ચાંદનીના હંસ/૩૮ ખાબોચિયું

Revision as of 12:00, 16 February 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ખાબોચિયું


[પાંચ કાવ્યો]


૧.
એક ખાબોચિયામાં
મધ્યાહ્ને
માતેલી ભેંસની જેમ જડ થઈ પડી રહેલા
સૂર્યને
સાંજ સુધીમાં તો માછલાં ફોલી ફોલીને ખાઈ ગયાં.

૨.
બારીની જેમ જડાઈ ગયાં છે ખાબોચિયાં.
વૃક્ષો એમાં ડોકાઈ ડોકાઈને જુએ છે.
કદાચ
તેઓ ક્યાં પહોંચ્યા અને તાગ કાઢતાં હશે.
વચ્ચે અમેય આકાશ.

૩.
પીઠ પર દફતર ઝૂલાવતા નિશાળિયાઓએ
મોટા દેખાતા એક ખાબોચિયે કાંકરા નાંખી
અનેકાનેક વલયો જન્માવ્યાં.
પછી તો આખું ય ખાબોચિયું કાંકરે કાંકરે પુરાઈ ગયું
કાલે જ્યારે નિશાળિયાં છૂટીને પાછાં ફરશે
ત્યારે
તેઓએ કાંકરાની શોધમાં દૂર રખડવું નહીં પડે.

૪.
મેં એક ખાબોચિયામાં
એક કાગળની હોડી મૂકી
અને —
એ તરી.

૫.
ખાબોચિયું જોવા મેં આંખ માંડી
ત્યારે આંખના ડોળા પર કશુંક ઘસાતું હોય એવું લાગ્યું હતું
પણ મને મજા પડી.
ખાબોચિયા પર આંખ માંડીને જ હું આગળ વધ્યો.
અડધાં કપાયેલાં, ફરી એકમેકમાં ભળી જઈ જોડાતાં
ટોળાં, દુકાનનાં પાટિયાં, છત, પડું પડું મકાનો
ને ઊંધી વળેલી બસનાં ઊંધાં પ્હોળાં મસમોટાં વ્હીલ
મારાં ઉપલાં પોપચે ફરવા લાગ્યાં.
નજીક પહોંચ્યો
તેમ તેમ દૃશ્યો ચકરાયાં, તૂટ્યાં ને બદલાયાં.
ખાબોચિયું
આંખસરસું પાસે આવ્યું
ત્યારે તો કશું જ નહીં.
માત્ર ચૂને ધોળ્યું આકાશ;
મારી આંખોમાં
ઊંડે ઊંડે અસહ્ય પીડા થવા લાગી.
ટીનનાં પતરાં જેવું ચળકતું ખાબોચિયું
ખાસ્સું અડધું એવું
મારી આંખો ચીરીને ઊંડે ઊંડે પેસી ગયેલું.
સામે ક્ષિતિજ જેટલું દૂર
ને પાછળ
ફૂટેલી લોહિયાળ ખોપરીને પેલે પાર...

૨૨–૭–૭૬