સૌરાષ્ટ્રની રસધાર ભાગ-5/મલુવા

From Ekatra Wiki
Revision as of 09:29, 2 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મલુવા|}} {{Poem2Open}} [કલકત્તા યુનિવર્સિટીના બંગ સાહિત્યના અધ્યાપક શ્રી દિનેશચંદ્ર સેને, ચંદ્રકુમાર દે નામના એક સંગ્રાહકની સહાયથી પૂર્વ બંગાળની પ્રાચીન લોકકથાઓ એકઠી કરાવી, એનાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મલુવા

[કલકત્તા યુનિવર્સિટીના બંગ સાહિત્યના અધ્યાપક શ્રી દિનેશચંદ્ર સેને, ચંદ્રકુમાર દે નામના એક સંગ્રાહકની સહાયથી પૂર્વ બંગાળની પ્રાચીન લોકકથાઓ એકઠી કરાવી, એનાં ઘટના-સ્થળો, ઘટના બન્યાનો સમય, ઇત્યાદિ સામગ્રીઓ નક્કી કરી, ઉક્ત યુનિવર્સિટી તરફથી એ તમામ પ્રેમકથાઓ ‘મૈમનસિંગ-ગીતિકા’ નામક મોટા ગ્રંથમાં પ્રગટ કરી છે. એમાંની એક અત્રે સંક્ષેપમાં ઉતારી છે. એ કથા તો લંબાણથી સાંગોપાંગ પદ્યમાં જ ચાલે છે, અત્રે એમાંથી ફક્ત જરૂરી લાગતી પંક્તિઓ જ મૂકી છે. આ ગીતકથાઓ શુદ્ધ લોકવાણીમાં લોકકવિઓએ જ રચેલી છે. ભાષા જૂની ને ગ્રામ્ય છે. રચનારાઓનાં નામ માત્ર કોઈ કોઈ કથામાં જ મળે છે.] સૂત્યા નદીને કાંઠે એક ગામડામાં ખેડૂતની એક વિધવા ડોસી રહે છે, ને ડોસીને ચાંદવિનોદ નામે એકનો એક દીકરો છે. જમીનનો કટકો ખેડીને મા-દીકરો ગુજારો કરે છે. આસો મહિનો ચાલ્યો જાય છે. ખેતરમાં પાણી ભરાઈ ગયાં છે. વાવણી કરવાની વેળા થઈ ગઈ છે. પરોડિયાને અંધારે મા ચાંદવિનોદને જગાડે છે : ઉઠ ઉઠ બિનોદ, આરે ડાકે તોમાર માઓ, ચાંદ મુખ પાખલિયા, માઠેર પાને જાઓ. [ઊઠ રે ઊઠ, મારા બેટા ચાંદવિનોદ! તારી માતા તને સાદ કરે છે. ઓ ચાંદ! મોં પખાળીને ખેતરે જા!] મેઘ ડાકે ગુરુ ગુરુ, ડાક્યા તુલે પાનિ, સકાલ કઈરા ખેતે, જાઓ આમાર જાદુમનિ. [મેહુલો ધીરું ધીરું ગરજીને નદીનાં નીરને જગાડે છે, માટે હે મારા પારસમણિ, તું ઉતાવળ કરીને ખેતરે જા!] આસમાન છાઈલો કાલા મેઘે, દેવાય ડાકે રઈયા, આરો કોતો કાલ થાકબે જાદુ ઘરેર માઝે શૂઈયા. [આકાશ કાળાં વાદળાં વડે છવાઈ રહ્યું છે. મેહુલો વારંવાર સાદ કરે છે. હે મારા બેટા, હવે ક્યાં સુધી ઘરમાં સૂઈ રહીશ?] ચાંદવિનોદ દાણા વાવવા ચાલ્યો. પણ ભારી વરસાદ પડવાથી ખેતરો ડૂબી ગયાં, અને સરસવનું વાવેતર એળે ગયું. ચાંદ માંદો પડ્યો, માએ બેઉ બળદ વેચીને એની દવા કરી. દેવોની દુઆથી દીકરો ઊગરી ગયો. પણ ઘરમાં તો લક્ષ્મીની પૂજા કરવા જેટલાયે દાણા નથી રહ્યા. મા કહે, બેટા! ખેતરમાં ધાન લણવા જા. પાંચ ગાછિ બાતાર, ડુગલ હાતે તે લઈયા, માઠેર માઝે જાઈ બિનોદ., બારોમાસી ગાઈયા. [‘વાત’ નામના છોડવાની પાંચ ડાળખી હાથમાં લઈને ‘બાર-માસા’નાં ગીતો ગાતો ચાંદવિનોદ ખેતરે જાય છે.] જઈને જુએ છે તો ધાન ન મળે! આસો મહિનાની અતિવૃષ્ટિએ મોલને બગાડી નાખેલ. જમીનનો કટકો વાણિયાને વેચી દઈ ચાંદવિનોદે જેઠ મહિને એક બાજ પંખીનું પીંજરું લીધું, અને બાજ પંખીને લઈને શિકારે નીકળ્યો. આઘે આઘે ચાલ્યો જ ગયો. કુડાય ડાકે ઘન ઘન, આષાઢ માસ આશે, જમીને પડિલો છાયા મેઘ આસમાને ભાશે. [બાજ પંખી ઘેરા નાદ કરીને બોલવા લાગ્યું : અષાઢ મહિનો આવી પહોંચ્યો. ધરતી પર છાંયડા ઢળ્યા. આભમાં વાદળાં તરવા લાગ્યાં. પણ શિકાર મળતો નથી.] ચાલતાં ચાલતાં વિનોદ અરાલિયા ગામને પાદર પહોંચ્યો. પાદરમાં ઝાડની ઘટામાં વચ્ચે એક અંધારી તળાવડી છે અને તળાવડીમાં પાણી ભરવા જવાની