શાહજહાં/ત્રીજો પ્રવેશ3

From Ekatra Wiki
Revision as of 12:58, 17 October 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ત્રીજો પ્રવેશ|'''અંક ચોથો'''}} સ્થળ : નાદિરાનો ઓરડો. સમય : રાત્રિ. [ખાટ ઉપર નાદિરા સૂતી છે. પાસે દારા બેઠો છે. બીજી બાજુ સિપાર અને જહરત.] દારા : નાદિરા! દુનિયાએ તો મારો સાથ છોડ્યો છે....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ત્રીજો પ્રવેશ

અંક ચોથો


સ્થળ : નાદિરાનો ઓરડો. સમય : રાત્રિ. [ખાટ ઉપર નાદિરા સૂતી છે. પાસે દારા બેઠો છે. બીજી બાજુ સિપાર અને જહરત.] દારા : નાદિરા! દુનિયાએ તો મારો સાથ છોડ્યો છે. પ્રભુએ પણ મને તજ્યો છે. એક તેં જ આટલા દિવસ સુધી મને છોડ્યો નથી ને આજ તું પણ છોડીને ચાલી! નાદિરા : નાથ, તમે મારે ખાતર બહુ બહુ સહ્યું. હવે — દારા : નાદિરા! દુઃખની આગમાં સળગતાં સળગતાં મારાથી તને કેટલાય બદસખૂનો કહેવાયા છે — નાદિરા : નાથ, તમારા દુઃખની હું ભાગીદાર થઈ એ જ મારું પરમ ભાગ્ય હતું. એ સદ્ભાગ્યની યાદ લઈને હું આજે પરલોકમાં ચાલી છું. સિપાર બેટા! માડી જહરત! હું જાઉં છું — સિપાર : તું ક્યાં જાય છે, અમ્મા! નાદિરા : ક્યાં જાઉં છું તે તો નથી ખબર. પણ મને લાગે છે કે જ્યાં જાઉં છું ત્યાં દુઃખ નહિ હોય, ભૂખ પ્યાસની જ્વાલા નહિ હોય, રોગ-શોક નહિ હોય, વેર-ઝેર નહિ હોય. સિપાર : તો તો અમેય સાથે આવશું, અમ્મા! ચાલો, બાબા! હવે તો આંહીં નથી સહેવાતું. નાદિરા : સહેવું નહિ પડે, બેટા! તમે સહુ જીહનખાંને આશરે બેઠાં છો. હવે દુઃખ નથી. સિપાર : આ જીહનખાં કોણ છે, બાબા? દારા : મારો એક જૂનો દોસ્ત છે, ભાઈ! નાદિરા : બેટા, એને તારા બાબાએ બે વાર મરતાં બચાવેલ છે, એટલે એ તમને બરાબર પાળશે. સિપાર : પણ મને તો એના ઉપર કદી જ પ્યાર નથી થવાનો. દારા : કેમ, સિપાર? સિપાર : એનો ચહેરો જ સારો નથી. હમણાં જ એ પોતાના એક ચાકરને ગુસપુસ કરીને કાંઈક કહેતા હતા. અને મારી સામે આમ કરીને એવી ત્રાંસી નજરે જોતા હતા, તે મને તો બહુ ડર લાગ્યો, અમ્મા! હું દોડીને તારી પાસે આવતો રહ્યો. દારા : સિપાર સાચું કહે છે, નાદિરા! જીહનના મોં પર મેં પણ એક કુટિલ હાસ્ય જોયું છે, ને એની આંખોમાં એક ખૂની ચળકાટ દેખ્યો છે. એના ગુપચુપ અવાજમાં મને લાગ્યું છે કે જાણે એ છરો સજી રહ્યો છે! તે દિવસ જ્યારે મારા કદમ પર પડીને એ પોતાનું જીવતદાન માગી રહ્યો હતો ત્યારનો ચહેરો જુદો હતો; અને આજનો ચહેરો પણ જુદો છે. આ નજર, આ અવાજ, ને આ હાવભાવ મને અજાણ્યાં લાગે છે. નાદિરા : છતાં પણ તમે તો એને બે વખત બચાવેલ છે; ને એ ઇન્સાન છે, સાપ નથી ને? દારા : ઇન્સાનનો ઇતબાર તો હવે ન હોય, નાદિરા! જોયું છે કે ઇન્સાન તો સાપ કરતાં પણ વધુ ઝેરી હોય છે. તેમ છતાં કોઈ વાર... કેમ નાદિરા! બહુ વેદના થાય છે? નાદિરા : ના ના, કાંઈ નથી. તમે મારી પાસે બેઠા છો ને વેદના કેવી! તમારી મીઠી નજરના અમૃતમાં તો મારી બધી વેદના પીગળી જાય છે. પણ હવે મારે ઝાઝી વાર નથી. સિપારને તમારા હાથમાં સોંપી જાઉં છું. જુઓ! બેટા સુલેમાનની સાથે ચાર આંખ ન થઈ શકી! ખુદા! [નાદિરા મૃત્યુ પામે છે.] દારા : નાદિરા! નાદિરા! ના! આખું શરીર ઠંડુંગાર! સિપાર : અમ્મા! ઓ અમ્મા! દારા : બત્તી બુઝાઈ ગઈ, બેટા! [જહરત પોતાની છાતીને જોરથી ચાંપી રાખી આકાશમાં એકીટશે તાકી રહે છે. ચાર સિપાઈઓ સાથે જીહનખાં દાખલ થાય છે.] દારા : કોણ છો તમે — અત્યારે આવીને આ જગ્યાને નાપાક કરનારા? જીહન : કેદ કરો. દારા : શું? મને કેદ કરવો છે જીહનખાં? સિપાર : [દીવાલ પરથી તરવાર ઉઠાવીને] કોની મગદૂર છે? દારા : બેટા સિપાર, તરવાર છોડી દે! આ બહુ પાક ઘડી જાય છે. આ મહા પવિત્ર તીર્થધામ છે. હજુયે આંહીં નાદિરાનો જીવ પાંખો ફફડાવી રહ્યો છે — દુનિયાનાં સુખદુઃખમાંથી વિદાય લેતો એક વાર એ ચારેય બાજુ છેલ્લી નજર ફેરવી રહ્યો છે. હજુ જન્નતની હુર એને આંહીંથી તેડી જવા આવી પહોંચી નથી. એ માટે એને છોડ ના! બેટા! મને કેદ કરવા માગો છો, જીહનખાં! જીહન : હા, શાહજાદા. દારા : ઔરંગજેબની આજ્ઞા છે કે? જીહન : હા, શાહજાદા. દારા : નાદિરા! સાંભળતી તો નથી ને! સાંભળતી ના, ધિક્કારથી તારી લાશ કાંપી ઊઠશે. તું ઈશ્વર ઉપર બહુ વિશ્વાસ કરતી’તી, ખરું ને, નાદિરા! જીહન : એને હાથકડીએ બાંધો. ને જો સામો થાય તો તલવાર ચલાવતાં પણ ન અટકશો. દારા : હું સામો નથી થતો. સુખેથી બાંધો. કશી અજાયબી નથી. હું તો આ તરેહની કંઈક ધારણાઓ બાંધીને જ આવેલ હતો. બીજો કોઈ હોત તો કદાચ બીજી જાતની ધારણ બાંધત એ કદાચ વિચારત કે આ કેવી ઘોર કૃતઘ્નતા! જેને મેં બબ્બેવાર બચાવ્યો છે એ મને દગલબાજીથી આશરો આપી કેદ કરે એ કેટલી ઘોર દુષ્ટતા! પણ મને એમ નથી થતું. હું જાણું છું કે દુનિયાની તમામ એકએક નેક પ્રવૃત્તિઓ પાપના ડરથી ધરતીની નીચે માથું છુપાવીને ચૂપચાપ રડે છે — ઊંચી નજર માંડવાની એને હિમ્મત નથી. હું જાણું છું કે દુનિયામાં હવે બધું પલટાયું છે. સ્વાર્થસિદ્ધિ ધર્મ બનેલ છે, બદમાશી નેકીમાં ખપે છે. ને ખુશામદ પૂજા મનાય છે. ખાનદાન પ્રવૃત્તિઓ બધી હવે જૂની થઈ ગઈ છે! સુધારાની રોશનીથી બિચારા ધર્મનો અંધકાર નાસી ગયો છે! અત્યારે તો એ ધર્મ કદાચ જે કાંઈ રહ્યો હશે તે ખેડૂતની ઝૂંપડીમાં કે ભીલ કોળીના કૂબામાં જ! કરો, જીહનખાં, મને કેદ કરો. સિપાર : તો મને કેદ કરો. જીહન : તને પણ નહિ છોડું, શાહજાદા! સુલતાનની પાસેથી મને મોટો સરપાવ મળવાનો છે. દારા : મળવાનો છે ને! કેમ ન મળે? આટલી ઘોર કૃતઘ્નતાનો સરપાવ ન મળે એમ તે કદી બને? મળશે. લખલૂટ દોલત મળશે. સામે અવતાર સાથે બાંધી જજે, ભાઈ! જીહન : હવે શી વાર છે — કેદ કરો! દારા : ખુશીથી કરો ના, આંહીં નહિ; બહાર ચાલો! આ સ્વર્ગની અંદર નરક શીદ ભજવવી! આટલો બધો નિયમભંગ આંહીં શા માટે? માતા વસુંધરા! આટલો બધો ભાર સહેવાય છે! હજુયે તું ચૂપચાપ સહી રહી છો! અલ્લાહ! હાથની અદબ ભીડીને તું પણ આ બધું ઠીક જોઈ રહ્યો છે! જીહનખાં, બહાર ચાલો. [બધા જવા તત્પર.] દારા : ઠેરો, એક અર્જ કરી લઉં, જીહનખાં! તું માન્ય રાખીશ? આ દેવીની લાશને લાહોર મોકલી દેજે! ને ત્યાં પાદશાહી પરિવારના કબ્રસ્તાનમાં જ એને દફન કરજે. કરીશ ને, ભાઈ? મેં તને બે વખત બચાવ્યો છે એના બદલામાં આટલી ભિક્ષા માગી લઉં છું. જીહન : જેવી આજ્ઞા, શાહજાદા! બાકી તો આ કામ ન કરું તો મારો માલિક ઔરંગજેબ કોપાય. એટલે લાચાર! દારા : તારો માલિક ઔરંગજેબ! હં! હવે મને લગારે આંચકો નથી રહ્યો. ચાલો — [ફરીને] નાદિરા. [એટલું બોલી પાછો ફરીને દારા નાદિરાના બિછાના પાસે ઘૂંટણ પર પડી બે હાથ વડે મોં ઢાંકે છે. પાછો ઊઠીને જીહનખાંને કહે છે.] દારા : જીહનખાં! [બધા બહાર જાય છે. સિપાર નાદિરાની લાશ જોઈને રડવા લાગે છે.] દારા : [ખિજાઈને] સિપાર! [સિપારનું રુદન ભયથી થંભી ગયું. બધા ચૂપચાપ બહાર ચાલ્યા ગયા.]