કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૫૧. વધસ્તંભ કે ઘર

From Ekatra Wiki
Revision as of 03:13, 13 November 2022 by Kamalthobhani (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૫૧. વધસ્તંભ કે ઘર?

મને પાકી ખાતરી હતી કે
મારા ખભા પર વધસ્તંભ છે!
કોઈકનો અવાજ સંભળાયો —
એમાં ગંભીરતા હતી કે મજાક
એ ન સમજાયું —
“ભ્રમમાં ન રહે —
આ ક્રૉસ નથી,
રસ્તો પૂરો થાય ત્યારે
ઘર બાંધવા માટેનું લાકડું છે.”
હું મારો વધસ્તંભ લઈ આગળ વધ્યો —
આમ પણ સૌએ
પોતપોતાનો ક્રૉસ ઊંચકવો જ પડે છે!
મને બરાબર યાદ હતું કે
સંત ઈસુ
તથા
દીમા અને ગેમા
આ જ રસ્તે કદાચ પોતાનો ક્રૉસ લઈ ચાલ્યા હશે.
ખભાનાં છાલાંથી સ્નાયુઓ ઘસાઈ ગયા.
હાથમાં તાકાત ન રહી
અને પ્રભુને બેરહમ કહી
મેં યાત્રા પડતી મૂકવાનો વિચાર કર્યો
ત્યારે દેખાયો રસ્તાનો છેડો.
એ જ જગા –
દૂર દૂરની ટેકરીઓ પર
હજી ત્રણ વધસ્તંભ હતા –
હમણાં જ કોઈ ખોડી ગયું હોય એવા!
રસ્તાના છેડે
જલ્લાદો ખીલા અને હથોડા સાથે ઊભા હતા!
મારા બે હાથ, બે પગ
અને આખાયે શરીર પર પણ ખીલા ઠોકાતા હતા ત્યારે થયું —
કોણે મજાક કરી કે રસ્તાને છેડે ઘર બાંધવામાં આ લાકડું કામ લાગશે?
“હાય ઈસુ, તું સુથારનો સુથાર રહ્યો હોત,
ઓ વૃક્ષ, તું વૃક્ષનું વૃક્ષ રહ્યું હોત!”
પશ્ચિમની રંગભૂમિ પરથી સંભળાયો અવાજ –
સાથે જ મેં અનુભવ્યું, હું તો ચાલ્યો હવે આકાશમાં,
જે આ શરીરમાં હતો,
આકાશના પ્રત્યેક કણમાં પથરાઈ ગયો.
દૂર ત્રણ વધસ્તંભ દેહનું ઘર બનીને ઊભા હતા —
દેહનું આ ચોથું ઘર —
મારા પ્રાણના જવા પછી
ઘરની જરૂર હતી દેહને
એ તો વધસ્તંભે જ પૂરી પાડીને!
આમીન.

(ડિસેમ્બર ’૯૪માં શસ્ત્રક્રિયા પછીની તંદ્રાવસ્થામાં દેખાયેલાં દૃશ્યો કશું જ ઉમેર્યા વિના, કશું જ કાપ્યા વિના)

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૨૪-૫૨૫)