વેળા વેળાની છાંયડી/૩૮. બાપનો વેરી
બીજે દિવસે શહેરમાં તોપના ધડાકા જેવા સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા.
‘કીલો કાંગસીવાળો હવે કંકુઆળો થયો!’
અને એની ઉપર ટીકાટિપ્પણ પણ શાનાં બાકી રહે? લગ્નપ્રસંગે હાજ૨ ૨હેલા મહાજનના મોવડીઓએ જ મભમ મલ્લિનાથી ફેલાવવા માંડી.
‘માનો કે ન માનો પણ દાળમાં કાંઈક કાળું તો છે જ—’
‘એ વિના આમ ઘડિયાં લગન લેવાં પડે?’
કીલાના કોઈ કોઈ હિતેચ્છુઓ વળી વધારે ઉગ્ર પ્રહારો કરતા હતા.
‘આને તમે લગન કહો છો? અરે, આ તો ઘરઘરણું થયું, ઘરઘરણું—’
‘હા, હા, નાતરિયા વરણ જેવું જ, જૂઠાભાઈની મોંઘી હારે કીલાએ માટલા ફોડી લીધાં એમ જ કહો ને!’
અને પછી જૂઠાકાકાના વધારે જાણભેદુઓ વળી મોંઘીની શારીરિક સ્થિતિ વિશે તર્ક દોડાવતા હતા.
‘માનો ન માનો પણ આમાં કંઈક ગોટાળો થઈ ગયો છે—’
‘થઈ જાય ભાઈ, થઈ જાય. છોકરીની બિચારીની હજી બાળકબુદ્ધિ છે. ભૂલથી પગ આઘોપાછો પડી પણ જાય—’
‘ને કીલાને તો ગામ આખું ઓળખે છે... એને નહીં ઉલાળ કે નહીં ધ૨ા૨—’
‘એ તો ઘેર ઘેર ફરીને કાંગસી વેચતો ત્યારથી જ એના ઉપર સહુને વહેમ હતો કે માણસની ચાલચલગત સારી નથી.’
‘એ વહેમ હવે સાચો પડ્યો! જૂઠાડોસાની ભોળી છોકરીને ભરમાવી!’
‘ને પછી નછૂટકે લગન કરી નાખીને બધુંય ભીનું સંકેલી લીધું—’
આમ, લોકવાયકાએ પાકું કલંક કીલા ઉ૫૨ ઓઢાડી દીધું.
‘ભલે ગોરા સાહેબનો શિરસ્તેદાર થયો. પણ અંતે તો રમકડાંની રેંકડી ફેરવનારો જ, કે બીજો કોઈ? માણસનું પોત પ૨ખાણા વિના રહે ખરું?’
‘હળાહળ કળજગ આવ્યો છે, ભાઈ! ધરતી ઉપર આવાં પાપ થતાં હોય, પછી વરસાદ તો શેનો આવે?’
આમ ધીમે ધીમે કીલાના ‘કુકર્મ’ને કુદરત સાથે પણ સાંકળી દેવાયું.
‘બહુ કરી, કીલાએ તો સાંભળતાંય કાનમાંથી કીડા ખરી જાય એવું કામ કર્યું છે!
‘મંચે૨શાના બંગલામાં બંધ બારણે છાનાંમાનાં લગન પતાવી નાખ્યાં. પણ પાપ તો પીપળે ચડીને પોકાર્યા વિના રહે?’
આ બધા પ્રહારો તો કીલાની ગેરહાજરીમાં જ થતા હતા. એની હાજરીમાં તો પ્રશંસાનાં પુષ્પો જ વેરાતાં હતાં. ઘણા શાણા માણસો તો સામે ચાલીને કીલાને મુબારકબાદી આપી આવ્યા. કેટલાક ગણતરીબાજ લોકો તો વળી ભેટસોગાદ પણ આપી આવ્યા.
કીલાના આવા મુલાકાતીઓમાં એક દેવળિયાના દરબાર સર અજિતસિંહજી પણ હતા. એક દિવસ કીલો મોડી સાંજે કોઠી પર પહોંચ્યો ત્યારે એના આંગણામાં સાફો-સુરવાલ-અચકન પહેરેલ એક માણસ રાહ જોતો બેઠો હતો. આંગણે આટલા અસુરા કયા દરબાર આવીને બેઠા હશે એની કલ્પના કરતો કરતો કીલો નજીક પહોંચ્યો અને બેચાર ડગલાં દૂરથી ઓળખાણ પડતાં જ પોકારી ઊઠ્યો: ‘ઓહોહો અજુભા!—અરે! બાપુ અજિતસિંહ!’
