વેળા વેળાની છાંયડી/૨૧. મૂંગી વેદનાની મુસ્કરાહટ

From Ekatra Wiki
Revision as of 10:33, 31 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. મૂંગી વેદનાની મુસ્કરાહટ| }} {{Poem2Open}} થોડી વારમાં કીલાની જીભ એકાએક બંધ થઈ ગઈ તેથી નરોત્તમને નવાઈ લાગી. એણે પોતાના ભાઈબંધના મોઢા તરફ નજર કરી ત્યારે વધારે નવાઈ લાગી. કીલો મૂંગો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૧. મૂંગી વેદનાની મુસ્કરાહટ

થોડી વારમાં કીલાની જીભ એકાએક બંધ થઈ ગઈ તેથી નરોત્તમને નવાઈ લાગી. એણે પોતાના ભાઈબંધના મોઢા તરફ નજર કરી ત્યારે વધારે નવાઈ લાગી. કીલો મૂંગો થઈ ગયો હતો એટલું જ નહીં, એના રમતિયાળ ચહેરા ઉપર ગજબની ઉદાસી છવાઈ ગઈ હતી. એની આંખો સેંકડો શ્રોતાઓની આરપાર થઈને સીધી સાધ્વીજી ઉપર જ કેન્દ્રિત થઈ હતી. એ અનિમિષ નજરમાં કયો ભાવ હતો ? સાધ્વીજી પ્રત્યેનો પૂજ્યભાવ ? સંસારત્યાગી પ્રત્યેનો આદરભાવ ? અનુકંપા ? ઉપેક્ષા ? ઈર્ષ્યા ? કે ઉપાલંભ ?… એ સમજવાનું નરોત્તમ જેવા બિનઅનુભવી માણસનું ગજું નહોતું.

⁠વ્યાખ્યાન પૂરું થયું. શ્રોતાઓ વીખરાવા લાગ્યાં. પણ કીલો પોતાના સ્થાન પરથી ખસ્યો નહીં. વ્યાખ્યાન-મંચ ૫૨ ખોડાયેલી નજર પણ એણે પાછી ખેંચી નહીં.

⁠નરોત્તમ વધારે આશ્ચર્યથી થોડી વાર તો કીલા સામે તાકી જ રહ્યો. પણ પછી ધી૨જ ખૂટતાં એણે પોતાના સાથીદા૨ને જાગ્રત કર્યોઃ

⁠‘કીલાભાઈ, હવે ઘરઢાળા હાલશું ને ?’

⁠‘મહાસતીને વંદણા કર્યા વિના જ ?’ ઝબકીને કીલાએ ટૂંકો ઉત્તર આપી દીધો અને ફરી પાછો મૂંગો થઈ ગયો.

⁠ઉપાશ્રય લગભગ આખો ખાલી થઈ ગયો અને સાધ્વીજીઓ પાસે બે-ચાર ભાવિક શ્રાવક-શ્રાવિકાઓ જ ઊભેલાં રહ્યાં ત્યારે કીલો ધીમે પગલે આગળ વધ્યો. ‘અહીં સુધી આવ્યા છીએ ને વંદણા કર્યા વિના પાછા જઈએ તો પાપ નો લાગે ?’ એમ કહીને એણે નરોત્તમને પણ સાથે લીધો.

⁠નરોત્તમ એટલું તો સમજી શક્યો કે કીલાભાઈ ઉત્સાહભેર આગળ વધી રહ્યા છે પણ સાધ્વીજીની સન્મુખ પહોંચતાં એ સંકોચ અનુભવી રહ્યા છે. જાણે કે પગ કંપતા ન હોય !

⁠કીલો સીધો વ્યાખ્યાન-મંચ સુધી પહોંચી જવાને બદલે અધવચ દીવાલની ઓથે જાણે કે ખોટકાઈને ઊભો રહી ગયો તેથી નરોત્તમને ફરી નવાઈ લાગી.

