ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/નિકષરેખા – વિશ્વનાથ ભટ્ટ, 1898

Revision as of 16:08, 14 February 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| 12. વિશ્વનાથ ભટ્ટ | (20.3.1898 – 27.1.1968)}} <center> '''નિકષરેખા''' </center> {{Poem2Open}} Literary criticism can be no more than a reasoned account of the feeling produced upon the critic by the book he is criticizing. Critiscim can never be a science: it is, in the first place, much too personal, and in the second, it is concerned with values that science ignores. The touch-stone is emotion, not re...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


12. વિશ્વનાથ ભટ્ટ

(20.3.1898 – 27.1.1968)

નિકષરેખા

Literary criticism can be no more than a reasoned account of the feeling produced upon the critic by the book he is criticizing. Critiscim can never be a science: it is, in the first place, much too personal, and in the second, it is concerned with values that science ignores. The touch-stone is emotion, not reason, We judge a work of art by its effect on our sincere and vital emotion, and nothing else. – D. H. Lawrence તાજા જ પૂરા થએલા દારુણ વિગ્રહે જે અનેક વસ્તુઓનું ગજબનું મૂલ્યવિવર્ધન કરી નાખ્યું છે તેમાં જગતમાં વસ્તુમાત્રના માનદંડને વિનિમયસાધનરૂપ ગણાતું સુવર્ણ સ્વાભાવિક રીતે જ અગ્રવર્તી રહ્યું છે. એનું મૂલ્ય વધતાં વધતાં વિગ્રહ પૂર્વેના દિવસો કરતાં ચારગણું થવાની ઘડી એકવાર આવી ચૂકી હતી, અને તે પછી હવે જોકે એમાં ભરતીઓટ ચાલ્યા કરે છે, છતાં ત્રણગણાથી નીચી સપાટીએ જવાનું તો હજુ પણ જાણે એને ગમતું નથી. આ મૂલ્યવિવર્ધનની જુદા જુદા માનસવાળાં મનુષ્યો પર જુદી જુદી અસર થએલી. જેમની પાસે વધારે પડતી સંપત્તિ હતી અને જેઓ ભારે દૂરંદેશીથી કામ કરવાની ટેવવાળા વ્યવહારકુશળ ગણાતા પુરુષો હતા તેઓના હાંજા સોનાના આ ભાવો જેમ જેમ વધતા જતા તેમ તેમ ગગડતા જતા અને ક્યાંક પોતાની પાસેની બધી સંપત્તિ કાગળિયાંના રૂપમાં જ રહી જશે એવી દહેશતને લીધે ભાવના ઉછાળાની સાથે તેઓ વધુ ને વધુ સોનું ખરીદતા જતા. ત્યારે બીજી બાજુ જેમને કશું ખાસ ગુમાવવાનું કે મેળવવાનું નહોતુ એવાં સાધારણ સ્થિતિનાં માણસો આવા વખતમાં પોતાની પાસે જે ફાજલ ઘરેણુંગાંઠું હોય તે કાઢી નાખી તત્કાલીન ભાવઉછાળાનો લાભ લેવા પણ નીકળેલાં. આવા દિવસોમાં કોઈ જો ચોક્સીની દુકાને જઈને એકાદ પ્રહર બેઠું હોય તો તેને હાથમાં એક કાળો, સુંવાળો, શાલિગ્રામના જેવો ગોળાકાર પથ્થર લઈને તેના પર વેચવાને માટે આવતા મોળામીઠા દાગીના ઘસી તેની રેખાઓ પાડતો, અને એ રેખાઓની બાજુમાં પોતાની પાસે જુદા જુદા ટચના સોનાની ચાસણીઓનો જે ઝૂમખો હોય તેમાંથી પણ રેખાઓ પાડી એ બન્ને રેખાઓની સરખામણી કરી પેલા દાગીનાના સોનાનો કસ કાઢતો એ જુએ. ચોક્સીના હાથમાંનો કસ કાઢવાનો સુંવાળો પથ્થર તે જ નિકષ, અને તેના પર દાગીનાઓની તેમ ચાસણીઓની જે જાતજાતની લીટીઓ પાડેલી હોય તે જ નિકષરેખા. વિવેચન પણ આવી નિકષરેખા જ છે. વિવેચકને પણ એમાં પોતાના હૃદયરૂપી નિકષ પર સાહિત્યકૃતિરૂપી સુવર્ણપદાથની રેખાઓ પાડવાની હોય છે, અને પછી સાહિત્યશાસ્ત્રના નિયમો તેમ સર્વમાન્ય થઈ ચૂકેલી શિષ્ટ સાહિત્યકૃતિઓ રૂપી ચાસણીઓની પણ રેખાઓ તેની બાજુમાં હૃદય પર પાડી, એ ઉભય રેખાઓની તુલના કરી એને પ્રસ્તુત સાહિત્યકૃતિના સુવર્ણનો આંક કાઢવાનો હોય છે. એટલે આપણે જો વિવેચનની વ્યાખ્યા આપવી હોય તો એમ કહી શકીએ કે સહૃદયના હૃદયરૂપી નિકષ પર પડેલી રેખાઓનું રસમય નિરૂપણ તે વિવેચન. આમ નિકષરેખા શબ્દ વિવેચનપ્રવૃત્તિનું સંક્ષેપમાં સુભગ રીતે સૂચન કરી દે છે, એટલું જ નહિ પણ એના વિશે આજે ઊભા થયેલા વાદો કે પ્રશ્નોનું નિરાકરણ કરી એનું સાચું સ્વરૂપ પણ સ્પષ્ટ કરી દે છે. ઉદાહરણ તરીકે વિવેચન શાસ્ત્ર કે કલા, એ થોડા વખતથી આપણે ત્યાં ચર્ચાના ચોગાનમાં ખડો થએલો પ્રશ્ન લ્યો, તો આ નિકષરેખા શબ્દથી એનો ખુલાસો થઈ જશે. કેમકે