કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૨૪. જીવન મારું! મરણ મારું!
Revision as of 08:52, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs)
૨૪. જીવન મારું! મરણ મારું!
જગતનાં અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું!
હવે શું જોઈએ મારે? જીવન મારું! મરણ મારું!
અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું?
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું!
અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા!
કવિ રૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું!
અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો!
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું.
કહી દો સાફ ઈશ્વરને કે છંછેડે નહીં મુજને!
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું.
કહો ધર્મીને સંભળાવે નહીં માયાની રામાયણ,
નથી એ રામ કોઈમાં, કરી જાએ હરણ મારું.
રડું છું કેમ ફૂલો પર? હસું છું કેમ ઝાકળ પર?
ચમન-ઘેલા નહીં સમજે કદાપિ આચરણ મારું.
હું નામે ‘શૂન્ય’ છું ને ‘શૂન્ય’ રહેવાનો પરિણામે,
ખસેડી તો જુઓ દૃષ્ટિ ઉપરથી આવરણ મારું!
(શૂન્યનો વૈભવ, પૃ. ૨૮૩)