વેળા વેળાની છાંયડી/૨૩. પાણી પરખાઈ ગયું

Revision as of 05:24, 1 November 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૩. પાણી પરખાઈ ગયું

‘વાહ, બહાદર વાહ !’

⁠‘રંગ બહાદર, રંગ’

⁠‘નરોત્તમ પોતાના શ્રમયજ્ઞનો સર્વ પ્રથમ સ્વાનુભવ વર્ણવતો હતો અને કીલો એને વાક્યે વાક્યે શાબાશી આપતો જતો હતો.

⁠‘એણે મને કીધું કે આ તમને શું સૂઝ્યું… મેં કીધું કે સંજોગે સુઝાડ્યું !’

⁠‘વાહ મોટા, વાહ ! સરસ સંભળાવી દીધું !’

⁠નરોત્તમ એકેક સંવાદ સંભળાવતો હતો અને કીલો એના ઉપર વારી જતો હતો.

⁠‘એણે મને કીધું કે તમને આ ન શોભે… મેં કીધું કે સંધુંય શોભે—’

⁠‘શાબાશ, મોટા શાબાશ !’

⁠નરોત્તમના વાક્યે વાક્યે કીલો એને બિરદાવતો જતો હતો.

⁠‘પછી તો એણે મને બહુ બહુ વાર્યો, માથેથી સામાન ઉતારી નાખવાનું સમજાવ્યું. એમ પણ કહી જોયું કે તમે તો મારા–’

⁠‘પછી ? તેં શું જવાબ આપ્યો ?’

⁠‘મેં તો કહી દીધું કે હું હવે તમારો કાંઈ નથી રિયો. આપણી વચ્ચે સગપણ તો હતું તે દી હતું. હવે શું ?’

⁠‘કમાલ કરી દીકરા, તેં તો ! ઠીકાઠીકની સંભળાવી !’

⁠પછી નરોત્તમે મનસુખભાઈના ખિસ્સામાંથી પડી ગયેલા પાકીટવાળો પ્રસંગ વર્ણવ્યો ત્યારે તો કીલો ઉત્કંઠ બનીને સાંભળી રહ્યો.

⁠મેં ખડકીની સાંકળ ખખડાવી ને મનસુખલાલ બહાર આવ્યા. એટલે મેં કીધું કે લ્યો આ તમારું પાકીટ… ખિસ્સામાંથી પડી ગયું છે.’

⁠‘પછી ?’

⁠‘પછી હું તો થઈ ગયો હાલતો—’

⁠‘એમ ને એમ જ ? કાંઈ વાતચીત ?’

⁠‘ના. થોડુંક હાલ્યો ત્યાં એણે હાક મારીને પાછો બોલાવ્યો—’

⁠‘હા…! પછી ? પછી ?’

⁠પછી એણે બરોબર ધ્યાનથી બધી નોટું બબ્બે વાર ગણી લીધી. પાકી ખાતરી કરી લીધા પછી રજા આપી કે હવે તું તારે જા—’

⁠‘બસ ? ઇનામ-બિનામ કાંઈ ન આપ્યું ?’

⁠‘ના.’ નરોત્તમે કહ્યું, ‘ઇનામ વળી શાનું ? પાકીટ એનું હતું ને એને સોંપી દીધું—’

⁠સાંભળીને કીલો મૂંગો થઈ ગયો. સારી વાર સુધી એ મનમાં કશુંક વિચારી રહ્યો. પછી એકાએક એણે આંખો ચમકાવતાં પૂછ્યું:

⁠‘ભલા, મનસુખભાઈએ સાચે જ પાકીટમાંથી એકાદી નોટ કાઢીને તને ઇનામમાં આપી હોત તો શું કરત ?’

⁠‘કરત તો શું બીજું ? નોટ પાછી એના હાથમાં પધરાવીને કહી દેત કે તમારું નાણું તમારી પાસે જ રાખો. મેં તો નાણુંય બહુ ને આવી નોટુંય બહુ જોઈ નાખી છે.’

⁠આ વખતે કીલાએ, કોણ જાણે કેમ, એક પણ પ્રશંસા-શબ્દ ઉચ્ચાર્યો નહીં. ‘રંગ, બહાદર !’ કે ‘વાહ, મોટા, વાહ’ની એક પણ શાબાશી આપી નહીં. એ તો ઊલટાનો વધારે ગંભીર મુખમુદ્રા ધારણ કરીને ફરી ઊંડા વિચારમાં ડુબકી મારી ગયો.

