ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કુન્તકનો વક્રોક્તિવિચાર – અજિત ઠાકોર, 1950

From Ekatra Wiki
Revision as of 15:37, 3 March 2023 by Kamalthobhani (talk | contribs)
Jump to navigation Jump to search
48. અજિત ઠાકોર

(14.5.1950)

48. Ajit Thakor.jpg
કુન્તકનો વક્રોક્તિવિચાર

કુંતક અલંકારવાદી આચાર્ય છે. તેમણે કાવ્યના જીવિતરૂપે વક્રોક્તિની પ્રતિષ્ઠા કરી. આ વક્રોક્તિ એટલે અલંકાર. હૃદયગત ભાવો અને ભાવકમાં તેના સંક્રમણ પર ભાર મૂકતા રસ અને ધ્વનિવાદી આચાર્યો અને વસ્તુ સ્વભાવના સૌન્દર્યમંડિત કથન પર ભાર મૂકતા અલંકારવાદી આચાર્યો વચ્ચેનો દૃષ્ટિભેદ સ્પષ્ટ છે. કુંતકે ભામહ, દંડી અને ઉદ્ભટની પરંપરાને વિકસિત અને પરિષ્કૃત કરી છે. તેમણે આનંદવર્ધનના ધ્વનિચિંતનમાં વ્યંજના તથા વ્યંગ્યાર્થને જ કાવ્ય-અકાવ્યના નિર્ણાયક માનવાના આત્યંતિક વલણનો અસ્વીકાર કરી વધારે વ્યાપક એવી વક્રોક્તિની વિભાવના પ્રસ્તુત કરી. તેમણે કવિ-કેન્દ્રી અભિગમ અપનાવી કાવ્યચિંતનમાં ભામહાદિ પુરોગામીઓથી નવો મરોડ પ્રકટાવ્યો. કુંતકે કવિનો મનોવ્યાપાર, કાવ્યસર્જનની પ્રક્રિયા, અલંકાર-અલંકાર્યભાવ, કાવ્યબંધ, શબ્દાર્થનું સહિતત્વ, કાવ્યનાં શબ્દ અને અર્થની વિશેષતા, અને વિચિત્રાભિધા, વક્રોક્તિપ્રપંચ તથા માર્ગ-ગુણ આદિ સર્વ પાસાંઓનો સૂક્ષ્મ, વિશદ અને તાજપભર્યો વિચાર કર્યો છે. કાવ્ય એટલે કવિકર્મ: કુંતક કાવ્યના કેન્દ્રમાં કવિને મૂકે છે. આ અભિગમ વામનના વસ્તુલક્ષી અને આનંદવર્ધન-અભિનવગુપ્તના સહૃદયકેન્દ્રી અભિગમોથી સ્પષ્ટપણે જુદો છે. કાવ્યસૃષ્ટિ એના નિયંતા કે સૃષ્ટાનો જ ચૈતન્યવિવર્ત ચૈતન્યપ્રપંચ છે અને એ રીતે કવિસંવિદ્ કે વિસ્વભાવ જ આપણા જ્ઞાનમૂલ આહ્લાદનો વિષય છે એ તથ્ય કુંતક પ્રથમવાર પરિસ્ફુટ કરે છે. કુંતકના આ વિચારનું ભટ્ટ લોલ્લટના ‘કવિનિર્મિત મૂળ પાત્રનો સ્થાયી જ રસ છે’ એવા ખ્યાલ સાથેનું સંધાન જણાય આવે છે. આથી જ ‘કાળ’ એવી એક જ સંજ્ઞાથી ઓળખાતો રચનાપ્રપંચ પ્રત્યેક કવિએ કવિએ એના સ્વભાવવિશેષને કારણે નૂતન રૂપ ધારણ કરે છે. એટલું જ નહીં એક જ કવિના જુદા જુદા રચનાપ્રપંચ પણ એક જ સૃષ્ટાના જે તે પદાર્થો રૂપે પ્રકટતા નોખા નોખા ચૈતન્યવિવર્તોની જેમ જ નોખી નોખી મુદ્રા ધરાવતા હોય છે. આથી જ જુદા જુદા કવિઓનાં એક જ વિષય પર રચાયેલાં કાવ્યો અને એક જ કવિનાં જુદાં જુદાં કાવ્યો એમાં પ્રવર્તતા કવિસ્વભાવ-વિશેષને કારણે સ્વકીય મુદ્રા ધારણ કરતા હોય છે. આ તથ્યને લક્ષ્યમાં રાખી કુંતક કાવ્યનું સામાન્ય લક્ષણ આ પ્રમાણે આપે છે: कवेः कर्म काव्यम्। (व. ची., पृ. 2) કુંતક કવિ અને કાવ્ય વચ્ચે કર્તા-કર્મનો સંબંધ સ્થાપીને કાવ્યવ્યાપારમાં કવિને અપરિહાર્ય કે અવિનાભાવી સ્થાન આપે છે. કવિ-કાવ્ય વચ્ચે કર્તાકર્મ રૂપ સંબંધની કલ્પના પાછળ કુંતના મનમાં શિવ અને તેના બહિર્વિવર્તરૂપ જગતનું દાર્શનિક રૂપક રહેલું છે. એ જ દાર્શનિક રૂપક કાવ્યવિચાર સાથે/રૂપે પ્રયોજાઈ સંયોજાઈને રૂપકગ્રંથિરૂપે સ્થિર, દૃઢ, વિશદ રૂપ ધારણ કરે છે. કવિને બાદ કરીને કાવ્યનો વિચાર થઈ શકે નહીં. કાવ્યના રચનાબંધ કે સ્વરૂપમાં કવિ ક્યાંય પ્રત્યક્ષપણે દેખાતો નથી. કવિ અને કાવ્ય વચ્ચે બાહ્યરૂપે કશો સંબંધ જણાતો નથી અને છતાં કાવ્યનો અણુ અણુ કવિની ચેતનાથી જ આકારિત, પરિસ્ફુરિત થાય છે. કુંતકના મતે કાવ્યવ્યાપાર કવિપ્રતિભામાંથી પ્રસૂત અને સંચલિત થાય છે. કુંતક કાવ્યસર્જનની આ ઘટનાને કાશ્મીરી શૈવદર્શનને અભિમત સૃષ્ટિસર્જનની ઘટનાને પ્રયોજીને