સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/આઈ કામબાઈ

From Ekatra Wiki
Revision as of 12:43, 2 November 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
આઈ કામબાઈ


જાંબુડા ગામના ચારણો ઘોડાની સોદાગરી કરતા આઠ મહિના દેશાવર ખેડી ખેડી ચોમાસું ઘરને આંગણે ગાળતા. કંકુવરણી ચારણિયાણીઓ દુઝાણાં વાઝાણાં રાખીને ઘરનો વહેવાર ચલાવતી, ઉનાળાની શીળી રાતે રોજ રોજ રાસડે ઘૂમતી અને ગામનાં, ગામધણીનાં, રામનાં ને સીતાનાં ગીતો ગાતી કે —


જામ! તારું જાંબુડું રળિયામણું રે
પરણે સીતા ને શ્રી રામ
આવે રાઘવ કુળની જાન. — જામ.

પ્રભાતનો પહોર ઉગમણી દિશામાં કંકુડાં વેરે છે. જાંબુડા ગામની સીમ જાણે કે સોને ભરી છે. તે ટાણે કામબાઈ નામની જુવાન ચારણી કૂવાકાંઠે બેડું ભરે છે. કાળી કામળીમાં ગોરું મોં ખીલી રહ્યું છે. ઉજાગરે રાતી આંખો હીંગળેભરી ભાસે છે. એની આંખો તો રોજની એવી રાતીચોળ રહેતી : લોક કહેતા કે “આઈ તો ચોરાશી લોબડિયાળી દેવિયું ભેળાં રાતે આભામંડળમાં રાસ માંડે છે. એટલે આઈની આંખ્યું રાતિયું રે’ છે.” રૂડાં માણસની ઉજાગરે ભરી આંખો રૂડપમાં ઉમેરો કરે છે. માટીના માનવી એ રૂડપના અંગારાને ગુલાબનાં ફૂલ સમજી દોથો ભરવા લોભાયાં છે; ને કંઈક કમતિયા દાઝ્યા છે. કૂવાને કાંઠે કામબાઈનું એવું નીતરતું રૂપ નીરખીને એક આદમી ચાલ્યો ગયો. આઈનું ધ્યાન તો સીંચવામાં છે. માથેથી કામળી ખંભે સરી પડી છે. કૂવાના નીરમાં પડછાયો દેખીને એને પોતાનો પરદેશ ગયેલો ચારણ સાંભરે છે. અષાઢની વાદળીઓ આભમાં બંધાતી આવે છે. મોરલા ગળકે છે.

