કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૭. ચહેરાઓ જોઈ જોઈ...

From Ekatra Wiki
Revision as of 15:53, 12 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading| ૩૭. ચહેરાઓ જોઈ જોઈ...}} <poem> ચહેરાઓ જોઈ જોઈ થાક્યો છું, દેવ, {{Space}}{{Space}}મારે દર્પણમાં દેખવું આકાશ, આસપાસ હોય છતાં લેશ ના કળાય {{Space}}{{Space}}એવા ખાલીપણાની રહી આશ. આંખોના ગોલકની આરપાર કોઈ જરા {{Space}}{{Space}}...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૭. ચહેરાઓ જોઈ જોઈ...

ચહેરાઓ જોઈ જોઈ થાક્યો છું, દેવ,
                  મારે દર્પણમાં દેખવું આકાશ,
આસપાસ હોય છતાં લેશ ના કળાય
                  એવા ખાલીપણાની રહી આશ.
આંખોના ગોલકની આરપાર કોઈ જરા
                  ઊતરીને ભીતરને તાગે,
મુજને ના ભાન, એવા દૈવતને કોણ હવે
                  મક્કમ અવાજ કરી માગે,
હળવો થઈને રાહ ચાલું, કરીને દૂર
                  વીંટળાયો આભાસી પાશ.
હોઠથી હવા જે સરી જાય એને કેમ હવે
                  વાણીનું નામ દઈ ઓળખું?
ગંધથીય ફૂલ ક્યાં કળાય, હવે કળીઓને
                  અડકું ને તોય નથી પારખું,
રચનાનો રસ્તો કાં શિખવાડો, કાં તો હવે
                           સરજાતો ભલે સર્વનાશ.
૧૧–૩–’૭૩

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૩૦૦-૩૦૧)