વિવેચન આપણે ઉપર જોઈ ગયા તેમ સહૃદયના હૃદયરૂપી નિકષ પર પડેલી રેખાઓનું રસમય નિરૂપણ છે. અને આ ઉપરથી જે વિવેચન કેવળ શુષ્ક શાસ્ત્ર નહિ પણ રસિક કલા છે એ સ્પષ્ટ નથી જઈ જતું? વિવેચન શાનું પરિણામ છે? સહૃદયના હૃદય પર પડેલા સંસ્કારોનું. એટલે ઇંગ્લૅન્ડના એક નામાંકિત સર્જક ડી. એચ. લૉરેન્સે ત્યાંના એક બીજા નામાંકિત સર્જક ગાલ્સવર્ધીની નવલકથાઓની સમીક્ષા કરતાં કહેલું તેમ વિવેચનમાં નિકષસ્થાને બુદ્ધિ નહિ પણ ઊર્મિ છે—એના મૂળ અંગ્રેજી શબ્દોમાં ‘The touchstone is emotion, not reason’. એ જ રીતે આપણા સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ પણ ઠેરઠેર કહ્યું છે કે ‘सचेतस एवात्र प्रमाणम्-’ સાહિત્ય કૃતિઓના અનુશીલનથી કેળવાઈને સંસ્કારી બનેલું હૃદય એ જ વિવેચનમાં નિર્ણયકારી પ્રમાણ છે, (જુઓે ‘ધ્વન્યાલોક’માંના શબ્દો: ‘वैकटिका एवन हि रत्नतत्त्वविद:, सहृदया एव हि काव्यानां रसज्ञा:’) એટલું જ નહિ પણ સંસ્કૃતમાં તો વિવેચકનું નામ જ સહૃદય-કેળવાએલું – હૃદય ધરાવનાર પુરુષ–એવું આપવામાં આવ્યું છે. અને હૃદય એટલે જાતજાતની ઊર્મિઓ, સ્મૃતિઓ, કલ્પનાઓ, ભાવનાઓ, આદિનો સમૂહ. તેથી એના વ્યાપારમાં શાસ્ત્રીય સંશોધનમાં અનિવાર્ય અગત્યની એવી વૈજ્ઞાનિક ચોકસાઈ કે એકરૂપતા સંભવતી નથી. શાસ્ત્રપ્રવૃત્તિમાં એક ને એક બે જ – પોણાબે પણ નહિ તેમ સવાબે પણ નહિ, અંશમાત્ર ન્યૂન પણ નહિ તેમ વિશેષ પણ નહિ – એવું ચોક્કસ, અનન્ય, એકરૂપ પરિણામ આવે છે, પણ હૃદયવ્યાપારમાં આવી વૈજ્ઞાનિક કે ગાણિતિક ચોકસાઈ કોઈ રીતે આવી શકતી નથી. બુદ્ધિથી અન્વેષણ કરનાર એકેએક વિજ્ઞાનશાસ્ત્રીને કોયલ કે ગુલાબના સંબંધમાં જે કંઈ જ્ઞાન થશે તે એક જ પ્રકારનું થશે – એ અન્વેષણ ગમે તેટલા જુદા જુદા વિજ્ઞાનશાસ્ત્રીઓ કરે કે એકનો એક વિજ્ઞાનશાસ્ત્રી ગમે તેટલી જુદી જુદી વાર કરે તોપણ દરેક વખતે પરિણામ એકનું એક જ આવશે, અને કોઈ પણ પ્રસંગે એમાં રજમાત્ર ફેર પડવાનો નહિ. પણ એના એ કોયલ કે ગુલાબ પર ઊર્મિવ્યાપાર ચલાવનાર ભિન્ન ભિન્ન કવિઓને પાતપોતાના ભિન્ન ભિન્ન અનુભવ અનુસાર એ ભિન્ન ભિન્ન રૂ5માં દેખાશે અને એમના હૃદયમાં ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો જગાવશે. અર્થાત્, બુદ્ધિવ્યાપારમાં સર્વ સ્થળ કાળમાં અને સર્વ અન્વેષકો આગળ પદાર્થ એકનો એક જ રહે છે, ત્યારે ઊર્મિવ્યાપારમાં એ પદાર્થ સ્થળ કાળ અને અન્વેષક દીઠ ભિન્ન ભિન્ન બની જાય છે, – એ પદાર્થનું નામ તો એકનું એક રહે છે, પણ વસ્તુ જુદા જુદા અનુભવ પ્રમાણે જુદું જુદું રૂપ ધારણ કરે છે. કેમકે માનવીને હૃદયવ્યાપાર સાહચર્યના નિયમ (Law of association)ને અનુસરીને ચાલે છે. એટલે સાહચર્યભેદને લીધે જેવી રીતે એકનું એક જગત જુદાં જુદાં સર્જકચિત્તો પર જુદી જુદી અસર કરે છે, તે જ રીતે એકની એક સાહિત્યકૃતિ સાહચર્યભેદને લીધે જુદાં જુદાં વિવેચકચિત્તો પર જુદી જુદી અસર કરે છે, અને તેથી એમનાં વિવેચનોમાં સર્વસામાન્ય સત્યદર્શન એકસરખું હોવા છતાં પોતપોતાના અનુભવપિંડને અનુસરીને જુદા જુદા વિવેચકો એકની એક સાહિત્યકૃતિનાં જુદાં જુદાં પાસાંઓનું તે જુદાં જુદાં સૌન્દર્યતત્ત્વોનું દર્શન કરાવે છે. આથી જ વિવેચન કદી શાસ્ત્ર બની શકતું નથી. આ સાહચર્યભેદને કારણે જ આપણા સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ કહે છે કે કાવ્ય એકનું એક હોવા છતાં જેટલા એના ભાવકો તેટલા એના ધ્વનિઓ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો કાવ્ય મૂળે એક જ હોવા છતાં જેટલા વાચકો તેટલા કાવ્યો એ નિયમ સાહિત્યમાં પ્રવર્તે છે. અને એનું કારણ ખુલ્લું છે. વરસોથી આપણે કાવ્યકૃતિઓને લિખિત કે મુદ્રિત રૂપમાં જોવાને ટેવાઈ ગએલા હોવાથી એનું બાહ્યનિષ્ઠ, સ્થૂળ, પાર્થિવ અસ્તિત્વ છે એમ માની લઈએ છીએ. પણ એબરક્રોમ્બીએ બતાવ્યું છે તેમ કાવ્યનું આવું બાહ્યનિષ્ઠ, સ્થૂળ, પાર્થિવ અસ્તિત્વ હોતું જ નથી. કાવ્યમાત્રનું અસ્તિત્વ એના વાચક કે ભાવકના અન્તરમાં જ હોય છે, એટલે કે એનું અસ્તિત્વ સૂક્ષ્મ, અપાર્થિવ, હૃદયગોચર, અનુભવગમ્ય જ હોય છે. એનાં જ વાક્યો ટાંકીએ તો ‘The existence of a work of art, in