“ગઢવો છે કે ઘરે? ઉઘાડજો!” સાંજની રુંઊ્યો રડી ને દીવે વાટ્યો ચડી તે ટાણે કામબાઈની ખડકી પર કોઈક અજાણ્યો ટૌકો પડ્યો. “ચારણ તો ભણે ગામતરે ગાં સૅ, બાપ!” એમ કહેતી ચારણીએ બારણું ઉઘાડ્યું. જુએ તો અજાણ્યો રાજવંશી પુરુષ : ભેળો એક આદમી : સવારે કૂવાકાંઠે નીકળેલો એ જ. “આઈ, આ જામ લાખો. આપણા નગરના ધણી. ગઢવાની હાર્યે એને આંતરે ગાંઠ્યું છે. જામનાં આદરમાન કરો આજ.” “ખમા બાપ! ક્રોડ દિવાળી — ” એટલું જ્યાં જુવાન ચારણી બોલે ત્યાં તો ઓસરીમાં ઢોલિયો પડેલો તે નોકરે ઢાળ્યો અને નગરનો રાજા લાખો તે પર બેસી ગયો; બેસીને બોલ્યો : “ભાભી! દેવતા લાવજો, હોકો ભરીએ.” ‘ભાભી’ શબ્દ સાંભળતાં તો ચારણીના માથામાં ચસકો નીકળ્યો. કોઈ કુહાડો જાણે લમણા પર પડ્યો. કોઈ દિવસ ‘ભાભી’ શબ્દ સાંભળવાનો એને અનુભવ નહોતો. દેવતા દીધો. બીજી વાર ‘ભાભી’ કહી દૂધ માગ્યું. કામબાઈની કાયા ધણેણી ઊઠી. દૂધ દીધું. ત્રીજી વાર ‘ભાભી’ કહી પાણી માગ્યું; અને ચારણીને એ વેણ ઠેઠ અંતરમાં ઊતરી ગયું. આંહીં ઢોલિયે બેઠેલ રાજાને રૂંવાડે રૂંવાડે કામ પ્રગટ થયો છે. વિકારના અંગારા બળે છે. “લે બાપ! તારે જે જોતું’તું ઈ બધું!” એમ અવાજ સંભળાયો. સન્મુખ આવીને ચારણી ઊભી રહી. કામળીમાં ઢાંકેલ એક થાળી હાથમાં લીધી છે. કાયા થરથર કંપે છે. “લે! લે! ઝટ!” એમ ફરી ત્રાડ પડી. “શું!” રાજા ચમકીને બોલ્યો. “તારે જોતું’તું ઈ બધું!” કહીને કામબાઈએ થાળી ઉઘાડી. “અરરર! આઈ!” લાખાનો સાદ ફાટી ગયો. થાળીમાં કાપેલા બે થાનેલા (સ્તન) દીઠા. “ના, ના, ભૂલ્યો! આઈ નહિ, ભાભી!” ચારણી આંખો ઘુમાવતી હસવા લાગી : “લે! લે! લે!” “એ આઈ! હું ભૂલ્યો! ઘર ભૂલ્યો!” રાજાએ હાથ જોડ્યા. “અરે હોય નહિ! આ લે! આ લે! આ લે!”


હું ભેણી ને તું ભા, સગા! આદુનો સંબંધ.
કવચન કાછેલા! કિયે અવગણે કાઢિયું! [1]

