કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૩. જવાની ફૂલોની
Revision as of 06:09, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. જવાની ફૂલોની| }} <poem> આવ્યો છે જમાનો ફૂલોનો, આવી છે જવાની ફૂલોની, કળીઓને કહી દો સંભળાવે, રંગીન કહાની ફૂલોની. સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યની લૂંટો ચાલે છે, ફૂલે તો બિચારાં શુ...")
૩. જવાની ફૂલોની
આવ્યો છે જમાનો ફૂલોનો, આવી છે જવાની ફૂલોની,
કળીઓને કહી દો સંભળાવે, રંગીન કહાની ફૂલોની.
સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યની લૂંટો ચાલે છે,
ફૂલે તો બિચારાં શું ફૂલે! દુશ્મન છે જવાની ફૂલોની.
અધિકાર હશે કૈં કાંટાનો, એની તો રહી ના લેશ ખબર,
ચીરાઈ ગયો પાલવ જ્યારે, છેડી મેં જવાની ફૂલોની.
ઉપવનને લુંટાવી દેવાનો આરોપ છે કોના જોબન પર?
કાંટાની અદાલત બેઠી કાં લેવાને જુબાની ફૂલોની?
ઝૂરંતો પરિમલ ભટકે છે કાં વહેલી સવારે ઉપવનમાં?
વ્યાકુળ છે કોના દર્શનની એ રડતી જવાની ફૂલોની?
બેપળ આ જીવનની રંગત છે, બે પળ આ ચમનની શોભા છે,
સંભળાય છે નિશદિન કળીઓને આ બોધ કહાની ફૂલોની.
તું શૂન્ય કવિને શું જાણે? એ કેવો રૂપનો પાગલ છે?
રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.
(શૂન્યનો વૈભવ, પૃ. ૧૭)