કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૩૫. અમે ઇચ્છ્યું એવું…
Revision as of 05:34, 13 November 2022 by Kamalthobhani (talk | contribs)
૩૫. અમે ઇચ્છ્યું એવું…
એક એવું ઘર મળે આ વિશ્વમાં —
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું!
એક એવું આંગણું કે જ્યાં મને —
કોઈ પણ કારણ વગર શૈશવ મળે!
એક, બસ એક જ મળે એવું નગર
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું!
`કેમ છો?' એવુંય ના કહેવું પડે —
સાથ એવો પંથમાં ભવ ભવ મળે!
એક એવી હોય મહેફિલ જ્યાં મને
કોઈ બોલાવે નહીં ને જઈ શકું!
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે
પાનખરના આગમનનો રવ મળે!
તોય તે ના રંજ કૈં મનમાં રહે :
— અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…
(અક્ષરનું એકાંત, પૃ. ૧૪૫)