આત્માની માતૃભાષા/29

From Ekatra Wiki
Revision as of 11:43, 15 November 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


દયારામનો તંબૂર જોઈને: એક પાઠ

ભોળાભાઈ પટેલ

દયારામનો તંબૂર જોઈને

‘છબી રતનને દેજો, તંબૂરો રણછોડને'—
બોલી, દેહ કવિ છોડે; ન તે છોડતી સોડને.
ગયો ડભોઈનો આત્મા, ગયો સદ્ભક્ત વૈષ્ણવી;
ગયો ગુર્જરીનો કંઠ, ઊર્મિમત્ત ગયો કવિ.
કિંતુ આ બેઠી છે તેનું શું શું રતનનું ગયું?
— ‘છબી રતનને દેજો, તંબૂરો…'
જોઈ—સાંભર્યું.

હૃદયદ્રાવી એ દૃશ્ય ને શબ્દો અંતકાલના
કાને ગુંજી રહ્યા — જોઈ પ્રદર્શને કલા તણા
દયારામ કવિનો ત્યાં મૂકેલો ક્યાંક તંબૂર.
સૂતા શાંત સમાધિમાં કવિપ્રેરિત સૌ સૂર.


કોક ફાલ્ગુનીસન્ધ્યાએ વસંતાનિલસ્પર્શથી
કૂદી ઊઠી ગીતધૂને નાચેલો કવિ હર્ષથી.
તંબૂરો ર્હૈ ગયો હાથે, તારે નર્તંતી અંગુલી,
કવિહૈયેથી ઊભરી હોઠે સરસ્વતી છલી.
હશે નાચી રહી ગીતોની અનાયાસલાસિકા,
ચમકાવી સ્મિતોત્ફુલ્લ ચારુ ચૈત્રની ચંદ્રિકા.
ને જ્યાં આષાઢી અંધારે વિરહે રજની સુહી,
આત્મા વલોવીને જાગ્યો હશે નાદ તુંહિ તુંહિ.
શરચ્ચંદ્રે લહે જ્યારે રસશ્રી ગગનાંગણ,
આ જ તંબૂરને તારે નાચ્યો રાસેશ્વરીગણ. (૨૦)

કદી શિશિરની લાંબી ઉષ્માહીન નિશા વિશે
બન્યા એ તાર સૌ મૂક, જેમ આજે અહીં દીસે.
કોઈ જોતું નથી ને — ત્યાં જોયું મેં આમતેમ ને
ચુકાવી આંખ ઊભેલા રક્ષકોની, સરી કને
કંપતી અંગુલીએ તે તાર છેડ્યા ધીરેકથી.

…જેમ કો સંગ્રહસ્થાને મૂર્તિઓ એકએકથી
ભવ્ય રૂપભરી સોહે ને વચ્ચે સ્વૈર સંચરે
યુવા રૂપરસે દંશ્યો, થંભી ત્યાં સહસા અરે
મૂર્તિ વીનસ્-દ-મેલોની સામે મુગ્ધ અવાક શો
ઊભે, પ્રસારી ગભરુ કર, ને કરી ના કશો
વિચાર, સ્તબ્ધ સૌ મૂર્ત વીરોનાં ભૂલી લોચન
અંગુલીટેરવે સ્પર્શે વિશ્વોન્માદી અહો સ્તન.
અને તે હાથમાં તેના અરેરે! રૂપ ના'વતું.
આ તો પ્રતિકૃતિ! કે ના અહીંથી ઊપડ્યું હતું
ટાંકણું તે મહાશિલ્પી તણું! તોયે કંઈ કળ્યો
રૂપમૂર્છિત તે શિલ્પીચિત્તમાં કોતરાયલો
સ્ત્રીના સૌન્દર્યરસનો સ્વચ્છ આરસઊભરો,
ટેરવે ટેરવે થૈ જે પ્રવેશી શોણિતે સર્યો. …

સહસા ચોંકીને મારા સ્વરવિહ્વલ માનસે
કર્ણોને કહ્યું: વીણી લો, ઝણકાર શમી જશે.
ને ત્યાં તારની આછી તે ઝણણાટી ધીરે ધીરે
આછેરી થતી, ના થંભી તે પ્રદર્શનમંદિરે,
વટાવી ગુંબજો ઘેરા ગૂઢ પ્રાક્તનકાલના
શમી અંતે જતી ઉરગુંબજે કોઈ સ્ત્રી તણા.—