એક જ નાની કેડી છે. તળાવડીના પાણીની શોભા અને કાંઠે ઊભેલાં કદંબ ઝાડનાં ફૂલની સુંદરતા નીરખીને ચાંદવિનોદ બાજનું પીંજરું નીચે મૂકી છાંયડે વિસામો લેવા બેઠો. નીંદરમાં ઢળી પડ્યો. ઘુમાઈતે ઘુમાઈતે બિનોદ, અઈલો સંધ્યાબેલા, ઘાટેર પારે નિદ્રા જાઓ કે તુમિ એકેલા, સાત ભાઈયેર બઈન મલુવા જલ ભરિતે આશે, સંધ્યાબેલા નાગર સૂઈયા, એકલા જલેર ઘાટે. [નીંદરમાં ને નીંદરમાં તો સાંજ નમી ગઈ. સાંજ ટાણે સાત ભાઈની બહેન મલુવા પાણી ભરવા આવી. પાણીના ઘાટ ઉપર સાંજરે એણે કોઈ માનવીને સૂતેલો દીઠો. કાંઠા ઉપર પોઢેલા ઓ એકલ પુરુષ! તું કોણ છે?] કાંદેર કલસી ભૂમિત થઈયા મલુવા સુંદરી, લામિલો જલેર ઘાટે અતિ તરાતરિ. [કાખમાં ઉપાડેલ ગાગરને ભોંય પર મૂકીને મલુવા સુંદરી ઘાટનાં પગથિયાં તાબડતોબ ઊતરતી જાય છે.] એક બાર લામે કન્યા, આરો બાર ચાય; સુંદર પુરુષ એક, અધુરે ઘુમાય. [ઘડીક ઊતરે છે, ને ઘડીક પાછી નજર કરે છે : અરે, આ કેવો રૂપાળો પુરુષ આંહીં ઘસઘસાટ ઊંઘે છે!] સંધ્યા મિલાઈયા જાય રવિ પશ્ચિમ પાટે, તબૂ ના ભાંગિલો નિદ્રા, એકલા જલેર ઘાટે. [સૂરજ આથમણી દિશાને આસને બેસી ગયો, સાંજ અંધારામાં મળી ગઈ, તોપણ તળાવડીને કાંઠે એકલ સૂતેલા પુરુષની ઊંધ નથી ઊડતી.] અરેરે! રાત પડ્યા પછી એની ઊંઘ ઊડશે તો? એ પરદેશી પુરુષ ક્યાં જશે? શું એને ઘરબાર નથી? શું મા-બાપ નહિ હોય? રાત રહેવા એને કોણ દેશે? હું સારા કુળની કુમારિકા એને કેમ કરીને પૂછું? ઉઠો ઉઠો નાગર! કન્યા ડાકે મોને મોને, કિ જાનિ મનેર, ડાક શેઓ નાગર સોને. [મનમાં ને મનમાં એ કન્યા સાદ પાડે છે કે ‘ઊઠો! ઓ પરદેશી પુરુષ, ઊઠો!’ શી ખબર, કદાચ મારા મનનો સાદ એ માનવી સાંભળતો હોય!] મનમાં થાય છે કે એને જગાડીને મારા બાપના ઘરનો મારગ બતાવું, નહિ તો રાતે એને રસ્તો ક્યાંથી સૂઝવાનો? ઉઠો ઉઠો ભિન્ન પુરુષ, કોતો નિદ્રા જાઓ, જાર વક્ષેર ધન તુમિ, તાર કાછે જાઓ. [જાગ રે જાગ, ઓ પરદેશી! કેટલીક નીંદ હજુ કરવી છે? જેના હૈયાનો તું હાર હોય તેની પાસે ચાલ્યો જા!] અરેરે! અંતરનો સાદ એ શી રીતે સાંભળી શકે? મારી સાથે ભોજાઈ હોય તોય હું એને જગાડવાનું કહેત. પણ હું કોને કહું? હાં! હાં! એને યાદ આવ્યું. એ સૂતેલા પરદેશીને જગાડે તેવી એક બહેનપણી પોતાની પાસે હતી તે તેને સાંભર્યું. શુનો રે પિતલેર કલસી કઈયા બુઝાઈ તોરે, ડાક દિયા જાગાઓ તુમિ, ભિન્ન પુરુષેરે. [સાંભળ રે, ઓ પિત્તળની ગાગર! તને સમજાવીને કહું છું કે તું સાદ દઈને આ પરદેશીને જગાડ!] એટલું કહીને એણે ગાગર પાણીમાં ઝબોળી. જલ ભરનેર શબ્દે કુડા ઘન ડાક છાડે, જાગિયા ના ચાંદબિનોદ, કોન કામ કોરે. [પાણી ભરાવાનો ઢબ ઢબ અવાજ થયો. એટલે પીંજરાનું બાજ પંખી ઘાટી ચીસો પાડવા લાગ્યું, એ સાંભળીને ચાંદવિનોદ જાગી ઊઠ્યો. જાગીને એણે શું કર્યું?] દેખિલો સુંદર કન્યા, જલ લઈયા જાય, મેઘેર બરણ કન્યાર, ગાયેતે લૂટાય. [જોયું તો રૂપાળી કુમારિકા પાણી ભરીને ચાલી જાય છે, અને વાદળાંની છાયા એ કન્યાના દેહ પર લેટી રહી છે.] એક બાર ચાઉ લો કન્યા મુખ ફિરાઈયા, આરો એક બાર દેખિ આમિ આપના ભૂલિયા. [ઓ કન્યા! એક વાર મોં ફિરાવીને આ તરફ નજર કર. એક વાર હું ભાન ભૂલીને તને નીરખી લઉં.] ઉર રે જાઓ રે બનેર કુડા, કઈયો માયેર આગે, તોમાર ના ચાંદબિનોદ, ખાઈ છે જંગલધાર બાઘે. [ઓ વનના બાજ પંખી! ઊડીને મારી મા આગળ જાજે! કહેજે કે તમારા ચાંદવિનોદને