fact, is not material at all, but spiritual. It is a continually creative existence, for it exists by continually creating experience. In one sense, this means that it is a continually changing existence; for the experiences it creates must always be individual and therefore unique experiences. Yet in another sense it is always the same; for it always exists in unbroken connexion with its author, who forms the experience he gives. It will now appear why liberty of interpretation must necessarily be granted if Shakespear’s plays are regarded as works of art. Every reader or spectator is at liberty to say what the play means to him, The reason is simple one: the play, as a work of art, has no other existence. To limit interpretation to what the play may have meant to Elizabethans is, frankly, to exclude the existence of the play as a work of art; for as a work of art it does not exist in what it may have meant to some one else, but what it means to me: that is the only way it can exist. In any case, it had as many different existences in an Elizabethan theatre as there were heads in the audience. (‘Selected Modern Essays,’ second series, p. 230) એક જ કાવ્ય નાટકના અનેક અર્થો કરવાની છૂટ વાજબી ગણાય છે તે આ રીતે કાવ્ય મૂળે એક હોવા છતાં જેટલા ભાવકો તેટલાં કાવ્યો એવું અનેકવિધ રૂપ એ ધારણ કરે છે તેથી જ. વિવેચનમાં વિસ્તાર અને વૈવિધ્યને આટલો વિપુલ અવકાશ છે તે પણ એ શાસ્ત્ર નહિ પણ કલા છે તે જ કારણે. વિવેચન જો શાસ્ત્ર હોત તે તેમાં લાંબુંલપ કરવાની કંઈ જરૂર જ ન રહેત, પણ રસ, નાયક, નાયિકા, ગુણ, અલંકાર આદિ જુદાં જુદાં ખાનાંવાળો એક કોઠો તૈયાર કરી કાવ્યનો રસ કયો તો કહે શૃંગાર વીર કે કરુણ, એમ નાયક-ધીરોદાત્ત ધીરોદ્ધત કે ધીરલલિત, એની નાયિકા-સ્વકીયા પરકીયા કે સામાન્યા, એનો ગુણ-પ્રસાદ માધુર્ય કે ઓજસ, એનો અલંકાર-ઉપમા ઉત્પ્રેક્ષા કે રૂપક-આદિ વીગતો જ જુદાં જુદાં ખાનાંમાં પૂરી દેવાની રહેત, અને કોઈ પણ કાવ્યકૃતિના સંબન્ધમાં એક વિવેચકે આવો કોઠો એકવાર પ્રકટ કરી દીધો કે પછી બીજા કોઈ વિવેચકે એમાં નવું કશું કહેવાનું રહેત જ નહિ. પણ આપણે જોઈએ છીએ કે વિવેચનમાં વૈવિધ્યનો પાર નથી. એકના એક કાવ્ય પર એકના એક યુગમાં અનેક વિવેચકો લખે છે અને એ દરેકના વિવેચનમાં એના કોઈ અજ્ઞાત રહી ગએલા પાસાનું અભિનવ સૌન્દર્યદર્શન કરાવવામાં આવેલું હોય છે, એટલું જ નહિ પણ દરેક યુગ પોતપોતાનું નવું વિવેચન માગે છે, કેમકે દરેક યુગનું માનસ, એનો અનુભવ, એનો અધ્યાસપિંડ, અને એની ભાવના આદિ સર્વ જુદું હોય છે, એટલે એ કાવ્યકૃતિ એકની એક હોવા છતાં એની દૃષ્ટિએ આગલા યુગ કરતાં જુદી જ બની જાય છે અને તેથી તેમાં એને અવનવા જ સૌન્દર્યની પ્રતીતિ થાય છે આમ વિવેચનમાં જે વિસ્તાર ને વૈવિધ્ય નજરે પડે છે તે એમાં નિકષસ્થાને બુદ્ધિ નહિ પણ હૃદય છે અને પરિણામે એનું સ્વરૂપ શાસ્ત્રનું નહિ પણ કલાનું છે તેથી જ. વળી વિવેચનમાં જે અન્વેષણ નિરૂપણ કરવાનું છે તે પણ કોઈ વૈજ્ઞાનિક વસ્તુનું નહિ પણ સૌન્દર્યનું, અને સૌન્દર્યના પ્રદેશમાં તો સેઈન્ટ્સબરી આદિ અનેક વિદ્વાનોએ ફરીફરીને ભારપૂર્વક કહ્યું છે તેમ શાસ્ત્રની ચાંચ બૂડતી જ નથી. કેમકે સૌન્દર્યગ્રહણનું કરણ કે ઇન્દ્રિય જે હૃદય એના સ્વરૂપ સ્વભાવ આદિનું વૈજ્ઞાનિક સંશોધન હજુ શક્ય બન્યું નથી, એટલે અમુક સૌન્દર્યપદાર્થે એક હૃદય પર એક પ્રકારની અસર કરી માટે બીજાં બધાં હૃદયો પર એ જ પ્રકારની અસર કરશે એવી ખાતરી આપી શકાતી નથી. આ રીતે વિવેચનમાં નિકષસ્થાને બુદ્ધિ નહિ પણ હૃદય હોવાથી અને એનો નિરૂપ્ય પદાર્થ પણ કેવળ હૃદયગ્રાહ્ય સૌન્દર્ય હોવાથી એ કદી શાસ્ત્ર બની શકતું નથી, ને એની ગણના કલાના વર્ગમાં જ કરવી પડે છે. વસ્તુત: વિવેચન પણ એક પ્રકારનું સર્જન જ છે. ઉભય વચ્ચે જો કોઈ ભેદ હોય તો તે ઉપાદાનનો જ છે. બાકી બન્નેની પ્રક્રિયા એકસરખી જ છે. આપણે જેને રૂઢ અર્થમાં