⁠‘કેમ ? વંદણા કરવા નથી જાવું ?’ એણે પૂછ્યું

⁠‘ધીરો ખમ, ધીરો,’ કીલાએ કેટલાક પાઘડીઆળા ગૃહસ્થોનો નિર્દેશ કરીને કહ્યું, ‘આ બધા ધરમના થાંભલાને આંહીંથી નીકળવા દે પહેલાં. એને આપણા કરતાં વહેલા મોક્ષે જાવાની ઉતાવળ છે, એટલે એ બમણા બમણા વંદણા કરે છે.’ અને પછી, પોતાની લાક્ષણિક ઢબે કટાક્ષ વેર્યો: ‘દગલબાજ દોનું નમે… ચિત્તા, ચોર, કમાન—’

⁠લાંબા સમય સુધી મૌન જાળવ્યા પછી કીલાએ આ પહેલવહેલો ચાબખો માર્યો ત્યારે નરોત્તમે આનંદ અનુભવ્યો. હવે કીલો મૂળ રંગમાં આવ્યો.

⁠ધરમના થાંભલાઓ વિદાય થયા કે તરત મહાસતીએ સામેથી જ કીલાને આવકાર આપ્યો:

⁠‘આવો. આવો કામદાર ! કેમ આટલા આઘા ઊભા છો !’

⁠‘કામદાર નહીં, કાંગસીવાળો કહો, મહાસતીજી !’

⁠‘કહેવાય મારાથી ? જીભ કેમ ઊપડે ?’ મીઠીબાઈએ અજબ મીઠાશથી જણાવ્યું.

⁠‘પણ મલક આખો હવે મને કાંગસીવાળાને નામે જ ઓળખે છે. ગામમાં નાનકડા ને અણસમજુ છોકરાને પૂછો કે મારું નામ શું, તો કહેશે કે કાંગસીવાળો.’

⁠‘હું શું નાનકડું અણસમજુ છોકરું છું કે સાચું નામ કે સાચી વાત ન સમજું ?’

⁠‘સમજનારાં સમજે છે, પણ તમે તો હવે આ સંસાર ત્યાગી ગયાં — ભવસાગર તરી ગયાં… અમારા સંસારીનાં સંભારણાં તમારે શું કામનાં ?’ કીલાએ લાગણીશીલ સ્વરે કહ્યું.

⁠‘સંસાર તો અમે ત્યાગ્યો—સંજોગને આધીન રહીને, મહાસતી બોલ્યાં. ‘પણ સંભારણાં ભૂલવાં કાંઈ સહેલ છે, કામદાર ?’

⁠‘તમે તો કોઈ હળુક૨મી જીવ છો એટલે મોહમાયાનાં બંધન કાપી શક્યાં ને કરમ ખપાવીને ભવના ફેરામાંથી છૂટી ગયાં—’

⁠‘બધી ક૨મની ગતિ !’ મીઠીબાઈ નિસાસો નાખીને બોલ્યાં, ‘કોને ખબર હતી કે આપણી વચ્ચે આવા વિજોગ સ૨જાશે !’

⁠સાંભળીને કીલાનું હૃદય હલમલી ઊઠ્યું. આ૨જા પ્રત્યેનો પૂજ્યભાવ વ્યક્ત કરવા નીચો નમીને વંદના કરવા લાગ્યો.

⁠‘અરે અરે, કામદાર ! આ શું કરો છો ? વંદના તો મારે તમને કરવી જોઈએ–’ મીઠીબાઈ બોલ્યાં.

⁠‘મને શરમાવો મા, મહાસતીજી !’ કીલાએ કંપતે અવાજે કહ્યું.

⁠અને બંને જણ મૂંગાં થઈ ગયાં. બંનેના સંક્ષુબ્ધ ચિત્તમાં જે તુમુલ વિચારમંથન ચાલી રહ્યું હતું એ એટલું તો નાજુક પ્રકારનું હતું કે એ ચિત્તપ્રવાહો અવ્યક્ત રહે તો જ એનું પાવિત્ર્ય સચવાઈ શકે એમ હતું.

⁠મૌન જ્યારે અસહ્ય લાગ્યું ત્યારે મીઠીબાઈએ પૂછ્યું: ‘આ ભાઈ કોણ છે ?’

⁠‘મારો નવો ભાઈબંધ છે. એનું નામ નરોત્તમ’.