⁠કીલાનું મૌન હંમેશાં અર્થસૂચક હોય છે એ હકીકત નરોત્તમને આટલા દિવસના સહવાસને પરિણામે સમજાઈ ચૂકી હતી. કીલાનું અંતરવહેણ અત્યારે કઈ દિશામાં વહી રહ્યું છે એ પારખવું મુશ્કેલ હતું, તેથી નરોત્તમ પણ મૂંગો મૂંગો એને અવલોકી જ રહ્યો.

⁠કીલાના વિશાળ કપાળ ઉપર જે કરચલીઓ પડતી હતી એ ઘડીક ઊંચી ચડતી હતી, ઘડીક સંકોચાતી હતી, ઘડીક પ્રસરતી હતી તો ઘડીક ગૂંચવાતી હતી. જાણે કે શતરંજ પર સોગઠાંઓ મહત્ત્વની હલચલ કરતાં હતાં. કીલાના ફળદ્રુપ ભેજામાં કોઈક રહસ્યમય વ્યૂહરચના ચાલી રહી હતી. વિશાળ મોરચા પર યુદ્ધ ખેલાતું હોય અને સેનાપતિના મેજ પરના ટચૂકડા નકશા પરની રેખાઓ પલટા લેતી હોય એવું દૃશ્ય અત્યારે કીલાના કપાળ પર દેખાતું હતું.

⁠ધ્યાનસ્થ ઋષિ વર્ષો પછી મૌન તોડે ને એકાદ શબ્દ ઉચ્ચારે એવી અદાથી કીલાએ કહ્યું:

⁠‘પાસ ! પાસ !’

⁠નરોત્તમને પણ આ શબ્દો મંત્રોચ્ચાર જેટલા જ ગૂઢ લાગ્યા, તેથી એનું રહસ્ય જાણવા એ આંખો ફાડીને કીલા સામે તાકી રહ્યો.

⁠ફરી કીલાએ બે શબ્દો ઉચ્ચાર્યા:

⁠‘પોબાર ! પોબા૨! ’

⁠હવે તો, નરોત્તમને કશી સમજણ પડવાને બદલે વધારે ગૂંચવણ જ ઊભી થઈ. ‘પોબાર ! પોબાર !’ કરીને આ માણસ શાની વાત કરી રહ્યો છે ? કોઈ રમતના દાવ ખેલે છે ? પાસા ફેંકવાની વાત છે ? કોઈ પ્રતિસ્પર્ધીને એ પરાજય આપવા માગે છે ? કશું જ ન સમજાતાં નરોત્તમ પૃચ્છક નજરે કીલા સામે તાકી રહ્યો.

⁠‘હવે બેડો પાર છે તારો, સમજ્યો મોટા ? હવે તારે ફતેહના ડંકા !’ કીલાએ ફરી મર્મવાણી ઉચ્ચારવા માંડી. નરોત્તમ વધારે ગૂંચવાયો. શાનો બેડો પાર ને શાની ફતેહના ડંકા ? તૂટેલું વેવિશાળ ફરી વાર સાંધવાની વેતરણ કરે છે કે શું ? કે પછી આમ ને આમ મોઢેથી લાખ લાખની વાતો કરીને આ પોરસીલો માણસ મને પરેશાન કરવા માગે છે ?

⁠‘મોટા, તારાં ઊઘડી ગ્યાં, વગર અરીઠાંએ ઊઘડી ગ્યાં !’

⁠હવે નરોત્તમની ધીરજ ખૂટતાં એણે પૂછ્યું: ‘પણ શું ? શું ઊઘડી ગયું ?’

⁠‘તારું નસીબ ! બીજું શું ?’ કીલાએ આદેશ આપતાં કહ્યું: ‘કાલ સવારથી તારે પેઢીને ગાદીતકિયે બેસી જાવાનું છે.’

⁠પ્રયત્ન કરવા છતાં નરોત્તમ હસવાનું રોકી શક્યો નહીં. પૂછ્યું: ‘કોની પેઢીની વાત કરો છો ?’

⁠‘આપણી પોતાની.’

⁠‘કઈ ? આ રમકડાંની રેંકડીની ?’ નરોત્તમ ફરી હસી પડ્યો.

