ચાંદનીના હંસ/૪૨ એકાકી
Revision as of 10:08, 16 February 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એકાકી |}} <poem> સૂમસામ ચળકતા તટ પર કાળા પથ્થર. પથ્થર વચ્ચે લીલેર ઝૂંડ નેતરના ઝૂલવે પવન. પવનમાં નહીં દેખાતા જળની ખળખળ ને લીલી તસતસતી નેતરની આકાશ આંબતી સોનેરી ઝાળ. ભીની હવાની લ્હ...")
એકાકી
સૂમસામ ચળકતા તટ પર કાળા પથ્થર.
પથ્થર વચ્ચે
લીલેર ઝૂંડ નેતરના ઝૂલવે પવન.
પવનમાં
નહીં દેખાતા જળની ખળખળ
ને લીલી તસતસતી નેતરની
આકાશ આંબતી સોનેરી ઝાળ.
ભીની હવાની લ્હેરખીથી પલળવાને અસમર્થ હું
લુપ્ત થતા અવાજ જેવો
તો યે ફરી ફરીને પડઘાતો
પોલાણમાંથી ઉદય પામતો શમી જાઉં પોલાણમાં.
સ્વપ્નમાં ભૂલું પડેલું સ્વપ્ન હું
નિર્ભ્રાન્ત થઈ પામવાને મથું
અજંપ તળિયે બાઝેલાં મૂળિયાંનો મૂક સળવળાટ.
ઓગળતા ધુમ્મસ પાછળ
ઝગી ઊઠે જીવનનું કરુણાર્દ્ર રૂપ.
અંધકારથી ખરડાયેલી ક્ષણોને ખડી કરતું
ઉદાસ ટહૂકે ભરી દે આકાશ.
ચૂપચાપ જોયા કરું તડકામાં છાંયડાની રહસ્યમય રમત.
ને આકાશોમાં આકાશ થઈ ઊઘડે
નેતરની પારદર્શક સોનેરી ઝાળ.
થંભી જાય તાળવે સરકતી વાદળીઓ ને ક્ષણ,
કે પૃથ્વીનું ભ્રમણ?
ટાઢા ભીના સૂસવાટે અવાજ સઘળા અલોપ.
પડઘાય પથ્થર ઉપર પવન
ને નહીં દેખાતા જળ.
૨૮-૫-૮૫, ૨૨-૮-૮૮.