સમજાવે છે. શિવ સ્વયં નિર્વિકલ્પ, એક, નિર્વિકાર, નિષ્ક્રિય, અચલ નિત્ય છે પણ એમનામાં રહેલી પંચવિધ શક્તિના સ્ફુરણ કે સ્પંદથી બહિર્જગત રૂપ પામે છે તેમ કવિ સ્વયં કાવ્યસર્જનની ઘટના સાથે સ્થૂળપણે જોડાયો નથી પણ એની પ્રતિભાથી એનું ચૈતન્ય બાહ્ય ઘટના, વ્યક્તિ આદિનું રૂપ ધારણ કરી વાણીમાં અભિવ્યક્તિ પામે છે. ટૂંકમાં કવિના આંતર સત્ત્વ કે આંતર દ્રવ્યરૂપે રહેલી પ્રતિભા કવિના ચૈતન્યનું વિવિધ પદાર્થોના બિંબરૂપે કાવ્યમાં રૂપાંતરણ કરે છે. કુંતકના મતે શિવ, શક્તિ, પરિસ્પંદ અને બહિર્જગત એ સર્વ સત્ છે એ જ રીતે કવિ, પ્રતિભા, એનો સ્પંદ અને કાવ્ય એ સર્વ સત્ છે. કાવ્યલક્ષણ: કુંતકનું કાવ્યલક્ષણ શબ્દાર્થરૂપ અલંકાર્ય, વક્રોક્તિવ્યાપારરૂપ અલંકાર-વ્યાપાર, કાવ્યબંધ અને તદ્વિદના આહ્લાદરૂપ પ્રયોજન – એમ કાવ્યનાં સર્વ અંગોને આવરી લે છે:

शब्दार्थौ सहितौ वक्रकविव्यापारशालिनी-
गन्धे व्यवस्थितौ काव्यं तद्विदाहलादकारिणि।।
(व. जी 1/7, पृ. 18)

કાવ્યમર્મજ્ઞોને આહ્લાદ આપનાર, સુંદર કવિવ્યાપારથી શોભતા, કાવ્યના રચનાબંધમાં વ્યવસ્થિત થયેલા (વિશેષરૂપે અવસ્થિત) શબ્દ અને અર્થનું સહિતત્વ કે સાયુજ્ય કાવ્ય કહેવાય છે. કુંતકના આ કાવ્યલક્ષણમાં વક્રોક્તિજીવિત ગ્રંથ અને કુંતકના સમગ્ર કાવ્યદર્શનનો નકશો પડેલો છે. તેથી એને આધાર બનાવીને જ તેમના કાવ્યદર્શનને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. (i) કાવ્યબન્ધની વિભાવના: કુંતક કાવ્યને सुकुमारक्रमोदतिः (ब. जी. पृ. 9) એટલે કે ‘સુંદર સહૃદયના હૃદયને હરી લેનાર રચના શૈલીથી કહેવાયેલું’ માને છે. તેઓ કાવ્યબંધને અખંડ અવયવરહિત માને છે. એમાં અલંકાર્ય અને અલંકાર છૂટા પાડી શકાતા નથી અર્થાત્ બંને વચ્ચે અવિભાજ્ય સંબંધ હોય છે. શબ્દ અને અર્થ અલંકાર્ય છે તો વક્રોક્તિ તેમનો અલંકાર છે. કાવ્યમાં શબ્દાર્થ અલંકારસહિત જ અવતરે કે આવિષ્કૃત થાય છે. અલંકાર કાવ્યનો સ્વરૂપાધાયક ધર્મ છે. તેથી અલંકૃત શબ્દાર્થ (વાક્ય)માં જ કાવ્યત્વ હોય છે. કાવ્યમાં શબ્દાર્થ પહેલાં ઉત્પન્ન થાય અને પછી એની સાથે અલંકારોનો યોગ થાય એવો બાહ્ય કે કૃતક સંબંધ હોતો નથી. આમ અલંકારો કાવ્યનાં માત્ર શોભાધાયક તત્ત્વો નહીં પણ સ્વરૂપાધાયક તત્ત્વો છે. કાવ્ય તો અખંડબુદ્ધિ આસ્વાદ્ય હોય છે. આથી જ કાવ્યત્વ સાલંકૃત જ (सालंकारस्य काव्यता। व. जी. 1/7 पृ.15) હોય છે. ‘કેવળ વિવેચનની અનુકૂળતા માટે જ અલંકાર્ય અને અલંકાર એવા ભેદ કલ્પાયા છે. કાવ્યના રચનાવ્યાપાર સમયે કવિની ચેતનામાં કે કાવ્યના પોતાના સ્વરૂપમાં કે પછી કાવ્યાસ્વાદકાળે સહૃદયની સંવિત્તિમાં અલંકારની પૃથા અનુભવાતી નથી. કુંતક અન્યના વાક્યવિન્યાસ (गन्धा वाक्यविन्यासः व. जी. 21) એવો અર્થ પણ આપે છે. અહીં ‘વાક્ય’નો અર્થ વ્યાકરણ પ્રમાણે લેવાનો નથી. કવિને અભીષ્ટ અર્થનું નિ:શેષ કથન તે વાક્ય એવો કાવ્યશાસ્ત્રીઓને અભિમત અર્થ જ અહીં અભિપ્રેત છે.’ સમગ્ર કાવ્ય તે જ કવિનું વાક્ય મનાયું છે. વ્યાકરણમાં ક્રિયાપદ તો કાવ્યમાં કવિને અભીષ્ટ અર્થ જ વાક્યનિયામક હોય છે. (ii) શબ્દ અને અર્થના સાયુજ્યનું સ્વરૂપ: કુંતક ‘शब्दार्थो सचितौ’ કહી શબ્દાર્થના સહિતત્વને અત્યંત મહત્ત્વ આપે છે. ખરેખર તો શબ્દાર્થનું સંમિલન જ કાવ્ય કહેવાય છે. કાવ્યમાં તલમાં જેમ તેલ રહે છે તેમ શબ્દ અને અર્થ એ બંનેમાં આહ્લાદકતા રહે છે. કેવળ શબ્દના ચમત્કારમાં કે કેવળ અર્થના ચમત્કારમાં કાવ્યત્વ સંભવતું નથી. તેમના મતે શબ્દનો ચમત્કાર હોય પણ વસ્તુ કે અર્થ જો