કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૧૯. શાણપણ નજર આવ્યું
Revision as of 06:30, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯. શાણપણ નજર આવ્યું| }} <poem> જિન્દગી મળી ત્યારે મોત પણ નજર આવ્યું, જોઈ છાંટ મૃગજળની જ્યાં હરણ નજર આવ્યું. વાસ કીધો નિર્જનમાં, બુદ્ધિને વળાવીને, પાગલોના વર્તનમાં શાણપણ નજર આવ્ય...")
૧૯. શાણપણ નજર આવ્યું
જિન્દગી મળી ત્યારે મોત પણ નજર આવ્યું,
જોઈ છાંટ મૃગજળની જ્યાં હરણ નજર આવ્યું.
વાસ કીધો નિર્જનમાં, બુદ્ધિને વળાવીને,
પાગલોના વર્તનમાં શાણપણ નજર આવ્યું.
રૂપ કેરા દર્શનમાં ‘હું’ સ્વયં નડ્યો મુજને,
માત્ર મારી દૃષ્ટિનું આવરણ નજર આવ્યું.
ખેલ છે ફના કેરો શૂન્ય સર્વ આબાદી,
બાગના કલેવરમાં ગુપ્ત રણ નજર આવ્યું.
(શૂન્યનો વૈભવ, પૃ. ૧૯૮)