ટોળાં અવાજ ઘોઘાટ/૨૬- કાલક્ષેપ કરવા માટે પત્ર-બકવાસ
પ્રિય જ્યો. જા.
પત્ર મળ્યો. ઉત્સાહથી પ્રત્યુતર આપ્યો એ જ હમારો હરખ. નાટ્યપ્રયોગો
તો એક કાલક્ષેપ છે. બીજી રીતે કાલક્ષેપ કરતાં આવડતું નથી એટલે
આ પ્રવૃત્તિની ટેવમાં લપટાયા છીએ,
બાકી ખરી ‘વસ્તુ’ તો દુર્લભ છે. ‘સેલ્ફ રિયલા-
ઇઝેશન’ જે કંઈ પ્રાપ્ત થાય છે તે મિલાવટવાળું
અર્થાત ભ્રાન્તિ રૂપ. ટાઈપરાઈટર વગર ટાઈપ કરવું
તે અમારા નાટ્યપ્રયોગોમાં માઈમ-પેન્ટોમાઈમ, તરત
પ્રાસમાં સૂઝે છે તે નર્સરી રાઈમ્સ
અને લાઈમ્સ
સાથે જિન
કે કોઈ એવી પત્તી તીન-
માં રમી નાખીએ લાઠાના ઠાલા વાસણમાં
ખખડતી ખોરી ક્ષણો-
ઝણઝણો ભાષાના ભ્રાન્ત તંતુઓ રૂપે
આમ રચના કરવાની ટેવ
અને તરત સૂઝે તતખેવ
કે તીખી તમતમતી સેવ
આવા આવે છે
જડ ગોઠવાયેલા
સ્વર-વ્યંજનના ‘વેવ’
અને એની વ્યથાની વેવલાશમાં :
આત્મનાશમાં
ખરી ‘વસ્તુ’ તો દુર્લભ છે.
ઉપર ખાલીખમ નભ છે
અર્થાત કશું નથી
આયુષની અર્ધી બોટલ જેવું કે
કાગળની એક બાજુ જેવું સંપૂર્ણ
અને અર્ધું પૂર્ણ આ જીવન !
એ જગજીવન જ્યોતિષ !
કે આકાશી જ્યોતિર્મય નક્ષત્ર ?
તું ક્ષત્રી નથી અને હું ‘ત્રાહિમામ’ પોકારું છું.
આમને આમ જીવનની આ અર્ધી બોટલ જેવા
કોરા કાગળને શબ્દસન્નિપાતથી ચીતરવાનો કોઈ નિશ્ચય
નથી. લય નથી તો પ્રલય ક્યાંથી આવે. વય છે તો
દુર્વ્યય પણ છે. ભય-અભયની મુશ્કેટાટ ગાંઠમાં-
લથબથ બંધાયા હોવા છતાં
નિત્ય ગાંઠિયાનું સેવન ચાલુ છે.
એ સિવાય કોઈ કર્તવ્ય શેષ રહ્યાનું જણાતું નથી.
કશું ‘જણાતું’ નથી કાશ ‘ગણાતું’ નથી કશું ‘વણાતું’ નથી
અને ભણાવે છે ભણેશરીઓ સાદ્યંત છતાં
કશું ભણાતું નથી.
આવી ફાટી ગયેલા કોથળા જેવી સ્થિતિમાં
ગબડતા ગબડતા વડોદરે આવી પહોંચીએ ગમે ત્યારે
તો અમને તો નવાઈ નઈ લાગે
અકલ સકલ સહુને યાદ
લિ.
લા. ઠા.
[શ્રી જ્યોતિષ જાનીને લખેલો પત્ર. “સંજ્ઞા”માં છપાયો, જુલાઈ ૧૯૭૬]