⁠‘રમકડાંની નહીં, રૂની નિકાસની પેઢીમાં,’ કીલાએ સ્ફોટ કર્યો.

⁠‘પણ કોની ?’

⁠‘છે તો મંચેરશા પા૨સીની પેઢી… …પણ ઘરની પેઢી કરતાંય સરસ છે—’

⁠‘પારસીની પેઢીમાં ?’

⁠‘હા, કેમ ભલા, કાંઈ નવાઈ લાગે છે ? મંચેરશાના બાપુ ને મારા બાપુ એક જ રજવાડામાં નોકરી કરતા. એનો હોદ્દો દીવાનનો ને મારા બાપુનો હોદ્દો કામદારનો. તે દીનો બેય કુટુંબ વચ્ચે ઘર જેવો નાતો. બાપનું દીવાનપદું ગયા પછી મંચેરશા હવે વેપારમાં પડ્યા છે. ઓલી વિલાયતની પેઢી કાઠિયાવાડમાંથી કાચી ચીજ ધમધોકાર દેશાવર ચડાવે છે. એની સામે મંચે૨શાએ પોતાની પેઢી ઊભી કરી છે, આપણા જ મુલકમાં આપણા જ માલનો વેપાર અંગ્રેજને આવડે ને આપણને ન આવડે ? આ મનસુખભાઈ જેમાં કામ કરે છે એ અંગ્રેજી પેઢીની સામે હરીફાઈમાં મંચેરશાએ પોતાની પેઢી નાખી છે. મંચે૨શા પોતે રહ્યા પા૨સી એટલે અરધા વિલાયતી જેવા તો ગણાય જ. દેશદેશાવરમાં એને ઓળખાણપિછાણ, પણ વેપારમાં હોશિયાર ને વિશ્વાસુ માણસની એને જરૂર હતી—’

⁠‘મારા જેવો ?’ નરોત્તમે વચ્ચે કુતૂહલથી પૂછ્યું.

⁠‘તારા જેવો નહીં તો શું મારા જેવો ?’ કીલાએ કહ્યું, ‘મને તો મંચેરશા કેદુનો કીધા કરે છે કે કામદાર, આપણી પેઢી ઉપર બેસી જાવ ને બધુંય કામકાજ સંભાળી લ્યો. પણ હું ના કીધા કરું છું…’

⁠‘શું કામે પણ ?’

⁠‘હું કહું છું કે, ના ભાઈ, મને ભલું આ રેલવાઈનું સ્ટેશન ને ભલી મારી આ રેંકડી. આ રમકડાંની ફેરી એવી તો સદી ગઈ છે કે હવે પેઢીમાં આકોલિયા રૂનાં ગાદીતકિયે બેસું તો હાડકાં દુખવા આવે—’

⁠‘તમે પણ અવળવાણી જ બોલો છો, કીલાભાઈ !’ નરોત્તમે હસી પડતાં કહ્યું.

⁠‘ના, ના, અવળવાણી નથી બોલતો, સાવ સાચું બોલું છું. હું માંડ માંડ દુનિયામાંથી આઘેરો ખસ્યો છું, એમાં ફરીથી વળી આ માયામાં ક્યાં પડવું ? ઠાલું, મીઠીબાઈસ્વામી કહે છે એમ, જીવવું થોડું ને જંજાળ ઝાઝી વધારવી ?’

⁠‘પણ મને આ મંચેરશાની પેઢીમાં વાણોતરું કરવાનું આવડશે ?’ નરોત્તમે પૂછ્યું.

⁠‘વાણોતરું ?’ એટલું બોલીને કીલો ખડખડાટ હસી પડ્યો. પછી સમજાવ્યું. ‘તારે તો પેઢીનો વેપાર-વહીવટ કરવાનો છે. વાઘણિયાના નગરશેઠના ફરજંદ પાસે આ કીલો શું વાણોતરું કરાવશે ?’

⁠હવે નરોત્તમને ટોણો મારવાની તક મળી: ‘વાણોતરું કરાવવાને બદલે તમે સ૨સામાન ઉપડાવવાની મજૂરી તો કરાવી—’

⁠‘એ તો મારે તારી પરીક્ષા કરવી’તીને, એટલે મજૂરી કરાવી જોઈ.’

⁠‘પરીક્ષા ? શેની પરીક્ષા ?’

