મોટીબા/અઢાર

From Ekatra Wiki
Revision as of 14:52, 13 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અઢાર}} {{Poem2Open}} મોટીબા એક્લાં વિસનગર રહેતાં ત્યારે નવા વરસમાં એવા કંઈ ખાસ મહેમાનોય આવતા નહિ. બજારમાંથી કંઈ તૈયાર લાવી દે તોય ચાલે અથવા તો, આટલી ઉંમર ને પોતે એકલાં રહે છે તે મહેમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અઢાર

મોટીબા એક્લાં વિસનગર રહેતાં ત્યારે નવા વરસમાં એવા કંઈ ખાસ મહેમાનોય આવતા નહિ. બજારમાંથી કંઈ તૈયાર લાવી દે તોય ચાલે અથવા તો, આટલી ઉંમર ને પોતે એકલાં રહે છે તે મહેમાનને રકાબીમાં ખાંડ કે સાકર ધરે તોય ચાલે. પણ ના, એકલાં હોવા છતાં, મોતિયા ઉતરાવેલી બેય આંખે ને બી.પી.ની તકલીફવાળા ઘરડા શરીરે તેઓ દર દિવાળીમાં સેવ ને સુંવાળી ને ઘૂઘરા ને મઠિયાં ને મગસ ને મેસૂર ને કંઈ કેટલુંય બનાવે. પડ્યું ન રહે કે બગાડ ન થાય માટે થોડું થોડું કરે પણ હોય ખાસ્સી ચીજો. એ બધું જોઈને થાય કે આટલું થોડું થોડું કરતાં ને આટલી બધી આઇટમ બનાવતાં (કોઈનીય મદદ વગર) એમને કંટાળો નહિ આવતો હોય? ના, ‘કંટાળો’ શબ્દ મોટીબાની ડિક્શનેરીમાં જ નથી. પણ આ ઉંમરે, એકલાં જ રહેતાં હોવા છતાં, આવા ઉમળકાથી ને શબરી જેવા પ્રેમથી આટલી બધી વસ્તુઓ બનાવવાનું ‘મન’ થાય છે એ એક ‘ઘટના’ નહિ?! મોટીબાના હાથે ક્યારેય, કોઈ જ વસ્તુનો બગાડ ન થાય. કોક વાર લીલવાની સિઝન ન હોય ત્યારે, સાંજે મોટીબા કચોરી બનાવતા હોય, તલ ટોપરું ખસખસ આદુ મરચાં કોથમીર ગરમ મસાલો લીંબુ વગેરે નાખીને. એકાદ કચોરી અમે ખાઈએ પછી મોટીબા પૂછે, ‘કચોરી કેવી થઈ સ?’ તર્જની ને અંગૂઠાનાં ટેરવાં અડાડી, હાથ ઊંચો કરી અમે કહીએ, ‘સરસ.’ ‘શની બનાઈ સ કોંય ખબર પડ સ?’ પછી અમે વિચારમાં પડીએ. થોડી વાર પછી મોટીબા જ કહે, ‘હવારે તુવેરો બનાઈ'તી એ વધી'તી તે ઈની આ કચોરી બનાઈ.’ સવારની કઢી ને વાલની દાળ વધી હોય તો સાંજે એનો ઉપયોગ થાય ઢેબરાંનો લોટ બાંધવામાં. પછી જમતી વખતે મોટીબા પૂછે: ‘ઢેબરોં કેવોં થયો સ? દરવખત કરતે કોંય જુદોં લાગ સ?’ ને પછી તો અમે, સવારે શું ખાધું’તું એ યાદ કરીને ફટ કરતું કહી દઈએ કે ઢેબરામાં શું-શું નાખ્યું છે. નાનો હતો ત્યારે માના હાથનો માર પડતો કે તરત મોટીબા દોડી આવીને છોડાવતાં ને એમના પડખામાં લઈ પાલવથી આંસુઓ લૂછતાં. પછી હું મોટીબાના ખોળામાં માથું મૂકીને પડ્યો રહું… મોટીબાની આંગળીઓ મારા વાળમાં ફરતી રહે. ક્યાં ક્યાં માર પડ્યો છે, વધારે તો નથી વાગી ગયું ને એય મોટીબા ધ્યાનથી જુએ. ‘કેવા હૉળ ઊઠ્યા સ.. આવું મરાય છોકરાનં? ક્યાંક આડુંઅવળું વાગી જશે તો ઉપાધિ થશે. છોકરોંનં મારવા બેહ એટલ તનંય ભોંન નથી રૅતું ક ઈનં ક્યોં વાગશે. છોકરોં વધારે પડતી ધમાલ કર નં ગોંઠ નંઈ તે ટોકવોંય પડ નં કોકવાર મારવોંય પડ ઈંની ના નંઈ, પણ મારતી વખતે આપડા ગુસ્સાનં જરી કાબૂમાં રાખીએ નં ગાલ પર કદી નોં મારીએ. ક્યોંક કોંન પર વાગી જાય તો ઉપાધિ થાય. બઈડામોં મારીએ ક પસ કૅડોમાં બરાબરનો ચૂંટલો ખણીને પસ ઑમળીએ. કોં તો પસ બઉ ધમાલ કરતોં હોય તો પકડીનં પૂરી દઈએ ઓઈડામોં…' મુન્નાને કોઈ વાર ઓરડામાં પૂરી દેતાં કે તરત એ અંદરથી બૂમો પાડતો — ‘ઝટ ઉઘાડો… મને એકી લાગી સ.’ બે-એક ક્ષણ પછી. ‘ઝટ ઉઘાડો ક… ફાસમફાસ લાગી સ..’ ને બારણું ઊઘડે એવો જ એ ખિલખિલાટ હસતો હરણના બચ્ચાની જેમ નાસી જાય ઘરની બહાર... એ આવું કરતો આથી જો કોઈ બારણું ન ખોલે તો પછી એ ઓરડામાં મૂતરીય જાય. પછી મોટીબા એને છોડે નહિ. એની પાસે જ બધું સાફ કરાવે. મુન્નોય જિદ્દી. ઝટ સાફ ન કરે. દલીલો કરે — ‘મેં તો બૂમો પાડી પાડીનં કીધું'તું ક ફાસમફાસ લાગી સ, ઝટ ખોલો. હું કોંમ બાઈણું નોં ઉઘાડ્યું? પછી મેં એય કીધું ક બાઈણું ઝટ ઉઘાડો નકર હું ઓઈડામોં જ... તે મારો વોંક નથી. હું સાફ નૈં કરું, નૈં... કરું, નૈં... કરું…' પછી મોટીબાના હાથની બે-ચાર પડે ત્યારપછી જ ‘ભઈ’ બધું સાફ કરે. છોકરાંઓને મારતી વખતેય મોટીબા ક્યારેય સાચા ગુસ્સામાં ન હોય. ક્યાંક આડુંઅવળું વાગી ન જાય એ સાચવીને મારે. મારવા કરતાંય વધારે તો મારની બીક બતાવીને જ કામ લે. ‘હજી મારા હાથનો બરાબરનો માર કોઈ દા'ડો પડ્યો નથી તમોં (તેથી) મનં હજી ઓળખતો નથી. તારા હરિકાકા આવઅ્ એટલઅ્ પૂછી જોજે. (હરિકાકા–બાપુજીના માશીના દીકરા.) હરિયાનં ભણવા માટ ઓંય રાખ્યો'તો. મનંય ગોંઠ નંઈ નં હોંમો થઈ જાય. બા’રેય બધોં જોડે મારામારી કરીનં આવ નં ઘેરેય ભનુનં મારઅ્. એક વાર એ મારી હોંમો થઈ ગ્યો નં ઉઘાડી ગાળ બોલ્યો. ‘પસ તો મીં ઈનં બરાબરનો લીધો. કૂવામોંથી પોંણી ખેંચવાનું રોંઢવું લઈનં ઈનં પરહાળમોં નેંહોણી હરખો હાતકનં તોંણી બોંધ્યો નં પસ મીં તો રીતસર કાકડો હળગાયો નં કીધું ક ગાળ બોલ્યો સ તે આજ અવઅ્ આ હળગતો કાકડો જ તારા મૂંઢામોં ખોહી ઘાલું… તારી મા જોડે છો માર સંબંધ નોં રે. પણ આજ તો તનં