પાત્રો
સ્ત્રીઓ
યશોધરા : એક અવિવાહિત યુવતી
માલતી : યશોધરાની નાની બહેન
શેરીની સ્ત્રીઓ
હેમ કુંવર, વજકુંવર, લીલાવતી, નિર્મળા, બ્રાહ્મણી, કણબણ, ત્રિવેણી, ડોશીમા
પુરુષો
ગદાધર : યશોધરાનો નાનો ભાઈ
દિવાન, ઇજનેર, દાક્તર, બીજા રાજ્યાધિકારીઓ, પટાવાળો, લીલાવતીનો પતિ, પોલીસ.
દૃશ્ય પહેલું
[શહેરના જાહેર બગીચાને એક ખૂણે કસરતનો અખાડો છે. લીમડાનાં બે ઝાડનાં થડ ઉપર બજરંગનું ને સરસ્વતીનું, એમ બે ચિત્રો લટકે છે. આઠ-દસ નાનાં છોકરાંથી વીંટળાએલી, શહેરની જગબત્રીસીએ ચડેલી કુમારી યશોધરા ચાલી આવે છે. છોકરાંના હાથમાં નાની નાની કટારો છે. યશોધરા એ સહુને સમશેર-નૃત્ય (‘સ્વોર્ડ ડાન્સ’) કરાવતી ‘તલવારનો વારસદાર’નું ગીત ઝિલાવતી ઝૂલતી આવે છે : પોતાના હાથમાં ખંજર
નથી, પણ ખંજરી છે. ખંજરી રણઝણાવતી —
મારા બાપુને, બેની! બે બે કુંવરિયા
બાળકો [ઝીલે છે] :
|
મારા બાપુને, બેની! બે બે કુંવરિયા.
|
યશોધરા :
|
બે વચ્ચે પાડ્યા છે ભાગ —
|
બાળકો [ઝીલે છે] :
|
બે વચ્ચે પાડ્યા છે ભાગ —
|
યશોધરા :
|
મોટે માગી છે મો’લ મેલાતો વાડીઓ —
|
બાળકો [ઝીલે છે] :
|
મોટે માગી છે મો’લ મેલાતો વાડીઓ —
|
યશોધરા :
|
નાને માગી છે તલવાર —
|
યશોધરા :
|
નાને માગી છે તલવાર —
|
યશોધરા :
|
હાં હાં રે બેની!
નાને માગી છે તલવાર —
|
બાળકો [ઝીલે છે] :
|
હાં હાં રે બેની!
નાને માગી છે તલવાર.
|
યશોધરા :
|
વીરાજી કેરી ભેટે ઝૂલે રે:
ભેટે ઝૂલે છે તલવાર,
વીરાજી કેરી ભેટે ઝૂલે રે.
|
[અભિનયમાં કમર પર હાથ ઝુલાવતાં, બંકી છટાથી ગતિ કરતાં]
ભેટે ઝૂલે છે તલવાર,
વીરાજી કેરી ભેટે ઝૂલે રે.
[ગીત ગુંજતાં ગુંજતાં બીજાં બાળકો વીંગમાં ચાલ્યાં જાય છે. બાકી રહે છે ત્રણ જણાં : યશોધરા, ને એનાં ભાઈ-બહેન. યશોધરાનો નાનો ભાઈ ગદાધર ઓચિંતો ગીત અટકાવીને બાલસહજ કુતૂહલથી અગાઉની અધૂરી રહેલી વાત પૂછે છે.]
ગદાધર :
|
પણ, હેં જશુબહેન! પછી કૌરવોની સભામાં શું થયું?
|
યશોધરા :
|
પછી તો ભરકચેરીમાં દુર્યોધન પોતાની જાંઘ થાબડીને દ્રૌપદીને કહે કે ‘આવ, જુગારમાં જીતાએલી મારી દાસી! મારા ખોળામાં બેસ!’
|
માલતી :
|
એવું કહ્યું, એમ? અને છતાં પાંચેય પાંડવો બેઠા રહ્યા?
|
ગદાધર :
|
મારો દોસ્ત ભીમ પણ બેસી રહ્યો?
|
યશોધરા :
|
હા, સફેદ મોટી દાઢીવાળા દાદા ભીષ્મ પણ બેસી રહ્યા, મોટા સસરાજી ધૃતરાષ્ટ્ર પણ બેઠા રહ્યા, બુઢ્ઢા ગુરુદેવ દ્રોણ પણ બેઠા રહ્યા, જુવાન કૌરવો બધા ખડખડાટ હાંસી કરવા લાગ્યા, ત્યારે પછી ભીમ એની ગદા ઉગામતો ઊભો થઈ ગયો — પણ પેલા યુધિષ્ઠિર તો ધર્મરાજ ખરાને, એમણે ભીમને રોકી રાખ્યો.
|
ગદાધર :
|
ત્યારે શું દ્રૌપદી દુર્યોધનના ખોળામાં બેઠી?
|
યશોધરા :
|
ના રે ના; એણે શો જવાબ દીધો, જાણો છો?
|
યશોધરા :
|
દ્રૌપદી દુર્યોધનને કહે કે “તારા ખોળામાં તો મારા સાચા સ્વામી ભીમની ગદા બેસશે.”
|
યશોધરા :
|
એટલે બીજું શું? સગી સ્ત્રીને જુગટામાં મૂકનારા યુધિષ્ઠિરે તો બેઠાં બેઠાં આંસુડાં પાડ્યાં; પણ બહાદુર ભીમે તો જ્યારે લડાઈ થઈ ને, ત્યારે દુર્યોધનની જાંઘો ઉપર ગદા મારીમારીને એના પ્રાણ લીધા.
|
ગદાધર :
|
શાબાશ, દોસ્ત ભીમ! તારી ગદા જો મારા હાથમાં હોત ને, તો હું પણ પેલા દરબારની કેડ્ય જ ભાંગી નાખત.
|
યશોધરા :
|
કેમ રે, અલ્યા? શા માટે?
|
ગદાધર :
|
એ દરબાર રોજ સાંજે ગાડીમાં બેસીને નદીકાંઠે ઊભો રહે છે. માલતીબેન પાણી ભરતી હોય ત્યાં દૂરબીન માંડીને જોયા કરે છે. એક વાર તો તેની ગાડી આડે ફરી, તે રમામાશી ને વસુકાકીનાં બેડાં ફૂટ્યાં’તાં. પણ હું શું કરું! મારી કને ગદા નથી ને!
|
માલતી :
|
ઓહોહો! ગદુની તો કંઈ બડાઈ! કંઈ બડાઈ!
|
યશોધરા :
|
પણ ગદુ! પહેલાં તું ગદા ઊચકવા જેવડો તો થા! જો, પેલા ઝાડ પર ચિત્ર લટકે. એ ચિત્ર હનુમાનજતિનું.
|
ગદાધર :
|
પેલા લંકાની ખાડી તરીને સીતાજીની ભાળ લાવેલા, તે હનુમાન જતિ ને? જશુબહેન! હનુમાન જતિ મને બહુ ગમે છે. રામચ્રંદ્રજી એટલા બધા નથી ગમતાં.
|
માલતી :
|
મને પણ નથી ગમતા; બહાદુર ખરા, પણ સીતા જેવી સારી સ્ત્રીને વનમાં કાઢી.
|
ગદાધર :
|
કાઢી તો કાઢી, પણ ધોબીડાને કહ્યે કાઢી.
|
ગદાધર :
|
ને ન ખાવાપીવાનું દીઘું, ન કપડાં ય દીધાં.
|
માલતી :
|
ને જૂઠું જૂઠું કહીને કાઢી.
|
યશોધરા :
|
[છોકરાંની સામે જોઈને નહિ, પણ અંતરિક્ષમાં જોઈને બોલી જવાય છે.] સાચી વાત: પૂરે માસે કાઢી!
|
માલતી :
|
તો યે લોક વાંકું બોલ્યાં, એટલે રામે સીતાને અગ્નિમાં નાખી.
|
ગદાધર :
|
પછી બેઠા પોકે પોક રડવા. [મોં આડા હાથ દઈને મશ્કરીમાં પોક મૂકે છે.] ઓ... મારી... સીતા રે...! ઓ... લવ ને કુશની મા... રે!
|
યશોધરા :
|
[ગંભીર બની] ગદુ! ગદુડા! રામચંદ્રજીની મશ્કરી કે!
|
[ગદુ શરમાય છે.]