રેવાનાં શાંત ગંભીર નીરતીરે મળ્યો મહા (૪૫)
મેળો યાત્રાળુનો, સન્ધ્યાસ્નાને તે અર્ચતો અહા
સરિદ્વરા રુદ્રકન્યા નર્મદા નિત્યશર્મદા.
રેવાનાં તટતીર્થે તો કવિને જવું સર્વદા
આજ શિષ્યોથી વીંટાઈ જમાવી સાન્ધ્યકાલના
રમ્ઝટો મંજીરાની ને નિનાદો કરતાલના.
એકતારા પરે ઝૂકી પોતે દિલ વલોવતાં
ગદ્ગદ્ કંઠે પદો ગાતાં અશ્રુઓ નીગળ્યાં હતાં.
ડોલી'તી મેદની સારી, મોડેથી વીખરી, અને
છેલ્લા પોતે રહ્યા, દીધું મોકલી શિષ્યવૃંદને.

કર્યું નમન રેવાને સ્મિતે ગલિત ચિત્તથી,
ડગો ઘર ભણી માંડ્યાં, ચાલ્યા સ્હેજ હશે મથી.
દયાર્દ્રા દૃગ થંભી ગૈ ને ‘જો! જો! રણછોડ તો!
શું છે?’ બોલ્યા. જુએ છે ને શિષ્ય જ્યાં માર્ગ મોડતો
તટના શાન્ત એકાન્તે વાળીને બેઠી સોડિયું
વિધવા, — સમાજના જીર્ણ વૃક્ષનું શુષ્ક છોડિયું.
નિરાધાર નિરાલંબ, — વર્તે બ્રહ્મદશા મહીં!
‘ચાલો ઘેર!’ કવિ બોલે. ‘ઘેર!’ ત્યાં ગજવી રહી
પડઘો પાડીને રેવાતટની દૂર ભેખડો.
‘આજ્ઞા છે વત્સ! રેવાની, છો રાજી થતી!’ ત્યાં પડ્યો
કાને શબ્દ, ‘મને ક્હો છો? હું તો રતન!’ સાંભળી
દૂબળો ઓશિયાળો એ સાદ હૈયું ગયું ગળી.
‘સિંધુ તો દે, હવે રેવા માંડી રતન અર્પવા.
રેવાની બલિહારી છે! રણછોડ!’ પછી જવા
ઊપડી મંડળી ઘેર, ચાલે છે કવિ મોખરે.
મોડી રાતેય પુરમાં થયો સંચાર તો ખરે.
રાજમાર્ગે હાટના સૌ થંભોને આંખ ઊઘડી,
માળિયાં જાળિયાં સૌ તે કરે જોવા પડાપડી.
કવિ દૃઢ પદે ચાલે આંખે ના ઓસર્યાં અમી,
વંટોળ લોકલૂલીના ઊઠ્યા એવા ગયા શમી.
થતાં જ પડખે આડે, સ્વપ્નમાં — અર્ધ સ્વપ્નમાં
તરંગો ઊઠવા લાગ્યા રેવાકલ્લોલની સમા: (૭૬)

