સોરઠી બહારવટિયા ભાગ-2/‘દ્વારકા પાંજી આય!’

From Ekatra Wiki
Revision as of 10:03, 20 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘દ્વારકા પાંજી આય!’|}} {{Poem2Open}} આવા પૂર્વજોના છેલ્લા બે નેકીદાર વારસોની આ વાર્તા છે. સિત્તેર વરસ ઉપર ત્યાં અમરાપર નામે નાનું ગોકળિયું ગામડું હતું. આજે ત્યાં ગામનો ટીંબોયે નથી. ગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
‘દ્વારકા પાંજી આય!’

આવા પૂર્વજોના છેલ્લા બે નેકીદાર વારસોની આ વાર્તા છે. સિત્તેર વરસ ઉપર ત્યાં અમરાપર નામે નાનું ગોકળિયું ગામડું હતું. આજે ત્યાં ગામનો ટીંબોયે નથી. ગામની જગ્યા ઉપર જમીન ખેડાય છે, દ્વારકાથી દોઢ-બે ગાઉ જ આઘે. એ અમરાપર ગામમાં જોધો માણેક અને બાપુ માણેક નામના બે ભાઈઓ, ઓખામંડળના વાઘેરોમાં ટિલાત ખોરડાના બે વારસો, રહેતા હતા. રાજ તો ગાયકવાડ સરકારના હાથ ગયું છે, દ્વારકામાં પલટન પડી છે. ગામડે ગામડે પલટનનાં થાણાં થપાણાં છે. વાઘેર રાજાઓને ગાયકવાડે જિવાઈ બાંધી આપી છે, પણ હમણાં હમણાં તો અમરાપરવાળા ટિલાતોને જિવાઈ મળવીયે બંધ પડી. ગાયકવાડનો સૂબો બાપુ સખારામ મદછક બનીને દ્વારિકાના મહેલમાં બોલે છે કે : “કાય! વાઘેરાત મંજે કાય આહેત!” [શું છે! વાઘેર બાપડા શી વિસાતમાં છે?] એ ટિલાત ખોરડાની વાઘેરણો આજ પાદરેથી પાણીનાં બેડાં ભરી ઓસરીએ હેલ્યો ઉતારે છે, પણ એનાં મોઢાંની લાલી આજ નોખી ભાત બની ગઈ છે, મોઢાં ઉપર ત્રાંબાં ધગ્યાં દેખાય છે. ઓસરીઓમાં જ પોતાના ધણીઓ બેઠા છે, પણ મુખડાની લાલપનું કારણ પણ બાઈઓને કોઈ નથી પૂછતું. પરસેવે ટપકતી લાલ નેત્રોવાળી વાઘેરણો છંછેડાઈને બોલી : “અસાંજા થેપાડા આઈ પર્યો! અને હણેં આંજી પાઘડી અસાંકે ડ્યો!” [અમારા ઘાઘરા તમે પહેરો અને તમારી પાઘડી અમને આપો.] બેય ભાઈઓનાં મોં ઊંચાં થયાં. જોધાએ ધીરે અવાજે પૂછ્યું કે “આજે શી નવાજૂની છે વળી?” “નવું શું થાય? રોજે રોજ થઈ રહ્યું છે ને! રજપૂતોને પાદર મોરલા મરે, ને રજપૂતાણીયુંનાં બેડાં કાંકરીએ અંટાય : દાઢીમૂછના ધણીયું બેઠા બેઠા ઈ બધું સાંખી લ્યે કે!” “કોણે મોરલા માર્યા? કોણે કાંકરીયું ફેંકી?” “બીજા કોણે? દ્વારકાના પલટનવાળાઓએ.” જોધાએ શિર નીચે ઢાળ્યું. પણ બાપુને અને એના દીકરા મૂળુને તો ઝનૂન ચડવા લાગ્યું. ધીરી ધીરી ધમણની ફૂંકે ઓચિંતો ભડકો થાય તેમ ધીરે ધીરે વિચાર કરીને બાપ-દીકરો ભભૂકી ઊઠ્યા : “જોધા ભા! તોથી કીં નાંઇ થીણું. અસાંથી સેન નાંઈ થીંદો. દ્વારકા પાંજી આય, પલટણવારેજી નાય! પાંજી રોજી બંધ કરી છડ્યું આય! પાણ પાંજો ગામ ગીની ગીડો.” [તારાથી કાંઈ નથી થવાનું. અને હવે અમારાથી સહન નથી થતું. દ્વારકા આપણી — આપણા બાપની — છે, પલટણવાળાની નથી. શા માટે આપણી રોજી બંધ કરી? આપણે આપણું ગામ પાછું લેશું.] ‘દ્વારકા પાંજી આય!’ દેવળના ઘુમ્મટ જેવા જોદ્ધાના હૈયામાં પડઘો પડ્યો, ‘દ્વારકા પાંજી આય!’ ઓહોહોહો! કેવો મીઠો પડઘો! આખે શરીરે રોમરાઈ અવળી થઈ ગઈ. પણ ગરવો જોધો એ મમતાનો ઘૂંટડો ગળી ગયો. એવે ને એવે ધીરે અવાજે એણે ઉત્તર દીધો કે “ભાઈ! વસઈવાલેજા ચડાવ્યા મ ચડો. આજ પાંજે સેન કર્યા વન્યા બીયો ઇલાજ નાય. હકડી ઘડીમેં પાંજા ચૂરા થીંદા, અચો પણ રામજીભાજી સલાહ ઘીનું.” [ભાઈ! વસઈવાળા વાઘેરના ચઢાવ્યા ચડો મા. આજ આપણે સહન કર્યા વિના બીજો ઈલાજ નથી. એક ઘડીમાં આપણા ચૂરા થઈ જશે. ચાલો, આપણે રામજીભાની સલાહ લઈએ.] રામજી શેઠ નામે દ્વારકાનો ભાટિયો હતો. અમરાપરવાળા વાઘેરોનો એ સાચો ભાઈબંધ હતો. ડાહ્યા વેપારીએ આ ઉશ્કેરાયેલા બાપ-બેટાને ઠાવકી જીભે સલાહ આપી કે “ભાઈ, આજ લડવામાં માલ નથી. વસઈવાળાના ચડાવ્યા ચડશો નહિ.” રોજ રોજ પલટનવાળાઓની આવી છેડતી સાંખતા સાંખતા વાઘેર ટિલાતો બેઠા રહ્યા. પણ પછી છેવટે એક દિવસ સહન કરવાની અવધિ આવી ગઈ