માલતી :
|
એવા જ રાજા હરિશ્ચંદ્ર: સતી સ્ત્રીને ને સગા દીકરાને વેચ્યાં.
|
યશોધરા :
|
[હસીને] પણ તે તો સત્યને ખાતર ને!
|
ગદાધર :
|
અમારી કલાસના માસ્તર અમને રોજ કહે છે કે એ બધું ‘સત્યને ખાતર!’ પણ કોઈ સમજાવતું તો નથી કે ‘સત્યને ખાતર’ એટલે શું? પૂછીએ તો સામા ડોળા ફાડે.
|
માલતી :
|
[મોં બગાડીને] સત્યને ખાતર! હા, હા, જે બધું ન સમજાય તે સત્યને ખાતર! ગદુ, એ તો જશુબહેન આપણને ચીડવે છે.
|
યશોધરા :
|
લો, હવે નહિ ફોસલાવું. તમને ન ગમે તે છો ન ગમતા, પણ તમને બન્નેને બરાબર ગમે તેવાં આ સરસ્વતી દીઠાં? [ચિત્ર દેખાડી] લોકોને વિદ્યા શીખવવી હતી ને, તે સદાનાં કુંવારાં રહ્યાં. હજુ નવી નવી વિદ્યા શીખવતાં જ જાય છે. થાકતાં યે નથી, ઘરડાં યે થતાં નથી, સદાનાં જુવાન ને જુવાન જ. હમેશાં હસ્યા જ કરે.
|
માલતી :
|
પેલી ગોરી ગોરી વિલાતણ બાઈને એરોપ્લેન ઉરાડતાં પણ એમણે શીખવ્યું?
|
માલતી :
|
ત્યારે એવા થવું તો મને ગમે.
|
ગદાધર :
|
ને મને તો હનુમાનજી થવું ગમે.
|
યશોધરા :
|
[ગમ્મતમાં] તો તને પૂછડી ઊગશે હો!
|
[ગદાધર વિચારમાં પડે છે. કમ્મરના પાછલા ભાગ પર હાથ ફેરવે છે. કૌતૂકભરી નજરે જોઈ રહે છે.]
યશોધરા :
|
નહિ ઊગે, નહિ ઊગે. ગભરા ના. હનુમાનજી જેવા થવું ગમે ને? તો ચાલ, તને આ હોજમાં તરતાં ને કુસ્તી કરતાં શીખવું. અને માલતી! તારે યે મજબૂત થવું પડશે હો! સરસ્વતીની જેમ સદાનાં એકલાં અમસ્થું નહિ રહેવાય. પાપીઓને પછાડવાનું જોર જોઈશે.
|
માલતી :
|
[ગમ્મત કરતી] નહિ નહિ. હું તો કોઈ પાપી આવશે એટલે આંખો મીંચી, બે હાથ જોડી, દ્રૌપદીની માફક ચીસો પાડી મૂકીશ કે ‘ધાઓ રે પ્રભુ! મારી વારે ધાઓ! મને નવસો ને નવ્વાણું ચીર પૂરો! હું સતી છું’. [ચેષ્ટાઓ કરે છે.]
|
ગદાધર :
|
ને હું પણ આઘે ઊભો રહીને પેટ કૂટતો કૂટતો બરાડા પાડીશ કે ‘ઓ પોલીસ! ઓ ભાઈ પોલીસ! આ માલતીને માટે નવસો ને નવ્વાણું લૂગડાં લાવ ને! ઓ મહેરબાન! ઓ ભાઈસાબ!’
|
[ગદાધર માલતીનો ચોટલો ખેંચે છે. બન્ને હસે છે.]
યશોધરા :
|
બહુ થયું હવે, ડાહ્યલાંઓ! તમે બન્ને હમણાં બહુ પેધ્યાં છો, ખરું કે? ચાલો હોજ ઉપર.
|
[બધાં જાય છે. નાનાં છોકરાંની ટોળી વીંગમાં રમતી હતી તે આવીને ભળે છે. ને યશોધરા ગવરાવતી ગવરાવતી સહુને સમશેર-નૃત્ય કરાવતી ચાલી જાય છે.]
યશોધરા :
|
મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો —
|
બાળકો :
|
મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો —
|
યશોધરા :
|
નાનેરો સૂતો સંગ્રામ!
|
બાળકો :
|
નાનેરો સૂતો સંગ્રામ!
|
યશોધરા :
|
હાં હાં રે બેની!
નાનેરો સૂતો સંગ્રામ!
|
બાળકો :
|
હાં હાં રે બેની!
નાનેરો સૂતો સંગ્રામ!
|
યશોધરા :
|
વીરાજી કેરી ભેટે ઝૂલે રે
ભેટે ઝૂલે છે તલવાર,
વીરાજી કેરી ભેટે ઝૂલે રે!
|
[બાળકો ઝીલે છે. બધાં જાય છે. સંગીત શમે છે. ડાબી બાજુની વીંગમાંથી બે પનિહારીઓ ખાલી બેડાં લઈ પ્રવેશ કરે છે. ચાલી ગયેલી યશોધરા તરફ આંગળી બતાવી વાતો કરે છે.]
વજકુંવર :
|
આને ઓળખી, હેમી?
|
વજકુંવર :
|
પેલી જશુડી! બરાબર માંડવા નીચે જેના મીંઢળ છૂટ્યા’તા.
|
હેમકુંવર :
|
અરે હા, પેલી વરમાળા તોડીને ભાગી હતી એ ને? એ બહુ ભણેલી ને?
|
વજકુંવર :
|
ના, ના. વરમાળ તોડવાની વાત તો જૂઠી છે, અને એ બિચારી તો કાંઈ બહુ ભણેલી બણેલી યે નથી. ગાયના ઉપલા દાંત જેવી છે.
|
હેમકુંવર :
|
ત્યારે શું થયું’તું?
|
વજકુંવર :
|
થયું તો એમ કે એનાં માબાપ ગુજરી ગયાં છે. એના કાકામામા એની મિલ્કતના ટ્રસ્ટી મૂવા છે. કાકામામાને જોઈતા’તા રૂપિયા, એટલે તેઓએ જશુને માટે એક અભણ રોગિયો વર ગોત્યો. જશુએ ન્યાતને ત્રણ વાર અરજી કરી પણ એનાં કાકામામાએ અરજીઓ પહોંચવા જ ન દીધી. જશુને ઓરડામાં પૂરી રાખી કહ્યું કે બહુ બોલીશ તો જીવતી સળગાવી દેશું. ગરીબ જશુ ગાય દોરાય તેમ દોરાઈને માંડવે પરણવા બેઠી. તે વખતે ન્યાતે એને રડતી સાંભળી. ન્યાતના જુવાનિયા સહુ ઊભા થઈ ગયા. બોલ્યા કે જો જશુને જોરાવરીથી પરણાવશો તો અહીંને અહીં ખૂનો થઈ જશે.
|
હેમકુંવર :
|
અરે વાહ રે! જુવાનોમાં આવડી દયા ક્યાંથી આવી ગઈ? પછી?
|
વજકુંવર :
|
પછી જશુને કહ્યું કે ‘ઊઠ બહેન! તું અમારી બહેન દીકરી છો’. અને જશુ વરરાજાને ‘તું તો મારો ભાઈ છે’ એમ કહીને જુવાનોની સાથે ચાલી નીકળી.
|
હેમકુંવર :
|
અને વરે તોફાન ન કર્યું?
|
વજકુંવર :
|
ના. એને તો જુવાનોએ સારી પેઠે સંભળાવ્યું. અને એણે પણ જશુને ‘બહેન’ કહી કાપડું કર્યું. બાપડો બહુ પસ્તાયો!
|
હેમકુંવર :
|
અને જશુના કાકામામા શું બોલ્યા?
|
વજકુંવર :
|
એ રોયાઓને તો દયાનો છાંટો ય ન મળે. એણે જશુને પહેર્યે લૂગડે કાઢી એને અને એનાં બે નાનાં ભાઈબહેનને.
|
હેમકુંવર :
|
હવે પેટ શી રીતે ભરે છે?
|
વજકુંવર :
|
દડિયા વાળીને, છાયલાં છાપીને, અગરબત્તી વણીને.
|
[વીંગના ખૂણામાં દેખાય તે રીતે યશોધરા, માલતી તથા ગદુને લઈ એક પથ્થર પર બેસે છે. અને યશોધરા ભાઈ બહેનને નાની બંદૂક વતી એક ઝાડ પરનું નિશાન તાકતાં શીખવે છે.]
