કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૨. શું હસવું? શું રડવું?

From Ekatra Wiki
Revision as of 11:09, 10 November 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૨. શું હસવું? શું રડવું?


શું હસવું? શું રડવું?
શૂન શિખરના પવન-પગથિયે
          શું ચડવું? શું પડવું?—
          શું હસવું? શું રડવું?
ઘડીક તીખો તડકો તપતો,
          ઘડીક ઢળતી છાયા;
રાત પડે ત્યાં રસ્તો પકડે
          માયાવી આ કાયાઃ
વાદળની લીલામાં વસતાં
          શું લસવું? શું લડવું?—
          શું હસવું? શું રડવું?
ભુલામણીમાં હરદમ ભટકે
          આતમની અસવારી;
બાંધી મૂઠીમાં મતલબની
          જીતી બાજી હારીઃ
ખેલ બધો છે ખાલી તેમાં
          શું ખોવું? શું જડવું?
          શું હસવું? શું રડવું?

૧૫-૪-’૫૩ (ગોરજ, પૃ. ૯૫)