કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૭. સાદડી વણનારીનું ગીત

From Ekatra Foundation
Revision as of 10:08, 11 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૭. સાદડી વણનારીનું ગીત|}} <poem> સાદડી વણતી જાઉં ને ભેળી :::: વણું સુખનાં સોણાં, જિંદગી આખી મરને મારે :::: કરમે લખ્યાં રોણાં. :: કોઈ રૂપાળું બેસશે આસન કરી, :: કોઈ હૈયાળું હેરશે નયન ભરી, ::...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૭. સાદડી વણનારીનું ગીત


સાદડી વણતી જાઉં ને ભેળી
વણું સુખનાં સોણાં,
જિંદગી આખી મરને મારે
કરમે લખ્યાં રોણાં.

કોઈ રૂપાળું બેસશે આસન કરી,
કોઈ હૈયાળું હેરશે નયન ભરી,
ફૂલવેલી આ ફોરશે ખરેખરી!
વણતી જાઉં ને ઘટમાં મારે
કોનાં ઘમ્મ વલોણાં? —

ઝરણા કાંઠે ઝૂંપડી વણું લીલી,
ટોડલા પાસે ઘઉંલી બે રંગીલી,
પગથિયે તો લાલી પ્રાણની ઝીલી
કંકુવરણાં પગલાં પાડું,
આવ્યા કોઈ પરોણા! —

કસબી મારા હાથ, વણો એક દેરી,
ભગવી ધજા, કળશ કોઈ સોનેરી,
મૂરત ક્યાં રે, મૂરત દેવતા કેરી?

હાથ વણે પણ ટપકે નેણાં
હાય રે, હાય અકોણાં! —

સાદડી વણતી જાઉં ને ભેળી
વણું સુખનાં સોણાં.

૨૫-૯-’૬૫ (સંગતિ, પૃ. ૩૦)