સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/મોખડોજી

From Ekatra Wiki
Revision as of 09:36, 22 October 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મોખડોજી|}} {{Poem2Open}} ‘<big>લે</big>જે, મોખડા હડમાન, તારું દાણ!’ પેરંભ બેટને પડખે જે જે વહાણ નીકળે, તેના ખારવાઓ આવી રીતે એ ટાપુને અક્કેક નાળિયેર ચડાવે છે. ટાપુના ધણી મોખડાજીને મૂઆં છસો વર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મોખડોજી


લેજે, મોખડા હડમાન, તારું દાણ!’ પેરંભ બેટને પડખે જે જે વહાણ નીકળે, તેના ખારવાઓ આવી રીતે એ ટાપુને અક્કેક નાળિયેર ચડાવે છે. ટાપુના ધણી મોખડાજીને મૂઆં છસો વરસ વીતી ગયાં, પણ એની આણ દરિયા ઉપરથી હજી નથી ઊતરી. મોખડોજી રાણપુરવાળા રાણા રાણજી ગોહિલનો બેટો : માબાપનો રાજપાટનો જે દિવસ દાળોવાટો નીકળી ગયો તે દિવસ મોખડોજી નાની અવસ્થાએ સગાંવહાલાંમાં પરગામ મહાલતો હતો. બાપુનું રાજ બોળાણું. એટલે મોખડાનાં આપકર્મ ઝળઝળી ઊઠ્યાં. જોબન બેસતાં એની ભુજાઓ ફાટવા લાગી. ઉમરાળા ઉપર કોળીઓની આણ હતી તે ઉથાપી મોખડાજીએ સેજક કુળની આણ થાપી. અને દરિયાકાંઠાની ઊભી પટ્ટીએ સમશેર ખેલવતો આગળ વધ્યો. ખોખરાના ડુંગર વચ્ચે એના ઘોડાના ડાબા ગાજ્યા અને ઘોઘા બંદર ઉપર એણે નેજો ચડાવ્યો. ઘોઘાની સન્મુખ સમદર ગાજે છે. અને એનાં પાણીમાં વીંટાઈને એક ટાપુ પડ્યો છે. મોખડાની આંખ એ સાગરને ખોળે ઝૂલતી ધરતી ઉપર ઠરી. પૂછ્યું કે “એ બેટનું નામ શું?” “પેરંભ બેટ, બાપા!” લોકોએ હકીકત દીધી : “પણ ઉજ્જડ પડ્યો છે — ચુડેલું રાસડા લ્યે એવો!” “કાં?” “સાવજ રે’ છે ડાલામથ્થો. પેરંભ ઉપર આજે એ વનરાજનાં તખત છે. ઘાટી ઝાડી અને ઊંચાં ઘાસ ઊભાં છે. માંહીં માનવીની છાતી થર રે’ એવું નથી. લટાળો કેસરી લા નાખે ત્યાં પ્રાણ નીકળી જાય તેવો મામલો છે.” “તો એની લટાઉં ખેંચી કાઢીએ,” કહીને મોખડો ગોહિલ ભેળા ચાર-આઠ પટાધર રજપૂતોને લઈ ચાલ્યો; મછવો પેરંભને કાંઠે નાંગરી ઝાડીમાં પગલાં ભર્યાં. કહે છે કે ખાડી તરીને કાંઠેથી કેસરી પેરંભ બેટ જાતો. રોજ જઈને ભરખ કરતો, ભરખ કરીને પાછો વળતો. આજ એણે ઊંચા ઘાસની અંદર માનવીનો સંચાર સાંભળ્યો. એને મનુષ્યની ઘ્રાણ્ય આવી. એણે છલંગો મારી. ‘ઘે! ઘે! ઘે! ઘે!’ એ ત્રાડ ભેળી જ એક છલંગ : આઠેય અંગરક્ષકો અવળે મોઢે ઘાસમાં બેસી ગયા, અને એકલવાયા મોખડાએ સમશેરની ગાળાચી કરી. ડાબા હાથમાં ગેંડાની ઢાલ હતી તે માથા ઉપર ઓઢી લીધી. સાવજનો થાપો બરાબર એ ઢાલ ઉપર ઝીલ્યો તો ખરો, પણ શત્રુના અનોધા જોરની થપાટથી ડાબો હાથ ખળભળી પડ્યો. જુવાન મોખડાએ જમણી ભુજાથી સમશેર ઝીંકી; ઝીંકતાં અધ્ધરથી જ સાવજના બે નોખા કટકા થઈને નીચે પડ્યા. કેસરીને કેડથી જ નોખો કરી નાખ્યો હતો. સાવજ પડ્યો જાણી આઠેય રજપૂતો હોશિયાર બનીને ઘાસમાંથી ઊભા થયા. પણ મોં અવળાં હતાં તે સવળાં ફેરવવા જાય છે ત્યાં મોખડે હાક મારી : “હાં રજપૂતો! હવે એ-ને એ મોંએ સિધાવી જાઓ. હવે મને મોઢાં દેખાડવા ઊભા ન રે’શો, બાપ! રસ્તો મોકળો પડ્યો છે.” નમાલા સાથીઓને વળાવી મોખડે પેરંભનો ટાપુ પોતાના કબજે લીધો. રાજધાની સ્થાપી રૈયત વસાવી. દરિયાનું નાકું ઝાલીને ચાંચિયા ઉપર ચોકી કરવા માંડી. આવતાં જહાજો આગળથી પોતાનું દાણ લેવા લાગ્યો. મહાબળિયો મોખડો ‘હડમાન’ કહેવાણો. [1] જળથળ બેય ઉપર એની આણ વર્તવા લાગી.