— પ્રભાતે જિંદગી કેરા એ જ રેવા તણે તટ,
ફોડ્યા'તા કાંકરીચાળે પનિહારી તણા ઘટ.
અને નાનપણે એવાં કૈં અળવીતરાં કર્યાં,
ઝાલી પાલવને ઊભો રહ્યો નેત્રે રસે ભર્યાં.
લૈ હથોડી ધસી આવ્યો મુગ્ધાનો વર, ત્યાં છળી
એ જ રેવા તણાં નીરે ઝુકાવી કાયહોડલી.
તજ્યું ચાણોદ, કર્નાળીઘાટે રેવા-અમી જડ્યું,
લાવણી-લલકારે ત્યાં કાવ્યસૌભાગ્ય ઊઘડ્યું.
રેવાનાં પયપાને તે અનાથ શિશુ ઊછર્યો,
પછી ગુર્જરી-ગંગાએ ગંગાનો કોડીલો કર્યો.
દોડ્યો વત્સ, યથા મત્સ્ય જળ બ્હાર, જઈ પડ્યો
ગંગાનાં સલિલે, વિશ્વનાથને ચરણે ઢળ્યો.
પછી કૈં કૈં દીઠાં તીર્થો, ‘પૃથ્વી પ્રદક્ષિણા’ કરી,
દીઠો સિંધુ — દ્વારકા જ્યાં રામેશ્વર અને પુરી.
સર્વત્ર સિંધુકલ્લોલે રેવાની લ્હેરખી સ્ફુરી,
વ્યોમસાગરમાંયે તે રેવાલહરી અંકુરી.
તટના સૂત્રમાં ગૂંથી તીર્થરત્નોની માલિકા,
રમે ભારતના વક્ષે કોડીલી વિન્ધ્યબાલિકા.
તીર્થસારસની હારો ગૂંથાઈ ગીતવ્હેણથી,
પૃથ્વીહૈયે ઊડે એ તો રેવા સ્વપ્નશી સ્હેલતી.
જલે રેવા, સ્થલે રેવા, નભે રેવા વને જને,
માતા રેવા, પિતા રેવા, રેવા ભગિની બંધુ ને.
બપોરા જિન્દગી કેરા નમતાં, ચારુહાસિની
વત્સલા એ જ તે રેવા બની શું સહવાસિની! — (૧૦૦)
પછી ના કાંઈયે જોયું, સેવા રતનની ગ્રહી.
(આ તે છે જિન્દગી કેવી ઢાંક્યાં સૌ ધીકતાં અહીં!)
ના ખપે હાથનું એના કાંઈ, તોયે સુતર્પતી
સંભાળે સારવારે, ને કૈં કૈં સેવા સમર્પતી.
હતા વડ સમા પોતે, તે કાસાર સમી બની;
જિન્દગી એમ સામીપ્યે-દૂરત્વે સહ્ય શી બની!
પૂછો તો ભોળી એ ક્હેશે: લડ્યાં ઝૂંબ્યાં રિસામણે,
હું શું જાણું દીઠું શુંયે મારામાં એવું એમણે?
ન જાણે તોય તે એની સદા આંખ રહી હસી,
ન જાણે કાવ્યની ગૂંચો, કેવી તોય થતી ખુશી?
મૂંગી મૂંગી સુણી ગીતો કીર્તનો ભજનો પદો
કોની પ્રાણકળી ખીલી, વિસારી સહુ આપદો?
કવિના શબ્દથી નાચે સૌ રાસેશ્વરીમંડલ,
કવિને નચવે કોની ઉરશ્રી મત્તમંગલ?
દીપી ઊઠ્યો કવિકંઠ કોના હૃદયતંતુના
ગુંજનધ્વનિમાં, યાત્રી બન્યો માર્ગે અનંતના?
પડ્યો એ મૂકીને હૈયાસાજ, રે કોક દી ખરે
ઉપાડ્યા કવિએ ડેરા જવા વૈકુંઠમંદિરે.
‘છબી રતનને દેજો!’ — કહ્યું! એ ઉર તો છવિ
વ(૧૬૩)થી કોતરાઈ છે યાવચ્ચંદ્રધરારવિ.
ભલે દીધો ભલા ભાવે તંબૂરો રણછોડને;
દીધી રતન કોને, જે છોડે ના હજી સોડને?
આજે એ વિધવા સાચી — જે પુનર્વિધવા — બની,
વ્યથામથિત ઊંડેથી ઉરતંતુ રહ્યા રણી.
તંતુઝંકાર એ વ્હેતા અનંતે અણઆથમ્યા. …
— જોઉં છું તો પહોંચ્યો હું મુકામે! — સ્વર ના શમ્યા.
કાળને હાથ તંબૂરો: હૈયાતંતુથી ભૈરવી
ગુંજે ગુર્જરકુંજે, ત્યાં ડોલે શી કવિની છવિ! (૧૨૮)
અમદાવાદ, ૫-૫-૧૯૪૪