યશોધરા :
|
[ભાઈને બતાવે છે] જો ગદુ! બંદૂક આમ ઝલાય, નીકર ખભાને ધક્કો લાગે અને નિશાન ચૂકી જવાય.
|
[ગદાધર નિશાનને સ્થિર દૃષ્ટિએ તાકવા મથે છે.]
હેમકુંવર :
|
એ મારા બાપ! આ વળી ક્યાંથી શીખી? બૈરાંની જાતથી આવું થાય?
|
વજકુંવર :
|
આજકાલ તો ન થાય એટલું ઓછું છે! [નિઃશ્વાસ]
|
હેમકુંવર :
|
પણ એ શીખી ક્યાંથી?
|
વજકુંવર :
|
એના બાપ સૂરનગરમાં કારભારી હતા. ત્યાંની રાજકુંવરીઓ જંગલમાં જઈને ઓઝલ કાઢી નાખી પછી ઘોડેસવારી ને નિશાનબાજી શીખતી. જશું પણ ત્યાં સાથે જતી.
|
હેમકુંવર :
|
તે હવે આ શું લઈને બેઠી છે?
|
વજકુંવર :
|
ભાઈબહેનને ઉછેરવાનું લઈને.
|
હેમકુંવર :
|
પણ આખો જન્મારો આમ જાશે ખરો?
|
વજકુંવર :
|
એ કહે છે કે સ્ત્રીઓને માથે દુઃખના ડુંગરા ચડ્યા છે, તે જોઈ સંસાર માંડવો ગમતો નથી.
|
હેમકુંવર :
|
અરેરે માડી! કોણ જાણે શુંય થવા બેઠું છે! સ્ત્રી બાપડી મથી મથીને કેટલું મથશે? અજવાળી તોયે રાત ને?
|
[એ સમયે નળ ખાતાનો પટાવાળો ખભે ચપરાસ અને હાથમાં લાકડી લઈને હાકોટા કરતો આવે છે.]
પટાવાળો :
|
ચાલો! ચાલો! જલ્દી પાણી ભરી લો! ટાંકી બંધ કરી દેવી છે. ચાલો નીકળો, નીકર બેડાં ઉઠાવીને ફેંકી દઉં છું.
|
વજકુંવર :
|
ઓ મા! વાતવાતમાં ખબર જ ન રહી! દોડો, દોડો બહેન, નહિ તો પાણી વિનાનાં રહી જશું. અને આ રોયા જમદૂતને તો દયા જ નહિ આવે, ચાલો.
|
[બંને જણીઓ બેડાં લઈને વીંગની અંદર દોડી જાય છે અને તુર્ત જ બે પનિયારીઓ લડતી લડતી બહાર નીકળે છે.]
બ્રાહ્મણી :
|
તે કાંઈ તારા બાપનો નળ છે?
|
કણબણ :
|
હવે બેસ બેસ, બાપવાળી! હમણાં જમાદારને બોલાવીશ તો બેડુંય આંચકી જાશે, ખબર છે? એને અમે પૈસા દઈએ છીએ.
|
બ્રાહ્મણી :
|
એટલે એક તો નળે મારો વારો જ ન આવવા દેવો, ને ઉપર જતા બેડું આંચકવું?
|
કણબણ :
|
વારોબારો વળી શેનો? બળુકી હોય તે ભરી લ્યે. તારા સારુ નળ કાંઈ આખી રાત બેઠો નહિ રહે.
|
બ્રાહ્મણી :
|
એટલે તું આડી પડીને આઠ-આઠ બેડાં ભરી લઈશ, અને મારે અહીંયાં ટીપું પાણી વિના દા’ડો આથમશે, એમ ને? અરે ભૂંડી! મારે ઘેરે છોકરાં રોતાં હશે.
|
કણબણ :
|
ભૂંડી તારી જે હોય તે! બોલ્યા વિનાની રે’જે, નીકર બેડું મારીશ માથામાં.
|
બ્રાહ્મણી :
|
તારે એકલીને જ હાથ હશે, ને અમારા હાથ ભાંગી ગયા હશે, ખરું?
|
કણબણ :
|
આ લે ત્યારે [એટલું કહી બ્રાહ્મણીને ગાગર મારે છે. યશોધરા વચ્ચે પડીને કણબણના હાથ ઝાલે છે.]
|
યશોધરા :
|
[પટાવાળાને] અરે ભાઈ, તું ઊભો હસી શું રહ્યો છે? આટલા વહેલા નળ બંધ કરીને બાઈઓનાં માથાં શીદ ફોડાવ છ?
|
પટાવાળો :
|
ત્યારે કોરેકોરાં કેમ પાણી ભરવા હાલ્યાં આવે છે? અમારે ય પેટ હોયને, બાઈ?
|
[તે વખતે રાજનો ઇજનેર આવે છે.]
ઇજનેર :
|
[પટાવાળાને] આ ટાંકીમાં નકામું પાણી વપરાય છે. કાલથી ત્રણ ચકલીઓ બંધ કરજો.
|
યશોધરા :
|
[સામે આવી] સાહેબ, મારી વાત સાંભળશો?
|
ઇજનેર :
|
નહિ બાઈ, હું તમારા ફંડફાળામાં કંઈ નહિ ભરી શકું.
|
યશોધરા :
|
હું ફાળો ભરાવવા નથી આવી. આમ જરી જોશો? [નળ ઉપર લડતી બાઈઓ તરફ બતાવે છે.]
|
યશોધરા :
|
તમે ચકલીઓ બંધ કરવા હુકમ દીધો. પણ ઓછી ચકલીઓને લીધે તો આઠેય પહોર બૈરાં લડે છે. એનાં બાળકોની તો દયા કરો.
|
ઇજનેર :
|
તું એ બૈરાંની ‘સ્પોક્સમેન’ બનીને અહીં આવી છે?
|
યશોધરા :
|
મને અંગ્રેજી નથી આવડતું, સાહેબ!
|
ઇજનેર :
|
તો અરજી કરાવજોને! વિચાર કરવામાં આવશે.
|
યશોધરા :
|
પણ આ નજરે જુવો છો પછી અરજીની શી જરૂર?
|
ઇજનેર :
|
બાઈ, મને લાગે છે કે મારે મારી ખુરસી ખાલી કરીને તને ત્યાં બેસાડવી જોઈએ. [તિરસ્કારથી હસે છે.]
|
યશોધરા :
|
તમે ગુસ્સે શીદ થાઓ છો, સાહેબ?
|
ઇજનેર :
|
પાણીનો હિસાબ તમે જાણો છો, બાઈ? આવતા વર્ષે દુકાળ પડશે તે વેળા કાદવ પીવો પડશે કાદવ! ખબર છે?
|
યશોધરા :
|
તો તમારી વિદ્યા શા ખપની, ભાઈ?
|
ઇજનેર :
|
ચિબાવલી લાગે છે. સ્ટૂપિડ! ચલાવ. [ચાલ્યા જાય છે. ખાલી બેડાં લઈને પનિયારીઓ આગળ આવે છે. વાતો કરે છે.]
|
કણબણ :
|
રોયાની જીભ જોઈ? કે’છે કે કાદવ પીવો પડશે!
|
બ્રાહ્મણી :
|
એ ગવન્ડર આવે છે આંહીં, ગવન્ડર. એટલે કરશે આતશબાજી. ઇ સારુ ભરશે તળાવમાં પાણી. એટલું પાણી આપણા ગોળામાંથી જ પડાવશે ને?
|
કણબણ :
|
ને આપણે રોયાં બેડે બેડે માથાં ફોડીએ!
|
બ્રાહ્મણી :
|
શું કરીએ? ઘરમાં સાસરો, જેઠ, દેર સહુને નાવાં, સહુનાં ધોતિયાં ધોવાં, છોકરાંને નવરાવવાં! પાણી ખેંચ્યા જ કરવું આપણે.
|
યશોધરા :
|
આપણે એમ ઠરાવીએ : ચાર જ દા’ડા પાણી વિના રાખીએ પુરુષોને.
|
કણબણ :
|
તો તો સીધા થઈ જાય.
|
બ્રાહ્મણી :
|
ઓ બાપ! મારો વર તો લાકડી લઈને જ ઊઠે ને!
|
કણબણ :
|
હા ભૈ! એ તો હું ભૂલી જ ગયેલી.
|
યશોધરા :
|
તો માર ખાઈ લેવો, પણ પાણી ન ભરવું. આપણાં શરીરનું લોહી કંઈ થોડું એને નહાવાનું પાણી થઈ જવાનું હતું?
|
બાહ્મણી :
|
બેન, તમને એ બધું સૂઝે છે. એ તો અનુભવે સમજાય.
|
[બેઉ પનિયારીઓ કટાક્ષ કરતી ચાલી જાય છે.]