⁠કીલો પોતાના સાથીદાર વિશે વધારે પરિચય આપે એ પહેલાંતો બહારગામથી કેટલાક વધારે ભાવિકો દર્શનાર્થે આવી પહોંચ્યા તેથી બને જણાઓએ મૂંગી વિદાય લીધી.

❋ ‘મોટા, જોયાને જિંદગીના ખેલ !’ રસ્તામાં કીલાએ નરોત્તમનો ખભો હચમચાવતાં કહ્યું, ‘આનું નામ નસીબની લીલા !’

⁠પણ આ ખેલ કે લીલા વિશે નરોત્તમને કશી સમજ ન પડી અને એણે એમાં હા-હોંકારો ન ભણ્યો તેથી કીલાએ સ્વગતોક્તિ ઉચ્ચારી: ‘કરમની ગતિની કોઈને ખબર નથી પડતી—’

⁠કર્મ અને ગતિ વિશેની વધારે ફિલસૂફીમાં પણ નરોત્તમની ચાંચ બૂડી નહીં. એ તો આજ સવારથી સાંજ ઊંડા આશ્ચર્યમાં જ ગરકાવ થઈ ગયો હતો. કીલાને મોઢેથી આવાં અસ્પષ્ટ સંભાષણો સાંભળીને એણે વધારે ગૂંચવાડો અનુભવ્યો.

⁠‘આ મીઠીબાઈસ્વામીને ઓળખ્યાં, મોટા ?’ કહીને કીલાએ આખરે ધડાકો કર્યો: ‘એનું સગપણ પહેલવહેલું મારી હારે થયું’તું —’

⁠‘એમ ?’ નરોત્તમ તો આ સાંભળીને ડઘાઈ જ ગયો. અધ્ધર શ્વાસે પૂછ્યું: ‘પછી ? પછી ? શું થયું ?’

⁠‘પછી તો અમારી બેય જણની આડે આવ્યાં—’

⁠‘કોણ ? માબાપ ? વડીલો ?’

⁠‘ના રે ના, માબાપ બિચારાં શું આડે આવતાં હતાં ? — આડે આવ્યાં અંતરાય કરમ !’

⁠જીવનનો આવો મહત્ત્વનો પ્રશ્ન આ માણસ ઊભી બજારે ચર્ચે એ નરોત્તમને ઉચિત ન લાગતાં એણે વધારે પૃચ્છા માંડી વાળી. પણ કોઈક હેતુપુરઃસર પોતાની જીવનકથની આજે કહી સંભળાવવા કૃતનિશ્ચય બનેલ કીલો એમ પોતાના સાથીદાર તરફથી પ્રશ્નોની રાહ જોવા રોકાય ખરો ?

⁠‘એકબીજાની લેણાદેણી જ નહીં, બીજું શું ?’ કીલાએ ફરી મૂળ વાત શરૂ કરી. નહીંતર આવા વિજોગ ક્યાંથી ઊભા થાય ? મીઠીબાઈ હારે મારું સગપણ તો સાવ નાનપણમાં જ થઈ ગયું’તું. હું હજી નિશાળેય નહોતો બેઠો એ પહેલાં મારા કપાળમાં ચાંદલો થઈ ગયો’તો, પણ કાંઈક જુદું જ માંડ્યું હશે. હું મોટો થયો ને લગનનું ટાણું આવ્યું ત્યાં જ મને મોટો મંદવાડ આવી પડ્યો.’

⁠‘તમને મંદવાડ ? મોટો મંદવાડ ?’

⁠‘હા. મંદવાડનું સાચું નામ તો હજી કોઈ જાણી શક્યાં નથી. પણ ખયરોગ જેવી ઘાસણી થઈ ગઈ’તી—’

⁠‘આવા રાતી રાયણ જેવા પંડ્યમાં ઘાસણી થાય ?’ નરોત્તમે કીલાના કદાવર દેહ ઉ૫૨ નજર કરતાં પૂછ્યું.