કવિના જીવનવિષયક ઉમાશંકરની આવી બીજી દીર્ઘ કવિતા ‘ભટ્ટ બાણ’ છે, જેમાં કવિની રચનાપ્રક્રિયાને સમજવાનો ઉપક્રમ હોય. કવિતાને વિષય બનાવતી અનેક કવિતાઓ અન્ય ઘણા કવિઓની જેમ ઉમાશંકરે રચેલી છે. કવિને જેનો નિકટતમ પરિચય હોય એવો વિષય તે ‘કવિતા.’ ઉમાશંકર આ કવિતામાં ગુજરાતી સાહિત્યના મધ્યકાળના અંતિમ વૈષ્ણવ કવિની પ્રેમલક્ષણાભક્તિની રચનાઓના પ્રેરકબળ તરીકે એમની અનન્ય પ્રભુભક્તિ ઉપરાંત માનવીય પ્રીતિનું રસાયણ પણ ભળ્યું છે, એવી કવિના જીવનમાં પ્રવેશેલી એક ભક્તનારીનો અનુષંગ છે. માનવીય પ્રેમની અનુભૂતિ વિના દિવ્ય-ઈશ્વરીય પ્રેમની અભિવ્યક્તિ દુષ્કર છે, કેમકે એ અભિવ્યક્તિનાં કલ્પનો-પ્રતીકો લૌકિક પ્રેમનાં હોય છે. એ કલ્પનો-પ્રતીકો ઠાલાં બની રહે, જો કવિને માનવીય ધરાતલ પર એનો સઘન અનુભવ ન હોય — પછી ભલે કવિ એ ધરાતલને અતિક્રમી ગયા હોય. પ્રેમલક્ષણા-ભક્તિની કવિતાનો એટલે એક ‘પ્રેમકવિતા’ તરીકે પાઠ કરી શકાય, અને એ પાઠની ભૂમિકામાં વાચકને એ સ્પર્શે છે, એની રસાનુભૂતિનો વિષય બને છે. દયારામનાં શૃંગારરસથી છલકાતાં મધુરા ભક્તિનાં ગીતો — પ્રાય: ગોપીની ઉક્તિ રૂપે હોય છે, ગોપી સાથે કવિહૃદયનું એવું અભિન્નત્વ છે કે દયારામને ‘ગોપીનો અવતાર’ કહેવામાં આવ્યા છે. પણ ગોપીની કૃષ્ણ પ્રત્યેની ઉક્તિઓમાં કોઈ મુગ્ધા નાયિકાને પોતાના પૂર્વરાગ અનુરાગની અભિવ્યક્તિ થતી ન લાગે? કૃષ્ણ પ્રત્યેની ભક્તિ ઉપરાંત દયારામનાં પદોમાં કશીક માનવીય પ્રેમની ઐહિક સંવેદના ઓગળી ગઈ નથી શું? એ માનવીય પ્રેમનો દ્રોત દયારામના જીવનમાં પ્રવેશેલી રતન ન હોઈ શકે? દયારામના જીવનચરિતકારોમાં એક હકીકત તો સર્વમાન્ય છે કે આ રસિક છેલછબીલા અને અપરિણીત કવિના જીવનમાં રતન આવી છે, અને એણે સર્વ રીતે એમની શુશ્રૂષા કરી છે. પણ એટલું જ? એના પક્ષે રતનને માટે એના સેવ્ય એવા આ વૈષ્ણવ કવિ માત્ર ‘સેવ્ય’ છે? આ કાવ્ય રચાય છે, એક કલાપ્રદર્શનમાં દયારામનો તંબૂર જોઈને. (દર્શક એક કવિ છે, જે કવિચેતનાને પ્રમાણી શકે છે.) તંબૂર જોતાં કવિને દયારામના અંતકાલના શબ્દો યાદ આવે છે: ‘છબી રતનને દેજો, તંબૂરો રણછોડને’ — અને એ શબ્દો સાથે અંતકાલનું એ ‘હૃદયદ્રાવી દૃશ્ય’ પણ યાદ કરે છે, જ્યારે દેહ છોડતાં દયારામ કવિએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા. એ વખતે રતન સ્હોડ વાળીને ઊભી છે, કવિએ દેહ છોડ્યો, પણ રતન ‘સ્હોડ’ છોડતી નથી, એ બેઠી છે સ્તબ્ધ બની. દયારામ જતાં ‘ડભોઈનો આત્મા ગયો, ગુર્જરીનો કંઠ ગયો', ‘ઊર્મિમત્ત કવિ ગયો’ પણ આપણા કવિ પ્રશ્ન કરે છે — ‘શું શું રતનનું ગયું?’ રતન નામની વ્યક્તિના જીવનમાંથી શું ગયું? — એ પ્રશ્નથી જ કવિ દયારામ અને રતનના સંબંધભાવને સ્પર્શે છે. કલાપ્રદર્શનમાં મૂકેલા તંબૂરના કવિપ્રેરિત સૂર અત્યારે તો શાંતસમાધિમાં સૂતા છે, પણ એક વેળા તંબૂરના તાર કેવા ગુંજતા હતા, ઋતુએ ઋતુમાં? કાવ્યની ૧૧મી પંક્તિ પછીની ૧૦ પંક્તિમાં દર્શકકવિ એક ચિત્રાવલિ રચી દે છે, જેમાં ફાલ્ગુની સંધ્યાએ ગીતધૂને નાચતા ભક્તકવિના હાથમાં તંબૂરો રહી ગયો હશે અને તાર પર અંગુલી ‘નર્તંતી’ હશે, પછી ચૈત્રમાં, અષાઢમાં, શરદમાં — 

શરચ્ચંદ્રે લહે જ્યારે રસશ્રી ગગનાંગણ,
આ જ તંબૂરને તારે નાચ્યો રાસેશ્વરીગણ.