યશોધરા :
|
[વિચારમાં પડીને સ્વગત] એણે ખરું કહ્યું. હું શું જોઈ પારકાંને ઉશ્કેરું છું? મારે અનુભવ ક્યાં? [ગદાધર તથા માલતી તરફ જોઈને] ચાલો ગદુ, ચાલો માલતી.
|
માલતી :
|
[વિચારમાં પડેલી છે.] હેં બહેન! ઇજનેરની વહુ ઇજનેરને કાંઈ નહિ કહેતી હોય?
|
યશોધરા :
|
ઇજનેરની વહુને પાણી ભરવા નથી આવવું પડતું, બહેન, એને તો ઓરડે ઓરડે નળ ખરા ને!
|
ગદાધર :
|
મારી પાસે ભીમની ગદા હોત!
|
ગદાધર :
|
તો હું આ ઇજનેરનું માથું જ ભાંગી નાખત.
|
યશોધરા :
|
ના, ના, વીરા! એવું ન થાય હો! એ બિચારો પોતે કાંઈ થોડો દુષ્ટ છે? સાચો દોષ તો એના ભણતરનો છે. એ કરતાં તો તું ઝટ ઝટ ભણીને ઇજનેર બની જા, અને પછી આ ગામનાં ઘણા બધા નળ, ઘણાં બધાં તળાવો, ઘણી બધી ગટરો, ને ઘણાં બધાં મોટાં સંડાસો સ્ત્રીઓને માટે બાંધજે, હો!
ગદાધર : હા, હા, આ ગામમાં શું, પણ એકેએક ગામમાં બાંધી દઈશ.
|
યશોધરા :
|
શાબાશ, મારા વીરા! શાબાશ! બોલવામાં તો તું બહુ શૂરો છે!
|
[યશોધરા ગદાધરના કાન ખચકાવે છે. ત્રણેય જણાં જાય છે.]
દૃશ્ય બીજું
[સાંજ પછીના અંધારાનો સમય. સ્થળ : ચશોધરાના ઘરની શેરી પાડોશીની પુત્રવધૂ લીલાવતી એક વીંગમાં — પોતાના ઉંબરમાં ઊભી છે. એના હાથમાં ઝાડુ છે. સામી વીંગમાંથી કોઈક બીજી કન્યા ગાતી સંભળાય છે]
[ગાન]
કાં કાં રે દીકરી તમારી દેહ જ દૂબળી,
કાં રે આંખડલી જળેભરી.
[લીલાવતી સાંભળીને ત્યાં જવા આકર્ષાય છે. ફાળભરી હરણીની પેઠે અંદર જુવે છે. બહાર જુવે છે. ગાન સંભળાય છે.]
ગાન
એક ઊંચો તે વર નો જોજો રે, દાદા!
ઊંચો તે નત્ય નેવાં ભાંગશે.
એક નીચો તે વર નો જોજો રે, દાદા!
નીચો તે નત્ય ઠેબે આવશે.
એક કડ્ય રે પાતળિયો ને —
[લીલાવતી એ ગાનવાળી વીંગ તરફ દોડી જાય છે. એના માથા પરથી સાળુ ખસી ગયો છે. ગાનારી કન્યા વિમળા એ વીંગમાંથી બહાર આવે છે.]
લીલાવતી :
|
તારા બાપાને સંભળાવ છ?
|
વિમળા :
|
બાપા સાંભળીને શું કરવાના હતા હવે?
|
વિમળા :
|
એણે તો મોટો ભણેલા-ગણેલાને જમાઈ કરી લીધો. મારી થોડું ભણેલીનું ઘર એ તો ભાંગી જ નાખશે ને?
|
લીલાવતી :
|
[નિઃશ્વાસ નાખી] ત્યારે તો કોઈને સંસારમાં સંતોષ જ નહિ ને? ક્યાંય મેળ જ ન મળે ને? [નિઃશ્વાસ નાખે છે.] જશુબેને ન પરણવામાં જ ડહાપણ દીઠું.
|
[ઓચિંતી હાકલ પડે છે : ‘કોના ઉંબરા ટોચવા ગઈ છે અત્યારે?’]
વિમળા :
|
અલી, તારા વર આવ્યા. ભાગ, ભાગ જલદી.
|
[લીલાવતી માથા પર સરખું ઓઢીને પાછી ચાલી જાય છે. વિમળા પણ અંદર જાય છે, એના સૂર નીકળે છે.]
[ગાન]
અમે રે લીલૂડા વનની ચરકલડી,
ઊડી જાશું પરદેશ જો!
દાદાને આંગણે આંબલો,
આંબલો ઘોર ગંભીર જો!
એક તે પાન મેં તોડિયું
દાદા ગાળ ન દેજો!
[સામેની વીંગમાંથી બે કાળાં કપડાંવાળા પુરુષો ગુપચૂપ સ્ટેજ પર દાખલ થાય છે. એ ગુંડાઓ છે. બન્ને દોડાદોડીમાં છે.]
પહેલો ગુંડો :
|
એ જ કે? ભારી ખૂબસૂરતી! યા અલ્લાહ!
|
બીજો ગુંડો :
|
હા, એ જ જશુડી. દોડ. પકડ જલદી. મોંએ ડૂચો મારી દેજે.
|
[બન્ને સામેની વીંગમાં દોડ્યા જાય છે. થોડીવારે નેપથ્યમાં ફડાફડીના અવાજ થાય છે : સાથોસાથ કોઈ બોલતું હોય એવું લાગે છે.]
“લેતો જા કમજાત! લેતો જા મારા પીટ્યા! તું ઘર ભૂલી ગયો.”
[એ અવાજ યશોધરાનો જ હતો. ગુંડાઓ ગયા હતા તે વીંગમાંથી પાછા અસ્તવ્યસ્ત સ્થિતિમાં સામી વીંગ તરફ દોડ્યા જાય છે.]
[વિમળાનું શોકાર્ત ગીત ફરીવાર સંભળાય છે.]
[ગીત]
અમે રે લીલૂડા વનની ચરકલડી
ઊડી જાશું પરદેશ જો!
આજ રે દાદાજીના દેશમાં,
કાલે જાશું પરદેશ જો!
દાદાને આંગણ આંબલો,
આંબલો ઘોર ગંભીર જો!
દૃશ્ય ત્રીજું
[પ્રભાતને સમયે : યશોધરાના ઘરના પાડોશમાં : યશોધરા ફળિયું વાળે છે. ગદાધર ઝારી વતી એ વાળેલી ભોંય પર પાણી છાંટે છે. માલતી તે ઉપર કંકુના સાથિયા પૂરે છે. ત્રણેય જણાં પ્રભાતિયું ગાય છે.]
[ગાન]
કેમ ઊભા છો, કેમ ઊભા છો, કેમ ઊભા છો રે,
વાણલા વાયાં તોય, ચાંદાભાઈ, કેમ ઊભા છો રે!
રાતરાણીના રાજવી રે તમે કેમ ઊભા છો રે
રાજ રોળાયાં તો ય, ચાંદાભાઈ, કેમ ઊભા છો રે.
— કેમ.
ભોગ લીધા ખૂબ ભોગવી રે હવે કેમ ઊભા છો રે,
તેજ હીણાયાં તોય, ચાંદાભાઈ, કેમ ઊભા છો રે,
— કેમ.
