અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શિવ પંડ્યા/કવિતાએ કાનમાં કહ્યું
આમ ને આમ
આંધળી ભીંતો ઉપર હાથ ફેરવતાં
હાથ લાગી ગયું એક અવડ બારણું
આગળા ખોલ્યા ને કિચૂડકટ અવાજમાં
ધસી આવ્યો કુમળો કુમળો પ્રકાશ
દોડી ગયો આળસુ અંધકાર
ઝૂમી ઊઠ્યું લીમડાનું ઝાડ
આનંદવિભોર સર્પ જેમ રસ્તાઓ સળવળ્યા
ને બુદ્ધિનું અધિરત્વ પીગળ્યું
ચારે કોર કિલ્લોલતો અવાજ અવાજ
અંદરનું અંધત્વ ઓગળ્યું.
ચારેકોર સુગંધભર્યો અજવાસ અજવાસ
હવે
બારણે બંધાયું છે સાત સૂરજનું તોરણ
આંગણે ચીતરાઈ છે ઇન્દ્રધનુની રંગોળી
તેજલ અશ્વ જેવો થનગનતો માંહ્યલો
કાનમાં કહે છે મને
બારણું હવે ભીડતો નહિ
હોં કે.