⁠‘તારું પાણી માપી જોવાની પરીક્ષા.’ કીલાએ ખુલાસો કર્યો. ‘પેઢીને ગાદીતકિયે બેસનાર માણસને પરસેવો પાડતાંય આવડવું જોઈએ. ખોટું કહેતો હોઉં તો પૂછી જોજે તારા મોટા ભાઈને. શેઠાઈ કરવી કાંઈ સહેલી નથી. ઊંચે બેસણે બેસીને જીભ હલાવનારને જરૂર પડ્યે કડ્ય ભાંગીને કામ કરતાં પણ આવડવું જોઈએ. હાથ નીચે મર ભલે હજાર વાણોતર હોય, પણ શેઠમાં તો હમાલનું કામ કરવાનીય તૈયા૨ી જોઈએ. ને તો જ એની શેઠાઈ ભોગવી ૫૨માણ—’

⁠કીલાની આ નવી ફિલસૂફી નરોત્તમ રસપૂર્વક સાંભળી રહ્યો. કીલો બોલતો હતો:

⁠‘તારામાં વેપાર-વહીવટની બધીય આવડત છે, એ તો મેં કાચી ઘડીમાં જ જાણી લીધું’તું. ને મંચે૨શા તો મને કેદુનો કીધા કરતો’તો, પણ મેં તારી ભલામણ આટલા દી ક૨ી નહીં, કારણ કે તારામાં શેઠાઈનો ગુણ મારે પારખવો’તો. એ, આ મજૂરી કરાવીને પારખી લીધો.’

⁠‘સાચું કહો છો ?’ નરોત્તમને હજી કીલાની આ વાતમાં વિશ્વાસ નહોતો બેસતો.

⁠‘હા, મેં તને મંચે૨શાની પેઢી ઉ૫૨ કેદુનો બેસાડી દીધો હોત ને આજે તારા હાથ નીચે દસબાર વાણોતર તારો પડ્યો બોલ ઝીલતા હોત. પણ આવી શેઠાઈ જીરવવાનું તારામાં જોર છે કે કેમ એટલું જ મારે જાણવું’તું. આવી ધરખમ પેઢીને મોટે મોભારે બેસીને હુકમ છોડવા એ પણ અમલદારી જેવો અમલ છે. એ અમલ જીરવી જાણવો જોઈએ, નહીંતર, એનો અમલ તો માણસનું માથું ફેરવી નાખે. મારે તારું આટલું જ પારખું કરવું’તું, તે આ રેલનાં છડિયાંનો સરસામાન ઉપડાવીને કરી લીધું—’

⁠‘રેલનાં છડિયાંનો જ નહીં, એક વારની મારી સગી—’

⁠‘સગી વહુનો જ, એમ કહે ને ! એમાં શરમાય છે શાનો ?’ કીલાએ કહ્યું, ‘પણ એય એક જોતાં લાભની જ વાત થઈ છે. એક પંથ ને દો કાજ જેવું કામ થઈ ગયું—’

⁠‘કેવી રીતે ?’

⁠‘એણે તારા માથા ઉપર ભાર જોઈને કીધું ને, કે હું લાજી મરું છું ?’

⁠‘હા, ઉપરાઉપર બેત્રણ વાર કીધું કે મેલી દિયો સામાન નીચે, હું લાજી મરું છું.’

⁠‘બસ છે. આ બે વેણ બસ છે.’ કીલાએ કહ્યું, ‘આ તો તારું પારખું કરવા જાતાં ભેગાભેગું મેં ચંપાનુંય પારખું કરી લીધું.’

⁠‘આ બે વેણ ઉપરથી જ ?’

⁠‘બે શું એક વેણ—અરે અરધા વેણ—ઉ૫૨થી સંધુંય સમજાઈ જાય, સાચાં મોતીનાં પાણી તો નજર નાખ્યાં ભેગાં પરખાઈ જાય. સાચાં ને ફટાકિયાં મોતીમાં ફેર એટલો ફેર, સમજ્યો ને ?’

⁠‘મને તો આમાં કંઈ સમજાતું નથી.’

⁠‘તને ભલે ન સમજાય, મને સંધુંય સમજાઈ ગયું. હું લાજી મરું છું એમ કીધું, એટલું બસ છે. હવે એ છે ને આ કીલો છે. એનો હથેવાળો હવે નરોત્તમ સિવાય બીજા કોઈની હારે નહીં થાય…’

⁠‘તમે પણ કીલાભાઈ, ઠીક ટાઢા પહોરની રોનક કરો છો !’ નરોત્તમે કહ્યું.