સર્જન કહીએ છીએ તેમાં પ્રતિભાશાળી સર્જકના હૃદયરૂપી નિકષ પર સૃષ્ટિરૂપી સુવર્ણપદાર્થે જે રેખાએ પાડી હોય તેનું રસમય નિરૂપણ કરેલું હોય છે, ત્યારે આ વિવેચનરૂપી સર્જનમાં પ્રતિભાશાળી વિવેચકના હૃદયરૂપી નિકષ પર સાહિત્યસૃષ્ટિરૂપી સુવર્ણપદાર્થે જે રેખાઓ પાડી હોય તેનું રસમય નિરૂપણ કરેલું હોય છે. મિડલટન મરીએ આ મુદ્દો કશા પણ સંદેહને અવકાશ ન રહે એવા સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યો છે. એ કહે છે: ‘The critic, unless he is that very rare and valuable thing, a technical critic, must be to some extent a creative artist in his criticism. The first part of his work is to convey the effect, the whole intellectual and emotional impression made by the work he is criticizing: without this foundation his criticism will be jejune and unsubstantial. In this respect his task is strictly analogous to that of the creative writer. Instead of trying to communicate the emotions liberated in him, by a primrose, or life as one mysterions whole, he is trying to recreate in his reader the peculiar emotion aroused in him by a work of literature,’ (‘The Problem of Style, p. 8) બીજા શબ્દોમાં કહીએ તો સર્જન, કલા, કે કાવ્ય એ સૃષ્ટિવિષયક રસાત્મક વાઙ્મય રચના છે, તો વિવેચન એ સર્જન, કલા, કે કાવ્યરૂપી સાહિત્યવિષયક રસાત્મક વાઙ્મય રચના છે. સર્જન સામાન્ય જગતના સૌન્દર્યને ઝીલીને એને કલાકૃતિરૂપે મૂર્ત કરે છે, તો વિવેચન સાહિત્યજગતના સૌન્દર્યને ઝીલીને એને કલાત્મક આકારમાં મૂર્ત કરે છે. આ પ્રમાણે સાત્યિકૃતિના સંસ્પર્શથી પ્રતિભાશાળી સહૃદયરૂપી નિકષ પર પડેલી રેખાઓનું રસિક આવિષ્કરણ તે જ સાચું વિવેચન હોવાથી વિવેચન એ પણ વિશિષ્ટ પ્રકારનું સર્જન જ છે ને વિવેચક સાહિત્યસૃષ્ટિનો કવિ જ ઠરે છે. વિવેચન આ રીતે સર્જનનું સમકક્ષ છે, સામગ્રી ભિન્ન પણ પ્રક્રિયા તે સર્જન જેવી જ એવી વિશિષ્ટ પ્રકારની કલા છે તેથી જ એમાં પણ કલાનાં મુખ્ય લક્ષણોની અપેક્ષા રહે છે. અને કલાનું એક મુખ્ય લક્ષણ એ કે તે જગત વિશે આપણને કંઈક અભિનવ દર્શન કરાવે છે અને એ દર્શન પાછું આપણા હૃદય પર સદાની અવિલોપ્ય છાપ પાડે એવી સમર્થ રસમય શૈલીમાં કરાવે છે. અર્થાત, ભટ્ટ તૌત કહે છે તેમ સર્જન કે કાવ્યમાં દર્શન ને વર્ણન બન્ને જોઈએ અને આ વાત વિવેચનરૂપી સર્જનના સંબન્ધમાં પણ એટલી જ સાચી છે. એમાં પણ કાવ્યની પેઠે દર્શન ને વર્ણન ઉભય જોઈએ. એણે પણ વિવેચ્ચ વસ્તુના સંબન્ધમાં કંઈક અભિનવ દર્શન કરાવવું જોઈએ અને એ અભિનવ દર્શન પાછું વાચકના ચિત્તમાં આહ્લાદ ઉત્પન્ન કરી ઊંડી છાપ પાડે એવી સબળ રસમય શૈલીમાં કરાવવું જોઈએ. આ ઉપરથી જ સાચા સમર્થ વિવેચનની કસોટીનું એક મુખ્ય ધોરણ આપણને મળી રહે છે. સર્જક કે કવિની એક મુખ્ય કસોટી જ એ ગણાય છે કે એણે જગતના કોઈ એક પદાર્થનું કયું સર્વમાન્ય બની શકે એવું સત્ય અત્યાર સુધી ગૂઢ રહેલું તે પહેલી જ વાર પોતાની કૃતિમાં મૂર્ત કર્યું અને તે પણ વાચકને આનન્દ આપે એવા હૃદયંગમ આકારમાં મૂર્ત કર્યું, તે જ રીતે વિવેચનકારની શક્તિની એક મુખ્ય કસોટી જ એ ગણાવી જોઈએ કે સાહિત્યના કોઈ એક અન્ય ગ્રન્થ કે ગ્રન્થકારનું કયું સર્વમાન્ય બની જાય એવું સત્ય અત્યાર સુધી ગૂઢ રહેલું તે પહેલી જ વાર એણે પોતાની વિવેચનકૃતિમાં મૂર્ત કર્યું અને તે પણ વાચકને આનન્દ આપે એવા મનોહર આકારમાં મૂર્ત કર્યું. બ્રાઉનિંગ કવિઓને દૃષ્ટિદાતા કહે છે, આનન્દશંકર ધ્રુવ સાયણનો શબ્દ વાપરીને એમને ક્રાન્તદર્શી કહે છે, અને આ વાત એકલા પદ્યકવિઓના સંબન્ધમાં જ સાચી છે એમ નથી, પણ સાચા સમર્થ પ્રતિભાશાળી વિવેચકોના સંબન્ધમાં પણ એટલી જ સાચી છે. કેમકે તેઓ પણ વિવેચનને માટે પોતે સ્વીકારેલ સાહિત્યકાર કે સાહિત્યકૃતિના સંબન્ધમાં આપણને નવી જ દૃષ્ટિ આપે છે, પ્રાકૃત જન જોઈ શકે તેની પેલી પાર જોઈને એને કદી પણ હાથ ન લાગે એવું રહસ્ય તે સૌન્દર્ય એ સાહિત્યકાર કે સાહિત્યકૃતિનું પ્રકટ કરે છે, અને તેથી જ પદ્યકવિઓની પેઠે આવા દૃષ્ટિદાતા