ચાંદનીના હંસ/૩૫ પથ્થર2
Revision as of 11:56, 16 February 2023 by KhyatiJoshi (talk | contribs)
પથ્થર
પથ્થરની અણિયાળી ચીંધરી ધાર.
ગાલ પર ઘસું ને છોલી નાંખું દાઢીના બાલ.
માણસની દાઢી
હાળી બળવાખોર.
ઊગે જ જાય, બસ ઊગે જ જાય.
કાંચળીની જેમ ઊતરડી લો. તોય
વડવાઈઓ ફાલે જટાઝૂંડમાં.
લપકે ઊની ઝાળે લટુરિયાઓ અગનકુંડનાં.
દોરા ફૂટ્યા
ગંધઝપાટે ઘોડા છૂટ્યા ને ખરી વગરના
રણકે દડબડતા
ખડિંગ દઈને ધધણ્યા ડુંગર, કોતર, ખીણ....
તે દિ’થી મંડ્યો છું.
રોજ ઘરની બહાર પડું તે પહેલાં
કે લગન-વિવાહ કે સાંસ્કૃતિક મેળાવડે જવાનું હોય ત્યારે તો ખાસ.
ઘસીઘસીને ચળકતી, ચકચકતી કરું
પથ્થરની પાતળી ધાર.
કરું તીક્ષ્ણ અને તેજ.
ચકમક તણખા ઝરે
ને તોય આતંકે ઝૂઝતા, ઝઝુમતા લોહીની
તીવ્ર જિજીવિષા
ફરી પાછી ફણગી ઊઠે
પથ્થર ફોડીને.
૨-૯-૮૨