‘મને વળી બાપુ ને સિંહજી કહેવાતું હશે, કીલાભાઈ!’ દ૨બારે ઊભા થઈને ભેટી પડતાં કહ્યું, ‘હું તો આપણા બાળપણનો અજુડો!’
‘બાળપણની વાત બાળપણ ભેગી ગઈ, હવે તો તમે સર અજિતસિંહજી; કે. સી. આઈ. ઈ. કહેવાવ છો!’ કીલાએ મજાકમાં કહ્યું: ‘તમારી પછવાડે તો ઇંગરેજ સરકારે આખી એ-બી-સી-ડી જોતરી દીધી છે!’
‘આ ઇલકાબ તો ગળામાં ઘંટીના પડ જેવા થઈ પડ્યા છે!’ દરબારે દિલની વાત કહી દીધી.
અજિતસિંહે ઉચ્ચારેલ આ એક જ ઉક્તિ ઉપરથી કીલાને એમના આગમનનું રહસ્ય સમજાઈ ગયું. કોઠીની કચેરીમાં આ દરબાર વિશેનું જે અત્યંત ખાનગી દફતર કીલાએ જોયેલું, એમાંના જે ગુપ્ત દસ્તાવેજો વાંચેલા, એ ઉ૫૨થી કીલાને ખ્યાલ તો હતો જ કે અજુભા બિચારા જીવ સાંકડા ભોણમાં આવી ગયા છે. પણ એ સાંકડા ભોણમાંથી નીકળવા માટે તેઓ આટલી ત્વરાએ જૂના બાલસાથીનું શરણું શોધશે, તેવું કીલાએ નહોતું કલ્પ્યું.
‘આપણે તો નાનપણના ભાઈબંધ.’ અજિતસિંહે ધીમે ધીમે કીલા સાથે નિકટતા કેળવવા માંડી, ‘મારા બાપુ ને તમારા બાપુને તો ઘર જેવો નાતો—’
‘સાચું, સાચું,’ કીલાએ સૂર પુરાવ્યો. એના હોઠ ઉપર તો શબ્દો આવી ગયેલા કે એ નાતાને લીધે જ તો તમારા બાપુએ બૅરિસ્ટર સાહેબને ઝેર આપીને મારી નાખેલા, અમારા ઘર ઉપ૨ જપ્તી બેસાડેલી.
પણ કીલો પરાણે મૂંગો રહ્યો.
‘તમે તો બહુ કરી કીલાભાઈ!’ અજુભા બોલ્યા, ‘છાનાં છાનાં લગન કરી નાખ્યાં, ને આ જૂના ભાઈબંધને નોતરવો જ ભૂલી ગયા!’ કીલો અર્થસૂચક નજરે આ જૂના ભાઈબંધ તરફ તાકી રહ્યો.
‘તમે ભલે ને મને ભૂલી ગયા, પણ હું થોડો તમને ભૂલવાનો હતો?’ કહીને અજિતસિંહે રેશમના કાપડમાં વીંટાળેલી એક ચાંદીની રકાબી કાઢી. બોલ્યા: ‘આટલું આ શુભ પ્રસંગે જૂની ભાઈબંધીનું સંભારણું સાચવો!’
અજિતસિંહે પોતાના આગમનનું ખરું પ્રયોજન ઢાંકવા માટે આ ‘શુભ પ્રસંગ’નો જે ઉપયોગ કર્યો એ જોઈને કીલાએ મનમાં રમૂજ અનુભવી. દ૨બા૨ને અપમાન ન લાગે એવી મધુરતાથી કીલાએ ભેટ-સોગાદ પાછી સોંપીને કહ્યું: ‘હું તો હવે સરકારી અમલદાર થયો, એટલે મારાથી આવું કાંઈ લેવાય નહીં. આજે હું રમકડાંની રેંકડી ફેરવતો હોત, તો તો હું સામે આવીને તમારા જેવા ભાઈબંધ પાસેથી ભેટ માગી લેત. પણ હવે—’
‘હજીય આપણી ભાઈબંધી તો...’
‘એવી ને એવી જ છે. પણ હું સરકારનો નોકર ગણાઉં એટલે આવી ચીજવસ્તુ લેતાં પહેલાં મારે વિચા૨ ક૨વો જોઈએ...’
‘પણ આ તો આપણો જૂનો નાતો...’
‘સાવ સાચો—’
‘ને હું હરખ-ઊલટથી આ લાવ્યો.’