શોભાતિશયશૂન્ય હોય તો તે રચના ‘કાવ્ય’ નામને પાત્ર થતી નથી. એ જ રીતે શબ્દની ચમત્કૃતિના અભાવમાં કેવળ પ્રતિભાકલ્પિત વસ્તુમાત્રના ઉપનિબંધથી પણ કાવ્ય સંભવતું નથી. ટૂંકમાં કહીએ તો શબ્દ અને અર્થ એમ ઉભયનું સૌંદર્ય કાવ્ય માટે અનિવાર્ય છે. કુંતક કાવ્યની રચનાપ્રક્રિયામાં અર્થ અને શબ્દના સંમિલનની પ્રક્રિયા મણિના રૂપકથી સ્પષ્ટ કરે છે. કવિની પ્રતિભાથી પ્રતિભાસિત થયેલો અર્થ આરંભે તો અણઘડ પથ્થરના ટુકડા જેવા લાગતા મણિ જેવો હોય છે. અર્થાત્ એમાં સૌંદર્ય કે આંતરસત્ત્વ હોય છે ખરું પણ તે અણઘડ અને આવૃત્ત કે આચ્છાદિત હોય છે. એને મરોડ પ્રાપ્ત થયો નથી. વળી, એનું પરિમાર્જન કે પરિષ્કૃતિ પણ થઈ નથી હોતી. પરંતુ એ જ્યારે વિદગ્ધકવિરચિત વાક્યમાં ઉપારૂઢ થઈ પરિષ્કૃત થઈ મરોડ પામે છે ત્યારે શાણ પર પહેલ પાડેલા મણિની જેમ મનોહર થઈ કાવ્યમર્મજ્ઞોને આહ્લાદ આપે છે. આમ કેવળ રમણીયતા-વિશિષ્ટ શબ્દ કે કેવળ રમણીયતાવિશિષ્ટ અર્થ કાવ્યપદ પામી શકતો નથી. એ બંનેનું સંમિલન કે સાયુજ્ય જ ‘કાવ્ય’ નામને પાત્ર બને છે. કાવ્યમાં શબ્દાર્થનું જે સહિતત્વ રચાય છે તે વ્યાકરણ, ન્યાય કે લોકવ્યવહારમાં રચાતા સહિત્યથી સ્વરૂપ અને પ્રયોજન એમ બંને રીતે સાવ જુદું જ હોય છે. વ્યાકરણમાં नित्यशः शब्दार्थसमाधः એ સૂત્રાનુસાર વાચક-વાચ્યનો નિત્યસંબંધ માન્ય થયો છે. પરંતુ સાહિત્યમાં શબ્દ-અર્થના આ નિત્યસંબંધરૂપ સહિતત્વ જ માન્ય નથી. નહીંતર ક્લિષ્ટ કલ્પનાથી રચાયેલા गाङ्कुटादि રૂપ વ્યાકરણસૂત્રો, ગાડું હાંકનારનાં અસંબદ્ધ વાક્યો અને શુષ્ક તર્ક વાક્યોને પણ કાવ્ય માનવાં પડે. તેથી કાવ્યમાં તો શબ્દાર્થનું વિશિષ્ટ સહિતત્વ જ અપેક્ષિત છે. કાવ્યમાં અપેક્ષિત શબ્દાર્થના આ વિશિષ્ટ સહિતત્વ વિશે કુંતક કહે છે કે, किन्तु विशिष्टमेवेह साहित्यमभिप्रेतम्- कीदृशम, वक्रतावि गित्रगुणालङ्करसम्पदां परस्परस्पर्धाधिरोहं... (व. जी. पृ. 25) અર્થાત્ પરંતુ વિશિષ્ટ સાહિત્ય જ અહીં અભિપ્રેત છે. કેવું, તો કે વક્રતા (સૌંદર્ય)થી વિચિત્ર ગુણો તથા અલંકારોની સંપદા (રમણીયતા)નો પરસ્પર સ્પર્ધાપૂર્વક અધિરોહ (ઉત્કર્ષ) થવો. કુંતક આ જ તથ્યને પાછળથી કારિકારૂપે પરિષ્કૃત કરે છે:

साहित्यमनयो: शोभाशालितां प्रति काप्यसौ-
अन्यूनानितिरिक्तत्वमनोहारिण्यवस्थिति:।। व. जी. 1/17 पृ. 60

(કાવ્યની) શોભાશાલિતા (સૌંદર્યાધાયકતા) પ્રતિ આ બંને (શબ્દ-અર્થ)ની ન્યૂનતા અને આધિક્યથી રહિત (પરસ્પરસ્પર્ધિ સમભાવે) કશીક અનિર્વચનીય મનોહર સ્થિતિ સાહિત્ય છે. અહીં ‘કોઈ એક શબ્દ અને કોઈ એક અર્થની સ્પર્ધા’ એવો અર્થ કુંતકને અભિપ્રેત નથી. અહીં તો શબ્દજાતિ અને અર્થજાતિની વાત છે. અહીં શબ્દની એની પૂર્વે રહેલા શબ્દ સાથે અને અર્થની એની પૂર્વે યોજાયેલા અર્થ સાથે સ્પર્ધા અભિપ્રેત છે. એ જ રીતે વાક્યની વાક્ય સાથેની સ્પર્ધા અને પ્રસ્તુતની અન્ય વસ્તુ સાથેની સ્પર્ધા પણ એમાં સમાવેશ પામે છે. આમ જુઓ તો શબ્દાલંકારની એની પૂર્વે રહેલા શબ્દાલંકાર સાથે, અર્થાલંકારની એની પૂર્વે રહેલા અર્થાલંકાર સાથે, ગુણની એની પૂર્વે રહેલા ગુણ સાથેની સૌંદર્યસંપત્તિનો પરસ્પર સ્પર્ધાવર્ધક સધાતો અધિરોહ કે ઉત્કર્ષ જ કાવ્યમાં શબ્દાર્થનું સહિતત્વ સંસિદ્ધ કરી શકે છે. ભામહમાં શબ્દ અને અર્થના સહિતત્વની અવિકસિત અને સંદિગ્ધ વિભાવનાને અહીં કુંતકે વિશદ અને વિકસિત કરી છે. આ સ્પર્ધાનું સ્વરૂપ સ્પષ્ટ કરવા કુંતક સંગતિ કરતા સર્વગુણસંપન્ન સુહૃદ (મિત્રો)નું રૂપક શબ્દ-શબ્દ અને અર્થ-અર્થની સ્પર્ધા માટે યોજે છે. સમાન