કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૪. અને ધારો કે —
અને ધારો કે આ ક્ષણ પણ સરી જાય, તમને
મૂકીને વેરાને સમયપથના; શૂન્ય ક્ષિતિજે
ભૂંસાતું લાગે આ પરિચય તણી રમ્ય લિપિ-શું
ધરાનું આભાસી મિલન, નભના રિક્ત હૃદયે;
પડી યુગો જેવી તડ સમયની બે પળ વચે
તમારા હૈયાની ધડકન બનીને રવરવે!
તમે થંભાવીને ઘડીક ધબકારા અનુભવો
તમારાથી આઘું મિલન પળનું, સાવ નિકટ;
રણોનું પોતીકું મૃગજળ સમેટાઈ વન થૈ
તમારી આંખોમાં કલરવ ભરી જાય; ઉરને
અડીને શ્વાસોની સરગમ મહીં પંચમસ્વરે
ટહુકે જીવ્યાની મધુર રટણાઓ...
ફરી કદી,
અધૂરા વિશ્રામે મળી, જતી રહેલી પળ મળે –
અને ધારો કે એ ક્ષણ પણ...
૧૯૭૦
અમથું અમથું કોયલ કેરું મૌન ઊઘડે!
કાન માંડતું નથી કોઈ ને તોય
કોસને કંઠે ઝરતું
ખળ ખળ ખળ સંગીત,
– નીકમાં વ્હેતું આવે ગીત!
ચાસમાં તરવરતી માટીની તાજી ગંધ વડે
ભીંજાય નહીં મેંદીની ભીની ભાત
તોય ત્રોફેલ હોઠને ત્રાજવડેથી ફરકે એવો
લહલહતા ડૂંડે ખેતરનો હરખ ફૂટતો દેખું.
વાડે વળગેલા વેલાની
સૂકી સીંગોના ખખડાટ સમા
પગરવને પડઘે સીમ સળવળે નહીં
તોય ઝાકળિયું ઝૂકી નજર માંડતું રહે!
હુંય તે ટીમણટાણે
મહુડાનો છાંટો ઓઢી સંતાઈ જાઉં!
– કાંબીકલ્લાં ને ઝાંઝરનો રણકાર
નેળિયે નથી ઊડતો;
છીંડાના કાંટા પાલવડે નથી અડપલું કરતા!
૧૯૬૯