ગુજરાતી ગઝલસંપદા/ મહેન્દ્ર જોશી

Revision as of 12:16, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| મહેન્દ્ર જોશી |}} <poem> જળથળમાં માયાનગરી છે મનને તું પાછું વાળી લે, એ મોહમયી પણ મગરી છે મનને તું પાછું વાળી લે.<br> ખોલ નહીં એવા કાગળને જેના સરનામે તાળું છે, પીડાની અંગત વખરી છે મનન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મહેન્દ્ર જોશી

જળથળમાં માયાનગરી છે મનને તું પાછું વાળી લે,
એ મોહમયી પણ મગરી છે મનને તું પાછું વાળી લે.

ખોલ નહીં એવા કાગળને જેના સરનામે તાળું છે,
પીડાની અંગત વખરી છે મનને તું પાછું વાળી લે.

કોણ પવનને અંધ કરે છે કોણ લખે છે ગંગાલહરી,
આ વાત સમજવી અઘરી છે મનને તું પાછું વાળી લે.

લાગે છે કે દુઃખનો સૂરજ મૂશળધારે વરસી પડશે,
અહીં સહુની માથે છતરી છે મનને તું પાછું વાળી લે.

ઊંચા સાદે બોલું છું તો ધ્રુજે છે આ ઘરની ભીંતો,
મૂંગા ઘરમાં રજ નકરી છે મનને તું પાછું વાળી લે.

વર્ષો બાદ તને ભેટ્યાની ઘટના સોનેરી નળિયાં છે,
ગાંઠે તાંદુલની ગઠરી છે મનને તું પાછું વાળી લે.

મનમંડપમાં ચંદ્ર ઊગ્યો ને તનસમદરમાં લોઢ ઉછળ્યા,
ગત જન્મોની ગત વકરી છે મનને તું પાછું વાળી લે.