⁠મનેય નવાઈ લાગી’તી. મને શું, ભલભલા વૈદ્યને નવાઈ લાગી’તી. એટલે જ હું કહું છું ને કે સાચો રોગ શું હતો એ કોઈ પારખી જ ન શક્યું. પણ મંદવાડ મોટો હતો. દિન-બ-દિન ડિલ ઘસાવા માંડ્યું– છાપરડી ઉપર ઓસડિયું ઘસાય એમ. બેવડ કાઠીનો બાંધો ઓસરતો ઓસરતો સાંઠીકડા જેવો થઈ ગયો… અને સહુ ફિકરમાં પડી ગયાં. મંદવાડ વધતો ગયો તેમ લગનની વાત પણ આઘી ને આઘી ઠેલાતી ગઈ. મારા સસરા બિચારા બહુ વિચારમાં પડી ગયા. આવતી સાલ જમાઈને સવાણ થાશે એટલે લગન કરશું, એમ વાટ જોતાં જોતાં પાકાં ત્રણ વરસ વીતી ગયાં.

⁠‘પણ તોય સુવાણ ન થઈ એટલે સહુ સગાંવહાલાંની ચિંતા વધી. હું પથારીમાંથી સાજોનરવો ઊઠીશ એવી આશા વૈદ્યહકીમોએ પણ મૂકી દીધી. મારા સસરાને પણ ખાતરી થઈ ગઈ કે હવે જમાઈ આ મંદવાડમાંથી ઊભો નહીં થાય ને દીકરીને બીજે ક્યાંક વળાવવી પડશે. પણ મારો મંદવાડ તો હતો તેવો જ રહ્યો. નહીં એમાં વધારો કે નહીં ઘટાડો. ખાટલો બહુ લંબાણો એટલે પછી સહુને થયું કે આનો કાંઈક નિકાલ આવે તો સારું. હું જીવીશ એવી આશા તો સહુએ છોડી દીધી’તી એટલે હવે તો મારા મોતની વાટ જોઈને સહુ બેસી રહ્યાં !

⁠આટલું બોલીને કીલો ખડખડાટ હસી પડ્યો. નરોત્તમે જોયું તો કીલાની આંખમાં ભયાનક ચમક દેખાતી હતી. એણે કહ્યું: ‘પણ તમે તો જીવતા જ રહ્યા છો !’

⁠‘હું જીવતો રહ્યો, ને મર્યો નહીં એની જ આ મોંકાણ છે ને !’ કીલાએ આગળ વાત ચલાવી: ‘હું હવે ઝાઝા દિવસ નહીં જીવું એમ સમજીને મારા બાપે મારા સસરાને કહેવરાવ્યું કે તમારી કન્યા સારુ હવે કોઈક બીજું ઠેકાણું ગોતો. એ દિવસોમાં અમારે ઘેર ત્રણ રજવાડાંનું કામદારું હતું એટલે અમારી સુખસાહ્યબી પણ ઠીકાઠીકની હતી. આવા ઘરનો સંબંધ તોડવાનું મારા સસરાને ગમતું નહોતું ને મીઠીબાઈને તો આ વાત સાંભળીને કાળજે ઘા લાગ્યો. પણ કુદરત જ અમારા ઉપર રૂઠી હશે એમાં કોઈ શું કરે ? અંતે વાટ જોઈ જોઈને નછૂટકે મીઠીબાઈને બીજે વરાવવાં પડ્યાં. અમારા જેવું જ બીજું એક ખાનદાન ખોરડું ગોતીને મીઠીબાઈનું સગપણ કર્યું.

⁠‘પછી ?’ વેવિશાળની વાત આવતાં હવે નરોત્તમે કીલાના પરિણય-પ્રકરણમાં સક્રિય રસ લેવા માંડ્યો.

⁠‘માબાપે સગપણ તો કર્યું પણ મીઠીબાઈનું મન એમાં રાજી નહોતું. હું તો મરવા જ પડ્યો હતો એમાં એ બાઈ બીજું કરે પણ શું ? મારા તો દિવસ ગણાતા હતા—આજે ઊકલી જાઉં કે કાલે ઊકલી જાઉં, કોને ખબર ! મારા જેવા મડદા હારે કોઈ કોડભરી કન્યાને ફેરા ફેરવાય ? સંસારના વહેવાર પ્રમાણે મીઠીબાઈને બીજે પરણ્યા વિના છૂટકો જ નહોતો. માબાપે સારું મુરત જોઈને લગન લખ્યાં, તોરણને ત્રણ દીની વાર રહી ત્યાં તો—’

⁠કીલો એકાએક અટકી ગયો એટલે નરોત્તમે પૂછ્યું: ‘કેમ ? લગનમાં કાંઈ વિઘન આવ્યું કે શું ?’

