરનું ઓઢણું સંકોરતી] પણ ત્યાં અજાણ્યા પુરુષો વચ્ચે...
જયમન : કોણ તને ખાઈ જવાનું હતું? ભલે તારા મોં સામે ટીકીટીકીને જોઈ લેતા. એમાં તેઓના હાથમાં શું આવી જવાનું હતું?

[રમા શરમાઈને નીચે જુએ છે. પટાવાળો પણ હસવું છુપાવી બહાર ચાલ્યો જાય છે.]

જયમન : એમાં શરમાવાનું શું છે? એવો ખોટો ક્ષોભ પણ એક જાતનો દંભ જ છે ને? લે જા હવે, જલદી કપડાં પહેરી આવ. આજે રસોઈનું માંડી વાળીએ. શાંતિ ભુવન હૉટલમાં જમી લઈશું. પછી બાગમાં જઈ આરામ કરશું. ત્યાંથી સીધા બાલુભાઈને ત્યાં. [રમાને પીઠ પર ધબો મારે છે.] રમા વીંગમાં ચાલી જાય છે. જયમન ખીંતીઆળા પરથી કોટ, કોલર, વગેરે વસ્ત્રો આયનામાં જોતો જોતો પહેરે છે. પણ જાણે કે કોઈ કપડું શરીર પર બંધબેસતું નથી આવતું. એટલે વારંવાર કપડાં ઉતારી ઉતારી ફેંકે છે અને બડબડે છે : સરખી ઘડી કરીને મૂકતી પણ નથી! કોણ જાણે શું થયું છે? રસોડાનાં ડબલાંને રંગવા-શણગારવાની ફુરસદ મળે છે એને, પણ મારાં કપડાં, મારી ચોપડીઓ, મારું ટેબલ, મારું કશું જ સંભાળવાનું એને ન સાંભરે, ને કહીએ ત્યારે મોંનો તોબરો ચડાવે... [રમા આવે છે.]
જયમન : [એને નખશિખ નિહાળી, જરા વધુ પડતા ભપકાવાળાં સાડી-સ્લીપર જોતાં.] આ તારા પગમાં સ્લીપર ક્યાંથી? ને આ આસમાની સાડી તો આપણે કદી લીધી જ નથી!
રમા : [ગુન્હેગારની પેઠે] આ સ્લીપર ને આ સાડી તો મને લગ્નભેટમાં મળ્યાં હતાં.
જયમન : [રૂવાબમાં] કોના તરફથી?
રમા : મારા એક ભાઈ તરફથી.
જયમન : એક ભાઈ તરફથી? કયો ભાઈ?
રમા : મારા પિયરમાં એક નર્મદા માશી નામનાં પાડોશણ રહે છે. તેના એ દીકરા છે. એનું નામ દિલખુશભાઈ. અમે બન્ને જોડે ભણતાં, તે દિવસથી એમણે મને બહેન કહી છે.
જયમન : ઠી…ક!!! [થોડી વાર હોઠ દાબી, ચૂપ રહી] હું જાણે કેમ તને કશું ન જ લઈ આપતો હોઉં!
રમા : પણ એમ હું ક્યાં કહું છું?
જયમન : અને મને આ વાદળી રંગ ગમતો નથી એ તો તું જાણે છે ને?
રમા : એ હું શી રીતે જાણું?
જયમન : ને આ સ્લીપર ઉપર તો ત્યાં સહુની આંખો ચોડાઈ રહેશે. તે કરતાં મેં આણેલાં રંગૂની ચંપલ શું ખોટાં છે?
રમા : તમે તો કહેતા હતા કે બીજાની ટીકાની આપણને શી પરવા છે?
જયમન : વાહ! હું કહેતો હતો તેનો આવો અર્થ લીધો?
રમા : રહો, હું બદલાવી આવું.

[જવા લાગે છે.]

જયમન : કંઈ નહિ. એ તો હવે ચાલશે. [ત્યાં તો રમા ઝડપથી ચાલી જાય છે.]
જયમન : [સ્વગત] ભારી વિચિત્ર! કોણ જાણે શું થયું છે! હું આટલું આટલું કરી મરું તો ય એની હૃદય-કૂંપળો ફૂટતી જ નથી. વાતવાતમાં મિજાજ કરી બેસે છે. મારા કહેવાનો ઊલટો જ અર્થ કરે છે......

[રમા સાડી અને સ્લીપર બદલીને આવી પહોંચે છે. આ વેળા સાડી કેસરી રંગની છે.]

જયમન : [જોઈને હર્ષિત બની] ધેટ્સ ઇટ (That’s it.) વાહ! પ્રભાતના તડકામાં કેસરી રંગ કેવો સોહાય છે, રમા! તું પણ રંગની રસિકતા કેટલી બધી સમજે છે! આની જોડે પોલકું પણ કેસરી પહેર્યું હોત! ઠીક, કંઈ નહિ હવે એ તો. ચાલો, બહારને રસ્તેથી જ ચાલશું ને?
રમા : કેમ? બહુ દૂર પડશે. તાપ પણ લાગશે.
જયમન : પણ બજાર વચ્ચે બધા તાકી રહેશે ત્યાં આપણે આગળ-પાછળ ચાલવું પડશે. ને અહીં બહારને રસ્તે તો જો!.... [રમાની બગલમાં હાથ ભરાવી]

આમ રસભેર ચાલી શકાશે.

[ચાલ્યાં જાય છે. રમાને એમ ચાલવું ગમતું નથી એ સ્પષ્ટ દેખાય છે.]