કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૫૧. વેર્યાં મેં બીજ
Revision as of 12:05, 11 November 2022 by KhyatiJoshi (talk | contribs)
૫૧. વેર્યાં મેં બીજ
વેર્યાં મેં બીજ અહીં છુટ્ટે હાથે તે
હવે વાદળ જાણે ને વસુંધરા.
કાંકર બિછાવેલી ટાકર પથારી ને
ઠીંગરાતાં બેચાર થોરડાં,
અપવાસી ઊંધમૂંધ પોઢી’તી ભોમ અહીં
ખેંચી ખેંચીને નકોરડા;
આંબાનાં વન એની આંખોમાં સીંચ્યાં ને
:::: સીંચ્યા મેં મઘમઘતા મોગરા.
એક દિન આકાશે હેલી મંડાશે ને
વરસાદી ઘણણશે વાજાં,
નીચે જુવાનડાંનાં જુલ્ફાં ઊછળશે ને
વેણીમાં ફૂલ હશે તાજાં;
એ રે ટાણે આ મારે હૈયે હોંકારતી
[1]ચાચરમાં ઘૂમશે ચિદંબરા.
૨૦-૧૦-’૯૨ (ગુલાલ અને ગુંજાર, પૃ. ૮૫)
- ↑ ચાચર એટલે ચરાચર