નીં છોડું... ‘મીંય રણચંડી જેવો ગુસ્સો કરેલો. પણ એક-બે પડોશીઓનં અગઉથી કઈ રાખેલું ક હું આવું નાટક કરું નં કાકડો હળગાવું એ કેડી તમાર ઘરમોં આવવાનું નં મારા હાથમોંથી હળગતો કાકડો લઈ લેવાનો નં મનં ઝાલી રાખવાની. બીજાએ હરિયાનં બોંધેલું રોંઢવું છોડવાનું… ‘આ ફેર તો પડોશીઓ તાકડ આઈ ગયોં તે બચી ગયોં, પણ ફેરવારકી ગાળ બોલ્યો ક મનં હોંમો થયો સ તો ની છોડું… તે દા'ડાથી પસ હરિયો સીધો દોર થઈ ગયો.’ બાપુજી તો એ દૃશ્ય જોઈને એટલી હદે ડરી ગયેલા કે હજીયે એમને મોટીબાની સખત બીક લાગે છે. વિસનગરનું મકાન મોટીબાના નામે છે ને નોમિનેશનમાંય બાપુજીનું નામ નથી. ‘મકોંન મારા નોંમે નોં રાખું તો પછી મારી ચાકરી કુણ કર?’ દાયકા પહેલાં મોટીબા આવું કહેતાં. પેટેજણ્યા એકના એક દીકરા ઉપરેય એમને જરીકેય વિશ્વાસ નથી, વિશ્વાસ નહિ રાખવા માટેનું કોઈ જ કારણ પણ નથી, છતાં. મોટીબાના મનમાં એમ છે કે ‘ભનું તો અનિલા ચઢાવ એટલું જ કર. વહુનં પૂછી પૂછીનં પાદ એવો સ...’ માએ કોઈ જ અપેક્ષા વગર ઘણાંય, પારકાંનીય ચાકરી કરી છે એ જોયા છતાંય મોટીબાને મા પર છાંટોસરખોયે વિશ્વાસ નથી. મા માટે તો મોટીબાના મનમાં નફરત ભરી છે, પાતાળ સુધી, કોઈ જ કારણ વિના. આટઆટલું કરવા છતાં માને તો હંમેશાં સાંભળવાનું કે— ‘કરવું પડે એટલ કર સ. પણ મંઈથી તો વાટ જુઅ સ ક ક્યાર હાહુ મરઅ્ નં ક્યાર હું છૂટું? પણ મોત ઈંમ કોંય રસ્તામોં થોડું પડ્યું સ? તોય મું કું સુ ક ટીકડીઓ લાઈ આલ. ખઈનં હૂઈ જઉં. તુંય છૂટઅ્ નં હુંય.’ આમ છતાં, અત્યારે જો બાપુજી ઘર પોતાના નામે કરી આપવા કહે તો, મોટીબા ના ન પાડે. હા, ‘વહુએ તનં ચાવી ભરાઈ સ?' એવું કહે પણ ખરાં, પોતાની સેવા-ચાકરી અંગે બાંહેધરીય માગે. પાંચ-દસ હજાર પોતાની ‘ચોપડી’માં (પાસબુકમાં) મૂકવાનુંય કહે. પણ પછી મકાન બાપુજીના નામે કરવા માટે સહી પણ કરી આપે ને કહે પણ ખરાં, ‘માર ક્યોં ઘર જોડે લઈ જવું સ? આ બધું તમારું જ સ નં?’

પણ, બાપુજીની હિંમત ન જ ચાલે. હજીય એમને મોટીબાની સખત બીક લાગે છે. મોટીબા હમણાં કંઈક બેફામ બોલશે – એવો ફફડાટ હંમેશાં રહે છે. બાપુજી પોતે તો કંઈ જ ન બોલે અને અમનેય કહે, ‘બા ઉશ્કેરાય એવું કશું કહેશો નહિ, નહીંતર એમનું બોલવાનું શરૂ થઈ જશે તો પછી બંધ જ નહિ થાય. એક પછી એક વાત ઉખેળતાં જઈને, વાતમાંથી વાત ને એમાંથીયે વાત કાઢતાં જઈને ક્યાંય સુધી ચલાવશે ને બધાંને ગાળો દેતાં જશે.’