પણ આજે તો એ તાર મૂંગા છે. એકાએક આપણા કવિ એ મૂંગા તાર જોઈને કે કશાક કૌતૂહલે ચોકીદારની નજર ચૂકવીને એ તાર પોતાની કંપતી અંગુલીએ છેડી બેસે છે અને સ્વયં કવિ એનો ઝણકાર સાંભળી ચોંકી ઊઠે છે, એનું મન જાણે કાનને કહે છે કે — ‘વીણી લો, ઝણકાર શમી જશે.’ પણ દર્શક કવિ કહે છે કે ઝણઝણાટી ધીરે ધીરે આછેરી થતાં, પ્રદર્શનમંદિરમાં ન શમતાં પ્રાક્તનકાલના ગુંબજો વટાવી — ‘શમી અંતે જતી ઉરગુંબજે કોઈ સ્ત્રી તણા. —  આ સ્ત્રી — તે રતન. કવિતાની પહેલી પંક્તિમાં રતન છે, કવિતાના કેન્દ્રમાં પણ રતન છે, અને કાવ્યની ૪૫મી પંક્તિથી દર્શકકવિના ચિત્તમાં કવિ દયારામના જીવનની એ ઘટનાનું સ્મરણ થાય છે, જ્યારે (ચાણોદના) રેવા ઘાટ પર પોતાના તંબૂર — એકતારા પર ઝૂકી શિષ્યવૃંદથી વીંટળાઈ કરતાલ-મંજીરાની રમઝટ વચ્ચે દિલવલવતાં ગીતો ભક્તકવિએ ગાયાં હતાં અને એ ગાન પછી શિષ્યવૃંદને મોકલી છેલ્લે પોતે એકલા રહ્યા, અને પછી રેવાને નમન કરી ચાલ્યા ત્યાં પોતાના શિષ્ય રણછોડને કહે છે — ‘જો, જો', ત્યાં તટના શાન્ત એકાન્તમાં સોડિયું વાળી એક વિધવા (ગાન સાંભળી) બ્રહ્મદશામાં જાણે બેઠી હતી અને ભક્તકવિ એના પ્રત્યે બોલી ઊઠે છે — ‘ચાલો ઘેર!’ દયારામ પોતાના શિષ્યને કહે છે કે વત્સ — રેવાની આજ્ઞા છે. પણ ત્યાં બેઠેલી સ્ત્રી — (રતન) કહે છે કે ‘મને કહો છો? હું તો રતન!’ એ દૂબળો ઓશિયાળો નાદ સાંભળી ભક્તકવિનું હૃદય વિગલિત થઈ જાય છે. ‘રતન’ નામનો શ્લેષાર્થ લઈ કહે છે:

‘સિંધુ તો દે, હવે રેવા માંડી રતન અર્પવા.
રેવાની બલિહારી છે! રણછોડ!’

પોતાની મંડળી સાથે એક વિધવા સ્ત્રી સહ કવિનો ગ્રામપ્રવેશ મોડી રાતેય લોકોમાં ચકચાર જગાવી દે છે:

રાજમાર્ગે હાટના સૌ થંભોને આંખ ઊઘડી,
માળિયાં જાળિયાં સૌ તે કરે જોવા પડાપડી.
કવિ દૃઢ પદે ચાલે…

એની આંખમાં અમી ઓછાં થતાં નથી. લોકલૂલીના વંટોળ તો ઊઠે છે અને શમી જાય છે પણ તરંગો ઊઠે છે, જેમાં દયારામના પૂર્વજીવનની ઘટનાઓનો સમાહાર છે. પૂર્વ-યુવા દયારામ વિશે અનેક કિંવદન્તીઓ પ્રચલિત છે. એ વરણાગી સ્વચ્છંદી (અંગ્રેજીમાં જેને dandy કહેવાય) હતા. રેવા ઘાટ પર પાણી ભરવા આવતી પનિહારીઓની છેડતી કરતા. (જાણે બાલ-નટખટ કૃષ્ણની જમુનાતટ પરની લીલાઓનું અનુવર્તન!) એક પનિહારીના તો — 

ઝાલી પાલવને ઊભો રહ્યો નેત્રે રસે ભર્યાં.
લૈ હથોડી ધસી આવ્યો મુગ્ધાનો વર, ત્યાં છળી
એ જ રેવા તણાં નીરે ઝુકાવી કાયહોડલી.