શીતલ, સૌમ્ય, કોમળા રે તમે કેમ ઊભા છો રે
આવિયો ભીષણ ભાણ : ચાંદાભાઈ, કેમ ઊભા છો રે,
— કેમ.
વંદના દેવા, વંદના દેવા, વંદના દેવા રે,
ભીષણ સૂરજ ભાણને મારી વંદના દેવા રે
એક ઘડી મને ઊભવા દેજો, વંદના દેવા રે!
ઊગતાને આથમતા કેરી વંદના દેવા રે!
[ગાતાં ગાતાં ગદાધર ને માલતી ચાલ્યાં જાય છે. પાસેના ઘરમાંથી એક આંધળી ડોશી લાકડીને ટેકે બહાર આવે છે.]
યશોધરા :
|
કાં માજી! સવાર પડ્યું? [એમ પૂછતાં પૂછતાં ડોશીના હાથ ઝાલી પંપાળે છે.]
|
ડોશી :
|
મારે તો, બેન, સવાર પડ્યું-ન પડ્યું બેય સરખું. મારે તો જશુબેન બોલે એટલે સોનાનો સૂરજ ઊગે.
|
યશોધરા :
|
હેં માજી, રાતમાં રોતાં’તાં કેમ?
|
ડોશી :
|
બાપા, ભાઈએ મિલના સંચામાં આંગળાં વાઢ્યાં ને એની નોકરી તૂટી ગઈ. હવે ખાવું શું? રળનારું કોઈ ન રહ્યું. [એમ કહીને ડોશી રડે છે.]
|
યશોધરા :
|
અરે બિચારા ભાઈ! રોવો મા, માજી, વહુને હું દડી કરતાં ને છાયલાં છાપતાં શીખવીશ.
|
ડોશી :
|
અરેરે બેટા! વહુ તો ગઈ.
|
યશોધરા :
|
[ચમકીને] ક્યાં ગઈ?
|
ડોશી :
|
શી ખબર, માડી! માણસ કહે છે કે મોટરમાં નાખીને કોઈક બે જણા લઈ ગયા. હવે મારું શું થશે, ભગવાન! ઘણુંય ગામડે સુખે ખેડી ખાતાં, પણ દરબારે જમીન આંચકી લીધી, ને અમને શે’રનો મારગ સૂઝ્યો. [રડે છે.]
|
યશોધરા :
|
માજી, તમે છાનાં રહો. મારામાં પ્રાણ છે ત્યાં સુધી તમને ભૂખ્યાં સૂવા નહિ દઉં હો! માજી! હું તમને કાલાંની ગાંસડી લાવી આપીશ ને તમે બેઠાં બેઠાં ફોલજો. હું પાછો કપાસ પહોંચાડીને તમારા પૈસા લઈ આવીશ.
|
ડોશી :
|
અહોહો, બાપા! અમારી આંધળાની લાકડી! તારો ગુણ ક્યારે ભૂલીશ?
|
યશોધરા :
|
માજી, ગુણ તો પ્રભુના ગાઈએ. તમે મુંઝાશો મા. [ડોશી ઘરમાં જાય છે અને યશોધરા બાજુની ઓરડીને બારણે જાય છે.]
|
યશોધરા :
|
ત્રિવેણીબેન! ઓ ત્રિવેણીબેન! કેમ છે?
|
ત્રિવેણી :
|
[બહાર આવીને] પાછો તાવ ચડ્યો છે. આજે રોટલા શી રીતે કરીશ? હમણાં એ બહારથી આવશે ને બિચારાં જીવ ખાશે શું? હજુ એનાં લૂગડાં યે ધોવાણાં નથી. મેલે લૂગડે ને ભૂખ્યે પેટે એ તો નોકરીએ ચાલ્યા જશે.
|
યશોધરા :
|
મારા ભાઈને ભૂખ્યા નહિ જવું પડે. મારે ત્યાં રસોઈ તૈયાર થઈ જશે. તમે મુંઝાશો મા. અને ભનુ ક્યાં?
|
ત્રિવેણી :
|
મારા હાથનો સૂંડલો એક માર ખાઈને.
|
ત્રિવેણી :
|
દૂધ દૂધ કરતો કજીયે ચડ્યો હતો તેથી દાઝ ચડી, બેન, શું કરું?
|
યશોધરા :
|
દૂધ તો મેં લાવી આપ્યું’તું ને?
|
ત્રિવેણી :
|
એ તો આપ્યું. પણ ચાખીને કહે કે એ તો ખાટું છે.
|
યશોધરા :
|
[સ્વગત] જે દેશમાં છોકરાં ભૂખથી ન સૂઈ શકતાં હોય તેથી એને મારીને સૂવાડી દેવાં પડે, એ દેશની કર્મકથની કોને જઈને કહેવી? ગામમાં હાંડા ને હાંડા દૂધ આવે, તેને કોણ તપાસનાર છે? છોકરાંનાં પેટમાં દૂધ નહિ પણ રોગ જ રેડાય છે. અને એવી કર્મદશા પણ આ દૂધ-ઘીની નદીઓવાળા દેશમાં! [પ્રગટ] હશે બેન, બીજું દૂધ લાવી આપું?
|
ત્રિવેણી :
|
બે જ પૈસા રહ્યા છે તે એની બીડીઓ લાવી આપજો.
|
યશોધરા :
|
દૂધ કરતાં બીડી વધુ જરૂરની?
|
ત્રિવેણી :
|
શું થાય, બેન! પુરુષોને તો બાર કલાક કારખાનામાં કામ કરવું પડે. તેથી થાક ઉતારવા માટે જોઈએ જ ને? દૂધ વગર છોકરાં ક્યાં મરી જાય છે?
|
યશોધરા :
|
સાચું! સાચું! મરતાં નથી પણ જીવતાં મરેલાં જ છે. લાવો તમારી શીશી, દવા લાવી દઉં.
|
[શીશી લઈને યશોધરા જાય છે. પાસેના ઘરમાંથી લીલાવતીને બોલાવે છે.]
[લીલાવતી, ચાલ દવાખાને.]
[લીલાવતી બારણામાંથી ડોકાઈને મૂંગી ના પાડે છે. લીલાવતી નાક પર આંગળી મૂકીને યશોધરાને ચૂપ રહેવા વિનવે છે. હાથ જોડીને પગે લાગે છે. મૂક સંગીતમાં ‘અમે રે લીલુડા વનની ચરકલડી’નું ગીત ગુંજે છે.]
દૃશ્ય ચોથું
[દીવાનની ખાનગી બેઠક : દીવાન ખુરસી પર બેઠા છે. સામે યશોધરા ઊભી છે.]
દીવાન :
|
તારું નામ યશોધરા?
|
દીવાન :
|
તું હમણાં હમણાં બહુ તોફાનો મચાવે છે, એવો તારી સામે મારા તમામ ખાતાંનો પોકાર છે, બાઈ!
|
યશોધરા :
|
આપ જેને તોફાનો કહો છો તેને હું ફરિયાદો કહું છું, સાહેબ.
|
દીવાન :
|
ગઈ કાલે તેં દવાખાનાના કંપાઉન્ડરને છૂટી શીશી મારી, માથામાં જખમ કર્યો, એ વાત સાચી છે કે નહિ?
|
યશોધરા :
|
હા, અને એ નિર્દય માણસે એક નાના બાળકની જનેતાનો જીવ લીધો તે વાત પણ સાચી છે.
|
દીવાન :
|
જીવ લીધો? શી રીતે?
|
યશોધરા :
|
પૈસા વગર દવા ન મળવાથી મારી બચ્ચરવાળ પાડોશણ ન્યુમોનિયામાં સપડાઈ મરી ગઈ; અને છોકરું પણ મુવેલી માતાની છાતી ચૂસતું ચૂસતું ઉકલી ગયું.
|
દીવાન :
|
એટલા માટે જ તેં શીશીનો ઘા કર્યો?
|
યશોધરા :
|
હા જી, મારાથી ઉગ્ર બની જવાયું! એ તો એ લાગનો જ હતો. પણ હું મારા માટે શરમ પામું છું.
|
દીવાન :
|
પરમ દિવસે તેં માણેકચોકના મેમણને કેમ છૂરી મારી?