જંગલના વાઘે ફાડી ખાધો.] ગાગર લઈને કન્યા ઘેર આવી. લાલ લાલ લોહી એના મોં ઉપર ચડી આવ્યું છે. પાંચ ભાઈઓની પાંચ વહુવારુઓ એને પૂછે છે કે “હે નણદીબા! તળાવડીને આરે તમે સાંજ સુધી એકલાં કેમ રોકાયાં? અંગનાં વસ્ત્રોનું કાં ઠેકાણું નથી? અંબોડો કાં વીખરાઈ ગયો છે?” આધા કલસી ભરા દેખિ, આધા કલસી ખાલિ, આઈજ જે દેખિ ફોટા ફૂલ, કાઈલ દેખ્યાછિ કલી. [“રે નણદી! આ ગાગર અરધી ભરેલી ને અરધી ઠાલી કાં? કાલ (તારી કાયા) જે કળી હતી : તે આજ ખીલેલું ફૂલ કેમ કરીને બની ગઈ?] “તળાવડીને આરે શું બન્યું તે બોલો! સવારે અમારી સાથે પાણી ભરવા ચાલો. ત્યાં જઈ એકાંતે વાત કરજો.” “ના, ભાભી! તમે સહુ જજો, હું નહિ આવું. મને રાતે આકરો તાવ આવેલો. મારા પેટમાં ને કમરમાં વેદના થાય છે.” પાંચેય ભોજાઈઓ ઝીણી ઝીણી વાતો કરતી કરતી પાણી ભરવા ચાલી ને મલુવા પોતાના શયનમંદિરમાં ગઈ. આ મલુવા કોણ છે? ગામના ખારવાની દીકરી છે. બાપનું નામ હીરાધર છે. ઘરમાં ધાનની કોઠીઓ ભરી છે. આંગણે દસ દૂઝણી ગાયો છે. સાંતીડે ચાર બળદ છે. પાંચ દીકરા ને છઠ્ઠી દીકરી છે. દુઃખમાં દુઃખ એટલું જ કે લાડકી દીકરીને લાયક કોઈ વર નથી મળતો. સૂતી સૂતી મલુવા વિચારે ચડી છે : ક્યાંથી આવ્યો એ પુરુષ? રાતે ક્યાં જઈને રહ્યો હશે? પોતાના બાજ પંખીને એણે ક્યાં રાખ્યું હશે? આમિ જદિ હોઈતામ કુડા, થાકતામ તાર સને; તાર સંગે થાકિયા આમિ, ઘુરતામ બને બને. [હાય રે! હું જો બાજપંખી સરજી હોત, તો હું તેની સાથે જ રહી શકત. એની સાથે જ વનેવન હું ફરી શકત.] આસમાને થાકિયા દેઉવા, ડાકછો તુમિ કારે, ઐના આષાઢેર પાનિ, બઈ છે શત ધારે. [આકાશમાં ઊભીને હે મેહુલા! તું કોને બોલાવે છે? આષાઢીલા મેઘ શતધારે વરસી રહ્યા છે.] ગાઁ ભાસે નદી ભાસે, શુકનાય ના ધરે પાનિ, એમુન રાતે કોથાય ગેલો, કિછુઈ નાઈ જાનિ. [ગામ અને નદી જળબંબોળ છે. પાણી ક્યાંય સમાતાં નથી. આવી રાતે પરદેશી ક્યાં ગયો હશે?] સવાર પડી ગયું, બપોર ગયા ને સાંજ પડી. ગાગર લઈને કન્યાએ તળાવનો માર્ગ લીધો. કિનારે ચાંદ સૂતો છે. ઓશીકે પાંજરું પડ્યું છે. ગઈ કાલની પનિયારીને દેખતાં જ પીંજરામાંથી બાજ પંખી પુકારવા લાગ્યું. ચાંદે જાગીને આંખો ઉઘાડી. તે દિવસ બેઉ જણાંએ સામસામી ઓળખાણ દીધી. મલુવા બોલી : આઁધુયા પુષ્કનિર પાડે, કાલો નાગેર બાશા; એક બાર ડંશિલે જાઈ બે, પરાણેર આશા. [હે પરદેશી! આ અંધારી તળાવડીને પડખે કાળા નાગના વસવાટ છે. એક વાર ડંખ થતાં જ જીવ નીકળી જાય છે.] માટે મારે ઘેર ચાલ. જો, આ સામે જ માર્ગ ચાલ્યો જાય છે. ઉગમણી બાજુ રૂડા અરીસા સરખું ચળકતું મારું ઘર આવશે.  હીરાધરને ઘેર ચાંદ આવતો-જતો થયો. ઓળખાણ વધી. એક દિવસ ચાંદે વેવિશાળનું માગું મોકલ્યું. કન્યાનો બાપ બોલ્યો કે બધી વાતે તો ઠીક ઠેકાણું, પણ જેના ઘરમાં એક ટંકનું ખાવાનું ન મળે તેને મારી દીકરી શી રીતે દઉં? માને રોતી મૂકીને ચાંદવિનોદ પરદેશ ગયો. એક વરસ સુધી શિકાર કરી કરીને ધન કમાયો. ઘેર જઈને ખેતીવાડી લીધાં, બળદ લીધાં, તળાવડીવાળું ઘર ચણાવ્યું. હીરાધરે હવે પોતાની દીકરીને ચાંદ સાથે પરણાવી. દાયજો લઈને મલુવા સાસરે ગઈ. ઘરની લક્ષ્મીને સાસુએ ઘરમાં લીધી. ગંગાજળનો ઘડો ભરીને પાડોશની બાઈઓએ આશિષો દીધી. સોનુંરૂપું ભેટ કરીને સહુએ સારાં શુકન કરાવ્યાં. ચાંદનો ઘરસંસાર સુખે ચાલવા લાગ્યો.  