⁠‘મેં તને કીધું નહીં કે મીઠીબાઈના કરમમાં જ સંસારનું સુખ માડ્યું નહોતું ! તને તો ક્યાંથી યાદ હોય, પણ કાઠિયાવાડમાં એ વખતે ગામેગામ મરકી ફાટી નીકળી’તી. ઘેર ઘેર માણસ મરતાં હતાં. કહેવાતું કે મસાણે આભડવા જનારનાં ફાળિયાં સુકાતાં જ નહીં. એક જણની ચેહ ઠારીને પાછા આવે ત્યાં તો બીજાની નનામી તૈયાર થઈ ગઈ હોય ! આવી મરકીમાં બિચારી મીઠીબાઈનો મીંઢળબંધો વર ઊકલી ગયો. તોરણને ત્રણ દીની વાર હતી ત્યાં તો વિવાહમાં વિઘન આવી પડ્યું. પીઠી ચોળેલ જુવાનજોધ વરરાજો આમ પરપોટાની જેમ ફુટી ગયો ને મીઠીબાઈનો બાંધ્યો માંડવો વીંખાઈ ગયો.’

⁠‘અ…ર…ર ! બિચારી બાઈનાં કરમ ફૂટેલાં જ !’ કહીને નરોત્તમે પૂછ્યું: ‘પછી શું થયું ?’

⁠‘મીઠીબાઈને તો બીજી વાર કાળજે ઘા લાગ્યો. આ વખતે તો એને એવો ઘા લાગ્યો કે આ કડવાઝેર સંસાર ઉપરથી એનું મન ઊઠી ગયું. આવી વિપદ પડે પછી વૈરાગ તો ન આવતો હોય તોય આવી જ જાય ને ! મ૨ણ-ખાટલે પડેલો હું બચી ગયો; ને નખમાંય રોગ નહોતો એવો સાજોસારો માણસ આમ ફટાકડાની જેમ ફૂટી ગયો, એટલે મીઠીબાઈને લાગ્યું કે કરમ રૂઠ્યાં છે, મારા કપાળમાં સૌભાગ્યનો ચાંલ્લો નથી લખાયો. ને પાછું કૌતક તો એવું થયું કે હું મસાણને ઉંબરે આવી ગયો’તો ને મારા નામનું સહુએ નાહી નાખ્યું’તું, એમાંથી હું સાજો થવા માંડ્યો ! કુદરતની જ બલિહારી ! ભલભલા ધન્વંતરિએ હાથ ધોઈ નાખ્યા'તા એમાંથી સુવાણ થવા માંડી. કુદરતની જ કરામત ગણવી ને ! મહિનામાં તો હું ખાટલામાંથી ઊઠ્યો ને ઘરમાં હરવાફરવા માંડ્યો.’

⁠‘પછી મીઠીબાઈનું શું થયું ?’ હવે નરોત્તમની જિજ્ઞાસા પરાકાષ્ઠાએ પહોંચી હતી.

⁠‘મીઠીબાઈને તો બિચારીને સંતાપનો પાર ન રહ્યો. ગામમાં પણ વાતો થવા લાગી કે મીંઢળબંધો વર મરી ગયો ને મરવા પડેલો જીવી ગયો; એટલે, મીઠીબાઈનું કાળજું કોરાઈ ગયું. એને ડંખ લાગી ગયો કે કામદારનું ખોરડું મેલીને બીજે સગપણ કર્યું એનું કુદરતે આવું ફળ આપ્યું. સંસારમાંથી બાઈનું મન ઊઠી ગયું એટલે એણે તો દીક્ષા અંગીકાર કરી લીધી ને હાથમાં રજોહરણ લઈ લીધું. સમજ્યોને મોટા, કુદરત માણસને કેવા ખેલ ખેલાવે છે, એનો આ દાખલો !’

⁠સાંભળીને કીલાનો આ ‘મોટો’ સાવ મૂંગો થઈ ગયો.