⁠‘રોનક નથી કરતો. આ કીલાને રોનક કરતાં આવડતી જ નથી. હું તો રોકડિયો હડમાન છું. આપણી પાસે ઉધાર વાત નહીં, રોકડી નગદ સિવાય બીજી વાત આપણને આવડે નહીં. આ કીલો બોલે એટલું કરી બતાવે. ખોટાં ફીફાં ખાંડવાનું મારા બાપે મને શીખવ્યું જ નથી. હું તને તાંબાને પતરે લખી દઉં કે ચંપાની વરમાળા તારી જ ડોકમાં આરોપાશે. કહેતા હો તો આ ફકીરને ને ગાંડાને આપણા સાક્ષી તરીકે રાખીએ. ને એમાં જરાય મીનમેખ થાય તો આ કીલો પોતાની મૂછ મૂંડાવી નાખે એટલી કબૂલાત. પછી છે કાંઈ ?’

⁠કીલો પોતાની ભરાવદાર મૂછને ગર્વભેર વળ ચડાવતો રહ્યો અને નરોત્તમ એના ભણી અહોભાવથી તાકી રહ્યો, એટલે કીલાએ વધારે ગર્વભેર ઉમેર્યું:

⁠‘અરેરે, મોટા, મને તો એક જ વાતનો ઓરતો રહી ગયો કે તેં આ કીલાને હજી લગી ઓળખ્યો જ નહીં ! હું કોણ ? કીલો કાંગસીવાળો !’

⁠રાતે વાળુપાણી પતાવ્યા પછી નરોત્તમ અને કીલા વચ્ચે મોડે સુધી ગુફતેગો ચાલતી રહી.

⁠‘કાલ સવારના પહોરમાં જ તારે મંચેરશાની પેઢી ઉપર બેસી જવાનું છે—’ કીલાએ આદેશ આપ્યો.

⁠‘કાલે જ ? સવા૨ના પહોરમાં જ ?’

⁠‘હા, ધરમના કામમાં વળી ઢીલ શી ?’

⁠‘આ તો ધરમનું નહીં, કરમનું કામ છે.’ નરોત્તમે મજાકમાં કહ્યું. ‘એનો આરંભ કરવામાં સારો વાર, સારું ચોઘડિયું, સારું શુકન જોવું જોઈએ ને ?’

⁠‘એવાં ડોસી-સાસ્ત૨માં આ કીલો માનતો જ નથી. સતપતિના સાતેય વાર સારા જ છે, એમ સમજવું. શુકન-અપશુકન જોવાનું કામ તો સાડલા પહેરનારી બાઈડિયુંને સોંપ્યું. આપણે મરદ માણસને તો આઠેય પહોરનાં ચોઘડિયાં સારાં જ ગણાય. આ કીલો તો એક જ વાત સમજે: ‘કાંડાંમાં જોર જોઈએ, ને કામ કરવાની આવડત જોઈએ.’ આમ કહીને કીલાએ પોતાના જીવનસૂત્રનું પુનરુચ્ચાર કર્યું: ‘હુન્નર હાથ, એને હરકત શી ?’

⁠કીલાનાં આવાં પ્રેરક વચનોથી ઉત્સાહિત થઈને નરોત્તમે પૂછ્યું: ‘હવે વાઘણિયે મોટા ભાઈને કાગળ લખી નાખું ને ? કામધંધો જડ્યો એના સમાચા૨ વાંચીને ભાઈભાભી બિચારાં બહુ રાજી થાશે—’

⁠‘ના.’ કીલાએ કડક અવાજે નકારમાં જવાબ આપી દીધો. ‘મોટા ભાઈને એવો લૂખો કાગળ ન લખાય, કાગળનો કટકો વાંચીને મોટા ભાઈ આવી વાત માને પણ નહીં કે નરોત્તમ મોટી પેઢીને ગાદી-તકિયે બેસી ગયો છે—’

⁠‘તો પછી કેવી રીતે વાત મનાવવી ?’

⁠‘થોડાક દી પછી નગદ નાણાનું મનીઆડર મોકલીને,’ કીલાએ સમજાવ્યું. ‘ખોબો ભરાય એટલા રૂપિયા ભાળશે એટલે એની મેળે સમજાઈ જાશે કે નાનો ભાઈ હવે કમાતો થયો ખરો !’

