સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/રંગ છે રવાભાઈને!
રંગ છે રવાભાઈને!
ધરતીનાં અમી અને માણસાઈનાં પાણી હજુ શોષાઈ નહોતાં ગયાં તે સમયની આ વાત છે. સંવત ઓગણીસસો અને સોળનો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો. ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળી ભોમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળુ જુવાર અને રજકાની લીલી ઓઢણીમાં શીળપની લહેર માણતી હતી. કણબીની નાનકડી દીકરીઓ ગાજર, મૂળા કે મગની કૂણી શીંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મદઝરતે સાદે ગાતી હતી —
કિયા ભાઈના કૂવા કરે કીચુડિયા રે
કિયા ભાઈની વાડિયું લેરે જાય
આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!