‘સાવ સાચું—’
‘તો એમાં વાંધો શું?’
‘વાંધો તો કાંઈ નહીં, પણ આપણા દેશમાં અમલદારની મથરાવટી મૂળથી જ મેલી છે ને એમાં આવા વહેવા૨થી વધારે મેલી થઈ જાય...’ કીલાએ સમજાવ્યું, ‘અમલદારી કરવી એ ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું આકરું છે, અજુભા! ને અમલનાં પરિણામ તો અફીણ જેવાં છે એ તમે ક્યાં નથી જાણતા? માણસ ગમે એટલો જાગતલ હોય તોય અમલનો કેફ ચડી જતાં વાર ન લાગે.’
‘પણ આ તો આપણો પ્રેમનો નાતો કહેવાય. એકબીજાને ઊલટ આવે ને એકથી લાખ રૂપિયા દઈએ.’
‘તમા૨ી વાત સોળ વાલ ને માથે ૨તી જેટલી સાચી અજુભા!’ કીલાએ દૃઢતાથી કહ્યું, ‘પણ આ કોઠીની ખુરસી ઉપર બેઠા પછી મને કોઈનું કાંઈ ન કળપે.—’
દરબારે ફરી ફરીને, આ ભેટ સ્વીકારવાનો આગ્રહ કરી જોયો. ફરી ફરીને જુદી જુદી રીતે, દબાણભરી દલીલો કરી જોઈ. પણ એ બધી જ દલીલોને અંતે પણ કીલો પહેલાંના જેટલો જ મક્કમ રહ્યો ત્યારે અજિતસિંહે વધારે આગ્રહ કરવાનું માંડી વાળ્યું.
‘બીજા શું સમાચાર છે?’ કીલાએ ઔપચારિક ઢબે પૂછ્યું, ‘બધું ક્ષેમકુશળ છે ને?’
‘છે તો બધું ક્ષેમકુશળ,’ કહીને દરબાર થંભી ગયા. પછી થોડી વારે એકેક શબ્દ ઉચ્ચારવા લાગ્યા: ‘પણ... પણ...’
‘કાંઈ ચિંતા જેવું છે? કાંઈ મનનો ઉચાટ? કાંઈ ઉપાધિ...?’
‘ઉચાટ તો એવો છે, કે કાંઈ કીધો જાય નહીં, કીલાભાઈ!’
‘કહેવાની જરૂર નથી. તમારી સામેનું તહોમતનામું મેં વાંચ્યું છે,’ કીલાએ મિત્રભાવે કહ્યું: ‘તહોમત બહુ ગંભીર છે અજુભા!’
‘મારી એક નજીવી ભૂલનું એ પરિણામ છે. અદાવતિયા ભાયાતોએ ગરાસની ખટપટમાં ગોરા સાહેબના કાન ભંભેર્યાં છે.’ અજિતસિંહે કહ્યું, ‘તમે જે કાગળિયાં વાંચ્યાં છે એ મારાં કાળમુખાં કુટુંબીઓએ જ લખાવ્યાં છે—’
‘પણ લખાણ એવું આકરું છે, કે સાબિત થાય તો તમારે રાજગાદી છોડવી પડે. દેવળિયા ઉપ૨ કોઠીનો કારભાર મુકાઈ જાય ને તમારે કદાચ માંડલેની જેલમાં પણ જાવું પડે... કાળા પાણીએ.’
‘જાણું છું. ને એટલે તો તમારી પાસે આવ્યો છું,' દરબારે નીચી મૂંડીએ કહ્યું, ‘કાળાં પાણીની કેદની નામોશી મારાથી નહીં ખમાય. ‘ગઢની મેડીએ અફીણનો ગાંગડો તૈયાર રાખ્યો છે—’
‘ગાંડી વાત કરો મા, અજુભા!’
‘બીજું શું કરું? મારે તો ઘ૨નાં જ ઘાતકી પાક્યાં એમાં કરમનો વાંક શું કાઢવો?’ દરબાર રડમસ અવાજે બોલ્યા, ‘કીલાભાઈ, આ ભાઈબંધને જિવાડવો કે મારવો, એ તમારા હાથમાં છે.’
‘ભગવાનના હાથમાં કહો, ભાઈ! ઉપરવાળા સિવાય બીજું કોઈ આપણને જિવાડતું નથી, ઉપરવાળા સિવાય બીજું કોઈ આપણી જિંદગી ટૂંકાવી શકતું નથી. ભગવાન ઉપર ભરોસો રાખો, ભાઈ!’
‘રાખવા જાઉં છું, તોય નથી રહેતો. ચારેય કોરથી ઘેરાઈ ગયો છું. આમાંથી તમે છોડાવો તો જ છૂટી શકે એમ છું—’
‘હું! હું તો એક મામૂલી માણસ—’
‘પણ ગોરા સાહેબના શિરસ્તેદાર!’ અજિતસિંહ યાચક આવાજે બોલ્યા, ‘સાહેબને કાને વેણ નાખો ને સાહેબના દિલમાં દયા આવે તો મારો બગડેલો ભવ સુધરી જાય એમ છે—’
સાંભળીને કીલો મૂંગો રહ્યો એટલે અજુભા આગળ વધ્યા; ‘કીલાભાઈ, આટલું કામ કરો. તમારા હાથની જ વાત છે... જિંદગી આખી તમારો ગણ નહીં ભૂલું.’
‘આ તો બધા મોટા સરકારી મામલા કહેવાય, દરબાર!’ કીલો બોલ્યો. ‘એમાં માથું મારવાનું મારું ગજું નહીં—’
‘તમારા એક વેણથી મારી વિપદ ટળી જાય એમ છે. સાહેબને સમજાવો તો ભવ સુધરી જાય એમ છે—’
‘હું વિચાર કરી જોઈશ,’ કીલાએ આશ્વાસન આપીને થોડી વારે અજિતસિંહને વિદાય કર્યો.
અને સાચે જ, કીલાએ આ નાજુક બાબત ઉપર બહુ વિચાર કરી જોયો. અજિતસિંહનું ચિત્ર જુદે જુદે સ્વરૂપે આંખ આગળ રજૂ થવા લાગ્યું. બાળપણનો ગોઠિયો અજુભા, પિતાને ઝેર આપીને મારી નાખનાર અને કુટુંબને પરેશાન કરનાર રાજવીનો પુત્ર અજુભા. આ બેમાંથી કયા માણસનો નાતો જાળવવો? શૈશવકાળના મિત્રનો? કે બાપના વે૨ીનો?
કીલાને બીજી પણ એક દ્વિધા પજવતી હતી, પોતે જે અમલદારી હોદ્દો ભોગવી રહ્યો છે. એ હોદ્દાનો ઉપયોગ આવા કામ માટે ક૨વો યોગ્ય ગણાય? અજિતસિંહને ઉગારી લેવામાં બીજા કોઈને અન્યાય તો નહીં થઈ જાય?’
આખી રાત આવા મનોમંથનમાં વિતાવ્યા પછી કીલાએ સવારના પહોરમાં જ અજિતસિંહ અંગેના ખાનગી દફતરનાં કાગળિયાં ફરી વાર વાંચી જોયાં અને જ્યારે જણાયું કે અજિતસિંહને ઉગારવાથી કોઈ વ્યક્તિને અન્યાય થવાનો ભય નથી, ત્યારે એણે એ. જી. જી. સમક્ષ સૂચન મૂક્યું:
‘ન્યાયના સિદ્ધાંતનો ભંગ ન થતો હોય તો દરબાર ઉ૫૨ દયા કરો!’
ગોરા સાહેબ થોડી વાર તો આ ગરવા શિરસ્તેદાર સામે જોઈ જ રહ્યા. પછી પૂછ્યું:
‘દયા? દેવળિયાના દરબાર ઉપર દયા?’
‘હા.’
‘હેમતરામ કામદારનો દીકરો જ દેવળિયાના દરબાર ઉપર દયા કરવાનું કહે છે?’
‘હા સાહેબ.’
‘બૅરિસ્ટરને જેણે ઝેર આપેલું એના દીકરાને બચાવવાની વાત તમે કરો છો?’
‘બાપનું વેર બાપુ સાથે ગયું. હવે જૂનાં વેરઝે૨ સંભારવાથી શું ફાયદો?’ કીલાએ કહ્યું, ‘બાપુ તો સાગ૨પેટા હતા. એને કોઈ ઉપર વેરભાવ નહોતો. અજુભા ઉપર આપણે દયાભાવ દાખવશું તો તો બાપુનો આત્મા જ્યાં હશે ત્યાં રાજી થાશે.’
ગોરા સાહેબ કીલાની પ્રેમવાણી સાંભળી રહ્યા. એમને પ્રતીતિ થઈ કે સદ્ગત બૅરિસ્ટરના બધા જ સદ્ગુણ અદકા પ્રમાણમાં આ પુત્રમાં ઊતર્યા છે.
✽