કાન્તદર્શી વિવેચકોને કવિ જ ગણવાના છે. સામાન્ય વાચક અને સાચા વિવેચક વચ્ચેનો મુખ્ય ભેદ જ આ છે કે સામાન્ય વાચક સાહિત્યની છેક ઉપલી સપાટી ઉપર જ તરતો હોય છે, એટલે સાહિત્યનું સાચું રહસ્ય કે વાસ્તવિક સૌન્દર્ય એ યથાર્થ રૂપમાં ભાગ્યે જ પૂરું સમજી ને માણી શકે છે, ત્યારે વિવેચક એની વેધક ક્રાન્તદર્શી શક્તિથી એનું ઊંડું રહસ્ય ને સૂક્ષ્મ સૌન્દર્ય પ્રીછીને એને એવી સુભગ શૈલીમાં પ્રકટ કરે છે કે સૌ વાચકો આનન્દપૂર્વક નાચીને એક અવાજે બોલી ઊઠે છે કે ‘હા, એમ જ છે. આજ સુધી અમને એ વાતની ખબર નહોતી એ અમારી જોવા સમજવાની અશક્તિ, બાકી સત્ય તો તેં કહ્યું તે જ છે.’ અને વિવેચકની ખરી મહત્તાનો આધાર એણે કેટલું અભિનવ દર્શન કરાવ્યું, કાન્તદર્શનની કેટલી શક્તિ દાખવી, કેટલું દૃષ્ટિપ્રદાન કે દૃષ્ટિપરિવર્તન કર્યું. એના ઉપર જ છે, વિવેચન એ કંઈ ખાલી વાગૂવિલાસ નથી, પુષ્પિતા વાચામાં મઢેલો પોકળ શબ્દવ્યવહાર કે ચર્વિતચર્વણ નથી, પણ નિ:શંક નવતા બતાવે એવા રમણીય અર્થ કે રહસ્યને રમણીય વાણીમાં રજૂ કરનારી કલા છે, એટલે એમાં અભિનવ સત્યદર્શન એ અનિવાર્ય અગત્યની વસ્તુ છે. કાવ્ય જેમ કેવળ કર્ણમધુર પદાવલિ નથી, પણ કર્ણમધુર પદાવલિ દ્વારા કરાવેલું અભિનવ સૌન્દર્યદર્શન છે, તેમ વિવેચન પણ કેવળ મનોહર શૈલીવ્યાપાર નથી, પણ મનોહર શૈલી દ્વારા કરાવેલું મનોહર રહસ્યદર્શન છે. એટલે જે વિવેચક જેટલી વધુ સંખ્યાના સાહિત્યકારો કે સાહિત્યકૃતિઓના સંબન્ધમાં સર્વસ્વીકાર્ય બની જાય એવું રહસ્યદર્શન જેટલા વધુ પ્રમાણમાં કરાવી શકેલ હોય, જેણે સૌથી વિશેષ ગ્રન્થો ગ્રન્થકારો કે સાહિત્યપ્રશ્નોના સંબન્ધમાં સૌથી વિશેષ સાચા અભિપ્રાયો સ્થાપિત કરવામાં જેટલો વધુ ફાળો આપેલ હોય, અને એ બધું વિવેચન પાછું વિવેચ્ય કૃતિને ખાતર નહિ પણ સ્વતન્ત્ર સાહિત્ય તરીકે આકર્ષે ને આસ્વાદવું ગમે એવી સુભગ શૈલીમાં કર્યું હોય – કેવળ સાહિત્યકૃતિ તરીકે ઉચ્ચ કોટિનો આનન્દ આપે એવી રસાળ શૈલીમાં કર્યું હોય – અર્થાત્ દર્શત્ને વર્ણન ઉભય કવિકાર્યમાં જેણે જેટલી વિશેષ શક્તિ દાખવેલ હોય તેટલે અંશે તે મોટો વિવેચક ગણાય. આમ નિકષરેખા શબ્દ વિવેચનનું યથાર્થ સ્વરૂપ સમજવામાં સહાયક બને છે અને એ દ્વારા એની સર્જનસમતા સ્પષ્ટ કરી એનાં મુખ્ય લક્ષણો નક્કી કરવામાં તથા એની મૂલવણીનું એક ચોક્કસ ધોરણ રજૂ કરવામાં ઉપયોગી થઈ પડે છે. વિવેચન સર્જન, કલા, કે કાવ્ય ન ગણાય એમ સિદ્ધ કરવા માટે એવી દલીલ કરવામાં આવે છે કે સર્જન સર્વથા સ્વાયત્ત છે, અને તેથી એ એક નવી જ સૃષ્ટિનું નિર્માણ કરે છે, ત્યારે વિવેચન પરાયત્ત છે, અને તેથી એ કશું નવનિર્માણ કરી શકતું નથી. પણ આ દલીલ ખોટી છે. એની ભ્રામકતા સ્પષ્ટ કરવા એ દલીલના બંને અંશો છૂટા છૂટા લેવા ઠીક પડશે. એટલે પહેલાં સ્વાયત્ત-પરાયત્તવાળો અંશ લઈએ. આપણે જેને રૂઢ અર્થમાં સર્જન કહીએ છીએ એ પણ શું ખરેખર સર્વથા સ્વાયત્ત છે? ના, એ પણ માની લેવામાં આવે છે એવું સ્વાયત્ત છે જ નહિ, કેમ કે એને પણ વાસ્તવિક સૃષ્ટિને અવલંબીને એની મર્યાદામાં રહીને જ પ્રવર્તવું પડે છે, અને એ મર્યાદાનું જેટલે અંશે અતિક્રમણ કરે છે તેટલે અંશે એ પ્રતીતિકર બની શકતું નહિ હોવાથી રસનિષ્પત્તિ કરાવવામાં નિષ્ફળ નીવડે છે. કોયલ વિશે તમે કાવ્ય લખો તો તમારે એને એ છે એવી કાળી જ વર્ણવવી પડે, એને બદલે સ્વાયત્ત બનીને ધોળી વર્ણવવા જાઓ તો તમારી હાંસી જ થાય. મોગરાના ફૂલનું આલેખન કરો તો તમારે એને સફેદ જ બતાવવું પડે, ગુલાબી કે ભૂરું બતાવો તો એમાં અસંભવદોષ જ આવે. આ પ્રમાણે સર્જનને પણ સત્યની મર્યાદામાં રહીને જ ચાલવું પડે છે, એટલે સર્જન સ્વાયત્ત અને વિવેચન પરાયત્ત એમ કહીને વિવેચનને સર્જનના વર્ગમાંથી હાંકી કાઢવાનો પ્રયાસ થાય છે તે મિથ્યા જ છે. વસ્તુત: સર્જન વિવેચન ઉભય નિરૂપ્ય પદાર્થના વાસ્તવિક સ્વરૂપ પૂરતાં એકસરખાં પરાયત્ત છે, અને એ વાસ્તવિકતાની હદમાં રહીને એનું જેવું છે એવું સૌન્દર્ય વર્ણવવાની બાબતમાં એકસરખાં સ્વાયત્ત છે, ને એ હદમાં રહીને એ જેટલું અભિનવ દર્શન કરાવી શકે તેમ જેટલો આનન્દ આપી શકે તેના પર જ કવિ કે વિવેચક તરીકેની એમની મહત્તાનો આધાર રહે છે. એટલે સર્જનને સ્વાયત્ત