કરનાળી ઘાટે દયારામને ‘રેવા-અમી’ જડે છે (કવિત્વ ફૂટે છે). દર્શકકવિ કહે છે: ‘કાવ્યસૌભાગ્ય ઊઘડ્યું.’ રેવા (ગુર્જરી-ગંગા) દયારામને ગંગાના કોડીલા કરે છે. દયારામ ભ્રમણે નીકળી પડે છે. રેવાના જળમાંથી નીકળી ગંગાના સલિલે જઈ પડે છે, વિશ્વનાથને ચરણે ઢળે છે. ‘પછી કૈં કૈં દીઠાં તીર્થો ‘પૃથ્વીપ્રદક્ષિણા’ કરી, પણ સર્વત્ર ‘રેવાલહરી’ અંકુરિત થાય છે:

જલે રેવા, સ્થલે રેવા, નભે રેવા વને જને,
માતા રેવા, પિતા રેવા, રેવા ભગિની બંધુ ને.

જિંદગીના બપોરા રેવાતટે કાઢે છે અને આ વૈષ્ણવ કવિએ ‘મરજાદા’ સ્વીકારી છતાં રતનની સેવા ગ્રહે છે, અને રતન સર્વભાવે કવિની સેવા કરે છે — દયારામ અને રતન વચ્ચે એ માત્ર સેવ્ય-સેવક ભાવ હતો? (દયારામના ઘણા ચરિતકારો એમ માને છે.)

હતા વડ સમા પોતે, તે કાસાર સમી બની;
જિંદગી એમ સામીપ્યે — દૂરત્વે સહ્ય શી બની!

આપણા કવિએ સામીપ્ય અને દૂરત્વ એવા બે શબ્દો દ્વારા દયારામ અને રતનના સંબંધોની (હૃદયંત્વેવ જાનાતિ પ્રીતિયોગો પરસ્પરમ્ કહીએ એવી) જુદી વ્યાખ્યાનો સંકેત કર્યો છે:

પૂછો તો ભોળી એ ક્હેશે: લડ્યાં ઝૂંબ્યાં રિસામણે,
હું શું જાણું દીઠું શુંયે મારામાં એવું એમણે?

કવિ ઉમાશંકરે દયારામની ગોપીની કૃષ્ણપ્રીતિની ઉક્તિરૂપ ગરબી — ‘હું શું જાણું જે વ્હાલે મુજમાં શું દીઠું? વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું.’ પ્રેમભાજન ગોપીની આ ગર્વોક્તિ અહીં રતનની ઉક્તિ રૂપે મૂકીને મૂળ ગરબીના શબ્દોનો દ્રોતભાવ દયારામ-રતનના પારસ્પરિક સ્નેહમાં રહેલો છે — એમ સૂચવવા માગતા નથી શું? રતન દ્વારા દયારામ ગોપીના હૃદય સુધી પહોંચે છે શું? રવીન્દ્રનાથની ‘વૈષ્ણવકવિતા’ શીર્ષક રચનામાં કવિએ બંગાળના વૈષ્ણવકવિઓની રાધાકૃષ્ણ (ગોપીકૃષ્ણ) પ્રેમની પદાવલિઓના પ્રેરકદ્રોત રૂપે માનુષી સંદર્ભ હોવાની સંભાવના વ્યક્ત કરી છે. વૈષ્ણવકવિને પૂછે છે:

સાચે સાચું કહો મને હૈ વૈષ્ણવકવિ
ક્યાંથી તમે પામ્યા હતા આજ, જે પ્રેમ છબી
…જોઈ કોનાં નયન
રાધિકાની અશ્રુઆંખો મનમાં યાદ આવી હતી?
…આ બધી પ્રેમકથા — 
રાધિકાની ચિત્તવિદારી તીવ્ર વ્યાકુળતા
ચોરી લીધી છે કોના મુખથકી? કોની આંખો થકી?