શક્તિવાળા બે મિત્રોની પરસ્પર સ્પર્ધામાં રહેલાં આભિજાત્ય અને સ્નેહને કારણે કાવ્ય એક સમર્થ અને રમણીય ક્રીડાનું રૂપ પામે છે. આ સ્પર્ધામાં કોઈનો જયપરાજય થતો નથી એ તથ્ય સૂચવવા કુંતક ન્યુનતા કે અધિકતા વિનાની સહિતતા પર ભાર મૂકે છે. આવી સહિતતા જ સ્પર્ધા કરતા શબ્દોની કે અર્થોની પરસ્પર શોભા વધારે છે. શબ્દ અને અર્થની આ સ્પર્ધા કાવ્યબંધ જ થયેલી હોવી જોઈએ એવો કુંતકનો આગ્રહ છે. કાવ્યબંધ સિવાય થયેલી સ્પર્ધા સાહિત્ય ગણી શકાય નહીં. આમ કાવ્યની Text કે પછી કાવ્યના રૂપમાં જ બદ્ધ થયેલી હોય કે વિન્યાસ પામી હોય એવી ન્યૂનતા કે અધિકતારહિત શબ્દો-શબ્દો અને અર્થો-અર્થો વચ્ચેની સ્પર્ધા જ કુંતકને માન્ય છે. કુંતક શબ્દ-અર્થની આ સ્પર્ધાના હેતુરૂપે કવિપ્રતિભાની પ્રૌઢિ રહેલી છે એમ કહે છે. આમ કવિપ્રતિભાની પ્રૌઢીનો આ વિવર્ત છે. આ રીતે શબ્દ-શબ્દ, અર્થ-અર્થ, અલંકાર-અલંકાર, ગુણ-ગુણ, વસ્તુ-વસ્તુ વચ્ચેની તુલ્યબળયુક્ત સ્પર્ધાથી ઉત્તરોત્તર ઉત્કર્ષ પામતા કાવ્યના સંઘટનાગત સૌંદર્યની કુંતકે આખરે તો જિકર કરી છે. કુંતકે શબ્દાર્થના સહિતત્વની વ્યતિરેકી ચર્ચા પણ કરી છે. તેમના મતે શબ્દનો પૂર્વેના શબ્દ સાથેનો કે અર્થનો પૂર્વેના અર્થ સાથેનો સાહિત્યવિરહ પરસ્પર પ્રતિકૂળ પ્રભાવ પાડે છે. અર્થાત્ શબ્દનો પૂર્વેના શબ્દ સાથેનો સહિતત્વનો અભાવ અર્થના પૂર્વેના અર્થ સાથેના સહિતત્વને પણ નષ્ટ કરી નાંખે છે. પરિણામે સમર્થ શબ્દના અભાવે અર્થ સ્વરૂપત: સ્ફુરિત થાય તો પણ એ નિર્જીવ જ બની રહે છે. આમ શબ્દના શબ્દ સાથેનો સાહિત્યવિરહ શબ્દ અને અર્થ વચ્ચેના વૈકલ્ય (શબ્દાર્થવૈકલ્ય)ને પણ અનિવાર્યતા જન્મ આપે છે. એ જ રીતે અર્થનો અન્ય અર્થ સાથે સાહિત્યવિરહ થાય તો શબ્દ પણ વાક્યોપયોગી અર્થના અભાવે અન્ય અર્થનો વાચક બની જઈ કાવ્ય માટે વ્યાધિરૂપ બની જાય છે. આમ કાવ્યમાં શબ્દાર્થનો આ સહિતત્વરૂપ સંબંધ અત્યંત નાજુક અને સંવેદનશીલ હોય છે. એક તાંતણો હાલતા કરોળિયાનું જાળું જેમ હાલી ઊઠે છે તેમ એક શબ્દની બીજા શબ્દ સાથે સહિતતા તૂટતા કાવ્યની સમગ્ર સંરચનામાં પણ પ્રકંપ સર્જાય છે. (iii) વક્રોક્તિનું સ્વરૂપ: કુંતક શબ્દ અને અર્થરૂપ અલંકાર્યનો વિચાર કર્યા બાદ એમના સહિતત્વની ઘટનામાં કારણભૂત વક્રોક્તિવ્યાપારનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે:

उभावेतावलङ्कार्यो तयो: पुनरलंकृति:।
वक्रोक्तिरेव वैदग्ध्यभङ्गीभणितिरु यते।। (व. जी. 1/10, पृ. 51)

આ બંને (શબ્દ-અર્થ) અલંકાર્ય હોય છે અને વિદગ્ધ રીતિથી થયેલું કથન વક્રોક્તિ કહેવાય છે. કુંતક વક્રોક્તિના સ્વરૂપનો ત્રણ રીતે વિચાર કરે છે. પ્રથમ તેઓ ‘वक्रो यो’’सो शास्त्रादिप्रसिद्धश दार्थोपनिबन्धव्यतिरेकी’ (व. जी. पृ. 36) વક્ર એટલે શાસ્ત્રાદિમાં પ્રસિદ્ધ શબ્દ અને અર્થના ઉપનિબંધનથી ભિન્ન’ એવું અપોહમૂલ સ્વરૂપ સમજાવે છે. તેમણે લોકવ્યવહાર અને શાસ્ત્રાદિમાં વપરાતી અભિધાથી ભિન્ન એવી વિચિત્રાભિધા જ વક્રોક્તિ છે એ તથ્ય ભારપૂર્વક પ્રકટ કર્યું છે: वक्रोक्ति:, प्रसिद्धाभिधानव्यतिरेकिणी विचित्रैवाभिधा- (व. जी. पृ. 51) કુંતક વક્રોક્તિનું અપોહમૂલ સ્વરૂપ સમજાવ્યા પછી એનું અન્વષમૂલ સ્વરૂપ સમજાવે છે: कीदृशी वैदग्ध्यभङ्गीभणिति:- वैदग्ध्यं विदग्धभाव: कविक्रमकौशलं, तस्य भङ्गी विच्छत्ति:, तया भणिति:- (व. जी. पृ. 