ગામમાં એક કાજી રહે છે; બડો બદમાશ કાજી! બોડોઈ દુરંત કાજી, ક્ષેમતા અપાર, ચોરે આસરા દિયા દિયા, સાઉદેરે દેય કાર. [બડો દુષ્ટ કાજી : અપાર સત્તાવાળો : ચોરોને આશરો આપે ને શાહુકારોને કેદખાનું આપે : પરનારીનાં શિયળ હરે.] એક વાર તળાવડીને આરે કાજી ઘોડે ચડીને નીકળ્યો છે. ચાંદની બાયડીને એણે પાણી ભરતી દીઠી છે. દેખીને એ દીવાનો બન્યો. ભૂઁયેતે બાઈયા તાર પરે લંબા ચૂલ, સુંદર બદન જેમુન મહુઆર ફૂલ. [ધરતી ઉપર જેના લાંબા કેશ ઢળી પડે છે, જેનું મોં જાણે મહુઆનું ફૂલ જોઈ લ્યો, એવી મલુવાને દીઠી.] આનાગુના કઈરા કાજી, હોઈલો બાઉરાં; રાખિતે ના પારે મન કોરે પંખી ઉડા. [બાવરો બનેલો કાજી રોજ આવ-જા કરે છે. પોતાના મન-પંખીને એ ઊડતું રોકી શકતો નથી. એના દિલમાં થયું કે અહાહાહા!] દેશેતે ભમરા નાઈ કિ કોરિ ઉપાય, ગોલાપેર મધુ તાઈ ગોબરિયા ખાય. [દેશમાં ભમરા નથી એટલે જ ગુલાબનું મધુપાન કીડા કરી રહ્યા છે ને!] ખલાસીની ઓરતને ભોળવવી એમાં શી મોટી વાત છે એમ સમજીને કાજીએ ગામની કૂટણીને બોલાવી. ધનદોલતની લાલચ દેવા એને મલુવા પાસે મોકલી : તારાય ગાંથિયા તાર, દિયામ ગલાર માલા, દેખિયા તાહાર રૂપ, હોઈયાછિ પાગલા. [હે કૂટણી! જઈને કહેજે કે આકાશના તારા પરોવીને હું તારા ગળામાં માળા પહેરાવીશ. તારું રૂપ નીરખીને હું એવો પાગલ બન્યો છું.] તળાવડીના ઘાટ ઉપર મલુવાને એકલી દેખીને કૂટણીએ કાજીની લાલચો ઠલવી. પહેલી વાર તો ડરીને મલુવા નાસી છૂટી, પણ બીજી વાર જ્યારે કૂટણી એને ફોસલાવવા આવી ત્યારે રોષ કરીને મલુવા બોલી : સ્વામી મોર ઘરે નાઈ, કિ બોલિબામ તોરે; થાકિલે મારિતામ ઝાંટા, તોર પાક્ના શિરે. [આજ મારો સ્વામી નથી, એટલે તને શું કહું? નહિ તો હું તારા ધોળા માથા ઉપર સાવરણીના માર મારત.] કાજીરે કહિઓ કથા, નાહિ ચાઈ આમિ, રાજાર દોસર સેઈ, આમાર સોવામી. [કહેજે તારા કાજીને કે એની માગણી મારે નથી ખપતી. મારે તો મારો સ્વામી પોતે જ રાજા બરોબર છે.] આમાર સોવામી શે જે પર્વતેર ચૂડા; આમાર સોવામી જેમુન; રણ દૌડેર ઘોડા. [મારો સ્વામી તો મારે મન પહાડના શિખર સમો છે. રણસંગ્રામમાં ઘૂમતા ઘોડા સમાન છે.] આમાર સોવામી જેમુન, આસમાનેર ચાન; ના હોય દુશ્મન કાજી નઉખેર સમાન. [મારો સ્વામી તો આકાશના ચાંદ સરીખો છે. પીટ્યો કાજી તો એના નખ બરોબર પણ નથી.] કૂટણીએ જઈને મલુવાનાં વેણ કાજીને કહી સંભળાવ્યાં. કાજીનો કોપ ભભૂકી ઊઠ્યો. એણે વેર લેવા માટે ચાંદવિનોદ ઉપર હુકમ લખ્યો કે તું પરણવાનો વેરો નથી આપી ગયો. જો આઠ દિવસમાં વેરો નહિ ભરી જા, તો તારાં ઘરબાર જપ્ત થશે. ઓચિંતાનો હુકમ આવતાં ચાંદ પાંચસો રૂપિયા ભેળા ન કરી શક્યો. મુદત વીતી ગઈ. એના વાડીવજીફા જપ્ત થયા. ચાંદે વિચાર કર્યો : આમિ રહિલામ ગાછેર તલાય તાતે ક્ષતિ નાઈ; પ્રાણેર દોસર મલુવારે, રાખિ કોનો ઠાંઈ. [હું તો ઝાડની છાંયે રહીશ, તેમાં કાંઈ વાંધો નથી. પણ મારી પ્રાણતુલ્ય મલુવાને કયે ઠેકાણે રાખીશ?] “મલુવા વહાલી! તું તારે પિયર જા. તું આ સંકટ નહિ સહી શકે. તું તારા બાપની લાડકી દીકરી છો, તું પાંચ ભાઈની બહેન છો.” મલુવા બોલી : બોને થાકો, છને થાકો, ગાછેર તલાય; તુમિ બિને મલુવાર, નાહિ કો ઉપાય. [ભલે વનમાં રહેવું પડે, ભલે ઝાડ હેઠળ વસવું પડે, બાકી તમ વિના મલુવાને બીજો આશરો નથી.] સાત દિનેર ઉપાસ જદિ, તોમાર મુખ ચાઈયા; બોડો સુખ પાઈબામ તોમાર ચન્નામિતિ ખાઈયા. [સાત દિવસની લાંઘણો પણ જો