ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/શું શું સાથે લઈ જઈશ હું?

From Ekatra Wiki
Revision as of 06:45, 2 January 2023 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શું શું સાથે લઈ જઈશ હું?|}} <poem> શું શું સાથે લઈ જઈશ હું? કહું? લઈ જઈશ હું સાથે ખુલ્લા ખાલી હાથે પૃથ્વી પરની રિદ્ધિ હૃદયભર — વસન્તની મ્હેકી ઊઠેલી ઉજ્જ્વલ મુખશોભા જે નવતર, મેઘલ સાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શું શું સાથે લઈ જઈશ હું?

શું શું સાથે લઈ જઈશ હું?
કહું?
લઈ જઈશ હું સાથે
ખુલ્લા ખાલી હાથે
પૃથ્વી પરની રિદ્ધિ હૃદયભર —
વસન્તની મ્હેકી ઊઠેલી ઉજ્જ્વલ મુખશોભા જે નવતર,
મેઘલ સાંજે વૃક્ષડાળીઓ મહીં ઝિલાયો તડકો,
વિમળ ઊમટ્યો જીવનભર કો અઢળક હૃદય-ઉમળકો,
માનવજાતિ તણા પગમાં તરવરતી ક્રાન્તિ
અને મસ્તકે હિમાદ્રિશ્વેત ઝબકતી શાન્તિ,
પશુની ધીરજ, વિહંગનાં કલનૃત્ય, શિલાનું મૌન ચિરંતન,
વિરહ-ધડકતું મિલન, સદા-મિલને રત સંતન
તણી શાન્ત શીળી સ્મિતશોભા,
અંધકારના હૃદયનિચોડ સમી મૃદુ કંપિત સૌમ્ય તારકિત આભા,
પ્રિય હૃદયોનો ચાહ
અને પડઘો પડતો જે ‘આહ!’
મિત્રગોઠડી મસ્ત, અજાણ્યા માનવબંધુ
તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ,
નિદ્રાની લ્હેરખડી નાની — કહો, એક નાનકડો
સ્વપ્ન-દાબડો,
(સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયાં જ)
— અહો એ વસુધાનો રસરિદ્ધિભર્યો બસ સ્વપ્ન-સાજ!—
વધુ લોભ મને ના,
બાળકનાં કંઈ અનંત આશ-ચમકતાં નેનાં
લઈ જઈશ હું સાથે
ખુલ્લા બે ખાલી હાથે.
ખુલ્લા બે ‘ખાલી’ હાથે?

૨૩-૧૨-૧૯૫૪
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૨૩)