ગુજરાતી ગઝલસંપદા/ રાહી ઓધારિયા

From Ekatra Wiki
Revision as of 11:34, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| રાહી ઓધારિયા |}} <poem> હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો- બસ એમ એમ મારો જમાનો થતો ગયો.<br> એનો થતો ગયો અને આનો થતો ગયો, કોને ખબર હું કેમ બધાનો થતો ગયો!<br> આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રાહી ઓધારિયા

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો-
બસ એમ એમ મારો જમાનો થતો ગયો.

એનો થતો ગયો અને આનો થતો ગયો,
કોને ખબર હું કેમ બધાનો થતો ગયો!

આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
તારો થયા પછી હું ઘણાનો થતો ગયો.

વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
મોટા થવાની સાથ હું નાનો થતો ગયો.

કેવી અસર થઈ છે મને તારા સંગની-
જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો!