યાત્રા/આકર્ષણો
(સૉનેટયુગ્મ)
મને બહુ ય કર્ષતું : કૃષક જેમ તીણા હળે
ધરિત્રીઉર ચીરી ચાસ કઈ ચીતરે ને ધરે
ત્યહીં કંઈક બીજ કે અકળ પાકની આશથી,
તથૈવ જગ મારું અંતર ચીરે છ આકર્ષણે.
અહા, નયન ખેલું ને નયનને છકાવી જતી
સુરૂપ તણું સૃષ્ટિ કૈ, કુસુમથી લચી વેલ શી,
મહા મઘમઘાટથી તરબતર કરે અંતર,
સુરંગમય સ્પર્શથી હૃદય ભેટી જાતી કશી!
ખરે, મનનું માંકડું વિવશ થાતું રોકું ઘણું,
ઘણો ય ઉપદેશ દેવું, દઉં શાસ્ત્રની આણ કૈં,
અને હરિરસોની લાલચ દઉં, છતાં વાંદરા
સમું હુક કરી હમેશ દઈ ઠેક ડાળે ચડે.
ખરે મન, ક્યહીં ક્યહીંથી જગ તાણતું આ તને,
કયા ચરમ લક્ષ્ય કાજ શર શું કર્યુ તું બને?
ફેબ્રુઆરી, ૧૯૪૪
ક્યહીંથી મિતની પ્રભા શત સહસ્ત્ર શુક્રો તણી
ધરી મુદ્દલ જાતિ હીરક સમી તળી ત્યાં ઉઠી,
અનંત તિમિરોનું જાલ ક્ષણ અર્ધમાં ધ્વંસતી,
મનસ્તલ તણું સ્તરે સ્તર સુધાથી સીંચી ગઈ.
અને જગત જોઉંઃ એ જ જગ અન્ય કિંતુ હવે.
સ્થળે સ્થળ સિંચાઈ તૃપ્ત ધરતી યથા પાંગરે
નવાંકુર સહસ્ર, તેમ મુજ ચિત્ત આકૃષ્ટમાં
લહું પ્રકટ કેાઈ નૂતન પ્રસાર સૌન્દર્યનો.
હવે વન અશોક વેડી ઉર તૃપ્ત હનુમંત શું
બનેલ, મન સીતના ચરણસ્પર્શસપૂત થૈ,
હરેક મણિરત્ન ભાંગી મહીં રામમૂર્તિ ચહે,
અને જ્યહીં ન રામ, તે ગરત માંહિ વ્હેતું કરે.
ખરે, રતન વીંધતી રતનદૃષ્ટિને લાધવા,
રહીશ તત્પર હવે ઉર સહસ્ત્ર ચીરાવવા.
ફેબ્રુઆરી, ૧૯૪૭