કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૩૪. બધા ઓળખે છે
પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે! ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.
પ્રણય-જ્યોત કાયમ છે મારા જ દમથી,
મેં હોમી નથી જિંદગી કાંઈ અમથી;
સભાને ભલે હોય ના કૈં ગતાગમ,
મને ગર્વ છે કે શમા ઓળખે છે.
મેં લ્હોયાં છે પાલવથી ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું;
ઊડી ગઈ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.
અમે તો સમંદર ઉલેચ્યો છે, પ્યારા!
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફકત બુદ્બુદા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો;
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
સ્વયં હું જ રાહી, સ્વયં હું જ મંજિલ,
મળી છે મને સ્થિરતા ધ્રુવ જેવી;
સદીઓથી મારી ખબર છે દિશાને,
યુગોથી મને કાફલા ઓળખે છે.
દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.
(શૂન્યનો વૈભવ, પૃ. ૩૪૯-૩૫૦)