⁠‘ખોબો ભરાય એટલા રૂપિયા ?’

⁠‘ખોબો શું, ખજાનો ભરાય એટલા રૂપિયા મોટા ભાઈને મોકલવા પડશે,’ કીલાએ કહ્યું. ‘ઓતમચંદને તો હજી મંચેરશાની પેઢીના આડતિયા નીમવા પડશે. ગામેગામના વજે જોખીને માલ ચડાવવાનું કામ ઓતમચંદે કરવું પડશે. એમાં રૂપિયે આનો બે આના આડત જડશે તોય હકશી પેટે લાખની પાણ થાશે.’

⁠‘તમે તો બહુ લાંબો વિચાર કરી નાખ્યો છે, કીલાભાઈ !’

⁠‘આ કીલો ટંકા વિચાર કોઈ દી કરતો જ નથી. હિંગતોળ વેપલો કર્યે ઘરે હાથી ન બંધાય. આંગળી સોઝીને થાંભલો થયો સાંભળ્યો છે ક્યાંય ?’ ફરી કીલાએ ગર્વોક્તિ ઉચ્ચારી: ‘આ કીલો તો એક જ વાત સમજે… મારવો તો મીર, નહીંતર હાથ જોડીને બેઠાં રહેવું.’

⁠‘તમે તો ભારે જબરા છો !’ કીલાની ગર્વોક્તિથી પ્રભાવિત થઈને નરોત્તમ બોલ્યો. ‘તમારી પહોંચ ગજબની છે !’

⁠‘પહોંચ વિના હું કામદાર મટીને કાંગસીવાળો થયો હોઈશ ?’

⁠‘તમે તમારું નામ શું કામ બદલાવી નાખ્યું એ તો હજીયે મને નથી સમજાતું —’

⁠‘જિંદગીના રંગ બદલે એમ નામ બદલાવવાં જોઈએ, મોટા ! આપણે પોતાની મેળે નામ ન બદલીએ તો દુનિયા જ આપણું નામ બદલી નાખે. ઓલી કહેવત તેં નથી સાંભળી ?… ગરથ વિનાનો ગાંગલો, ને ગ૨થે ગાંગજીભાઈ ! ગાંઠમાં ગરથ હોય તો ‘ગાંગજીભાઈ ગાંગજીભાઈ,’ થઈ પડે, ને ગરથ હોય તો ‘ગાંગલો’ થઈ જાય. દુનિયાની રફતાર જ એવી છે. એમાં માણસનો વાંક નથી. નામનો મહિમા જબરો છે, મોટા !’

⁠આ નામ-મહિમા નરોત્તમ સાંભળી રહ્યો ને કીલો એકાએક મૂંગો થઈ ગયો. હવે પછી વળી કયો નવો તુક્કો સાંભળવા મળશે એની કલ્પના નરોત્તમ કરી રહ્યો હતો ત્યાં જ કીલાએ ધડાકો કર્યો.

⁠‘મોટા, મારે તારું નામ પણ બદલાવવું પડશે !’

⁠‘મારું નામ ?’ નરોત્તમે આઘાત અનુભવતાં પૂછ્યું, ‘મારું નામ તો હું અહીં આવ્યો કે તરત જ તમે બદલાવી નાખ્યું છે… નરોત્તમમાંથી ‘મોટો’ તો કરી નાખ્યું છે. હજી ત્રીજું નામ આપવું છે ?’

⁠‘મોટો તો હુલામણું નામ છે. વહેવારનું નામ નોખું રાખવું પડશે… મંચેરશાની પેઢીમાં તને નોખે નામે બેસાડવો પડશે.’

⁠‘પણ નામ બદલવાની જરૂર શું છે ?’

⁠‘તને નહીં સમજાય, મોટા ! હજી તારી ઉંમ૨ નાની છે, તેં દુનિયાના વસમા વહેવારના અનુભવ નથી તને, એટલે આ કીલાની રમત હમણાં નહીં સમજાય.’

⁠‘સારું, પણ હવે નવું નામ શું રાખશો ?’ નરોત્તમે કુતૂહલથી પૂછ્યું.

⁠‘આજે રાતે ઊંઘમાં વિચાર કરી જોઈશ,’ કીલાએ જવાબ આપ્યો ને સવારમાં નવું નામ પાડી દઈશ. ઊઠતાંવેંત તને નવે નામે જ બોલાવીશ !’