|
યશોધરા :
|
પુરુષો જે સાંભળતાં કે આચરતાં નથી લાજતા, તે હું અબળા, કહેતાં લાજી મરું છું. મહારાજ, તમે કલ્પી લેજો.
|
દીવાન :
|
બાઈ, રાજ્ય કરવામાં કલ્પના ન ચાલે. સ્પષ્ટ બોલો.
|
યશોધરા :
|
સાંભળો ત્યારે; ફળિયાની નિરાધાર પાડોશણ છે: એના દીકરાનાં આંગળાં કપાયાં એટલે મિલમાંથી એને રજા મળી છે. એ ડોશી માટે મેં ઘરહુન્નર ગોત્યો અને મેમણની દુકાને દડિયો કરવાનાં આંટલાં લેવા હું જતી. મેમણે મારા ઉપર કુદૃષ્ટિ કરી; એનો જવાબ મેં ચાકુથી વાળ્યો.
|
દીવાન :
|
તો તમારે પોલીસમાં ફરિયાદ કરવી હતી.
|
યશોધરા :
|
ફરિયાદ! બધી વાતમાં બસ ફરિયાદ જ કર્યા કરવી? અબળા જાત ફરિયાદ કરવા જઈ શકે એવો શું આંહીં સતજુગ ચાલે છે, મહારાજ? અને અબળાનું જીવતર એ શું રૂપિયાની થેલી છે, કે ફરિયાદ કર્યે પાછી મળે?
|
દીવાન :
|
જોઈએ તારું ચાકુ? કેવડુંક ચાકુ રાખે છે? કાયદેસરની લંબાઈ-પહોળાઈ છે કે નહિ?
|
યશોધરા :
|
[શરમાતી] ચાર આનાનું ચાકુ છે. [ગજવામાંથી કાઢીને ટેબલ પર ધરે છે.]
|
દીવાન :
|
તારા ગુન્હાની ગંભીરતા કાયદો કંઈ ચાકુની થોડી-ઝાઝી કિંમત પર નહિ આંકે. સારું થયું કે એ મેમણે ફરિયાદ ન કરી.
|
યશોધરા :
|
ઊલટાનો એ ફરિયાદ કરે?
|
દીવાન :
|
હા, અને તું તહોમતદાર બની પકડાય. પછી તો તારે જ સાબિત કરી દેવું પડે કે તેં ચાકુ તારી આત્મરક્ષા સારુ માર્યું કે ફક્ત ચાકુની ધાર તપાસવા સારું કે કીનો લેવા સારુ.
|
દીવાન :
|
હા, એવો કાયદો. તારે તો સાક્ષી-પુરાવા પણ રજૂ કરવા પડે.
|
યશોધરા :
|
તો તો એવો કાયદો ફેરવવો જોઈએ.
|
દીવાન :
|
હા એ તો તારા જેવાં મોટાં ટોળાં મળશે ત્યારે કાયદો ફરશે જ ના? પચીસ-પચાસનાં પેટ ફાડીને તમારે જેલમાં જન્મટીપ ભોગવવી પડશે! અને તેં રેલ્વે સ્ટેશન પર શી ધમાલ મચાવી હતી હમણાં?
|
યશોધરા :
|
મહારાજ! જ્યાં જુઓ ત્યાં સ્ત્રીજાતિનું લોહી હળવું દેખાશે. બે બચ્ચાં કેડમાં લઈને એક બાઈ ધારાનગર જતી હતી. એનો જુવાન છોકરો ત્યાં મરણ-પથારીએ પડ્યો હતો. બાઈ ગાડી ચૂકે તો દીકરાનું મોઢું ન ભાળે, વખત ભરાઈ ગયો. ટિકિટની બારી પણ ગાડી આવી ત્યારે જ ઊઘડી; અને પછી ટિકિટ-માસ્તર કહે કે સળંગ ટિકિટ ન દઉં. એ બાઈના કાલાવાલા કાને પડત તો તમે પણ રડી જાત, મહારાજ!
|
દીવાન :
|
અમે રડીએ તો રાજ ન ચાલે. હાં પછી શું થયું?
|
યશોધરા :
|
પછી શું? મેં ટિકિટ-માસ્તર સાથે વળીને તેને સળંગ ટિકિટ અપાવી. બીજી બાજુ એક કોળી જાતની બાઈ ડબાને બારણે બારણે’ પણ ઉતારુઓ ‘ઢેઢ! ઢેઢ! કહીને ધક્કે મારે. ત્રીજી બાજુ પોલીસના સાહેબનો સરસામાન ભરવા સારુ રેલ્વેવાળા અંતરિયાળથી ઉતારુઓને ઉતારી મેલી એક ડબા ઉપર ‘રિઝર્વ્ડ’ પાટિયું મારવા આવ્યા.
દીવાન : અને તમે પાટિયું ફેંકી દીધું?
|
દીવાન :
|
[સ્વગત] રૈયતમાં આવી તાકાત જાગે, તો રાજ્યનો કારભાર નિર્મળ ને સરલ થઈ જાય! [પ્રકટ] અને તમે ઇજનેરનું અપમાન શા સારુ કર્યું?
|
યશોધરા :
|
અપમાન નથી કર્યું, આજીજીઓ કરી છે. મહારાજ, તમારાથી એ બધું નહિ સમજાય. ફક્ત ચાર જ દિવસ મારાં બાસાહેબને મારે ઘેર રહેવા મોકલો. પછી એને જાણ થશે કે આ રાજ્યની અબળાઓને ન્હાવાધોવાનાં, પેશાબઝાડે જવાનાં અને અસૂર સવાર બહાર નીકળવાનાં શાં શાં સંકટો છે. એને એ સમજાશે. આપને નહિ સમજાય. આપ પુરુષ છો.
|
દીવાન :
|
અમે પુરુષ થયા એ શું અમારો અપરાધ છે?
|
યશોધરા :
|
ના, અમારાં હતભાગ્ય છે.
|
દીવાન :
|
ઠીક, જાઓ, કજિયા કરશો નહિ.
|
યશોધરા :
|
મારાં બાસાહેબને તેડવા ક્યારે આવું?
|
દીવાન :
|
[હસીને] એ હું કહેવરાવીશ, જાઓ. [યશોધરા જાય છે.]
|
દીવાન :
|
[સ્વગત] કેવી પ્રતાપવંત કુમારિકા! મને મારી મરી ગયેલી દીકરી સાંભરે છે.
|
દૃશ્ય પાંચમું
[રાત્રી લીલાવતીનો પતિ ખભે કોટ નાખી અને ટોપી હાથમાં રાખી ચાલ્યો જાય છે. એના મોં પર વેદના છે. લીલાવતી પાછળ પાછળ આવે છે. શેરીને ખૂણે ઊભી રહી ધીરે સ્વરે બોલાવે છે.]
લીલાવતી :
|
એક વાર ઊભા રહેશો?
|
પતિ :
|
[પાછળ ફરીને] કેમ? શું છે? અત્યારે બહાર દોડ્યાં અવાય? ઘરમાં મહેમાનો છે એટલું તો સમજ.
|
લીલાવતી :
|
તમે ક્યાં જાઓ છો?
|
પતિ :
|
આપઘાત કરવા નથી જતો કંઈ! નદીકિનારે જઈને બેસવું છે. માથું તપે છે.
|
લીલાવતી :
|
મને તેડી જશો? મારું મન બહુ મુંઝાય છે.
|
પતિ :
|
જરા વિચાર રાખ. બા-બાપુ ઘરમાં છે. મહેમાનોનું ટોળું છે.
|
લીલાવતી :
|
અત્યારે ન જાઓ તો?
|
લીલાવતી :
|
મારો જીવ જંપતો નથી. તમે બેસો તો હું તમારા ખોળામાં થોડુંક રડી લઉં. મને રડવાનું મન થાય છે. નહિ રડું તો હિસ્ટેરીઆ આવશે.
|
પતિ :
|
હિસ્ટેરીઆને તો મારે ક્યાં બોલાવવા જવું પડે તેમ છે? દિવસમાં દસવાર ભૂસ્કા ખાઓ છો. સારું! ખાઓ! હું દ્યાં સુધી પંપાળું? સહુ મારો જીવ લેવા શીદ ફરો છો?
|
[પતિ ચાલ્યો જાય છે. લીલાવતી વીંગ ઝાલીને ઊભી રહે છે. પતિની પાછળ તાકી રહે છે. માથું ઢાળી જાય છે. ‘અમે રે લીલૂડા વનની ચરકલડી’ એ વિમળાનું ગીત વાગે છે. ધીરે ધીરે લીલાવતી વીંગની પાછળ વળી જાય છે.]