રવીન્દ્રનાથ કહે છે તેમ, અહીં પ્રિયજન દેવતા બની જાય છે અને દેવતા પ્રિયજન. દયારામની વૈષ્ણવભાવની ગરબીઓમાં પ્રિયજન (રતન) ગોપી છે, ગોપી રૂપે પ્રિયજન છે — એવું ન કહી શકાય? રતન કાવ્યની ગૂંચો જાણતી નથી, તોયે પ્રસન્ન થાય છે:

મૂંગી મૂંગી સુણી ગીતો કીર્તનો ભજનો પદો
કોની પ્રાણ કળી ખીલી, વિસારી સહુ આપદો?
કવિના શબ્દથી નાચે સૌ રાસેશ્વરી મંડલ,
કવિને નચવે કોની ઉરશ્રી મત્તમંગલ?
દીપી ઊઠ્યો કવિકંઠ કોના હૃદયતંતુના
ગુંજન ધ્વનિમાં…

આપણે દયારામનાં પ્રેમભક્તિનાં કેટલાંક પદોનો માત્ર આરંભ જોઈએ તો લાગશે કે અહીં ઐહિક અને પારલૌકિક ભૂમિનું મિલન છે, જેનો દ્રોત દુન્યવી હોઈ શકે.

— કાળજું કોર્યું તે કોને કહીએ રે ઓધવ, છેલ છબીલડે!
— લોચનમનનો રે, ઝઘડો લોચનમનનો
— ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ,
તમ માટે ગાળી છે મેં જાતડી બિહારીલાલ
— વાંકું મા જોશો વરણાગિયા જોતાં કાળજડામાં કાંઈ કાંઈ થાય છે
અણિયારી આંખે વ્હાલપ પ્રાણ મારા પ્રોયા છે
— શ્યામ રંગ સમીપે ન જાવું
— મુજને અડશો મા આઘા રહો અલબેલા છેલા અડશો મા,
અંક ભર્યાના સમ ખાઓ તો અધર તણો રસ પાઉં…

કાવ્યના અંતિમ ખંડમાં (૧૧૭મી પંક્તિથી) દયારામના રતન પ્રત્યેના અને વિશેષ તો રતનના દયારામ પ્રત્યેના પ્રેમની સ્પષ્ટ વાત છે. ‘છબી રતનને દેજો’ એ દયારામના અંતિમ શબ્દોનું કાવ્યાન્તે ફરી સ્મરણ કરાવી આપણા કવિ કહે છે કે એ ઉરે તો છબી — ‘વ(૧૬૩)થી કોતરાઈ છે યાવચ્ચંદ્રધરારવિ.’ અને પછી કહે છે કે ‘આજે હવે એ વિધવા સાચી — જે પુનર્વિધવા — બની…'માં તો વળી સ્પષ્ટતર કથન છે. આ બધો મનોવ્યાપાર ખરેખર તો આપણા કવિના ચિત્તમાં ચાલી રહ્યો છે — જે તંબૂરના તંતુઝંકાર કરી પ્રદર્શનભવનથી પોતાના મુકામ ભણી ચાલી રહ્યા છે —  — જોઉં છું તો પહોંચ્યો હું મુકામે! — સ્વર ના શમ્યા. ૧૨૮ પંક્તિના આ દીર્ઘ કાવ્યમાં પ્રસંગ તો એટલો જ છે દર્શકકવિ પ્રદર્શનસ્થિત દયારામના તંબૂરના તાર કંપતી અંગુલીથી છેડે છે, પછી આ કાવ્યગત જે કંઈ ઘટે છે તે જાણે આ ગુંજનનું જ વિસ્તરતું ગુંજરણ છે. કવિ દયારામની પ્રેમભક્તિની ગરબીઓમાં રહેલા પ્રેમનું રહસ્યાનુસંધાન બીજા એક કવિ એક કવિની ભૂમિકાથી જાણે કરે છે. તંબૂરના તાર પોતાની અંગુલીએથી છેડતાં ઊઠેલા ગુંજનની વ્યાપ્તિ એક હોમરીય ઉપમાથી કવિ વ્યક્ત કરે છે. એ ઉપમા ઉમાશંકરમાંય વિરલ કહી શકાય એવી છે. આપણા આ કવિએ રક્ષકોની આંખ ચૂકવી કેવી રીતે તંબૂરના તાર છેડ્યા?

