કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૫. અમૃત પાયું
Revision as of 06:10, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. અમૃત પાયું| }} <poem> દર્પણ દીઠું તો સમજાયું, રૂપથી ઓજસ હોય સવાયું. દિનચર્યા શું વિરહી જીવનની! સાંજ પડી કે વા’ણું વાયું? આંખ મિલાવી પ્રેમથી કોણે ઝેરની સાથે અમૃત પાયું? ગમનો પણ આ...")
૫. અમૃત પાયું
દર્પણ દીઠું તો સમજાયું,
રૂપથી ઓજસ હોય સવાયું.
દિનચર્યા શું વિરહી જીવનની!
સાંજ પડી કે વા’ણું વાયું?
આંખ મિલાવી પ્રેમથી કોણે
ઝેરની સાથે અમૃત પાયું?
ગમનો પણ આઘાત છે કેવો?
હસતાં હસતાં રોઈ પડાયું.
એક પતંગાની હિંસામાં
દીપકનું સર્વસ્વ હણાયું.
અંત પળે પણ સ્પષ્ટ થયું ના;
સત્ય ગયું કે સ્વપ્ન હરાયું?
યાદ ભ્રમરની તડપાવી ગઈ,
કોઈ કમળ જ્યાં શૂન્ય બિડાયું.
(શૂન્યનો વૈભવ, પૃ. ૨૫)