સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/આઈ કામબાઈ

From Ekatra Wiki
Revision as of 10:13, 31 October 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આઈ કામબાઈ|}} {{Poem2Open}} જાંબુડા ગામના ચારણો ઘોડાની સોદાગરી કરતા આઠ મહિના દેશાવર ખેડી ખેડી ચોમાસું ઘરને આંગણે ગાળતા. કંકુવરણી ચારણિયાણીઓ દુઝાણાં વાઝાણાં રાખીને ઘરનો વહેવાર ચલાવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આઈ કામબાઈ


જાંબુડા ગામના ચારણો ઘોડાની સોદાગરી કરતા આઠ મહિના દેશાવર ખેડી ખેડી ચોમાસું ઘરને આંગણે ગાળતા. કંકુવરણી ચારણિયાણીઓ દુઝાણાં વાઝાણાં રાખીને ઘરનો વહેવાર ચલાવતી, ઉનાળાની શીળી રાતે રોજ રોજ રાસડે ઘૂમતી અને ગામનાં, ગામધણીનાં, રામનાં ને સીતાનાં ગીતો ગાતી કે —


જામ! તારું જાંબુડું રળિયામણું રે
પરણે સીતા ને શ્રી રામ
આવે રાઘવ કુળની જાન. — જામ.

પ્રભાતનો પહોર ઉગમણી દિશામાં કંકુડાં વેરે છે. જાંબુડા ગામની સીમ જાણે કે સોને ભરી છે. તે ટાણે કામબાઈ નામની જુવાન ચારણી કૂવાકાંઠે બેડું ભરે છે. કાળી કામળીમાં ગોરું મોં ખીલી રહ્યું છે. ઉજાગરે રાતી આંખો હીંગળેભરી ભાસે છે. એની આંખો તો રોજની એવી રાતીચોળ રહેતી : લોક કહેતા કે “આઈ તો ચોરાશી લોબડિયાળી દેવિયું ભેળાં રાતે આભામંડળમાં રાસ માંડે છે. એટલે આઈની આંખ્યું રાતિયું રે’ છે.” રૂડાં માણસની ઉજાગરે ભરી આંખો રૂડપમાં ઉમેરો કરે છે. માટીના માનવી એ રૂડપના અંગારાને ગુલાબનાં ફૂલ સમજી દોથો ભરવા લોભાયાં છે; ને કંઈક કમતિયા દાઝ્યા છે. કૂવાને કાંઠે કામબાઈનું એવું નીતરતું રૂપ નીરખીને એક આદમી ચાલ્યો ગયો. આઈનું ધ્યાન તો સીંચવામાં છે. માથેથી કામળી ખંભે સરી પડી છે. કૂવાના નીરમાં પડછાયો દેખીને એને પોતાનો પરદેશ ગયેલો ચારણ સાંભરે છે. અષાઢની વાદળીઓ આભમાં બંધાતી આવે છે. મોરલા ગળકે છે.

“ગઢવો છે કે ઘરે? ઉઘાડજો!” સાંજની રુંઊ્યો રડી ને દીવે વાટ્યો ચડી તે ટાણે કામબાઈની ખડકી પર કોઈક અજાણ્યો ટૌકો પડ્યો. “ચારણ તો ભણે ગામતરે ગાં સૅ, બાપ!” એમ કહેતી ચારણીએ બારણું ઉઘાડ્યું. જુએ તો અજાણ્યો રાજવંશી પુરુષ : ભેળો એક આદમી : સવારે કૂવાકાંઠે નીકળેલો એ જ. “આઈ, આ જામ લાખો. આપણા નગરના ધણી. ગઢવાની હાર્યે એને આંતરે ગાંઠ્યું છે. જામનાં આદરમાન કરો આજ.” “ખમા બાપ! ક્રોડ દિવાળી — ” એટલું જ્યાં જુવાન ચારણી બોલે ત્યાં તો ઓસરીમાં ઢોલિયો પડેલો તે નોકરે ઢાળ્યો અને નગરનો રાજા લાખો તે પર બેસી ગયો; બેસીને બોલ્યો : “ભાભી! દેવતા લાવજો, હોકો ભરીએ.” ‘ભાભી’ શબ્દ સાંભળતાં તો ચારણીના માથામાં ચસકો નીકળ્યો. કોઈ કુહાડો જાણે લમણા પર પડ્યો. કોઈ દિવસ ‘ભાભી’ શબ્દ સાંભળવાનો એને અનુભવ નહોતો. દેવતા દીધો. બીજી વાર ‘ભાભી’ કહી દૂધ માગ્યું. કામબાઈની કાયા ધણેણી ઊઠી. દૂધ દીધું. ત્રીજી વાર ‘ભાભી’ કહી પાણી માગ્યું; અને ચારણીને એ વેણ ઠેઠ અંતરમાં ઊતરી ગયું. આંહીં ઢોલિયે બેઠેલ રાજાને રૂંવાડે રૂંવાડે કામ પ્રગટ થયો છે. વિકારના અંગારા બળે છે. “લે બાપ! તારે જે જોતું’તું ઈ બધું!” એમ અવાજ સંભળાયો. સન્મુખ આવીને ચારણી ઊભી રહી. કામળીમાં ઢાંકેલ એક થાળી હાથમાં લીધી છે. કાયા થરથર કંપે છે. “લે! લે! ઝટ!” એમ ફરી ત્રાડ પડી. “શું!” રાજા ચમકીને બોલ્યો. “તારે જોતું’તું ઈ બધું!” કહીને કામબાઈએ થાળી ઉઘાડી. “અરરર! આઈ!” લાખાનો સાદ ફાટી ગયો. થાળીમાં કાપેલા બે થાનેલા (સ્તન) દીઠા. “ના, ના, ભૂલ્યો! આઈ નહિ, ભાભી!” ચારણી આંખો ઘુમાવતી હસવા લાગી : “લે! લે! લે!” “એ આઈ! હું ભૂલ્યો! ઘર ભૂલ્યો!” રાજાએ હાથ જોડ્યા. “અરે હોય નહિ! આ લે! આ લે! આ લે!”