…જેમ કો સંગ્રહસ્થાને મૂર્તિઓ એકમેકથી
ભવ્ય રૂપભરી સોહે ને વચ્ચે સ્વૈર સંચરે
યુવા રૂપરસે દંશ્યો, થંભી ત્યાં સહસા અરે
મૂર્તિ વીનસ્-દ-મેલોની સામે મુગ્ધ અવાક્ શો
ઊભે, પ્રસારી ગભરુ કર, ને કરી ના કશો
વિચાર, સ્તબ્ધ સૌ મૂર્ત વીરોનાં ભૂલી લોચન
અંગુલીટેરવે સ્પર્શે વિશ્વોન્માદી અહો સ્તન.
અને તે હાથમાં તેના અરેરે! રૂપ ના'વતું.
આ તો પ્રતિકૃતિ! કે ના અહીંથી ઊપડ્યું હતું
ટાંકણું તે મહાશિલ્પી તણું! તોયે કંઈ કળ્યો
રૂપમૂર્છિત તે શિલ્પીચિત્તમાં કોતરાયલો
સ્ત્રીના સૌંદર્યરસનો સ્વચ્છ આરસઊભરો,
ટેરવે ટેરવે થૈ જે પ્રવેશી શોણિતે સર્યો…

કાવ્યમાં એક સમાન પરિવેશ છે. પ્રદર્શમાં મૂકેલો દયારામનો તંબૂર અને પ્રદર્શનમાં રહેલી વીનસ્-દ-મેલોની મૂર્તિ. પ્રદર્શનમાં મૂકેલા તંબૂરના તારને છેડાય નહિ — અરે તંબૂરને પણ અડકાય નહિ — તેમ છતાં દર્શકકવિ વિવશ બની ગયા — પોતાના પુરોગામી કવિના તંબૂરના તારને છેડવા. શું થાય છે? (પૅરિસના લુવ્ર) મ્યુઝિયમમાં વીનસ્-દ-મેલોની મૂર્તિ અનેક એવાં બધાં શિલ્પોની વચ્ચે ઊભી છે. ઘણાય દર્શકો એ શિલ્પને અડકાય નહિ તે જાણવા છતાં, વીનસના સૌંદર્યદર્શનથી વિવશ બની આરસની વીનસનાં સ્તન પર હાથ ફેરવી લે છે. એવો એક રૂપરસ દંશ્યો એક યુવક વીનસની મૂર્તિ સામે મુગ્ધ અવાક્ ઊભો રહી જાય છે અને પછી કશોય વિચાર કર્યા વિના પોતાનો ગભરુ કર પ્રસારી પોતાના અંગુલી ટેરવે વીનસનાં વિશ્વોન્માદી સ્તનને સ્પર્શી લે છે. અલબત્ત એના હાથમાં રૂપ પકડાતું નથી, પણ જે શિલ્પીએ આ પ્રતિમા કંડારી હશે, અને જે પોતે એના રૂપથી મૂર્છિત થયેલો (એનું ટાંકણું પછી આગળ ઊપડ્યું નહિ હોય) તે શિલ્પીના ચિત્તમાં કોતરાયેલો ‘સ્ત્રીના સૌંદર્યરસનો આરસ-ઊભરો’ — પેલાં સ્તનને સ્પર્શી લેતા પ્રેક્ષકના ટેરવે ટેરવે થઈને એના શોણિતમાં સરે છે. — એમ અહીં પ્રદર્શનમાં મૂકેલા તંબૂરના તાર પોતાની આંગળીએથી ઝંકૃત થતાં દર્શકકવિનું સ્વરવિહ્વળ માનસ એના કાનને કહે છે — ‘આ ઝણકાર વીણી લે, નહીંતર શમી જશે.’ દર્શકકવિ જાણે એ ઝણકાર ઝીલે છે, જે આછા થતા જતા કોઈ સ્ત્રીને ઉરગુંબજે શમે છે — અને એ સ્ત્રી છે રતન. એક કવિ દ્વારા બીજા એક સમધર્મી કવિની રચનાપ્રક્રિયાને સમજવાનો ઉપક્રમ આ કાવ્યમાં મને વંચાયો છે. મધુરાભક્તિનાં —પ્રેમલક્ષણાભક્તિનાં — પદોની રચનાપ્રક્રિયાનો અહીં સંકેત નથી શું? (૧) પંક્તિસંખ્યાંક સુવિધા માટે આ લેખકે આપ્યા છે. મૂળમાં નથી. (૨) આ કાવ્યસંદર્ભે ઉમાશંકરનું ‘ધારાવસ્ત્ર'માંનું કાવ્ય ‘રેવાને તટે જમનાની રાધા’ જોઈ શકાય.