કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૨૩. હકૂમત જિંદગી
Revision as of 08:41, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩. હકૂમત જિંદગી| }} <poem> ક્યાંક રાહત જિંદગી છે; ક્યાંક હરકત જિંદગી; ફૂલ-કાંટા બેઉની રાખે છે રંગત જિંદગી. ભોગવી છે બીતાં બીતાં એમ સમજીને અમે, છે કોઈ નમરૂદના ખ્વાબોની જન્નત જિંદગ...")
૨૩. હકૂમત જિંદગી
ક્યાંક રાહત જિંદગી છે; ક્યાંક હરકત જિંદગી;
ફૂલ-કાંટા બેઉની રાખે છે રંગત જિંદગી.
ભોગવી છે બીતાં બીતાં એમ સમજીને અમે,
છે કોઈ નમરૂદના ખ્વાબોની જન્નત જિંદગી.
હાથ ખુલ્લા હોય તો પણ કોઈ ના પામી શકે!
છે ખરેખર બંધ મુઠ્ઠીની કરામત જિંદગી.
માત્ર એક જ નાવ ઊગરશે ઓ દુનિયાવાસીઓ!
નૂહના તોફાન કેરી છે ઇશારત જિંદગી.
એમ ખેલે છે વિધાતા ભાગ્ય સાથે રાતદિન,
હોય જાણે કો અગમની બાળ-ગમ્મત જિંદગી.
લાભ લે ઇન્સાન એનો, છે ખુદાઈ હાથમાં!
ચાર દી તો ચાર દી, પણ છે હકૂમત જિંદગી.
શૂન્ય એક અવશેષ પેઠે એને સાચવવી રહી,
પ્રેમના ખંડેર જેવી છે ઈમારત જિંદગી.
(શૂન્યનો વૈભવ, પૃ. ૨૭૮)