દૃશ્ય છઠ્ઠું
[પ્રભાત : યશોધરાના ઘરનો ઓરડો : યશોધરા એકલી અગરબત્તી પ્રગટાવીને નિરાકાર દેવની પ્રાર્થના કરે છે.]
:પ્રાર્થના-ગાન :
રમ્ય મૂર્તિ નાથની શી દૃષ્ટિએ તરી રહી!
દિવ્ય કાંતિ કાંત કેરી હૃદયમાં રમી રહી —
[અવાજ ઊંચો ચઢાવે છે.]
જોઉં વાયુમાં ઊડન્તી;
જોઉં વારિમાં તરન્તી;
આસપાસ એ હસન્તી,
જહિં તહિં વિલસી રહી.
[મોં ઉપર હાથ ફેરવીને કંઈક ભૂંસવા મથે છે, ફરી ગાય છે.]
રમ્ય મૂર્તિ નાથની —
યશોધરા :
|
[ગાતી અટકી જઈ] ના, ના, આજે ભજન જામતું નથી. નાથની રમ્ય મૂર્તિ આજે દૃષ્ટિએ નથી તરવરતી.
|
[આંખો ચોળીને]
ઓહ! મારો આત્મસંતોષ આ અગરબત્તીના ધુમાડામાં ગળી ચાલ્યો જાય છે.
મને શું યાદ આવે છે —
[થોડી વારે]
હાં, મારી દૃષ્ટિએ સોનાનો કટકો તરવરે છે : આજે સાંજે મને સુવર્ણચંદ્રક આપવાના છે, એ તરવરે છે. ગવર્નર મહેમાન છે, તેમને હાથે ચંદ્રક મળવાનો છે મને.
[થોડી વાર થંભે છે. પછી બોલે છે.]
મને અનાથ-આશ્રમ સોંપાશે. હું શેરીના જીવનમાંથી દૂર પડી જઈશ. વિમળા! લીલાવતી! ત્રિવેણીબહેન! તમે બધાં મને રોકી રહ્યાં છો, ખરું? મારી આડે ફરી ઊભાં છો.
[થંભે છે. આંખો બીડે છે.]
મારે તો શેરીમાં જ, શેરીની ગંદકીમાં જ, શેરીનાં સુખદુઃખને જ ખોળે મરવું હતું.
[ઘરમાં કોઈનો ઓળો પડે છે. યશોધરા ચમકે છે.]
[છાપાનો રીપોર્ટર પ્રવેશ કરે છે. નાક પર ચશ્માં : હાથમાં નોટ અને ફાઉન્ટનપેન : લખવાની શરૂઆત જ કરતો હોય એવો સુસજ્જ દમામ.]
રીપોર્ટર :
|
જી, એ તો હું ‘ઝગઝગાટ’ પત્રની ઑફિસમાંથી આવું છું. અમારે આપનું જીવનચરિત્ર આલેખવું છે. આપ કહેતા જાઓ, હું ટપકાવી લઉં.
|
યશોધરા :
|
ભાઈ, મારી કને લખાવવા જેવું કશું જ નથી.
|
રીપોર્ટર :
|
એ આપની નમ્રતાનો ગુણ છે. થોડુંક તો કહો! રંગો તો અમે અમારી મેળે જ પૂરી લેશું.
|
યશોધરા :
|
ભાઈ, મને ક્ષમા કરો. મને અત્યારે ઠીક નથી.
|
રીપોર્ટર :
|
આપનો એકાદ ફોટોગ્રાફ —
|
રીપોર્ટર :
|
બ્લૉક બનાવીને ‘ઝગઝગાટ’ને પહેલે પાને ‘વિનયવંત વીરાંગના’ નામથી છાપશું.
|
યશોધરા :
|
હું જોઉં, મારી એક જૂની છબી છે. [શોધવા ચાલે છે. પાછી થંભે છે.] ભાઈ, હું ભૂલી. મારી પાસે છબી નથી.
|
રીપોર્ટર :
|
આપ બહાર આવો તો હું જ આપનો સ્નૅપ લઈ લઉં.
|
યશોધરા :
|
ભાઈ, અત્યારે તો તમે જાઓ. મારે શાંતિની જરૂર છે.
|
રીપોર્ટર :
|
આપ આવાં શરમાળ રહેશો તો જાહેર જીવનમાં કામ શી રીતે કરશો? જરી માથું ઊંચકો, માથું ઊંચકો, બહેન! તમારે ખાતર નહિ, પણ સ્ત્રીજાતિને ખાતર, દેશને ખાતર, જગતને ખાતર —
|
યશોધરા :
|
ભાઈ, હવે તમે જાઓ, હું ક્ષમા માગું છું.
|
[રીપોર્ટર જાય છે. જતો જતો —]
રીપોર્ટર :
|
[સ્વગત] છ મહિના પછી એ-ની એ યશોધરા છાપામાં સામેથી દોડી આવશે. આજ છો ચમકતી! [ચાલ્યો જાય છે.]
|
યશોધરા :
|
[એકલી પડીને] મને કેવી ફાળ પડી! જાણે લીલાવતીના દેહનો ઓળો પડ્યો એવું લાગ્યું. મને હવે એમ થાય છે, કે આજ સવારે મેં લીલાવતીને કેમ મારી પાસે ન બોલાવી? એને પંપાળવાનું મને કેમ ન સૂઊયું? હું હમણાં જ એને બોલાવી લઉં. [યશોધરા ઊઠે છે. ત્યાં તો ફરીને બારણું ઊઘડે છે. મહિલાસમાજનાં પ્રમુખ શરદગૌરી પ્રવેશ કરે છે.]
|
શરદગૌરી :
|
કેમ યશોધરાબહેન! તમારું ભાષણ તૈયાર છે ને? હું તમને બરાબર પોણાત્રણ વાગ્યે મારી ગાડી લઈને લેવા આવીશ; ભાષણ તૈયાર જોઈએ, હાં કે? અને કૃપા કરીને આજ તો આ મારી સાડી પહેરજો. [સાડી આપે છે.] કંકુનો ચાંદલો પણ કરજો. તમારા રોજના ઢંગ નહિ ચાલે. લ્યો, જે જે, આવું છું ત્યારે. અત્યારે તો મારે હજુ ઘણે ઠેકાણે નિમંત્રણો વહેંચવા જવું છે. કોણ જાણે ક્યારે જમવા ભેગી થઈશ! મારો બાબો પણ હવે તો જાગીને રડતો હશે! લ્યો, જે જે! [ચાલી જાય છે.]
|
યશોધરા :
|
[સ્વગત] કેવી લલચામણી છે આ સેવાજીવનની ઉપલી શોભા! અનાથ-આશ્રમના બંગલામાં વસવું, ઘોડાગાડી, નોકરો, મોટી ઓળખાણો, ભાષણો, છાપામાં છબીઓ — શેરી માતા! અહીં જ ક્યાંક સંઘરને મને! લીલાવતીને હું શી રીતે છોડીશ? એનો વર એને સાચવી જાણતો નથી. એ છોકરી મને એવી તો વીંટળાઈ છે. જેવી વેલી વાડ્યને વીંટળાય. એનું મોં આજે કેવું પડી ગયું હતું! પોચી પોચી ગાભા જેવી બાપડી! મને ચંદ્રક મળશે, ને એને જાણે સગી મા જતી રહેશે!
|
[નેપથ્યમાં કારમી ચીસો : ‘બળું છું! બળું છું : દોડજો! દોડજો!’ યશોધરા ચમકે છે. ગદાધર દોડતો આવે છે.]
ગદાધર :
|
[હાંફતો] જશુબેન! ઓ જશુબેન! લીલાબેન સળગી જાય. દોડો દોડો!
|
[દોડતો બહાર ચાલ્યો જાય છે.]
