સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/એક તેતરને કારણે

From Ekatra Wiki
Revision as of 07:39, 3 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક તેતરને કારણે|}} {{Poem2Open}} પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી. પણ એ વિનામહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શક્યા. અસુરો ધરણી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
એક તેતરને કારણે


પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી. પણ એ વિનામહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શક્યા. અસુરો ધરણીમાતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવતાઓએ ભેળા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો. એ અગ્નિકુંડની ઝાળમાં ચાર મોટા દેવતાઓએ જવના દાણા છાંટ્યા, તે જ ઘડીએ એક પછી એક ચાર વીરો પ્રગટ થયા. સોળેય કળાએ શોભતો તેજસ્વી નર નીકળ્યો, તે સોળંકી કહેવાયો. ચારેય ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો, તે ચહુબાણ (ચૌહાણ) કહેવાયો. કુંડમાંથી નીકળતાં નીકળતાં પગમાં પોતાનું ચીર ભરાવાથી જે પડી ગયો તેનું નામ પઢિયાર પડ્યું. એ ત્રણેય તો હાથ જોડીને આજ્ઞા માગતા માગતા નીકળ્યા, એટલે દેવતાઓ નિરાશ થયા. આખરે અગ્નિના ભડકામાંથી ‘માર! માર!’ની ત્રાડ દેતો જે બહાર આવ્યો, આવીને ‘પર’ કહેતાં રાક્ષસને જેણે સંહાર્યો, તે પરમાર નામે ઓળખાયો. આબુ, ઉજેણી અને ચિતોડ ઉપર એના વંશની આણ વર્તી ગઈ. ચિતોડગઢનાં તોરણ બાંધનાર આ પરમાર વંશનો જ એક પુરુષ હતો. એ વંશનો એક વેલો સિંધના રણવગડામાં પણ ઊતરી આવ્યો. એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી. સોઢા પરમારોના હાથનો ઉમરકોટ તાલુકો એક વખત એની પડતી દશામાં છૂટી ગયો ને નગરપારકરનો નાનો તાલુકો રહ્યો. ત્યાંનું બેસણું પણ ગયું, ને થરપારકર રહ્યું. થરપારકરનું રાજ એટલે તો રેતીના રણનું રાજ : રાજધણીને રિદ્ધિસિદ્ધિમાં ઢોર સિવાય બીજું કાંઈ ન હોય. માલધારી રાજા પોતાનો માલ ચારીને ગુજારો કરતા; નેસડામાં રહીને રાજમહેલની મજા લેતા; રોટલો અને દૂધ આરોગીને અમૃતના ઓડકાર ખાતા; રૈયતની સાથોસાથ રહીને તેની જીવ સાટે રક્ષા કરતા. તેથી જ —


અંગ પોરસ, રસણે અમૃત, ભુજ પરચો રજભાર,
સોઢા વણ સૂઝે નહિ, હોય નવડ દાતાર.

[સોઢાઓનાં અંગમાં દાન દેવાની જેવી હોંશ આવે, જીભમાં જેવું અમી વરસે અને ભુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું.] બાપુ રતનુજી તો કૈલાસમાં પધારી ગયેલ, પણ મા જોમબાઈ હજુ બેઠાં હતાં. મા જોમબાઈને ચાર દીકરા હતા : આખોજી, આસોજી, લખધીરજી ને મૂંજોજી. મા અને દીકરા ગોડી પારસનાથજીનાં મોટાં ભક્ત હતાં. સંવત 1474ની અંદર પારકરમાં કાળો દુકાળ પડ્યો, તાવડામાં જેમ ધાણી ફૂટે, તેમ માલધારીઓનાં ઢોર ટપોટપ મરવા માંડ્યાં. બે હજાર સોઢાઓ પોતાનાં ઢોર લઈને દુકાળ વર્તવા સોરઠમાં ચાલી નીકળવા જ્યારે તૈયાર થયા, ત્યારે ચારેય ભાઈઓને ચિંતા થઈ કે પારકા મુલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે? માટે આખોજી બોલ્યા કે “ભાઈ લખધીર, તું ને મૂંજોજી સાથે જાઓ, હું ને આસો આંહીં રહેશું.” લખધીરજી ને મૂંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણીને તૈયાર ઊભા, ત્યારે મા જોમબાઈ બોલ્યાં : “બાપ, આપણી વસ્તીને પરદેશમાં મા ક્યાંથી મળશે! માટે હુંય સાથે ચાલીશ.” માતાજી રથમાં બેઠાં, અને બે હજાર સોઢાઓ એના રથને વીંટી લઈને પોતપોતાના ઢોર હાંકતા હાંકતા, રસ્તે ચારતા ચારતા, દરમજલે મુકામ કરતા ચાલી નીકળ્યા. પણ લખધીરજીને તો નીમ હતું કે રોજ પોતાના ઇષ્ટદેવ ગોડી પારસનાથનાં દર્શન કર્યા પછી જ અન્નપાણી ખપે. આ દેવતાની પ્રતિમા પારકરના પીલુ ગામમાં હતી. રોજ રોજ પ્રભાતે જ્યાં મોલણ પડ્યું હોય ત્યાંથી લખધીરજી પોતાની હાંસલી ઘોડી પાછી ફેંટીને પીલુ જઈ પહોંચે, દેવનાં દર્શન કરે, ત્યાર પછી અનાજ આરોગે. એ રીતે તો જેમ જેમ પલ્લો લાંબો થતો ગયો, તેમ તેમ પીલુ પહોંચવામાં મોડું થવા માંડ્યું. એક પહોરના, બે પહોર, ચાર પહોર, ને પછી તો બબ્બે દિવસના કડાકા થવા લાગ્યા. પછી એક રાતે લખધીરજીના સ્વપ્નમાં ઈષ્ટદેવ આવ્યા ને બોલ્યા : ‘બેટા, કાલ પ્રાગડના દોરા ફૂટતાં જ તને ગાયનું એક ધણ મળશે. એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે. એ ગાય પોતાનો મોયલો પગ ઊંચો કરીને તારી સામે જોઈ જમીન ખોતરશે. ખોતરેલી જમીનમાં ખોદજે, તો તને એક પ્રતિમા જડશે. એ પ્રતિમાનાં દર્શન કરી રોજ જમજે, રથમાં પધરાવીને સાથે લઈ જજે, ને જ્યાં રથ ઊભો રહી જાય, ચસકે નહિ, ત્યાં તારો મુકામ કરી રહેજે. તારી ફતેહ થશે.’ બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી. પાંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી, ને મૂર્તિ જડી. એ માંડવ રાજની પ્રતિમાને માતા જોમબાઈ ખોળામાં લઈને બેઠાં અને સોનાના થાળ સરખી પાંચાળ ભૂમિમાં મૉતીના દાણા જેવા ડુંગરા જોતા જોતા અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા. હવે, કેવો છે એ પાંચાળ દેશ?


કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ;
નર પટાધર નીપજે, ભોંય દેવકો પાંચાળ. [1]

[એ પાંચાળની જમીન રાતી છે, સુંદર સાલેમાળ ડુંગર છે, અને એ દેવભૂમિમાં શૂરવીર પુરુષો નીપજે છે.]


ગૂઢે વસ્તરે ગોરિયાં, પગપિંડીનો તાલ;
પનઘટ ઉપર પરવરે, પડ જોવો પાંચાળ. [2]