ગુજરાતી ગઝલસંપદા/ રમેશ પટેલ ‘ક્ષ’
Revision as of 14:47, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| રમેશ પટેલ ‘ક્ષ’ |}} <poem> સ્તબ્ધ આંખોથી મને જોયા કરે તે કોણ છે? ને પછી દૃષ્ટિ થકી પળમાં સરે તે કોણ છે?<br> સાવ સુક્કું વૃક્ષ છે ને સાવ સુક્કી ડાળ છે, પર્ણ જેવું કંઈ નથી તોપણ ખરે તે કોણ...")
રમેશ પટેલ ‘ક્ષ’
સ્તબ્ધ આંખોથી મને જોયા કરે તે કોણ છે?
ને પછી દૃષ્ટિ થકી પળમાં સરે તે કોણ છે?
સાવ સુક્કું વૃક્ષ છે ને સાવ સુક્કી ડાળ છે,
પર્ણ જેવું કંઈ નથી તોપણ ખરે તે કોણ છે?
મેં અચાનક આંખ ખોલી ને ગગન જોઈ: કહ્યું,
શર્વરીના કેશમાં મોતી ભરે તે કોણ છે?
આમ તો ઝરણાં હંમેશાં પર્વતોમાંથી સરે,
તે છતાં આ રણ મહીં ઝરમર ઝરે તે કોણ છે?
જળ મહીં તરતાં રહે સરતાં રહે એ મત્સ્ય, પણ
મત્સ્યની આંખો મહીં જે તરવરે તે કોણ છે?
સહુ મને દફનાવવાને આમ તો આતુર, પણ
આ ક્ષણે મુજ શ્વાસમાં આવી ઠરે તે કોણ છે?