અને વિવેચનને પરાયત્ત ગણીને વિવેચનને હડધૂત કરવાની આ દલીલ ભ્રમમૂલક જ છે. હવે એ દલીલનો બીજો અંશ લ્યો: વિવેચનમાં કશું નવનિર્માણ કરવામાં આવતું નથી, સાહિત્યકૃતિ જેવી છે તેવી જ એમાં વર્ણવાય છે. કબૂલ, પણ તેથી એ કાવ્ય ન બને એમ કોણે કહ્યું? વસ્તુ જેવી હોય તેવી જ વર્ણવો અને એ નિ:શંક કાવ્ય-કે કલાકૃતિ બને છે એનાં બે જ ઉદાહરણો આપીશું, એક સાહિત્યના પ્રદેશમાંથી અને બીજું લલિતકલાના પ્રદેશમાંથી. શું ખરેખર નવનિર્માણ કર્યું હોય તેને જ આપણે સર્જન કે કાવ્ય કહીએ છીએ? વસ્તુ જેવી હોય તેવી જ વર્ણવનારી રચનાને શું આપણે કાવ્ય તરીકે નથી સ્વીકારતા? પદાર્થને એ ખરેખર હોય તેથી ભિન્ન કે અધિક દર્શાવીએ તો જ શું કાવ્ય થાય ને એ સાચેસાચ હોય તેવો જ દર્શાવીએ તો શું કાવ્ય ન થાય? સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો શું વક્રોક્તિ કે અતિશયોક્તિ હોય ત્યાં જ કાવ્ય સંભવે તે સ્વભાવોક્તિ હોય ત્યાં કાવ્ય સંભવે જ નહિ? ના, કાવ્ય તો બન્ને પ્રસંગે સંભવે, –વક્રોક્તિ અતિશયોક્તિ હોય તે પણ કાવ્ય અને સ્વભાવોક્તિ હોય તે પણ કાવ્ય. વસ્તુત: અલંકારદૃષ્ટિએ કાવ્ય સમસ્તના મુખ્ય બે વર્ગ જ દંડીએ સ્વભાવોક્તિ અને વક્રોક્તિ એવા પાડ્યા છે, અને તેમાં સ્વભાવોક્તિને ‚¸ŠÏ¸ ‚¥¸¿ˆ¼Å¹·¸ કહી છે. અને સ્વભાવોક્તિ એટલે શું? ¬¨¸ž¸¸¨¸¸½¹î¸’¬¸¸¾च¸² ¡¸˜¸¸¨¸¬·¸º¨¸µ¸Ä›¸Ÿ¸Ã. એટલે કે, વસ્તુ જેવી હોય તેવી જ વર્ણવવી, પણ ચારુતાપૂર્વક વર્ણવવી તેનું નામ સ્વભાવોક્તિ. અને વિવેચન બીજું શું છે? એમાં સાહિત્યકૃતિ જેવી છે તેવી જ વર્ણવવાની છે, પણ તે ચારુતાપૂર્વક વર્ણવવાની છે. દંડી કહે છે તેમ આ સ્વભાવોક્તિ શાસ્ત્ર અને કાવ્ય ઉભયમાં પ્રવર્તે છે. ખરી રીતે શાસ્ત્રગ્રંથોમાં આ સ્વભાવોક્તિનું જ સામ્રાજ્ય હોય છે, પણ એ કાવ્યકૃતિમાં પણ આવી શકે છે. (शास्त्रैव्वस्यैय साम्रा यं काव्यैष्वप्येतदीप्तितम्) બન્ને વચ્ચે ભેદ ફક્ત એટલો જ છે કે શાસ્ત્રમાં વસ્તુ હોય તેવી વર્ણવવી, પણ તે જરા પણ ઊર્મિસ્પંદ વગર સર્વથા અલિપ્ત રહીને શુષ્ક, નીરસ રૂપમાં વર્ણવવી, ત્યારે કાવ્યમાં વસ્તુના યથાર્થ રૂપમાં રસ લઈને, એનોે આનન્દ માણીને ભાવાવેશપૂર્વક રમણીય રીતે વર્ણવવી. શુષ્ક સ્વભાવોક્તિનો રમૂજી સંસ્કૃત દાખલો જણીતો છે:

दीर्घपुचश्चतुषाद: ककुद्मांल्लंवकंचल:-
गोरपत्यंचलीवर्दस्मृगमति मुखेन स:।।

અથવા એક સંક્ષિપ્ત વાક્ય લઈએ તો शुष्कोवृक्षस्तिष्टत्यग्रे એ શુષ્ક સ્વભાવોક્તિ કહી શકાય, તો विलसति तरुरिह रसाल: समीपे એ રસાળ સ્વભાવોક્તિ કહી શકાય. બન્નેમાં વર્ણન તો વસ્તુ જેવી છે તેવું જ કર્યું છે, પણ એકમાં તે કોરાકટ, શુષ્ક, કર્કશ રૂપમાં કર્યું છે, ત્યારે બીજીમાં એ વસ્તુના સ્વાભાવિક સ્વરૂપમાં આનન્દ અનુભવીને રસાળ રૂપમાં કર્યું છે. વિવેચનમાં પણ આ શાસ્ત્રજાતિની શુષ્ક તેમ કાવ્યજાતિની રસિક એમ ઉભય પ્રકારની સ્વભાવોક્તિને માટે અવકાશ છે. કેટલાક વિવેચકો પ્રકૃતિએ શાસ્ત્રીઓ જ હોય છે, એટલે दीर्घ पु छश्चतुष्पाद: शुषकोवृक्षस्तिष्टभ्यग्रे એ પ્રકારની શુષ્ક સ્વભાવોક્તિ સિવાય બીજું કંઈ એમના નિરૂપણમાં આવી શકતું નથી, ત્યારે બીજા કેટલાક વિવેચકો પ્રકૃતિએ કવિ કે કલાકાર હોય છે, એટલે પોતાને સાહિત્યવિષયક જે यथावस्तुवर्णन રૂપ સ્વભાવોક્તિ કરવાની હોય છે તેને બને તેટલા ચાર રૂપમાં રજૂ કર્યા વિના એમને ચેન પડતું નથી. આ રીતે લેશ માત્ર નવનિર્માણ કર્યા વિના વસ્તુ જેવી હોય તેવી જ વર્ણવવા છતાં એ વર્ણનમાં જોે ચરુતા હોય તો તેવી સાહિત્યકૃતિને જેમ આપણે સ્વભાવોક્તિકાવ્ય તરીકે વગર સંકોચે સ્વીકારી લઈએ છીએ, તેવી જ રીતે વિવેચનમાં પણ વસ્તુ જેવી હોય તેવી જ વર્ણવવા છતાં અને નવનિર્માણ જેવું કશું નહિ હોવા છતાં એ નિરૂપણમાં જો ચારુતા હોય તો એવી વિવેચનકૃતિને સ્વભાવોક્તિકાવ્ય ગણવામાં શી રીતે વિરોધ કરી શકાય? અને વિવેચન વસ્તુત: આવું સ્વભાવોક્તિકાવ્ય જ છે. સામાન્ય સ્વભાવોક્તિકાવ્યમાં જેમ જીવનન કોઈક વસ્તુની સ્વાભાવિક સુન્દરતાનું આલેખન હોય છે, અને એ આલેખન કવિ એવા રસથી, એવા આનન્દપૂર્વક કરે છે કે વાંચનારને પણ એ ઉચ્ચ પ્રકારના કાવ્યનન્દનો અનુભવ કરાવે છે, તે જ રીતે આ વિવેચનરૂપી સ્વભાવોક્તિકાવ્યમાં પણ સાહિત્યકકૃતિરૂપ વસ્તુની સ્વાભાવિક સુન્દરતાનું આલેખન હોય છે, અને એ આલેખન વિવેચકરૂપી કવિ એવા રસથી, એવા આનન્દપૂર્વક કરે છે કે વાંચનારને પણ એ સાહિત્યકૃતિ એના સ્વાભાવિક સ્વરૂપમાં પણ રમણીય લાગી એને ઉચ્ચ પ્રકારના કાવ્યાનન્દનો અનુભવ કરાવે છે. કાવ્ય, કલા, કે સર્જનમાત્રનું મુખ્ય લક્ષણ એ કે સર્જકને જીવનમાં જે અનુભવ થયો હોય તે એ અનુકૂળ વાહન દ્વારા ભાવકને બરાબર એવા જ રૂપમાં એવી જ ઉત્કટ માત્રામાં કરાવે છે. આમ અનુભવજનન એ જ સર્જનમાત્રનું મુખ્ય લક્ષણ છે. અને નમિસાધુ કહે છે તેમ આ સ્વભાવોક્તિમાં પણ એવું જ અનુભવજનન થાય છે—એમાં વસ્તુનું યથાર્થ સ્વરૂપ એવી તાદૃશ ને સચોટ રીતે વર્ણવાય છે કે એ વર્ણન એ વસ્તુ વિશે કવિને જેવો અનુભવ થયો હોય તેવો જ અનુભવ વાચકના ચિત્તમાં જન્માવે છે. (चातिस्तु अनुभवंचनयति यत्र परस्यं स्वरूपं वर्ण्यमानमेव अनुभवमिवैतीति स्थितम्-) અર્થાત્, આવું અનુભવજનન કેવળ વક્રોક્તિ અતિશયોક્તિકાવ્યમાં જ—કલ્પનાપ્રધાન સાહિત્યરચનામાં જ—થાય છે એમ નથી, પણ સ્વભાવોક્તિકાવ્યમાં પણ—ભૂતાર્થપ્રધાન સાહિત્યરચનામાં પણ—થાય છે. અને તેથી તે નિ:શંક સર્જન જ ઠરે છે. ઇતિહાસ, ચરિત્ર, વિવેચન એ ભૂતાર્થપ્રધાન સાહિત્યપ્રકારો છે, પણ એ ભૂતાર્થપ્રધાન સાહિત્યની પણ રચના જો સમર્થ, રસિક, પ્રતિભાશાળી લેખકને હાથે થાય છે તો તેમાં ઐતિહાસિક ઘટના વ્યક્તિ કે કૃતિ રૂપી એ ભૂતાર્થનું તે એવું સચોટ તાદૃશ આલેખન કરે છે કે એ ભૂતાર્થથી પોતાના હૃદયમાં જે વિશિષ્ટ અનુભવ થયો હોય તે અખંડ રૂપે વાચકચિત્તમાં સંક્રાન્ત કરી શકે છે, પોતાના અનુભવનું એના હૃદયમાં જનન કરી શકે છે, અને તેથી એવી ઇતિહાસ, ચરિત્ર, ને વિવેચનની રચનાઓને વાજબી રીતે સ્વભાવોક્તિકાવ્ય જ ગણવી જોઈએ. વિવેચનમાં જે કરવાનું છે તે આ જ છે. એમાં વિવેચ્ય કૃતિરૂપી ભૂતાર્થથી પોતાને શો અનુભવ થયો તે વિવેચકે તટસ્થ અલિપ્ત રીતે માત્ર નોંધીને કે કહીને બેસી રહેવાનું નથી, પણ પોતાને થએલો એ અનુભવ એવી સચોટ તાદૃશ રીતે નિરૂપવાનો છે અને વિશેષમાં એવા ઉલ્લાસપૂર્વક નિરૂપવાનો છે કે તેનું એ વિવેચન વાંચતાં વાચકના ચિત્તમાં પણ એ કૃતિ વિશે અનિવાર્ય રીતે એવો જ અનુભવ થાય અને એવા જ આનન્દનો આસ્વાદ એ કરે. એટલે જ્યાં જ્યાં આવું અનુભવજનનસામર્થ્ય ધરાવતું વિવેચન થએલું હોય ત્યાં ત્યાં તે સાહિત્યવિષયક સ્વભાવોક્તિકાવ્ય જ ઠરે છે. અને આવા સ્વભાવોક્તિમય રસિક વિવેચનનાં અનેક ઉદાહરણો જગતના સાહિત્યમાંથી જડશે. તેમાંથી નમૂના રૂપે બેનો જ આંહીં ઉલ્લેખ કરીશું, એક અંગ્રેજી અને એક ગુજરાતી. અંગ્રેજી સાહિત્યમાં હૅઝ્લિટ ઉત્તમ વિવેચક ગણાય છે તે શાથી? એનું વિવેચન પક્ષવાદથી પર નથી, અંગત રાગદ્વેષને લીધે સત્યદર્શનમાં સ્ખલન થયું હોય એવા પ્રસંગો એના વિવેચનમાં ઓછા નથી, છતાં એને આજે પણ ઉત્તમ વિવેચક તરીકે સ્વીકારવામાં આવે છે તે શાને લીધે? વિવેચનનો અંદરના એના પ્રેરક ઉલ્લાસને જ લીધે. જે કોઈ સાહિત્યકૃતિ વિષે એ વિવેચન કરે છે તે સારે ભાવપૂર્વક, એમાં ખૂબ રસ લઈને, એવા ઉત્સાહ ને આનન્દપૂર્વક કરે છે કે વાચકમાં પણ એ સાહિત્યકૃતિને માટે એવો જ ભાવ, ઉત્સાહ, ને આનન્દ પ્રકટાવે છે તેથી જ એ વિવેચકોનો વિવેચક ગણાય છે. અને આપણા મુખ્ય આદિ વિવેચક નવલરામના વિવેચનનું જે આકર્ષણ છે તે પણ આ જ ગુણને લીધે છે. એકંદરે એમના જેવો કોઈ વિવેચક ગુજરાતમાં થયો જ નથી અને આજે પણ એમની ગાદી ખાલી જ પડી છે એમ જેઓ કહે છે તેઓ તો વગરસમજ્યો બકવાદ જ કરે છે. કેમકે સમગ્ર રીતે જોઈએ તો એમના સમયમાં આપણું વિવેચન આરંભાવસ્થામાં જ હોઈ ઘણી બાબતોમાં એમની સ્થિતિ અંધારામાં અટવાવા જેવી હતી અને વિદ્વત્તા તેમ વેધકતામાં એમના કરતાં ક્યાંયે ચડી જાય એવા એક કરતાં વધુ વિવેચકો આપણને તે પછી મળ્યા છે. પણ એક બાબતમાં તે લગભગ અદ્વિતીય જેવા રહ્યા છે, અને તે શૈલીની સુન્દરતામાં. અને એમની આ શૈલીની સુંદરતા શામાંથી પ્રભવે છે? વિવેચનવિષયભૂત ગ્રન્થ કે ગ્રન્થકારના ગુણદોષરૂપ વાસ્તવ સ્વરૂપમાંના એમના અખૂટ રસમાંથી અને એના નિરૂપણમાંના એમના પ્રેરક ઉલ્લાસમાંથી વિવેચ્ય કૃતિ વિશે એમને જે સત્ય લાધ્યું હોય તે એ એવા ઉમળકાથી દર્શાવે છે કે વાચકને પણ એ એવો જ અનુભવ કરાવી એવો જ ઉત્સાહ એ કૃતિ પરત્વે તેના ચિત્તમાં પેદા કરે છે. આથી ગુજરાતીમાં વિવેચનરૂપી સ્વભાવોક્તિમાં સૌથી મોટી સંખ્યામાં જો કોઈની પાસેથી મળી શકે એમ હોય તો આ આદિવિવેચક પાસેથી જ છે. આ રીતે સાહિત્યના પ્રદેશમાંથી લીધેલું સ્વભાવોક્તિનું આ ઉદાહરણ અસંદિગ્ધ રીતે પુરવાર કરે છે કે કાવ્યને માટે નિતાન્ત નવનિર્માણ અનિવાર્ય અગત્યની વસ્તુ નથી, એવું નવનિર્માણ ન હોય છતાં વસ્તુનું જેવું હોય એવું સ્વરૂપ પણ જો ચારુતાપૂર્વક ને રસોદ્બોધક રીતે વર્ણવવામાં આવે તો તે કાવ્ય જ બને છે. હવે બીજું ઉદાહરણ લલિતકલા પ્રદેશમાંથી વ્યક્તિચિત્ર (portrait)નું વિચારો. આ વ્યક્તિચિત્રમાં જેને નવનિર્માણ કહી શકીએ એવું કશું યે ચિત્રકાર કરી શકે છે? અને એમાં તે સર્વથા સ્વાયત્ત પણ હોય છે ખરો? નહિ જ. એમાં તેને મૂળ વ્યક્તિને જ સો યે સો ટકા વળગી રહેવું પડે છે, એની આકૃતિ, રૂપ, રંગ, સ્વભાવ આદિ અસલમાં જેવું હોય તેવું જ તેને આલેખવું પડે છે, એમાં રજમાત્ર ફેરફાર તે કરી શકતો નથી, છતાં સૌ તેને કલાકાર ને સર્જક તરીકે સ્વીકારે છે તે શાથી? મૂળ વ્યક્તિ જેવી છે તેવી જ તે આબેહૂબ આલેખે છે તેથી. એ વ્યક્તિના દર્શનથી, એની સાથેના સહવાસથી, એના ચિરપરિચયથી સૌના જે છાપ પડતી હોય, બાહ્ય આકૃતિ તેમ આન્તર પ્રકૃતિ બન્ને બાબતોમાં જે જાતની મુદ્રા સૌના હૃદય પર અંકિત થતી હોય. અર્થાત્, એના સમગ્ર સ્વરૂપના જે સંસ્કાર સૌના ચિત્ત પર પડતા હોય તે જ ચિત્રકાર એમાં પ્રકટ કરે છે, અને તે એવા તાદૃશ સચોટ, જીવન્ત રૂપમાં પ્રકટ કરે છે કે જોનાર માત્રને એ ચિત્રમાં મૂળ વ્યક્તિ જ જાણે પોતાની સામે પ્રત્યક્ષ ખડી થઈ હોય એવી પ્રતીતિ કરાવે છે. અને આ રીતે મૂળને સંપૂર્ણપણે વળગી રહી એના બાહ્યાકાર તેમ આન્તર ચારિત્ર્યને પૂરેપૂરાં જાણી લેવાં, એનું પ્રધાન જીવનલક્ષણ બરાબર સમજી લેવું, અને એ બધું જેવું સમજાયું તેવું જ આબેહૂબ પોતાના ચિત્રમાં પ્રકટ કરી એને મૂળ વ્યક્તિની જીવન્ત પ્રતિમા બનાવવી એમાં જ ચિત્રકારની કલા રહેલી છે. અને વિવેચક પણ બીજું શું કરે છે? એ પણ મૂળ સાહિત્યકૃતિને સંપૂર્ણ રીતે વળગી રહી એનું મુખ્ય લક્ષણ અને આન્તર રહસ્ય બરાબર સમજી લે છે, અને એ રીતે પોતાના હૃદયરૂપી નિષક પર એની જેવી છાપ પડી તેવી જ પોતાના વિવેચનમાં આબેહૂબ ઉપસાવી વાચક સમક્ષ એને એના યથાર્થ સ્વરૂપમાં સદાને માટે ખડી કરી દે છે. આમ વ્યક્તિચિત્રનું આ ઉદાહરણ સાબિત કરે છે કે જ્યાં નિતાન્ત નવનિર્માણ હોય ત્યાં જ કલાકૃતિ સંભવે છે એવો કોઈ અચળ નિયમ નથી. વસ્તુ જેવી હોય તેવી તાદૃશ રૂપમાં આલેખી શકાય તો ત્યાં પણ કલાકૃતિ જ બને છે. અને ઇતિહાસ, ચરિત્ર, વિવેચન એ સર્વમાં આ જ કરવાનું હોવાથી શક્તિ હોય તેના હાથમાં એ ત્રણે પ્રકારોની કલાકૃતિઓ રચી શકાય છે. આ પ્રમાણે સાહિત્યના પ્રદેશમાંથી સ્વભાવોક્તિનું તથા લલિતકલાના પ્રદેશમાંથી વ્યક્તિચિત્રનું એમ આંહીં આપેલા બે દૃષ્ટાન્તો સંશયાતીત રીતે સિદ્ધ કરે છે કે વિવેચનને સર્જન, કલા, કે કાવ્યના વર્ગમાંથી હાંકી કાડવા માટે સ્વાયત્ત પરાયત્ત અને નવનિર્માણની જે દલીલ કરવામાં આવે છે તે પોકળ છે, અને વિવેચક પણ જો વિવેચ્ય વસ્તુનું યથાર્થ સ્વરૂપ બરાબર સમજી લઈ એના વિશે પોતાના હૃદયરૂપી નિકષ પર જે રેખાઓ પડી હોય તેવી જ રેખાઓ સામાના હૃદય પર અંકિત કરી શકે એવી સચોટ, તાદૃશ, સમર્થ રીતે એનું નિરૂપણ કરતો હોય તો તે નિ:શંક સર્જક, કલાકાર કે કવિ જ ઠરે છે. વિવેચનને આપણે વરસોથી ધુતકાર્યું છે, ભિન્ન ભિન્ન સાહિત્યપ્રકારોમાં એનો ઉદ્ભભ ને વિકાસ કાલક્રમમાં સૌથી છેલ્લો થએલો હોવાથી ગુણક્રમમાં પણ જાણે એ સૌથી છેલ્લા જ સ્થાનને પાત્ર હોય એમ ગણી એને સાહિત્યસૃષ્ટિમાં અન્ત્યજની જગા આપી છે, એક દિવસ એ હાંસિયામાં લખાતું હતું માટે આજે પણ જાણે એને સાહિત્યજગતના હાંસિયામાં જ પૂરી રાખવાનો સૌ પ્રયત્ન કરે છે, તેથી એના વાસ્તવ સ્વરૂપ, લક્ષણ, ને મહત્ત્વ વિશે તેમ એને મૂલવવાના ધોરણ વિશે નિકષરેખા શબ્દ ઉપરથી જે કેટલાક વિચારોનું સૂચન થાય છે તે આંહીં આટલા વિસ્તારપૂર્વક જણાવવાની જરૂર પડી છે. 2001
[‘નિકષરેખા’, 1945]