[હે રાજા! ચારણી એટલે બહેન : ને તું ક્ષત્રિય એટલે ભાઈ : ચારણ-રજપૂતો વચ્ચેનો આદિથી ચાલ્યો આવતો આ સંબંધ : છતાં, હે કચ્છમાંથી આવેલ જાડેજા રાજા (કાછેલા)! તેં ‘ભાભી’ એવું કુવચન મારા કયા અપરાધે કાઢ્યું?] સાંભળીને રાજા ભાગ્યો. પાછળ થાળી સોતી ચારણીએ દોટ દીધી. ‘લેતો જા! બાપ, લેતો જા!’ એવા સાદ કરતી કામબાઈ પાછળ પડી અને ફરી દુહો કહ્યો : સંચેલ ધન ચારણ તણાં, જરશે નહિ જસા, અજરો રે અસા, લોઢું લાખણશિયડા! [2] [હે જામ લાખા! આ તો ચારણનાં રૂપ-રૂપી ધન : એ તને નહિ પચે. આ તો લોઢું કહેવાય, એનો તને અપચો થશે.] જામ ઘોડો દોડાવ્યે જાય છે. નગરમાં પેસી જાય છે. પાછળ ચારણી પડી છે. એના મોંમાંથી દુહો ગાજે છે : ચમકપાણ લોહ ઓખદી, પાનંગ વખ પરાં, અમરત ખાધે ન ઊતરે, ચારણ-લોઈ બરાં! [3] [લોઢું ન જરે તો તેની ઔષધિ ચમકપાણ નામનો પથ્થર છે. સાપના વિષનું ઔષધ અમૃત છે, પરંતુ અમૃત ખાવાથી પણ જેનું ઝેર ન ઊતરે તેવાં બૂરાં તો ચારણનાં લોહી છે.] નગરના મહેલમાં જામે સાંભળ્યું કે ચંડિકા સમી ચારણી હજુ તો શરીરના ટુકડા કરતી ને સીમાડે લોહી છાંટતી ચાલી આવે છે. રાજા સામા ગયા. મોંમાં તરણું લઈને બોલ્યા : “માતાજી, મને પારકાએ ભુલાવ્યો. હવે ક્ષમા કરો.” “હું તને માફ કરું છું, પણ એક વાત યાદ રાખજે : આ તારા મહેલની ઓતરાદી બારી કદી ઉઘાડીશ નહિ.”  બાર વરસ વીતી ગયાં. જામે બીજી વાર લગ્ન કર્યાં. નવાં રાણીની સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠેલા છે. રાણીએ પૂછ્યું : “દરબાર, ઓતરાદી દશ્યેથી દરિયાના પવનની લહેરો આવે, રળિયામણા દેખાવો જોવાય; છતાં એ જ બારી શા માટે બંધ કરાવી છે?” “ત્યાં એક ચારણી બળી મૂઆં છે, એની મના છે!” “કેટલો વખત થયો?” “બાર વરસ.” હસીને રાણી બોલ્યાં : “ઓહોહોહો! આજ બાર-બાર વરસે કાંઈ એની મનાઈને ગણકારવાની હોય?” રાણીના આગ્રહથી એ બંધ બારીની ઇંટો કાઢવામાં આવી. સામે જ દરિયાનો વિશાળ ખારોપાટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો. ચોમાસા સિવાયની ઋતુમાં એ ખારાપાટ વચ્ચે પરગામનો કેડો પડતો. બરાબર જાંબુડાથી જે કેડો આવતો હતો તે જ એ કેડો : પણ અત્યારે એ પાણીમાં ડૂબેલો હતો. આઘે આઘે જાણે એ પાણી ઉપર આગ બળતી હતી. જામ લાખાએ રાણીને બોલાવ્યાં. આંગળી ચીંધી જામે રાણીને કહ્યું : “જુઓ રાણીજી, ઓલી જગ્યાએ પાણીની સપાટી ઉપર ભડકા બળે; ત્યાં એ ચારણ્ય બળી મરેલી.” પણ રાજા જ્યાં આંગળી ચીંધાડવા જાય, ત્યાં તો એ દૂર બળતી જ્વાળા આંગળીને ચોંટી. ઝડ! ઝડ! ઝડ! અંગ આખું સળગી ગયું. રાજા બળીને ખાખ થયો. ચારણોએ ગાયું : ચારણ ને ચકમક તણી, ઓછી મ ગણ્યે આગ! ટાઢી હોયે તાગ, (તોયે) લાગે લાખણશિયડા! [4] [હે લાખાજી જામ! ચારણની અંદર અને ચકમકની અંદર બેસુમાર અગ્નિ છુપાઈ રહ્યો છે. દેખાવમાં તો ચકમક ઠંડો છે, પણ એની સાથે ઘર્ષણ થાય ત્યારે બાળીને ખાખ કરે તેવા તણખા ઝરે છે. તેવી જ રીતે આ વૃત્તાંતમાં પણ અબોલ અને ઠંડી કામબાઈની અંદર ઊંડાણે આગ બળતી હતી. કોઈ ન સમજે કે એ બાળી શકશે. છતાં ત્યાંથી છૂટીને એ તને વળગી, તને બાળીને ભસ્મ કર્યો.] જૂનો રાફ ન છેડીએ; જાગે કોક જડાગ, જાગી જાડેજા સરે; કામઈ કાળો નાગ. [5] [કોઈ રાફડાને જૂનો અને ખાલી સમજીને ઉખેળવો નહિ, કારણ કે એમાંથી કોઈક દિવસ ઝેરી સર્પ નીકળી પડે. જેવી રીતે ચારણ જ્ઞાતિરૂપી જૂના રાફડામાંથી જાડેજાને માથે કામબાઈ કાળા નાગ-શી જાગી.]