તમારા મોં સામે જોતાં જોતાં કરવી પડે, તો જરીયે ફિકર નથી. ફક્ત તમારું ચરણામૃત પીવાથી પણ હું મહાસુખ પામીશ.] મલુવાએ અષાઢ માસે નાકની નથણી વેચીને ઘરનો ગુજારો ચલાવ્યો; શ્રાવણ માસે પગનાં કડલાં; ભાદરવે બાજુબંધ; આસો મહિને રેશમી સાડી : એમ પોતાનાં વસ્ત્રાભૂષણો વેચી વેચીને સહુનું પેટ ભર્યું. અંતે કાંઈ ન રહ્યું ત્યારે ચાંદ પરદેશ રળવા ચાલ્યો; કોઈને કહ્યા વિના અધરાતે છાનોમાનો નીકળી ગયો. મલુવાના પિયરમાં ખબર પડી કે મલુવા તો બહુ દુઃખી છે. પાંચેય ભાઈઓએ બહેને તેડી જવા બહુ મહેનત કરી, ધાન ખાંડી સુખેદુઃખે મલુવા દિવસ વિતાવે છે. પાછું વર્ષ પૂરું થયું. કારતક માસે ચાંદ રળીને ઘેર આવ્યો. પરણ્યાનો વેરો ભરીને પાછાં ઘરબાર જપ્તીમાંથી છોડાવ્યાં અને ધણી-ધણિયાણીના મીઠા મેળાપ થયા. મેવા મિશ્રી શકલ મિઠા, મિઠા ગંગા જલ; તાર થાકિયા મિઠા દેખો, શીતલ ડાબેર જલ. તાર થાકિયા મિઠા દેખો દુઃખેર પરે સુખ; તાર થાકિયા મિઠા, જોખુન ભરે ખાલિ બુક, તાર થાકિયા મિઠા જદિ પાય હારાનો ધન; શકલ થાકિયા અધિક મિઠા વિરહે મિલન. [મેવા ને મિસરી મીઠાં : એથી મીઠું ગંગાજળ : એથી મીઠું શીતળ નાળિયેર-જળ : એથી મીઠું દુઃખ પછીનું સુખ : એથી વધુ મીઠાશ ખાલી છાતી ભરાય તેમાં રહી છે : એથી વધુ મીઠી ખોવાયેલ ધનની પ્રાપ્તિ છે; પરંતુ એ સહુથી વધુ મીઠું તો વિજોગ પછીનું મિલન છે.] કાજીએ ફરી વાર ફાંસલો નાખ્યો : કહેવરાવ્યું કે તારા ઘરમાં પરી જેવી ઓરત હોવાના ખબર અમારા દીવાનસાહેબને કોઈ જાસૂસે દીધા છે. અને દીવાનસાહેબે ફરમાવ્યું છે કે આજથી સાત દિવસમાં જો એ પરી દીવાનસાહેબની હજૂરમાં નહિ હાજર કરે તો તને ગરદન મારવામાં આવશે. સાત દિવસ પૂરા થયા. ચાંદવિનોદને કેદ પકડી ગયા. અને મલુવાએ શું કર્યું? કાંદિયા કાટિયા મલુવા કોન કામ કરે, પંચ ભાઈયે લેખે પત્ર આડાઈ અક્ષરે. [રોતાં રોતાં એણે પાંચ ભાઈઓને ટૂંકો કાગળ લખ્યો.] એ કાગળ એણે બાજ પંખીની ચાંચમાં મૂક્યો. ઘણા વખતનું ટેવાયેલું પક્ષી ઇશારામાં જ જઈને પાંચ ભાઈઓને ગામ ઊડી ગયું. પાંચેય ભાઈઓ ડાંગો લઈને પરબારા ગરદન મારવાના મેદાનમાં ગયા. ચોકીદારનાં માથાં ભાંગીને બનેવીનો જીવ બચાવ્યો. છયે જણા ઘેર જાય, તો ત્યાં મલુવા ન મળે! ખાલિ પિજરા પઈડા રયે છે, ઉઈરા ગેછે તોતા; નિબે છે નિશાર દીપ, કોઈરા આંધાઈરતા. [પિંજર ખાલી પડ્યું રહ્યું છે. અંદરથી પોપટ ઊડી ગયેલ છે. રાત્રિનો દીવો અંધારું કરીને ઓલવાઈ ગયો છે.] બુકેર પાંજર ભાંગે, બિનોદેર કાંદને; જાર અંતરાય દુઃખ, સેઈ ભાલો જાને. [આક્રંદ કરીને વિનોદનું હૃદયપિંજર ભાંગી જાય છે. એ તો જેના અંતરમાં દુઃખ હોય તે જ બરાબર સમજી શકે.] પઈરા રયેછે જલેર કલસી, આછે સબ તાઈ; ઘરેર શોભા મલ્લુ આમાર, કેવલ ઘરે નાઈ. [પાણીની ગાગર પડી રહી છે. બીજું રાચરચીલું પણ રહ્યું છે. કેવળ મારા ઘરનો સાચો શણગાર — મારી મલ્લુ — જ ન મળે!] રડી રડીને વિનોદ પીંજરા પાસે ગયો : અંદર બેઠેલા બાજ પક્ષીને પૂછ્યું : બનેર કોડા, મનેર કોડા, જનમ કાલેર ભાઈ! તોમાર જન્ય જદિ આમિ, મલ્લુરે ઉદિશ પાઈ. [હે વનના પક્ષી! હે મનના પક્ષી! હે મારા જન્મબંધુ! તારી પાસેથી મને મલ્લુનો પત્તો મળશે?] પક્ષીને તથા પોતાની માને સંગાથે લઈ, ઘરબાર મેલીને વિનોદ વિદેશે ચાલી નીકળ્યો. હાઉલાતે બોશિયા કાન્દે મલુવા સુંદરી; પાલંક છાડિયા બોશે જમીન ઉપરી. [જહાંગીરપુરના દીવાનની હવેલીમાં