51) આમ વિદગ્ધતાને કવિકર્મની કુશળતાના પર્યાયરૂપે ઘટાવી તેની રીતિથી થયેલા કથનને વક્રોક્તિ રૂપે ઓળખાવે છે. આમ ફરી એક વાર કુંતક કાવ્યવ્યાપારની વિચારણાને કવિલક્ષી મરોડ આપે છે. કુંતક આ વક્રોક્તિના વિશેષ રૂપને ઉદ્ઘાટિત કરવા षड्प्रकारवक्रताविशिष्’: कविव्यापार: એમ છ પ્રકારની વક્રતાનું નિરૂપણ કરે છે. કુંતકની વક્રતા વિચિત્રાભિધા છે. એમાં પુરોગામીઓની લક્ષણા તથા વ્યંજના સમાઈ જાય છે. કુંતક વિચિત્રાભિધા અર્થાત્ મનોહર અભિધાવાદી આચાર્ય છે. તેઓ દ્યોત્ય અને વ્યંગ્ય એવા બે અર્થોનો ઉલ્લેખ કરે છે ખરા પણ એનો સમાવેશ વાચ્યમાં જ કરી દે છે. અહીં દ્યોત્ય એટલે લાક્ષણિક અર્થ લેવા વિશે શ્રી તપસ્વી નાંદી કે. કૃષ્ણમૂર્તિ સાથે સહમત થતા નથી. એની પાછળ ‘દ્યોતન’ શબ્દ વ્યંગ્યાર્થ માટે યોજાતો હોવાની ધારણા કારણભૂત છે.’ પણ તેઓ કુંતકને અભિપ્રેત અર્થ બતાવી શક્યા નથી. સંદર્ભને આધારે એનો ‘ગમ્ય’, ‘આર્થ’ કે ‘લક્ષ્ય’ એમાંથી કોઈપણ એક અર્થ લેવો પડે. ગમે તેમ પણ કુંતકને લક્ષણા અને વ્યંજનાનો વિચિત્રાભિધામાં અંતર્ભાવ અભિપ્રેત છે, એમાં શંકા નથી. તેમણે અલબત્ત બંનેને અર્થપ્રતીતિકારત્વની સમાનતાનો આધાર લઈ ઉપચારથી વાચ્યાર્થ જ માન્યા છે. ડૉ. રાજેન્દ્ર નાણાવટી કુંતકને લક્ષણાવાદી માને છે. પરંતુ અલંકારવાદી કુંતક વિચિત્રાભિધાવાદી જ છે. અભિધામાં આ વૈચિત્ર્યનું આધાન અલંકાર ગુણ કે લક્ષણા વ્યંજનાથી થતું હોય છે. અલબત્ત, કુંતકનો અલંકારવાદ પરિષ્કૃત થયેલો છે. (iv) કાવ્યનો શબ્દ: કુંતકે વ્યંગ્યાર્થ-દ્યોત્યાર્થને વાચ્યાર્થમાં અને વ્યંજના-લક્ષણાને અભિધામાં અંતર્ભૂત કર્યાં. તો સહજ શંકા ઊઠે કે એમણે લૌકિક શબ્દથી કાવ્યના શબ્દને કેવી રીતે જુદો પાડ્યો હશે? આનંદવર્ધન તો વ્યંજનાના પ્રાધાન્યથી કાવ્યવાણીથી લૌકિક વાણીને અને વ્યંગ્યાર્થથી કાવ્યના શબ્દથી લૌકિક શબ્દને જુદો પાડી દે છે. કુંતક કાવ્યમાર્ગમાં વાચ્ય-વાચકના વિશિષ્ટ સ્વરૂપને આધારે, એમાં વૈચિત્ર્યના આધાનને આધારે લૌકિક વાચ્ય-વાચકથી પૃથક્ કરે છે. ટૂંકમાં કાવ્યમાર્ગમાં શબ્દાર્થથી જુદી જ વિભાવના રચી લૌકિક શબ્દાર્થથી પૃથક્ કરે છે. કુંતકના મત પર્યાયવાચી અન્ય શબ્દો હોવા છતાં પણ કવિને વિવક્ષિત અર્થનો એક માત્ર બોધક શબ્દ જ કાવ્યશબ્દ કહેવાય છે. ટૂંકમાં શબ્દનું પરિવૃત્તિ અસહત્ત્વરૂપ લક્ષણ જ તેને કાવ્યનો શબ્દ બનાવે છે. વિવક્ષિત અર્થના એક માત્ર બોધક બનવાની વિશેષતા શબ્દમાં કાવ્યોચિત સામગ્રીના વિધાન/ નિક્ષેપથી આવે છે. આમ કાવ્યોચિત સામગ્રીથી યુક્ત શબ્દ જ કાવ્યનો શબ્દ કહેવાયો છે. આથી જ સામાન્ય અર્થ માટે વિશેષ અર્થનું કથન કરનારો કે વિશેષ અર્થ માટે સામાન્ય અર્થનું કથન કરનારો શબ્દ સમ્યક્ વાચકતા પામતો નથી. એથી ઊલટું કવિને વિવક્ષિત સામાન્ય અર્થ માટે સામાન્ય અર્થનું કથન કરનારો અને કવિને વિવક્ષિત વિશેષ અર્થ માટે વિશેષ અર્થનું કથન કરનારો શબ્દ જ સમ્યક્ વાચકતા પામી કાવ્યનો શબ્દ બને છે. આમ વિશિષ્ટ વાચ્યનો એકમાત્ર વિશિષ્ટ વાચક જ કાવ્યનો શબ્દ બને છે. કુંતક એની વ્યાખ્યા આપતાં કહે છે કે, कविविवक्षितविशेषाभिधानक्षमत्वमेव वाचकत्वलक्षणम्- (व. जी. पृ. 41) કુંતક લૌકિક શબ્દના કાવ્યના શબ્દમાં થતાં રૂપાંતરણની કવિના માનસમાં થતી પ્રક્રિયાનું માર્મિક નિરૂપણ કરે છે: यस्मात् प्रतिभायां तत्कालोल्लिखितेन केन िापत्परिस्पन्देन परिस्फुरन्त: पदार्था: प्रकृतप्रस्तावसमुचितेन केनचिदुत्कर्षेण वा समा छादितस्वभावा: सन्तो विवक्षाविधेयत्वेनाभिधेयतापदवीमवरतरन्तस्तयाविधविशेष-प्रतिपादगसमर्थे नाभिधानेनाभिधीयमाना श्चेतनचमत्कारितमापद्यन्ते- (च. जी. पृ. 