કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૧. જવાની લઈને આવ્યો છું
ગઝલ રૂપે જીવની દર્દબાની લઈને આવ્યો છું,
બધા સમજી શકે એવી કહાની લઈને આવ્યો છું.
નજરમાં ખારની ખટકી રહ્યો છું ખારની પેઠે,
ગુનો બસ એ જ, ફૂલોની જવાની લઈને આવ્યો છું.
કવન રૂપે જડીબુટ્ટી અમરતાનીયે રાખું છું,
નથી પાછી જવાની એ જવાની લઈને આવ્યો છું!
ઉષા-સંધ્યા ગગન પણ એની ઈર્ષાની જ સળગે છે,
નયનમાં એવી હું લાલી મઝાની લઈને આવ્યો છું.
જે વિકસે માત્ર ગંગાજળ અને ઝમઝમના સિંચનથી,
ગઝલ રૂપે એ વેલી એકતાની લઈને આવ્યો છું.
જનારા જાય છે એવા કે પાછું પણ નથી જોતા,
હું કેવા ક્રૂર જગમાં જિંદગાની લઈને આવ્યો છું!
ગગન વિણ કોઈ બીજું નોંધ ના રાખી શકે એની,
જીવનમાં એટલી આશાઓ ફાની લઈને આવ્યો છું.
ગઝલ મારી સમજનારા જ એનો મર્મ સમજે છે,
ઉઘાડા શબ્દમાં પણ વાત છાની લઈને આવ્યો છું.
શું વીતી મારા જીવન પર, બધો એમાં ખુલાસો છે,
સિતારા સાથ ઝાકળની જુબાની લઈને આવ્યો છું.
પડળ ખૂલતાં જ આંખો તેજથી અંજાઈ ગઈ સૌની,
હકીકત શૂન્ય આ મુક્તિ-દશાની લઈને આવ્યો છું.
(શૂન્યનો વૈભવ, પૃ. ૪)