બેસીને મલુવા સુંદરી રડી રહી છે. પલંગ છોડીને એ ભોંય ઉપર બેઠી છે.] રંગીલા શણગાર સજીને દીવાન એ સુંદરીને મનાવે છે. મલુવા યુક્તિ કરીને જવાબ આપે છે : “હે દીવાનસાહેબ! મારે બાર મહિનાનું વ્રત ચાલે છે. નવ મહિના થઈ ગયા છે, હવે ત્રણ જ મહિના તમે જાળવી જાઓ. પછી હું ખુશીથી તમને પરણીશ. ફક્ત મારી આટલી પ્રતિજ્ઞા પાળવા દેજો; હું કોઈનું રાંધેલું ધાન નહિ ખાઉં, ને કોઈનું અડકેલું પાણી નહિ પીઉં; પલંગે પથારી નહિ કરું; પરપુરુષનું મોં નહિ જોઉં; આટલું જો નહિ પાળવા દ્યો તો હું જીભ કરડીને મરીશ.” ત્રણ મહિના વીતી ગયા. મુખેતે સુગંધિ પાન, અતિ ધીરે ધીરે, સુનાલી રૂમાલ હાતે દેઉઆન પશિલો અન્દરે. [મોંમાં સુગંધી તાંબૂલ અને હાથમાં જરી ભરેલ રૂમાલ : એવો ઠાઠ કરીને દીવાન ધીરે ધીરે ઓરડામાં દાખલ થયો.] “હે દિલારામ! પલંગ પર આવો!” “હે દીવાનસાહેબ, પ્રથમ તો મારા ગરીબ ધણીને છોડી મૂકો. એ બિચારાનો શો ગુનો છે?” દીવાને પરગણાના કાજી ઉપર એ પ્રમાણે હુકમ મોકલ્યો. “હવે, હે ખાવંદ! બાજ પક્ષી લઈને શિકારે જવા માટે દિલ થાય છે. કેમ કે હું શિકારીની ઘર-ધણિયાણી હતી. હું એકસામટા સો સો બાજને પકડી દઉં. ચાલો નૌકા લઈને સે’લ કરવા જઈએ.” દીવાને નૌકા શણગારી. અને મલુવાએ શું કર્યું? પોતાના બાજ પક્ષીની ચાંચમાં બીજો કાગળ દીધો, પાંચ ભાઈઓને છૂપા ખબર દીધા. પાંચ ભાઈઓ અને છઠ્ઠો ચાંદવિનોદ પોતાનો મછવો લઈને છૂટ્યા. આઘે આઘે નદીમાં દીવાનની નૌકા સાથે ભેટો થયો. દીવાનના માણસોને મારીને મલુવાને છોડાવી પોતાના મછવામાં ઉઠાવી ગયા. ચાંદવિનોદના નાતીલાઓએ નિન્દા શરૂ કરી : કેહો બોલે મલુવા જે, હોઈલો અસતી; મુસલમાનેર અન્ન ખાઈયા ગેલો તાર જાતિ. [કોઈ બોલ્યું કે મલુવા સતી નથી રહી. કોઈ કહે છે કે મુસલમાનનું અન્ન ખાવાથી એ વટલાઈ ગઈ છે. ત્રણ ત્રણ મહિના સુધી કાંઈ દીવાનના ઘરમાં ચોખ્ખાં બનીને રહી શકાય જ નહિ!] વિનોદનો મામો મોટો ખાનદાન હતો! એણે તો કહ્યું કે વિનોદ પણ ન્યાતબહાર! નીકર કરે પ્રાયશ્ચિત! અને બાયડીને કાઢે ઘરબહાર! વિનોદે તો બ્રાહ્મણ પાસે પ્રાયશ્ચિત કર્યું. પરાચિતિ કોરિયા બિનોદ, ત્યજે ઘરેર નારી, આધારે લુકાઈયા, કાન્દે મલુવા સુન્દરી. [પ્રાયશ્ચિત કરીને વિનોદે પોતાની નારી પણ તજી. અંધારે છુપાઈને મલુવા વિલાપ કરવા લાગી.] કોથા જાઈ, કારે કઈ મનેર બેદન, સ્વામીતે છાડિલો જદિ કિ છાડે જીબન. [“ક્યાં જાઉં? મનની વેદના કોને જઈ કહું? સ્વામીએ છોડી, પણ કાંઈ જીવતર મને થોડું છોડવાનું છે!”] પાંચેય ભાઈઓ બહેન પાસે આવ્યા : ચાલો, બોન, આપણે ઘેર. ત્યાં તને કોઈ જાતની તાણ નહિ આવવા દઈએ. બાપે બુઝાય, ભાઈયે બુઝાય, ના બુઝે સુન્દરી; બાહિર કામુલી હોઈયા આમિ થાકિબો સોવામીર બાડી. [બાપે સમજાવી; ભાઈએ સમજાવી; પણ સુંદરી માનતી નથી. એ તો કહે છે કે હું સ્વામીને ઘેર બહારની ચાકરડી બનીને રહીશ!] હે સ્વામી! અન્ન જલ ના, નિતે ના પારિબો આમિ; ભાલો દેઈખ્યા બિયા કોરો સુન્દરી કામિની. [હું તમને અન્નજલ નહિ લાવી આપી શકું. માટે સારી સ્ત્રી જોઈને તમે પરણી લ્યો.] નાતીલાઓએ મળીને ચાંદવિનોદને પરણાવ્યો. મલુવા ધણીને ઘેર છાણવાસીદાં કરે છે, બુઢ્ઢી સાસુની સેવા-ચાકરી કરે છે, અને શોક્યને નાની બહેન ગણી સંભાળે છે. એક દિવસ ચાંદવિનોદ પીંજરું લઈને બાજ પક્ષીને શિકારે ચાલ્યો. ચાલતો ચાલતો ઘોર જંગલમાં નીકળી ગયો. લપાઈને બેઠો