41) જેથી પ્રતિભામાં તે સમયે (કાવ્યસર્જન ક્ષણે) વિશેષરૂપે પ્રકટ થયેલા કોઈક પરિસ્પંદથી પદાર્થો પરિસ્ફુરિત (ભાવોજ્જ્વલ બને) થાય છે અથવા પ્રસ્તુત પ્રસંગને અનુરૂપ કશાક ઉત્કર્ષથી પદાર્થોનો સ્વભાવ સારી રીતે આચ્છાદિત થઈ જાય છે, અને પછી (એ પદાર્થો) કવિવિવક્ષિત અર્થને અનુરૂપ બનીને વાચ્યની અભિધેયની અવસ્થાએ અવતરી, અને એ પ્રકારના (કવિવિવક્ષિત) વિશેષ અર્થનું પ્રતિપાદન કરવા સમર્થ શબ્દથી કહેવાઈને ચિત્તને ચમત્કારક બને છે. અહીં લૌકિક અર્થનાં કાવ્યાર્થરૂપે અને લૌકિક શબ્દનું કાવ્યશબ્દરૂપે થતાં રૂપાંતરણની પ્રક્રિયા શિવતત્ત્વમાંથી બહિર્જગતના આવિર્ભાવના રૂપકની સમાન્તરે વર્ણવાઈ છે. લૌકિક અર્થના કાવ્યાર્થમાં થતું રૂપાંતર વાચ્યવિશેષની ખોજને કારણે સંભવે છે. પદાર્થના અનેકવિધ ધર્મો હોય છે એ પૈકી કવિ સહૃદયના હૃદયને આહ્લાદિત કરવા સમર્થ એવા કોઈક ધર્મનું અન્વેષણ કરી એનો સંબંધ જોડતો હોય છે. આ વિશેષ ધર્મના અન્વેષણ અને સંબંધસ્થાપના વડે શબ્દ કશીક અપૂર્વ સ્વભાવમહત્તા અથવા રસપરિષોષક અંગ બની રસાભિવ્યક્તિ પ્રકટાવે છે. કુંતકે રઘુવંશના तामभ्यग छ શ્લોકમાં વાલ્મીકિમાં निषादविद्धाण्डजदर्शनोत्थ: श्लोकत्वमापद्यत यस्य शोक:- એમ વિશેષ ધર્મનું અન્વેષણ તથા કરુણરસની વ્યક્તિમાં રસપરિપોષકરૂપે થયેલી યોજનાનું ઉદાહરણ આપ્યું છે. વક્રોક્તિ પ્રપંચ: વક્રોક્તિના સામાન્ય લક્ષણ પછી કુંતક વક્રોક્તિનો ષડ્વિધ પ્રપંચ નિરૂપી એના વ્યાપ અને સ્વરૂપને પ્રકટ કરે છે. (1) એક, બે કે અનેક વર્ણો થોડે અંતરે વારંવાર ગુંથવામાં આવતાં રચાતી વર્ણવિન્યાસવક્રતા. (2) પદના નામ કે ક્રિયારૂપ પૂર્વ અંશની સુંદર યોજનાથી રચાતી પદ પૂર્વાર્ધવક્રતા. એ કોશાદિ પ્રસિદ્ધ વાચ્યાર્થ પર અસંભાવ્ય અર્થના અધ્યારોપથી રચાતી રૂઢવૈચિત્ર્યવક્રતા, પર્યાયવાચી શબ્દોમાંથી અર્થના મર્મ પ્રકટાવનારા શબ્દના ચયનરૂપ પર્યાયવક્રતા, સાદૃશ્યથી એક વસ્તુ પર અન્યના આરોપરૂપ ઉપચારવક્રતા, સર્વનામાદિ વડે વસ્તુના ગોપનરૂપ સંવૃત્તિવક્રતા. લિંગની સમુચિત યોજનારૂપ લિંગવૈચિત્ર્ય વક્રતા, ક્રિયા કર્તાની અંતરંગ હોવાથી કે સાદૃશ્યાદિ સંબંધોથી અન્ય ધર્મનો આરોપ થવાથી અથવા ક્રિયાના ધર્મને છુપાવવાથી થતી ક્રિયાવક્રતા એમ પદપૂર્વાર્ધવક્રતા આઠ પ્રકારની છે. (3) પદના પ્રત્યયરૂપ ઉત્તર અંશની સુંદર યોજના રૂપ પદપરાર્ધવક્રતા. એમાં અનુરૂપ કાળયોજનારૂપ, કાળવૈચિત્ર્ય, સામાન્ય કર્તાનું મુખ્યરૂપે અને મુખ્ય કારકનું ગૌણરૂપે કથન થવા રૂપ કારકવક્રતા, વચન કે સંખ્યા વિપર્યાસરૂપ વચનવક્રતા, પ્રથમ દ્વિતીય આદિ પુરુષના વિપર્યયરૂપ પુરુષવક્રતા, પરસ્મૈપદી કે આત્મનેપદી ધાતુની ઉચિત પસંદગીરૂપ ઉપગ્રહવક્રતા, પ્રત્યયને અન્ય પ્રત્યય લગાડવા રૂપ પ્રત્યયવક્રતા, ઉપસર્ગના રમણીય પ્રયોગરૂપ ઉપસર્ગવક્રતા અને નિપાતના ઉચિત પ્રયોગરૂપ નિપાત વક્રતા-એમ આઠ પ્રકારો છે. (4) વસ્તુના ઉત્કર્ષશાળી સ્વભાવની સુંદર વર્ણનરૂપ વાક્ય કે વસ્તુ વક્રતા. એના સહજ વર્ણન અને વિદગ્ધતાભર્યા વર્ણનરૂપ સહજા અને આહાર્ય વસ્તુવક્રતા બને છે. (5) પ્રબંધના એક ભાગરૂપ પ્રકરણમાં વર્ણવાતા વિશેષ પ્રસંગના ઉત્કર્ષથી સમગ્ર પ્રકરણમાં આવતી દીપ્તિરૂપ પ્રકરણવક્રતા. એમાં ભાર્વપૂર્ણ સ્થિતિની ઉદ્ભાવના, ખ્યાત વસ્તુમાં નાનકડા કલ્પના પ્રસૂત અંશથી રચાતી ઉત્પાદ્યવક્રતા, પ્રધાન કાર્યસંદર્ભે પ્રકરણો વચ્ચેનો ઉપકાર્ય-ઉપકારભાવ, ખ્યાત વસ્તુના અંશમાં સંશોધન, એક જ અર્થ (અવસ્થા, પ્રસંગરૂપ)નું વૈચિત્ર્યપૂર્ણ રીતે ફરી ફરી નિરૂપણ, જલક્રીડા ઉત્સવાદિનું વિસ્તારપૂર્વક વર્ણન, મુખ્ય ઉદ્દેશની સિદ્ધિ અર્થે