“અરે, મારું દાણ હોય નહિ, હું દિલ્હીનો વેપારી. પાદશાહનો પટો લઈ દેશાવર ખેડનારો.” “તું ગમે તે હો, ભા! આંહીં તો રા’ ને રંક તમામનું દાણ લેવાય છે. આ દરિયાની અમારે ચૉકી છે. દાણ તો દેવું પડશે.” “તમને ભારે પડશે; હું પાદશાહનો વેપારી છું.” “તો પાદશાહનો કાગળ લઈ આવ, ભા! અને ત્યાં સુધી તારો માલ આંહીં અમે સાચવી રાખશું. ઉતારી નાખ કાંઠે.” “અરે, પણ મારા વહાણમાં ધૂળ જ છે, બીજું કાંઈ નથી.” “તોય જગાત તો લેશું.” દિલ્હીના સોદાગરે પોતાનાં વહાણમાં ભરેલી ધૂળ પેરંભ બેટમાં એક ખોરડાની અંદર ઠાલવી દીધી, અને મોખડા રાજા પાસે પહોંચ લખાવી લીધી. પહોંચમાં ‘ધૂળ’ લખાવ્યું હતું. હતી પણ ધૂળ જ. પહોંચ લઈને સોદાગર પાદશાહ પાસે જવા નીકળ્યો. આંહીં પેરંભમાં શું બન્યું? જે ખોરડામાં સોદાગરની ધૂળ ભરેલી એ ખોરડાની અડોઅડ એક જ પછીતે એક લુહાર લોઢું ઘડે. અડોઅડ જ એની ધમણ ધમાય અને ચૂલ ચાલે. લુહાર રોજ સવારે ઊઠીને ચૂલની રાખ કાઢે છે. અને રોજેરોજ એ રાખમાંથી એને સોનાની કટકીઓ જડે છે. લુહારને અચરજનો પાર ન રહ્યો. એણે મોખડા રાજાને જાણ કરી. મોખડાજી જોવા આવ્યા, ઝીણી નજરે જોયું. ચૂલની થડોથડ ભીંતમાં એક બાકોરું દીઠું. ઉંદરે ખોદેલા એ ભૉણમાંથી ઝીણી-ઝીણી રજ આવીને દેવતાથી ભરેલી ચૂલમાં ઝરી રહી છે. તપાસ કરતાં જાણ પડી કે આ તો દિલ્હીના સોદાગરની જ ઠાલવેલી ધૂળ. હાથમાં લઈને તપાસે તો અંદર સોનાની ઝીણી કણીઓ ઝગે છે. “આ તો ધૂળ નહિ; આ તો છે તેજમતૂરી. સોદાગર દાણની ચોરીએ આપણને છેતરી ગયો.” મોખડાજીએ એ તમામ રજ ગળાવીને સોનું પાડ્યું અને ખોરડામાં દરિયાની રેતી ભરી દીધી. સોદાગર પાદશાહનો રુક્કો લઈને આવ્યો. મોખડાજીએ રજા દીધી કે “તારી ધૂળ ઉઠાવી જા.” “આ ધૂળ મારી નહિ.” વાણિયો ચમકીને બોલ્યો. “કેમ ભા? તેં પહોંચમાં લખાવ્યા પ્રમાણે અમે ‘ધૂળ’ લખી દીધું છે. તારી ધૂળે ધૂળ લઈ જા.” “મારી હતી તેજમતૂરી.” “તો તેં કૂડું કાં લખાવ્યું?” “હું આંહીં ફોજ ઉતારીશ.” “તો અમે કળશિયો ભરીને ઊભા રે’શું.” વાણિયો ગયો. અને થોડે મહિને ફોજ ઊતરી. કેવી ફોજ ઊતરી?

  1. પહેલી આવૃત્તિમાં ‘વહાણોની લૂંટફાટ કરવાનો લોભ લાગ્યો’ લખેલ તે બરાબર નહોતું.