કંકાવટી મંડળ 2/અગતાની વાત

From Ekatra Wiki
Revision as of 11:41, 14 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અગતાની વાત|}} {{Poem2Open}} કણબીની ડોશી. એને સાત દીકરા : સાતેયને વહુવારુ. વહુઓને સાસુ દિવસ ને રાત ઘરનાં કામ ખેંચાવે. એકેય દા’ડાનો અગતો ન પાળવા દે. ન વિસામાનો શ્વાસ મૂકવા આપે. વહુઓ તો ગળે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અગતાની વાત

કણબીની ડોશી. એને સાત દીકરા : સાતેયને વહુવારુ. વહુઓને સાસુ દિવસ ને રાત ઘરનાં કામ ખેંચાવે. એકેય દા’ડાનો અગતો ન પાળવા દે. ન વિસામાનો શ્વાસ મૂકવા આપે. વહુઓ તો ગળે આવી ગઈ છે. વીફરી ગઈ છે કે, આપણે સાસુના માથાની થઈએ. બાઈજી! ઓ બાઈજી, અમે પાદર પાણી ગયાં’તાં, ત્યાં એક ગામોટ મળ્યો. એણે ખબર દીધા છે કે નણંદબા તો માંદાં પડી ગયાં છે. એને તો રોગ ઘેરાઈ ગયો છે. ડોશી તો હાંફળીફાંફળી થઈ છે. દીકરીને ગામ જવા નીકળી છે. વહુઓને કહેતી ગઈ છે : જોજો હો, છાશ ફેરવી નાખજો, માખણનો પિંડો તાવી નાખજો, દૂધનો પેડો કઢી નાખજો, છાણવાસીદાં કરી નાખજો, કોઠીમાં રૂ ભર્યું છે તે તમામ કાંતી નાખજો. એ….હો બાઈજી! સાસુ તો ગઈ છે. પછી વહુઓએ તો ચૂલે ખીરનો પેડો ચડાવ્યો છે. ઘઉંના લોટનો પિંડો બાંધ્યો છે. હાશ! આજ તો સાતેય જણીઓ પેટ ભરીને ખીર ને રોટલી જમશું. અને કોઠીના સાણામાં સૂતરનું એક આટલું ખોસી રાખો. દેખાડીને કહેશું કે આખી કોઠીનું રૂ કાંતીને ભરી વાળ્યું છે. સાંજ પડી ત્યાં તો સાસુ પાછી વળી છે. દીકરી તો રાતી રાણ જેવી હતી. દાઝેભરી ડોશી દોડતી આવી છે. એક વહુ પાણી ભરે છે. એણે બીજીને સાન કરી છે કે ડોશી આવે છે. બીજીએ ત્રીજીને, ત્રીજીએ ચોથીને, એમ ઠેઠ સાતમીને રાંધણિયામાં સંદેશો પહોંચાડી દીધો છે. ખીરનું પેડું છાણાંના મોઢવામાં સંતાડ્યું છે. સાસુને તો ફોસલાવી લીધી છે. કશું કળાવા દીધું નથી. પણ હવે ખીર–રોટલી ખાવાં કેમ કરી? રાત પડી છે. સાસુ સૂઈ ગઈ છે. એટલે વહુઓ ફળિયામાં આવી છે. ભેંસો અને ઘોડાં બાંધ્યાં હતાં. એક એક ભેંસ ઉપર એકએક વહુ ચડી ગઈ છે. કપડાંનાં કછોટા માર્યા છે. એકે માથા પર ખીરનું પેડું લીધું છે. પેડા ઉપર સળગતો દીવો મૂક્યો છે. ભેંસો ભડકી છે. ફળીમાં તો રમઝટ મચી છે. વહુઓએ દેકારો બોલાવ્યો છે. સૂતી સાસુ ઝબકી ઊઠી છે. બહાર નીકળીને જોવે ત્યાં તો ભેંકાર રૂપ ભાળ્યાં છે. ‘અરે માતાજી! કોણ છો તમે?’ ‘છીએ તારી કુળદેવ્ય!’ ‘તારે માથે શું?’ ‘હાંડી!’ ‘ખાઉં તારી ભેંસ ખાંડી!’ ‘અરે માતાજી, મારી ખાંડી ભેંસ તો સારામાં સારી. એને ન ખાજો.’ ‘મારા હાથમાં શું?’ ‘દીવો.’ ‘ખાઉં તારો દીકરો જીવો!’ ‘અરે માવડી! મારો જીવો દીકરો તો કમાઉ છે, એને ન ખાજો.’ ‘તારી હાંડીમાં શું!’ ‘ડોયો.’ ‘ખાઉં તારો દીકરો ગોયો.’ ‘અરે માતાજી! ગોયો તો મારો કમાઉ છોકરો. એને ખમા કરજો.” “નહિ ખમા કરીએ. નથી જાવું. તું અગતો નથી પાળતી!’ નથી પાળતી અગતો, નથી પાળતી સગતો! તો માર ડોસો હગતો! ડોશીનો ધણી તો હગવા બેઠેલો. એને એક વહુએ પાણો માર્યો છે. ડોસાએ આવીને કહ્યું કે, કુળદેવી રૂઠ્યાં છે. ઝટ એ કહે તે વાતની હા પાડી દે. કે માતાજી! જે જોવે તે માગીને હવે તમારે થાનક થાવ. અઢી શેર ઘી અઢી શેર ગોળ દે. ગોદડું ઓઢીને સૂઈ જા. જોઈશ તો આંખે આંધળી થઈશ. તારું કાત્યું વીંછ્યું કપાસ! ભેંસો હાંકીને વહુઓ તો ગામબહાર નીકળી ગઈ. ત્યાં પેટ ભરીને ખીર–રોટલી ખાધાં. ખાઈ કરીને પાછી આવીને ઘરમાં પેસી ગઈ. સાતેએ સંતલસ કર્યો : આપણે સૌ સવારે કામ લેતિયું ઊઠજો. એની મેળે જ ના પાડશે. સવારે ડોશી ઊઠે ત્યાં તો વહુઓ કામે વળગી ગયેલી. ડોશીએ કહ્યું : માડી! આજ કામનો અગતો. હવેથી આપણે અગતા પાળવા છે. તે દીથી ડોશીએ છૂટી રાશે વહુવારુને મૂકી દીધી!