યશોધરા :
|
લીલાવતી સળગી! હો પ્રભુ! આખરે સળગાવી! દોડો! દોડો!
|
[યશોધરા દોટ કાઢે છે. નેપથ્યમાં કોલાહલ થાય છે. થોડીવારે ગદાધર દોડતો આવે છે દોડતો દોડતો બૂમો પાડે છે.]
ગદાધર :
|
માલતી! ઓ માલતી! આપણે રઝળી પડ્યાં.
|
[રડે છે.]
માલતી :
|
[દોડતી આવે છે.] કેમ, વીરા! શું છે? શું છે, ભાઈ! [બાઝી પડે છે.]
|
ગદાધર :
|
લીલાબેન સળગ્યાં તેને ઓલવવા જતાં. ઓ મારી બેન! [રડે છે, દોડે છે.]
|
માલતી :
|
છાનો રહે, વીરા! ચીસો પડાય? ચાલ, ક્યાં છે જશુબેન? [જાય છે.]
|
[થોડી વારે સામેથી જ બે ખાટલામાં બે દાઝેલી સ્ત્રીઓને લાવવામાં આવે છે. એક યશોધરા છે. બીજી લીલાવતી છે. બન્ને હજુ જીવે છે. પોલીસ ફોજદાર લીલાવતીના પતિને હકીકત પૂછે છે.]
પહેલો સિપાઈ :
|
સાહેબ, આ પેલી બળતી હતી તે સ્ત્રી લીલાવતી, અને તેને બચાવવા જતાં પોતે સળગી ગયેલ આ બાઈ યશોધરા.
|
બીજો સિપાઈ :
|
અને આ લીલાવતીનો પતિ, સાહેબ!
|
ફોજદાર :
|
આ બાઈ તમારે શું થાય?
|
લીલાવતીનો પતિ :
|
મારી સ્ત્રી હતી.
|
યશોધરા :
|
[વેદનાભરપૂર સ્વરે] હતી! ઓ! બસ હતી કે?
|
ફોજદાર :
|
તું શાંત રહે, બાઈ. હાં, તે એ શી રીતે સળગી?
|
પતિ :
|
[ઠંજે કલેજે] પ્રાઇમસ સળગાવતા જતાં સાડલો દાઝ્યો જણાય છે.
|
ફોજદાર :
|
[લીલાવતી પ્રત્યે] હેં બાઈ! તું શી રીતે સળગી?
|
લીલાવતી :
|
એ સાચું કહે છે. હું પ્રાઈમસ....
|
યશોધરા :
|
[પથારીમાંથી જોર કરીને બેઠી થઈ] જૂઠું! જૂઠું! જૂઠું! હું ઓલવવા ગઈ ત્યારે આ પિશાચો ઊભાં હતાં. બાઈ દોડતી હતી. પણ એ ઓલવવા ય નહોતાં જતાં. ઓ! જૂઠી વાત! કાલે સાંજે એ પાણી ભરવા જતી હતી ત્યારે પણ રડતી હતી. મારી ભીંતે ઊભીને મને કહેતી હતી કે ‘જશુબહેન! આવજો!’
|
લીલાવતીનો પતિ :
|
એ બાઈ નકામી લવરી કરે છે. આપ જુઓ, પ્રાઈમસ ત્યાં જ પડ્યો છે.
|
યશોધરા :
|
ફોજદાર સાહેબ, એ પાછળથી મૂકેલો છે. એ બધી કપટજાળ છે. લીલીને રોજ માર પડતા. એના રુદન સાંભળી અમે પણ સૂઈ નહોતાં શકતાં. ઓહ!
|
લીલાવતી :
|
જશુબેન, શા સારુ મારી છેલ્લી ઘડી બગાડો છો? ઓ...હ!
|
યશોધરા :
|
લીલાવતી, તું સાચું કહે છે. આ ધમપછાડા મૃત્યુને આરે શોભતા નથી. હું પામર છું તારી સરખામણીમાં, બહેન! મારો મોહ ભેદાતો નથી હજુ. ઓહ! ઓહ! ઓહ! —
|
લીલાવતી :
|
રામ! રામ! રામ! કરો — જશુબેન! આપણે સાથે જઈએ છીએ.
|
યશોધરા :
|
લીલી, મને આજ સાચા સુવર્ણચંદ્રકો મળ્યા. ઈશ્વરી ચંદ્રકો. ઓ-હો-હો—
|
યશોધરા :
|
લીલી, તારા વરને ક્ષમા આપ. અત્યારે કંજૂસ બનીશ ના, બહેન!
|
લીલાવતી :
|
એમને ય ક્ષમા — સહુને ક્ષમા —
ગદાધર ને માલતી દોડતાં આવે છે. યશોધરાની પાસે ઘૂંટણભર બેસે છે. ડુસકો ભરે છે.]
|
યશોધરા :
|
[ગદાધરને પંપાળતી ધીરે ધીરે] ગદુ! રડાય, ગાંડા? હનુમાનજતિ બનવાની હોંશવાળો ભાયડો રડે કે? જો રડીશ ને, તો તને હનુમાનજી જેવી પૂંછડી ઊગશે હો પોતે વેદનામાં પણ હસવા યત્ન કરે છે.]
|
[ગદાધર રડતો રડતો હસી પડે છે.]
યશોધરા :
|
[ધીરા પડતા સ્વરે] હાં, હવે બહાદુર ખરો... જો મોટો થજે,...... ઈજનેર બનજે,...... શહેરમાં પાણીની ટાંકી બાંધજે...... મોટું સરોવર કરાવજે. પછી મને એ સરોવર ખુલ્લું મૂકવા બોલાવજે, હો ગદુ! ઓહ — ઓહ — ઓહ —
|
ગદાધર :
|
[યશોધરાની સામે અશ્રુભરી તોયે પ્રસન્ન દૃષ્ટિથી [નિહાળતો] જશુબહેન, મને આટલું બધું આપ્યું, હવે માલતીને ય કંઈક આપો.
|
યશોધરા :
|
[બીજો હાથ પસારતી ક્ષીણ કંઠે] માલતી ક્યાં? હવે મારી આંખો દેખી શકતી નથી. માલતી! [માલતીના માથા પર અડકીને] આ રહી. માલતીને તો હું એના અંબોડાથી યે ઓળખી પાડું. માલતી, તને શું આપું? આપું? ઝીલી શકીશ? ધગધગતા અંગાર આપું છું, હો! માલતી, સરસ્વતી બનજે! ને નટી બનવું પડે તો નટી બનજે, પણ—પણ—પરણીશ નહિ, લગ્ન કરીશ નહિ. ઓહ! ઓહ! ઓહ!
|
યશોધરા :
|
લીલાવતી! તારું વહાલું ગીત — [ગાવા પ્રયત્ન કરે છે.] અમે રે–લી–લૂ–ડા–વન–ની ચરક–લ–ડી–ઉ–ડી–જા–શું પરદેશ—જો! ઉ–ડી–જા–શું. [સ્વરો તૂટે છે.યશોધરા લીલાવતીનાં શરીર પર પોતાનો હાથ ઢાળે છે. સ્તબ્ધ બને છે. [સહુ માથાં ઢાળી જાય છે.]
|
[દાક્તર, દીવાન, ઈજનેર, પોલીસ અધિકારી વગેરે રાજપુરુષો શાંત પગલે પ્રવેશ કરે છે. દાક્તર હળવે પગલે યશોધરાના દેહ પાસે જાય છે. નાડી તપાસે છે. દીવાનની સામે જોઈને માથું ધુણાવે છે. સહુ હાથ જોડી ઊભા રહે છે.]
દીવાન :
|
[ધીરગંભીર અવાજે] અધિકારી બંધુઓ! જીવી ત્યાં સુધી એ આપણી ચોકીદાર હતી. મુવેલી હવે એ આપણી પુત્રી બની. આજ સાંજની સભા, ઉત્સવ-સભા મટીને સ્મરણ-સભા બનશે. મારે કરવાની જાહેરાત હું ત્યાં કરીશ. યશોધરાને હું નહિ મરવા દઉં. એ જીવશે – લોકહિતની આપણી જાહેરાતમાં. એના શબને હું વંદના દઉં છું. [વંદે છે.]
|
[સહુ વંદે છે. પડદો પડે છે.]