સુંદર ગૌણ પ્રસંગની કલ્પના, ગર્ભાંકની યોજના, મુખ પ્રતિમુખાદિ સંધિઓના સંવિધાનથી પ્રકરણોની પૂર્વાપર અન્વિતિ એમ નવ પ્રકાર છે. (6) પ્રબંધકલ્પનાના સમગ્ર સૌંદર્યરૂપ પ્રબંધવક્રતા. એના મૂળ કથાના રસનું પરિવર્તન કરવારૂપ, નાયકના ચરિત્રનો ઉત્કર્ષ કરનારી ઘટના પર કથાના ઉપસંહારરૂપ, કથાના મધ્ય ભાગે જ કોઈ અન્ય કાર્યથી મુખ્ય કાર્યની સિદ્ધિના નિરૂપણરૂપ, નાયકને થતી અનેક ફળોની પ્રાપ્તિરૂપ, પ્રધાન કથાના દ્યોતક નામકરણરૂપ અને એક જ કથાનક પર આશ્રિત પ્રબંધોનું વૈચિત્ર્ય લાવવારૂપ-છ પ્રકારો છે. આમ વર્ણ, પદ, વાક્ય, પ્રકરણ અને પ્રબંધ જેવા ઘટકોમાં પુનરાવર્તન, ચયન, ઉત્કર્ષ, આરોપણ, પરિવર્તન, પરિવર્ધન, સંયોજન, સંશોધન, વિપર્યાસ, સંવરણ આદિ ઉપકરણોથી વક્રતા સિદ્ધ કરતી અનેક પ્રવિધિઓ કુંતકે વર્ણવી છે. કુંતકના આ વક્રતાપ્રપંચ પર આનંદવર્ધનના ધ્વનિકાવ્યના વર્ગીકરણનો પ્રભાવ લક્ષિત થાય છે. આ ઉપરાંત વ્યાકરણ અને નાટ્યશાસ્ત્રનો પણ પ્રભાવ વર્તાય છે. આમ છતાં સર્વ પ્રકારોનું આયોજન, વિશ્લેષણ, સ્વરૂપનિર્ધારણ કુંતકનું પોતાનું છે. એમ કહી શકાય કે પુરોગામીઓની વિવિધ સંદર્ભે પ્રકટેલી વિચારણાનું વક્રોક્તિ સંદર્ભે પુનર્ઘટન કરીને કુંતકે વક્રોક્તિ વ્યાપારના લઘુતમથી બૃહદ્તમ અવયવને આશ્લેષીને રહેલો વક્રોક્તિપ્રપંચ રચી આપવામાં સફળ થયા છે. માર્ગ અને ગુણની વિભાવના: કુંતક વામનના પ્રદેશવિશેષને કેન્દ્રમાં રાખી નિશ્ચિત થયેલા વૈદર્ભી, પાંચાલી અને ગૌડીરૂપ રીતિવર્ગીકરણને ફગાવી દઈ કવિસ્વભાવને કેન્દ્રમાં રાખી સુકુમાર, વિચિત્ર અને મધ્યમ – એમ ત્રણ માર્ગો કલ્પે છે. કવિનો સ્વભાવ, તેને અનુરૂપ તેની પ્રતિભા અને તદ્નુરૂપ વ્યુત્પત્તિને આધારે કાવ્યમાર્ગ રચાય છે. સુકુમાર માર્ગમાં સહજપ્રતિભામાંથી પ્રકટેલા નવીન શબ્દાર્થો, અનાયાસ ગુંફિત થયેલા અલ્પ અલંકારો, પદાર્થોનું સ્વભાવસહજ વર્ણન, રસનિરૂપણથી રચાતો ચિત્તસંવાદ, કાવ્યાંગોની અન્વિતિ આદિથી અનાયાસ અને સહજ વસ્તુનિરૂપણ થાય છે. વિચિત્ર માર્ગમાં વક્રતા સ્ફુરાવનાર શબ્દાર્થો, વર્ણવસ્તુને ઢાંકી દેતી અલંકાર પરંપરા, ઉક્તિવૈચિત્ર્યથી પરિચિત વસ્તુમાં વૈચિત્ર્ય પ્રકટાવવું, વસ્તુનું સહજ નહીં પણ કવિની ઇચ્છાનુસાર ઘટન આદિથી સભાન અને સાહાર્ય વસ્તુ નિરૂપણ થાય છે. મધ્યમ માર્ગમાં સુકુમાર અને વિચિત્ર એ બંને માર્ગનું સંયોજન થતું હોય છે. કુંતકે માધુર્ય, પ્રસાદ, લાવણ્ય અને આભિજાત્ય એ ચાર ગુણો આ દરેક માર્ગને અનુરૂપ જુદી જુદી છટા ધારણ કરતા કલ્પ્યા છે. આ ઉપરાંત બીજા બે ગુણો ઔચિત્ય અને સૌભાગ્ય સર્વ કાવ્યોમાં સમાનરૂપે રહેલા હોય છે. એમાં માધુર્ય પદયોજનાનો (સુકુમાર માર્ગમાં સમાસરહિત કે અલ્પ સમાસયુક્ત મનોહર પદયોજના, તો વિચિત્ર માર્ગમાં અશિથિલ પદબંધવાળી પદયોજના) ત્રણ ગુણ છે. પ્રસાદ ગુણ અર્થ વ્યક્તિનો ગુણ છે. લાવણ્યબંધ સૌંદર્ય (સુકુમાર માર્ગમાં વર્ણસૌંદર્યવાળાં થોડાં પદોની યોજના તો વિચિત્ર માર્ગમાં વર્ણોની ગાઢ ગૂંથણીરૂપ) રૂપ ગુણ છે. આભિજાત્ય નિરૂપ્ય વસ્તુના સ્વભાવનો (સુકુમાર માર્ગમાં વસ્તુસ્વભાવની સ્નિગ્ધ છાયા શ્રવણસુંદર પદયોજનારૂપ, તો વિચિત્ર માર્ગમાં વસ્તુનો બહુ કઠોર કે બહુ કોમળ નહીં એવો સ્વભાવ) ગુણ છે. આ ઉપરાંત સર્વકાવ્યસામાન્ય બે ગુણો પૈકી સ્વભાવના મહત્ત્વના પરિપોષ કે વક્તાના અતિશય સુંદર સ્વભાવથી વાચ્યના આચ્છાદનરૂપ ઔચિત્ય ગુણ તથા કાવ્યના શબ્દાદિ ઉપાયોમાં (સુસંવાદી યોજનારૂપ) કવિપ્રતિભાની પ્રવૃત્તિરૂપ સૌભાગ્ય ગુણનો સમાવેશ થાય છે. કુંતકનો વક્રોક્તિવિચાર: કેટલાંક નિરીક્ષણો: (1) કુંતકનું કાવ્યદર્શન શૈવદર્શનની તાત્ત્વિક પીઠિકા અને રૂપકની વિશિષ્ટ પ્રયોજનાથી સંકુલ, વ્યાપક અને તર્કપૂત બન્યું છે. (2) એમાં વામનના વસ્તુલક્ષી અને આનંદવર્ધનના સહૃદયલક્ષી અભિગમને સ્થાને કવિલક્ષી અભિગમ નિર્ણાયક બન્યો છે. (3) કુંતક કાવ્યમાં કેવળ વ્યાપારને મહત્ત્વ આપી કાવ્યની રચનાપ્રક્રિયા તથા કાવ્યવ્યાપારને કાવ્યવિચારણાના કેન્દ્રમાં મૂકી આપે છે. એ રીતે તેમણે ફળ રૂપ અર્થ પર વધારે ધ્યાન કેન્દ્રિત થવાથી કાવ્યવ્યાપારની ઉપેક્ષાને કારણે એકાંગી બનેલા કાવ્યચિંતનને સંતુલિત કર્યું છે. (4) કુંતક ભામહના મુખ-ભૂષણરૂપકને વિકસિત કરી શરીર અને અલંકાર તથા બંનેની એકીભૂત અવસ્થિતિનો પુરસ્કાર કરે છે. (5) ભામહના વક્રોક્તિ તથા અતિશયોક્તિને એકીભૂત કરી અને અલંકારોનો વ્યાપ તથા કાર્ય સ્પષ્ટ કરી તેને સમગ્ર કાવ્યના કેન્દ્રરૂપે સ્થાપિત કરે છે. વામનના અલંકારને સૌંદર્ય અને સૌંદર્યસાધક તત્ત્વ એમ બેવડા અર્થમાં યોજવાના વલણથી આવેલી સંદિગ્ધતાને ભામહના પ્રકાશમાં શબ્દાર્થ અલંકાર્ય અને વક્રોક્તિ અલંકાર એવી વ્યવસ્થા દ્વારા દૂર કરે છે. (6) અલંકાર-અલંકાર્યના સ્વરૂપની સભાનતાને કારણે સ્વભાવોક્તિ અને રસવદ્ને અલંકાર માનતી પરંપરાને ચકાસવાની શક્યતા કુંતકમાં ઊભી થાય છે. (7) કુંતક ઉપમાદિ અલંકારો, ગુણો, વૃત્તિઓ, રીતિ, સંધિ, સન્ધ્યંગો આદિને સમાવી લેતી દંડીની અલંકાર-વિભાવનાને પરિમાર્જિન કરે છે. (8) તેઓ ભામહની શબ્દાર્થના સહિતત્વની વિભાવના વિશદ કરી વિકસાવે છે. (9) કુંતક ‘માર્ગ’ સંજ્ઞા તથા કવિસ્વભાવને કેન્દ્રમાં રાખી દંડીની માર્ગવિચારણાને વિકસાવે છે તો વામનમાં રીતિઓમાં તરતમભાવ માનવાના વલણનો વિરોધ કરે છે. (10) કુંતક ગુણનાં સ્વરૂપ, સંખ્યા અને માર્ગ સાથેના તેના સંબંધ વિશે સાવ અરૂઢ વિચારણા પ્રસ્તુત કરી માર્ગાનુસાર ગુણોનું સ્વરૂપ બદલાય એવો તર્કપૂત અભિગમ લે છે. (11) કુંતક વિચિત્રાભિધાની નૂતન વિભાવના રજૂ કરી લક્ષણા, દ્યોતના અને વ્યંજનાનો એમાં અંતર્ભાવ માને છે. તેઓ લૌકિક શબ્દાર્થ અને કાવ્યના શબ્દાર્થ વચ્ચે સુરેખ ભેદરેખા દોરી આપે છે. એટલું જ નહીં લૌકિક અર્થ અને શબ્દનું કાવ્યના અર્થ અને શબ્દમાં રૂપાંતર કરતા કવિના ચેતોવ્યાપારનું પ્રતીતિકર અંકન કરે છે. (12) કુંતક ‘કવિને અભીષ્ટ અર્થ’નો દંડીનો ખ્યાલ વિકસાવે છે. (13) કુંતક રસ વિશે લોલ્લટે રૂપક/દૃશ્ય કાવ્યના સંદર્ભે મૂળ ઐતિહાસિક પાત્રોના સ્થાયીભાવને મહત્ત્વ આપવાના લીધેલા વલણને શ્રાવ્ય કાવ્ય સંદર્ભે ઘટિત કરી કવિના સ્વભાવને આસ્વાદ્યરૂપે પ્રતિષ્ઠિત કરે છે. (14) કુંતક વક્રતાપ્રપંચમાં ધ્વનિકાર અને વૈયાકરણોની વિચારણાને સુગઠિત અને વિકસિત કરી વક્રતાનું વ્યાપક અને સંકુલ સ્વરૂપ પ્રસ્તુત કરે છે. (15) કુંતકના મતે કાવ્ય એક અખિલ નિરવયવ એકમ છે. એનાં અલંકાર અને અલંકાર્ય એકીભૂતરૂપે રહેલા અને આસ્વાદનો વિષય બનતા હોય છે. (16) કુંતકે કાવ્યબંધની વિશિષ્ટ કલ્પના કરી એના સંદર્ભે જ વક્રોક્તિની વિચારણા થઈ શકે એવો આગ્રહ રાખી કૃતિ-કેન્દ્રી અભિગમ પ્રકટાવ્યો છે. (17) કુંતક વક્રોક્તિના નિકષરૂપે મર્મજ્ઞોના આહ્લાદને સ્થાપી વક્રોક્તિ-વ્યાપારમાં ભાવનવ્યાપારની ઉદ્ભાવના કરવાની શક્તિનો સંકેત કરે છે. (18) આનંદવર્ધનના વ્યંજનાના પ્રાધાન્ય તથા ગૌણત્વને કાવ્યવ્યાપારમાં ચમત્કૃતિના એક માત્ર આધાર માનવાના આગ્રહનો અસ્વીકાર કરી અન્ય સૌંદર્યસાધક તત્ત્વોને પણ સમાવી લઈ કાવ્યવિચારમાં મોકળાશ આણવાનો પુરુષાર્થ કુંતક કરે છે. [‘સન્નિધાન–4’]