ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/પુરાકલ્પન – પ્રવીણ દરજી, 1944

From Ekatra Wiki
Revision as of 03:26, 20 February 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| 44. પ્રવીણ દરજી | (23.8.1944)}} <center> '''પુરાકલ્પન''' </center> {{Poem2Open}} આ ‘મિથ’ (Myth) છે શું? આવો પ્રશ્ન જો એના તદ્દવિદો સમક્ષ કરવામાં આવે તો ભાગ્યે જ એનો એક સરખો ઉત્તર મળે. એવું પણ બને કે એમાંથી કેટલાક ઉ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
44. પ્રવીણ દરજી

(23.8.1944)

પુરાકલ્પન

આ ‘મિથ’ (Myth) છે શું? આવો પ્રશ્ન જો એના તદ્દવિદો સમક્ષ કરવામાં આવે તો ભાગ્યે જ એનો એક સરખો ઉત્તર મળે. એવું પણ બને કે એમાંથી કેટલાક ઉત્તર આપવાનું જ ટાળે, અને જે થોડાએકે ઉત્તર આપ્યા હોય તે પણ સંતોષકારક ન હોય. સંભવ છે કે ઉત્તર આપનાર પણ ક્યારેક પોતાના ઉત્તરથી પૂરેપૂરો રાજી ન હોય! ‘મિથ’ વિશે ચર્ચા કરનારાઓ, એમાં ઊંડે સુધી ખૂંપી જનારાઓ કે તે વિશે સતત ખણખોદ કરનારાઓ ઘણી વાર ગૂંચવાઈ જતા જોવાય છે. કોઈક કોઈક વિચારણાના છેક જ અંતિમ બિન્દુએ પહોંચી જતા હોય છે. તો કોઈક એના મર્મને ઉદ્ઘાટિત કરવા તાણીતૂંસીને એને દૂર દૂર સુધી ખેંચી જતા હોય છે. સૅન્ટ ઑગસ્ટાઈને પોતાની મૂંઝવણ વ્યક્ત કરતાં આથી ‘મિથ’ના અર્થઘટનની બાબતે સાચું જ કહ્યું છે: ‘કોઈ મને ‘મિથ’ શું છે? – એમ પૂછે નહિ તો એ વિશે હું સારું જાણું છું,: પણ જો કોઈ એ વિશે પૂછે અને એને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરું તો મુશ્કેલીમાં મુકાઈ જાઉં.’ ‘મિથ’ સંજ્ઞા, એનું અર્થઘટન આમ પોતે જ અભ્યાસીઓ માટે એક રહસ્યમય ‘મિથ’ બની રહે એવી ને એટલી સંકુલતા દાખવે છે! ‘મિથ’ કંઈક અંશે કેલિડોસ્કોપ જેવા ગુણધર્મો ધરાવે છે. તમે એને જુદી જુદી રીતે હલાવો, ફેરવો એટલે અંદર નાખેલા રંગબેરંગી કાચના ટુકડાઓ ભિન્ન ભિન્ન આકાર ધારણ કરતા જાય. ‘આ જ એનો ચોક્કસ આકાર અથવા તો એનું ‘સાચકલું રૂપ અને હવે બીજો એનો કોઈ આકાર કે એનું રૂપ જ નહિ’, એવું ત્યાં કહી શકાતું નથી. ‘મિથ’માં રહેલી નિ:સીમ શક્યતાઓ અનેક મિષે, અનેકશ: ખૂલતી રહેતી હોય છે. ક્યારેક એક જ ‘મિથ’ એક જ સમયે કે જુદે જુદે સમયે તેથી અનેક અર્થોનું વાચક બનતું જણાય છે. પરિણામે આપણા હાથમાં એનો કયો અંશ આવી રહે છે, અથવા તો આપણે કયો અંશ પામી શકીએ છીએ એ જ મહત્ત્વનું. આપણા પૂરતો એનો એક સંદર્ભ છે, તો અન્યને માટે એ રીતે એનો વળી બીજો સંદર્ભ હોય છે. ‘મિથ’ની એ રીતે ખાસ કરીને છેલ્લાં ત્રણસો-સાડા ત્રણસો વર્ષોમાં અભ્યાસીઓએ ભિન્ન ભિન્ન