કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૩૪. ગોકુળમાં

From Ekatra Wiki
Revision as of 05:33, 13 November 2022 by Kamalthobhani (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૪. ગોકુળમાં

મોર હવે ડગલું નહીં માંડે ગોકુળમાં
ગોધણને વળવાની વેળ થશે,
          વનરાવન ઢંકાતું દેખાશે ધૂળમાં...

મારગ આપીને વહેણ ઊભાં’તાં એમ હજી
          ઊભું છે કોક આરપાર,
કાંઠાની વાત હવે કાંઠા ઓળંગીને
          રઝળે છે પાંપણની બહાર...

પડછાયા જેમ શાપ પામીને તરવાના
          ડૂબી રહ્યું છે વૃક્ષ મૂળમાં!
          મોર હવે ડગલું નહીં માંડે ગોકુળમાં. ...

તોરણમાં મોરપિચ્છ મૂકીને, નજરાતી
          રોકી રહ્યું છે કોક રાહને,

બળબળતી રેણુ પર ચાલી ચાલીને કોક
          ઠારી રહ્યું છે એના દાહને!

પીંછું પરોવ્યું પછી ટહુકા પરોવ્યા –
          પછી હૈયું પરોવ્યું એના શૂળમાં!
          મોર હવે ડગલું નહીં માંડે ગોકુળમાં...

ગોધણને વળવાની વેળ થશે,
          વનરાવન ઢંકાતું દેખાશે ધૂળમાં...

(અંતરનું એકાંત, પૃ. ૧૪૩)