ગુજરાતી ગઝલસંપદા/કરસનદાસ માણેક

From Ekatra Wiki
Revision as of 15:40, 11 January 2023 by Kamalthobhani (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કરસનદાસ માણેક

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે!

ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે!

ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે!

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે!

કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે!

છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે!