ગુજરાતી ગઝલસંપદા/ હરીશ મિનાશ્રુ
Revision as of 12:11, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| હરીશ મિનાશ્રુ |}} <poem> જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો કબરની સાદગીથી ઘર હવે શણગારવું, સાધો<br> સમજ પડતી નથી તેથી બીડ્યા'તા હોઠ સમજીને બધું સમજી ચૂક્યાં તો શું હવે ઉચ્ચારવું...")
હરીશ મિનાશ્રુ
જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો
કબરની સાદગીથી ઘર હવે શણગારવું, સાધો
સમજ પડતી નથી તેથી બીડ્યા'તા હોઠ સમજીને
બધું સમજી ચૂક્યાં તો શું હવે ઉચ્ચારવું, સાધો
તને મજરે મળી જશે રુદનની ક્ષણ બધી રોશન
ગણતરી રાખી શીદ એક્કેક આંસુ સારવું, સાધો
અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઈને
અમસ્તી આંખ મીંચીને ગમે તે ધારવું, સાધો
સિતમનો હક બને છે એમનો, શું થાય? સ્નેહી છે
કદી ગુસ્સો ચડે તો ફૂલ છુટ્ટું મારવું, સાધો
સમય ને સ્થળનો વીંટો વાળીને એને કર્યો સુપરત
બચ્યો છે શબ્દ જેને આશરે હંકારવું, સાધો