ચાંદનીના હંસ/૧૬ ખરે બપોરે...

From Ekatra Wiki
Revision as of 11:05, 16 February 2023 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


ખરે બપોરે...

ખરે બપોરે ઊડી આવતા વગડાના વંટોળ,
રેત કાંકરે અહીં ઊરાડે વૈશાખી બપ્પોર.

બ્હાર ફળી સૂમસામ ધસે ત્યાં,
શીંગ ઊંચકી વંટેળાતા સાંઢ.
તૂટી, રઝળતી ધૂળ ઉકેલે,
તરુછાંયડે ઘૂંટેલાં એકાન્ત.

એકલદોકલ કોક પાંદડે અઢળક મનચંડોળ.
ખરે બપોરે ઊડી આવતા વગડાના વંટોળ.

દ્વાર કરું જો બંધ, ઓરડે અંધારું ઘનઘોર.
તેમ છતાંયે કડી તૂટતાં... ફરી લીલું એ જોર.

પણે તાળવે ધખે સૂરજ ને આંખ રાતીચોળ.
અંધારા લઈ ઊતરે એમાં વગડાના વંટોળ.

૧૫-૯-૭૨