છે. ત્યાં એને કાળા નાગે ચટકાવ્યો. પલકમાં તો ઝેર તાળવા સુધી ચડી ગયું. ઉઈરા જાઓ રે પશુ પાખી કઈઓ માએર આગે; આમિ બિનોદ મારા ગેલામ એઈ જંગલાર માઝે. [ઊડી જાઓ, વનનાં પશુપંખી! અને મારી માને જઈને કહો કે ચાંદવિનોદ આ જંગલમાં મરી ગયો.] સમી સાંજે વટેમાર્ગુઓએ માતાને જાણ કરી. સગાંવહાલાં ચાંદના શબ માથે જઈને રોવા લાગ્યાં. ફક્ત મલુવા જ હિમ્મત કરીને બોલી : “ન રડો, ન રડો, ઓ ભાઈ! પ્રથમ પરીક્ષા તો કરાવીએ કે એની નાડમાં પ્રાણ છે કે નહિ!” કાંઠે મનવેગી-પવનવેગી નૌકા ઊભી છે : મરેલા ધણીનું માથું ખોળામાં લઈને મલ્લુ નૌકામાં બેઠી. પાંચેય ભાઈઓ હલેસાં મારવા લાગ્યા. ગારુડી વૈદના ગામનો પંથ સાત દિવસનો હતો, તેને બદલે મલુવા એક જ દિવસમાં પહોંચી. ગારુડી વૈદે મડદાનાં નાક-મોં તપાસી માથા પર થાપટ દીધી. વિષ કમ્મર સુધી ઊતરી ગયું. કમ્મરથી ગોઠણ સુધી ઊતર્યું. ગોઠણથી ઊતરીને વિષ પગના અંગૂઠામાં ગયું. અને પાતાળમાંથી કાળા નાગે આવીને અંગૂઠેથી ઝેર ચૂસી લીધું. ચાંદવિનોદે આંખો ઉઘાડી. ધણીને જીવતો કરીને મલ્લુ ઘેર આવી. ગામમાં તો જેજેકાર ઊઠ્યો. લોકોએ પોકાર કર્યો કે “અરે ભાઈ! આ બેહુલાના અવતાર સમી સતીને ન્યાતબહાર રખાય? એને ન્યાતમાં લઈ લ્યો. એના હાથમાં છાણવાસીદાં ન હોય!” વિનોદનો મામો ન્યાતનો પટેલ હતો : એણે જવાબ દીધો : “જે કોઈ મલ્લુ વહુને ઘરમાં ઘાલશે, એ ન્યાતબહાર!” દુખિયારી મલ્લુ એકલી પડીને વિચારે છે : હાય રે! હું જીવું છું ત્યાં સુધી મારા સ્વામીના કપાળે કાળી ટીલી જ રહેવાની. સદાય મારો સ્વામી દુઃખી થયા કરશે. એ કરતાં મારી આવરદાનો જ અંત કાં ન આણું? મનથી મરવાનું નક્કી કરીને મલ્લુ નદીને આરે આવી. મન-પવનવેગી નૌકા બાંધી હતી તેમાં બપોર વખતે મલ્લુએ પગ મૂક્યો. પગ મૂકતાંની વાર જ — ઝલકે ઝલકે ઉઠે ભાંગા નાઉ સે પાનિ; કોતો દૂરે પાતાલપુરી આમિ નાહિ જાનિ. [એ તૂટેલા નાવડામાં ઝલક! ઝલક! ઝાલક મારતાં મારતાં નદીના પાણી દાખલ થવા લાગ્યાં. મલ્લુ બોલી કે “હે નદીનાં નીર! હું નથી જાણતી કે પાતાળપુરી આંહીંથી કેટલે દૂર છે. માટે — ] ઉઠુક ઉઠુક આર ઓ જલ, નાઉએર બાતા બાઈયા. [હે વાયરા! તમે ફૂંકો! અને ભલે આ નાવમાં હજુ વધુ પાણી ચડો!] નાવડું ખેંચાવા લાગ્યું. નીર ભરાવા લાગ્યાં, ત્યાં તો ચાંદવિનોદની બહેન ધા દેતી આવી : “ઓ ભાભી! તૂટેલ નાવડું છોડી દે! ઘેર ચાલ! ઘેર ચાલ!” નાવમાંથી મલ્લુ જવાબ વાળે છે : ના જાઈબો ઘરે આર, શુનો હે નનદિની, તોમરા સબેર મુખ દેઈખ્યા, ફાટિ છે પરાની. [હે નણંદબા! હવે ઘેર નહિ આવું. તમારાં સહુનાં મોં દેખીને મારી છાતી ફાટે છે. માટે — ] ઉઠુક ઉઠુક ઉઠુક પાનિ, ડૂબુક ભાંગા નાઉં; જન્મેર મત્ત મલુવારે, એકબાર દેઈખ્યા જાઉ. [આજ તો ભલે આ પાણીનાં મોજાં ઉછાળા મારે! મારવા દ્યો ઉછાળા! ડૂબવા દ્યો આ તૂટેલી નૌકાને! અને છેલ્લી વાર તમે સહુ સગાં તમારી મલ્લુને નીરખી જાઓ!] નાવડું વધુ ને વધુ ડોલવા લાગે છે. પાણી વધુ ને વધુ ભરાતાં જાય છે, હાથ જોડીને મલ્લુ સહુને પગે લાગી રહી છે. ત્યાં તો પોકાર કરતી સાસુ વીખરાયેલે વાળે દોડી આવે છે : “ઓ મારી વહુ! મારા ઘરની લક્ષ્મી! પાછી વળ! એક વાર પાછી વળ!’ મલ્લુ બોલે છે : ઉઠુક ઉઠુક ઉઠુક પાનિ, ડૂબુક ભાંગા નાઉં; બિદાય દેઓ મા જનની. ધરિ તોમાર પાઉ. [હે માતાજી! મને રજા આપો. તમારા ચરણે પડું છું. અને ઊછળો! ઊછળો! ઊછળો હે નદીનાં નીર! ભલે ડૂબે આ તૂટેલ નાવડી!] ભાંગા નાઉએ ઉઠલો પાનિ, કરિ કલ કલ, પાડે કાન્દે હાઉડી, નાઉ અર્ધેક હોઈલો તલ. [તૂટેલ નાવડીમાં પાણી કલ! કલ! અવાજ કરતાં ભરાવા લાગ્યાં છે. કિનારે ઊભેલી સાસુ રડે છે. અરધીક નાવડી તો ડૂબી પણ ગઈ છે.] પાંચેય ભાઈઓ દોડ્યા આવ્યા, એકેએક નાતીલો દોડ્યો આવ્યો અને ભાઈઓએ સાદ કીધો કે “ઓ બોન! શીદ મરવું પડે છે? ચાલો બાપને ઘેર. સોનાની નૌકામાં બેસારીને તને તેડી જશું.” પાણીમાં ડૂબતી બહેન બોલે છે કે “હે ભાઈઓ, હવે બાપને ઘેર જવાનું ન હોય. મને રજા આપો!” ઉઠુક ઉઠુક ઉઠુક જલ, ડૂબુક ભાંગા નાઉ! મલુવા રે રાઈખ્યા તોમરા આપન ઘરે જાઉં. [ઊઠો! ઊઠો! ઊઠો હે નદીનાં પાણી! ભલે નાવડી ડૂબી જતી! અને, હે વહાલાંઓ! તમે હવે મલ્લુને વળાવી પાછાં વળો!] “એક વાર મારા ચાંદને બોલાવો. એક વાર એનું મુખ નિહાળી લઉં. એક વાર કોઈ એને તેડી લાવો!” તૂટતે શ્વાસે ચાંદ દોડતો આવ્યો : એણે મલ્લુને મધનદીમાં ડૂબતી દેખી : કિનારેથી એણે ધા નાખી : “ઓ મારી આંખોના તારા! ઓ મલ્લુ! આવું કરવું’તું?” ડોલતી-ડૂબતી નાવડીમાંથી દૂબળો સૂર આવ્યો : “હે સ્વામી! હવે સંસારમાં મારું શું કામ છે? ન્યાતીલાઓને અને સગાંવહાલાંઓને હવે મારી જરૂર નથી. હવે મને સુખેથી રજા આપો!” ન પહોંચાય તેટલે દૂર નીકળી ગયેલી સતીને સ્વામી પુકારે છે : તુમિ જદિ ડૂબો કન્યા, આમાંય સંગે નેઉ; એકટિબાર મુખે ચાઈયા પ્રાનેર બેદના કઉ. [હે સ્ત્રી! તું ડૂબવા ચાહતી હોય તો મને પણ સંગાથે લઈ લે; એક વાર મારી સામે જોઈને મને તારા પ્રાણની વેદના કહે.] ઘરે તૂઈલ્યા લઈબામ તોમાય સમાજે કાજ નાઈ; જલે ના ડૂબિયો કન્યા, ધર્મ્મેર દોહાઈ. [ઓ વહાલી! હું તને ઘરમાં દાખલ કરી લઈશ. મારે ન્યાતની પરવા નથી. તું ન ડૂબીશ. તને ધર્મની દોહાઈ છે.] “ના, ના, સ્વામી!” આમિ નારી થાક્તે તોમાર કલંક ન જાબે; જ્ઞાતિ બંધુજને તોમાય સદાઈ ઘાટિબે. [હું જીવીશ ત્યાં સુધી તારું કલંક નહીં જાય. ન્યાતીલાઓ તને સદાય નિંદ્યા કરશે. માટે ઓ નાથ! ઘરે આછે સુન્દર નારી, તારી મુખે ચાઈયા; સુખે કર ગિરવાસ, તાહારે લઈયા. [તારે રૂપાળી સ્ત્રી છે, તેનું મોં નીરખીને તું સુખેથી તેની સાથે તારો ઘરવાસ ચલાવજે.] ગળાબૂડ પાણી ચડી ગયું છે. મલ્લુનું રૂપાળું મોઢું જ હવે દેખાય છે, અને પાતાળપુરીની નાગકન્યાઓ જાણે મોજાંને રૂપે મલ્લુને વીંટળાઈ વળેલ છે. એ ગળાબૂડ પાણીમાંથી મલ્લુ શું બોલે છે? “હે ન્યાતીલાઓ! વધુ દોષિત હોય તેણે જ ચાલી નીકળવું જોઈએ. મારા સ્વામીનો બિચારાનો કશોય દોષ નહોતો છતાંયે તમે એને સંતાપ્યો. હવે હું જાઉં છું. હવે એના ઉપર નિર્દય ન થાજો!” પૂવેતે ઉઠિલો ઝડ, ગર્જિયા ઉઠે દેઉવા, એઈ સાગરેર કૂલ, નાઈ ઘાટે નાઈ ઢોઉવા. [પૂર્વ દિશામાં વાવાઝોડું ઊઠ્યું છે, વરસાદ ગર્જના કરે છે અને જે સાગરને કોઈ કિનારો ન હોય, જે ઘાટ પર નૌકા ન હોય ત્યાં જવા માટે મલ્લુ આતુર થઈ રહી છે.] ડૂબુક! ડૂબુક! ડૂબુક! નાઉ આરો બાં કો તો દૂર; ડુઈબ્યા દેખિ કોતો દૂરે આછે પાતાલપૂર. [ડૂબી જા! ડૂબી જા! ડૂબી જા! ઓ નૌકા! હવે કેટલુંક દૂર છે? ડૂબીને જોઉં તો ખરી, પાતાળપુરી કેટલીક છેટી રહી છે!] પૂવેતે ગર્જ્જિલ્લો દેઉવા, છૂટલો બિષમ બાઉ, કોઈબા ગેલ સુન્દર કન્યા, મન પવનેર નાઉ. [પૂર્વમાં વરસાદ ગરજ્યો. તોફાની વાયરા વછૂટ્યા. ક્યાં ગઈ એ સુંદરી? ક્યાં ગઈ એ મન-પવનવેગી નૌકા? કોઈનેય ખબર ન પડી.]