કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૨. ચરણ રુકે ત્યાં કાશી
Revision as of 15:47, 12 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading| ૨૨. ચરણ રૂકે ત્યાં કાશી}} <poem> {{Space}}જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી, {{Space}}ઝાકળનાં બિંદુમાં જોયો {{Space}}{{Space}}{{Space}}ગંગાનો જલરાશિ. જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર, જે ગમ ચાલું એ...")
૨૨. ચરણ રૂકે ત્યાં કાશી
જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી,
ઝાકળનાં બિંદુમાં જોયો
ગંગાનો જલરાશિ.
જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;
થીર રહું તો સરકે ધરતી
હું તો નિત્ય પ્રવાસી.
સ્પરશું તો સાકાર, ન સ્પરશું તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;
હું જ કદી લપટાઉં જાળમાં
હું જ રહું સંન્યાસી.
હું જ વિલાસે રમું, ધરી લઉં છું જ પરમનું ધ્યાન;
કદી અયાચક રહું, જાચી લઉં કદી દુષ્કર વરદાન;
મોત લઉં હું માગી, જે પળ,
લઉં સુધારસ પ્રાશી!
૧૯૫૬
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૨૦)