કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૧. ધાનનું ખેતર
Revision as of 11:59, 11 November 2022 by KhyatiJoshi (talk | contribs)
૪૧. ધાનનું ખેતર
કાળા ભમ્મર મેઘની નીચે
લીલું મારું ધાનનું ખેતર.
ઝીણી ધારે વરસ્યાં વારિ,
વ્હાલની કરી વાવણી સારી,
કઠિન ભારે બંધ વિદારી,
હળની તીણી અણીએ જાગ્યા
ચાસે ચાસે હાસ થરેથર. —
વાયરે ગાતા મોલ આ નમે,
માથે કાચો તડકો રમે,
જીવને મારા જીવથી ગમે,
કોઈ તો જુઓ નેહનો જાદુ!
નેહથી બધું થાય નવેસર. —
કાળાં વાદળ કાલ તો જાશે,
લીલા મોલ આ સોનલા થાશે,
દાણે દાણે દૂધ ભરાશે,
સાદ પાડીને નોતરું સીમે
આવો, આવો, લાવર-તેતર! —
કાળા ભમ્મર મેઘની નીચે
લીલું મારું ધાનનું ખેતર.
૧-૮-’૬૭ (સંગતિ, પૃ. ૯૭)