⁠‘સમજ્યો ને મોટા, આનું નામ જિંદગીની લેણાદેણી !’

⁠પણ ‘મોટો’ આ કથની ઉપરથી એટલું બધું સમજી ગયો હતો કે એ વિશે કશાં ટીકાટિપ્પણ કરવાનું પણ એને સૂઝતું નહોતું.

⁠‘સમજ્યો ને મોટા, આનું નામ ઋણાનુબંધ ! આનું નામ કરમની લીલા ! ભગવાન માણસને આ ભવાટવીમાં કેવા ફેરા ફેરવે છે તે આનું નામ… સમજ્યો ને મોટા !’ કીલાએ આપવીતીમાંથી આવાં તારતમ્યો કાઢવા માંડ્યાં.

⁠કીલાએ તો પોતાની જ આપવીતી વર્ણવી હતી, પણ નરોત્તમને એ પરવીતીમાં પણ આપવીતીની અનુભૂતિ થતી લાગી. કથની તો કીલાએ પોતાની વર્ણવી હતી, પણ એની વેદના નરોત્તમના ચહેરા પર વંચાતી હતી. માનવજીવનની આવી વિચિત્ર ઘટનાઓ સાંભળીને એ એવો તો અંતર્મુખ બની ગયો કે એક શબ્દ સરખો ઉચ્ચારવાના એને હોશ ન રહ્યા.

⁠રખે ને પોતાનો ભાઈબંધ આવી વાતો સાંભળીને ભડકી ગયો હોય એવા અંદેશાથી કીલાએ પોતાના વક્તવ્યનો સૂર બદલ્યો.

⁠‘સમજ્યો ને મોટા, સગપણ તૂટી ગયું… નસીબમાં માંડ્યું હશે તો ફરીથી સંધાશે, નહીંતર પછી બિસ્મિલ્લાહ ! પણ આમ સાવ પોચો પાપડ જેવો થઈ જઈશ તો જિંદગી હારી બેસીશ.’ કીલાએ ફરી મૂળ વાતનો તંતુ સાધ્યો તેથી નરોત્તમને વધારે આશ્ચર્ય થયું.

⁠આ માણસના પ્રથમ દૃષ્ટિએ અસંબદ્ધ લાગતા વાર્તાલાપોમાં સંબંદ્ધતાનો અદૃષ્ટ દોર રહેલો છે કે શું ? એનું ચિત્તતંત્ર પેલા શતાવધાનીની જેમ એકીસાથે અનેક વિવિધ સપાટીઓ પર દોડી શકે છે કે શું ?

⁠નરોત્તમને હજી પણ મૂંગો રહેલો જોઈને કીલાએ અવાજમાં કૃત્રિમ ઉગ્રતા લાવીને કહ્યું:

⁠‘મોટા, તારું રોતલ મોઢું જોઈને મને પણ રોવું આવી જાશે ! એવું તે કયું આભ તૂટી પડ્યું છે તારે માથે ?… જીવતો નર ભદ્રા પામે, એમ કહેવાય છે. જીવતો રહીશ ને નસીબમાં માંડ્યું હશે તો કંકુઆળો થઈશ. પણ આમ રોવા બેસીશ તો વહેલો ઊકલી જઈશ.’

⁠આખરે નરોત્તમ હસ્યો—કીલાની આજ્ઞાનું પાલન કરવા માટે નહીં પણ એની આખાબોલી અવળવાણી સાંભળીને એનાથી અનાયાસે જ હસી પડાયું.

⁠‘હવે મને ગમ્યું. આમ હસતો-રમતો હો તો કેવો વહાલો લાગે !’ કીલાએ આનંદ વ્યક્ત કર્યો. ‘હા ભાઈ, આ કીલો વાત કહે સાચી, આપણને સોગિયાં ડાચાં ન ગમે.’

⁠નરોત્તમ હસી પડ્યો.

⁠આ જોઈને કીલાએ પણ હાસ્ય વેર્યું.

⁠હવે એમના હાસ્યમાં નિર્ભેળ ઉલ્લાસ નહોતો. બંનેની મુસ્કરાહટમાં એક સમાન મૂંગી વેદના જ છલકાતી હતી.