રૂપે તપાસ કરી છે, અને એની અનેક વ્યાખ્યાઓ આપી છે. આવા પ્રયાસોમાં આક્ષેપો-પ્રતિઆક્ષેપો, ખંડન-મંડન કે બચાવનામા પ્રસ્તુત થયાં છે. આજે આ લખાય છે ત્યારે પણ ‘મિથ’ને સમજવા સમજાવવાના પ્રયત્નો અનવરતપણે ચાલુ જ રહ્યા છે. આવા પ્રયત્નોને ક્યારેય પૂર્ણવિરામ હોતું નથી. આધુનિક કાળમાં જ્ઞાનની અનેક શાખા-પ્રશાખાઓ અસ્તિત્વમાં આવી છે. ને આવતી જાય છે. એક જ વિષયને અનેક રીતે જોવાનું વલણ તીવ્ર બનતું જાય છે. એવા વિષયને અનલ્પ પરિપ્રેક્ષ્યો વચ્ચે મૂકીને એની તપાસ પણ થતી હોય છે. એક શાસ્ત્ર કે વિષય બીજા શાસ્ત્ર કે વિષયની સરહદમાં પણ તેથી પ્રવેશી જાય છે. અને એ રીતે ક્યારેક સંશોધકોને એનાં ચમત્કારિક પરિણામો પણ મળી આવતાં હોય છે. ‘મિથ’ વિશેની વિભાવનાઓમાં આવાં બધાં કારણોને લઈને સ્વાભાવિક રીતે જ પલટાઓ આવતા જણાય. ઇતિહાસ, ધર્મ, ક્રિયાકાંડો, મનોવિજ્ઞાન, વિજ્ઞાન, નૃવંશવિજ્ઞાન કે ભાષાવિજ્ઞાન વગેરેની સાથે ‘મિથ’ને સાંકળવાના એ રીતે ઠીક ઠીક પ્રયત્નો થતા રહ્યા છે. આધુનિક વિવેચના માટે ‘મિથ’ ચર્ચાનો અત્યારે એક મહત્ત્વનો મુદ્દો બન્યું છે. પશ્ચિમમાં, વિશેષે અમેરિકામાં, ‘મિથ’ની રચના વિશે સારાં એવાં સંશોધનો રજૂ થતાં રહ્યાં છે. સહેજ નર્મની ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે અત્યારે પશ્ચિમમાં કવિઓ-અભ્યાસીઓ ‘મિથ’ પાછળ છે અને ‘મિથ’ કવિઓ-અભ્યાસીઓની પાછળ છે. આ પકડદાવમાં ‘મિથ’ છેવટે તો અભ્યાસીઓથી વ્હેત છેટું જ રહ્યું છે! જુઓને – ઑડેન, રોબર્ટ લૉવેલ કે એડવિન મ્યૂર જેવાઓની કવિતામાં આવતાં ‘મિથ’ માટે ઈ.ઓ.જેમ્સ જેવો અભ્યાસી શું કહે છે? – ‘એમાં ધાર્મિક ક્રિયાકાંડનો કોઈ અનુબંધ છે નહિ તેથી તે સાચાં ‘મિથ’ નથી. ક્લૉડ લેવી-સ્ટ્રાઉસ જેવા વળી કહે છે – ‘મિથ’ ને અમૂર્ત સંબંધોની પદ્ધતિ અને સૌંદર્યાત્મક વિચારના પદાર્થરૂપે – એમ એકસાથે જોવાનું વલણ કેમ ધરાવીએ છીએ?’ તો માર્સિયા એલિયાડ ‘મિથ’ની બુનિયાદરૂપ ધાર્મિકતાને ગુમાવી ચૂકેલા વીસમી સદીના વિષાદી માનવી માટે ‘મિથ’નો કોઈ અર્થ જોતો નથી. અને ફિલિપ રાહુલ જેવા તો વળી ‘મિથ’ને ઇતિહાસની પ્રતિક્રિયા લેખીને એનો એક ‘જુઠ્ઠાણા’ રૂપે જ પરિચય કરાવે છે! ‘મિથ’ની સમજ વિશે આમ આવા પાર વિનાના ગૂંચવાડાઓ છે જ. ‘મિથ’ની વ્યાખ્યાઓ તરફ હવે પછી વળીશું ત્યારે આ વાત વધુ સાચી લાગશે. ‘મિથ’ના પ્રયોગ કે મૂલ્ય વિશે ક્યાંક કોઈક ઘસાતું બોલતું જોવા મળશે, તો ક્યારેક કોઈક વળી એ વિશે અતિશયોક્તિ કરતું પણ જણાશે. આમ છતાં ‘મિથ’ આપણી વચ્ચે એનાં અપૂર્વ આકર્ષણો સાથે ઊભું છે – આદિમ કાળથી, તે છેક આજ સુધી. ‘મિથ’ અને ‘મનુષ્ય’ જે રીતે પરસ્પરાશ્રિત જોવા મળે છે એ રીતે તો પ્રશ્ન જાગે છે: શું ‘મિથ’ને મનુષ્યથી અને મનુષ્યને ‘મિથ’થી અલગ રૂપે જોઈ શકાય? એવું નથી લાગતું કે આદિમ મનુષ્યે ‘મિથ’ જન્માવ્યું અને એ જ ‘મિથ’ વળી મનુષ્યને જુદે જુદે રૂપે સંકોરતું, પ્રેરતું કે રચતું રહ્યું છે? ‘મિથ’ આજે બે રીતે પ્રસ્તુત બનતું જણાય છે: એક તો આજના આધુનિક યુગમાં યંત્રોદ્યોગ અને વિજ્ઞાન-આણ્વિક વિજ્ઞાનનો પ્રભાવ એટલો વિસ્તર્યો છે કે માનવી લગભગ એક યંત્ર જેવો બની ગયો છે. તર્ક અને બુદ્ધિના પંજાએ એને સંવેદનાવિહોણો, બરડ બનાવી મૂક્યો છે. આવા સંજોગો સામે ટકવું હોય તો ફરી એને આદિમતા તરફ-પ્રકૃતિ તરફ પાછા વળવું રહ્યું ‘મિથ’ એ રીતે આદિમ માનવપ્રવૃત્તિને સંઘરીને બેઠું હોવાથી તેના માટે એક સબળ વિકલ્પ બની શકે તેમ છે. બીજી તરફ બુદ્ધિવાદથી જેમને પૂરતો સંતોષ નથી અને વિલુપ્ત થયે જતી ધર્મપરંપરાઓ અને વિધિવિધાનોને પણ વિજ્ઞાનયુગમાં જે ટકાવી શકે તેમ નથી તેવાઓ ચિત્ત અને હૃદયને ભરી દે એવા કોઈ બુદ્ધિ અને ધર્મ-ભાવનાના સંકલિત રૂપની શોધ પાછળ પડ્યા છે. કેટલાક ‘મિથ’ને આવું સંકલિત રૂપ લેખે છે. એક બીજી દૃષ્ટિ પણ ‘મિથ’ની પ્રસ્તુતિ રહી છે. કેટલાક એવું સ્વીકારે છે કે કોઈપણ કલા કે વિદ્યાનું કેવળ એકાંતિક ભાવે અધ્યયન કરવું આજના અતિવિકસિત યુગમાં શક્ય નથી. માનવચેતનાની અભિવ્યક્તિ રૂપ મનોવિજ્ઞાન, ભાષાવિજ્ઞાન, જીવશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર-એ સર્વને કલાસાહિત્ય સાથે ઘેરી નિસબત છે. અને આ સર્વનું કોઈક ને કોઈક રૂપે આદિ માનવજીવન સાથે ગઠબંધન રહ્યું હોવાથી એની સાથે સંબદ્ધ ‘મિથ’નો અભ્યાસ જરૂરી બની રહે છે. ‘મિથ’ને આમ ભલે કોઈ મિથ્યા કથા-વાર્તા કહે, કોઈ એને કેવળ ચમત્કાર કહે અથવા તો કોઈક એને પૌરાણિક કથા રૂપે જ ઓળખે. પણ એમાં મનુષ્યજાતિ, સમગ્ર સમાજ કોઈક એવી રીતે અંતર્હિત છે કે સામૂહિક વિશ્વાસની પરંપરાઓ સાથે સંલગ્ન માનવી એનો કદાપિ અનાદર કરી શકે તેમ નથી. પોતાની અનેકવિધ સંવેદનાઓનો તેને અહીં તાળો મળતો જણાય છે. આધુનિક સાહિત્ય ‘મિથ’ તરફ વધુ ઢળ્યું છે, અથવા તો ‘મિથ’ પ્રધાન કવિતાઓ વિશેષરૂપે આજે ધ્યાન ખેંચી રહી છે તે આવાં કોઈ કારણોસર. કળા, મનોવિજ્ઞાન, સમાજ કે અર્થવ્યવસ્થા જેવાં ક્ષેત્રોને સ્પષ્ટરેખ કરી આપવામાં પણ આવાં ‘મિથ’ ઘણીબધી રીતે મદદરૂપ બનતાં જણાયાં છે. આજે કવિઓ, ભાષાવિદો, નૃવંશશાસ્ત્રીઓ અને અન્ય વિચારકો ‘મિથ’ની આજુબાજુ આવા સંદર્ભોને કારણે જ ટોળે વળેલાં દેખાય છે. બાહ્ય અને આંતર-ઉભય રીતે ‘મિથ’ની આમ આજના માનવ માટે અનિવાર્યતા રહી છે. [‘પુરાકલ્પન’, 1989]